ચે ગ્વેરાને જ્યારે ભારત સાથે થયો પ્રેમ અને લાગ્યા ઇન્ડિયા-ક્યૂબા ભાઈ-ભાઈના નારા

ઇમેજ સ્રોત, PHOTODIVISION.GOV.IN
લેટિન અમેરિકાના ક્રાંતિકારી ચે ગ્વેરાનો જન્મ 14 જૂન 1928ના રોજ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.
વ્યવસાયે ડૉક્ટર ચે ગ્વેરા 33 વર્ષની ઉંમરે ક્યૂબાના ઉદ્યોગ મંત્રી બન્યા હતા.
બાદમાં મંત્રીપદું છોડીને તેઓ લેટિન અમેરિકાના જંગલોમાં ઊતરી ગયા હતા, જેથી ક્રાંતિ કરી શકાય.
એક સમયે ચે ગ્વેરા અમેરિકાના સૌથી મોટા દુશ્મન ગણાતા, પરંતુ આજે એક મહાન ક્રાંતિકારી ગણવામાં આવે છે.
50 અને 60ના દાયકામાં અમેરિકાની વધી રહેલી તાકાતને પડકાર ફેંકનારા આ યુવાનનો જન્મ આર્જેન્ટિનામાં થયો હતો.

સત્તાથી સંઘર્ષ તરફ

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનોસ આયર્સની કૉલેજમાં ડૉક્ટર બનેલા ચે ગ્વેરાએ ઇચ્છયું હોત તો આરામની જિંદગી વીતાવી શક્યા હોત.
પરંતુ પોતાની આસપાસ ગરીબી અને શોષણ જોઈને યુવાન ચે માર્ક્સવાદ તરફ ઢળવા લાગ્યા હતા.
થોડા સમયમાં જ આ યુવાનને લાગવા લાગ્યું કે દક્ષિણ અમેરિકાની સમસ્યાના ઉકેલ માટે સશસ્ત્ર ક્રાંતિ એક જ વિકલ્પ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1955માં ચે 27 વર્ષના થયા, ત્યારે તેમની મુલાકાત ફિદેલ કાસ્ત્રો સાથે થઈ હતી.
બહુ ઝડપથી માત્ર ક્રાંતિકારીઓ નહીં, પણ લોકોની વચ્ચે પણ 'ચે' એ નામ જાણીતું થવા લાગ્યું.
ફિદેલ કાસ્ત્રોના વિશ્વાસુ અને યુવાન ક્રાંતિકારી તરીકે ચે ક્યૂબામાં લોકપ્રિય બન્યા.
ક્રાંતિમાં અગત્યની ભૂમિકા ભજવ્યા બાદ 31 વર્ષની ઉંમરે તેમને ક્યૂબાની રાષ્ટ્રીય બૅંન્કના ચેરમેન બનાવાયા અને બાદમાં તેઓ ઉદ્યોગમંત્રી પણ બન્યા.
1864માં ક્યૂબા તરફથી પ્રતિનિધિ તરીકે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં તેઓ હાજર રહ્યા હતા.
36 વર્ષના આ યુવાન નેતાને સાંભળવા માટે અનુભવી મંત્રીઓ પણ આતુર હતા.

લોકપ્રિય નામ

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
આજે ક્યૂબામાં કિશોરો અને યુવાનો ચેને પૂજે છે. માત્ર ક્યૂબામાં શા માટે, દુનિયાભરમાં ચે ગ્વેરા એટલે આશા જગાવનારું નામ.
દુનિયાના ખૂણેખૂણામાં તેમનું નામ જાણીતું થયું છે અને તેમના કાર્યોમાંથી લોકો પ્રેરણા લે છે.
ચેની જીવનકથા લખનારા જ્હોન એન્ડરસને કહ્યું હતું, "ચે ક્યૂબા અને લેટિન અમેરિકાના લોકો માટે જ નહીં, દુનિયાના કેટલાય દેશોમાં લોકો માટે પ્રેરણાસ્રોત છે.
"ચેની તસવીરો પાકિસ્તાની ટ્રકો પર, લોરીની પાછળ, જાપાનમાં કિશોરો અને યુવાનોના સ્નો બોર્ડ પર પણ જોવા મળે છે.
"ચે ક્યૂબાને સોવિયેટ સંઘની નજીક લઈ આવ્યા હતા. કેટલાય દાયકાથી ક્યૂબામાં તે માર્ગ પર જ ચાલી રહ્યું છે.
"ચેના કારણે જ મહાસત્તા અમેરિકા સામે એક કે બે નહીં, પણ અનેક વિયેતનામ ઊભા કરી દીધા હતા.
"તંત્ર સામે યુવાનોના રોષ અને તેમના આદર્શોની લડાઇનું પ્રતીક ચે બની ગયા છે."
બોલિવિયામાં ચેની હત્યા

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
37 વર્ષે ક્યૂબામાં સૌથી લોકપ્રિય અને મજબૂત નેતા તરીકે ચે ગ્વેરા ક્રાંતિનો સંદેશ આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં ફેલાવવા પ્રતિબદ્ધ બન્યા હતા.
કોંગોમાં વિદ્રોહીઓને ગેરિલા લડાઇની તાલીમ ચેએ આપી હતી, ત્યારબાદ બોલિવિયામાં પણ વિદ્રોહીઓ માટે તાલીમની શરૂઆત કરી હતી.
અમેરિકાના જાસૂસો ચેને શોધી કાઢવા માટે પાછળ પડી ગયા હતા અને આખરે બોલિવિયાની સેનાની મદદથી તેમને પકડીને તેમની હત્યા કરી દેવાઈ હતી.
આજે પણ દિલ્હીની પાલિકા બજારમાં ચે ગ્વેરાના ચહેરા સાથેનું ટી-શર્ટ મળી રહેશે. લંડનના ફેશનલબેલ જીન્સ પર તેમનું રેખાંકન જોવા મળે છે.
ક્યૂબા અને લેટિન અમેરિકામાં આજે પણ કરોડો લોકો માટે તેઓ દેવસમાન છે.
9 ઓક્ટબોર 1967માં તેમની હત્યા થઈ, ત્યારે તેમની માત્ર 39 વર્ષની હતી.

ભારત પ્રવાસ

ઇમેજ સ્રોત, PHOTODIVISION.GOV.IN
બહુ ઓછા લોકોને ખબર છે કે ચે ગ્વેરા ભારતની મુલાકાતે આવ્યા હતા. તે વખતે તેઓ ક્યૂબાની સરકારમાં મંત્રી હતા.
ભારતના પ્રવાસ બાદ 1959માં ચે ગ્વેરાએ ભારત વિશે અહેવાલ તૈયાર કરીને ફિદેલ કાસ્ત્રોને સોંપ્યો હતો.
આ અહેવાલમાં તેમણે લખ્યું હતું કે, "કૈરોથી અમે સીધા ઊડીને પહોંચ્યા ભારત.
"39 કરોડની વસતિ અને 30 લાખ ચો. કિમીનું ક્ષેત્રફળ. ભારતના બધા જ મોટા નેતાઓ સાથે અમારી મુલાકાત થઈ હતી.
"નહેરુએ ઉમળકા સાથે અમારું સ્વાગત કર્યું હતું અને તેમણે ક્યૂબાના સંઘર્ષ અને નાગરિકોના સમર્પણ ભાવનાની વાતોમાં રુચિ પણ લીધી હતી."
તેમણે પોતાના અહેવાલમાં લખ્યું હતું કે, "અમને નહેરુ પાસેથી ઉમદા સૂચનો મળ્યા હતા.

ઇમેજ સ્રોત, KEYSTONE/GETTY IMAGES
"આપણા હેતુઓ પાર પડે તે અંગે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી હતી. ભારતના પ્રવાસના કારણે અમને ઘણી ઉપયોગી બાબતો શીખવા મળી.
"સૌથી જાણવાલાયક વાત એ હતી કે દેશના આર્થિક વિકાસનો આધાર ટેક્નિકલ વિકાસ પર હોય છે.
"તેના માટે વૈજ્ઞાનિક શોધખોળ કરનારી સંસ્થાઓ ઊભી કરવી પડે - ખાસ કરીને ફાર્મા, કેમિકલ, ભૌતિકવિજ્ઞાન અને કૃષિ ક્ષેત્રમાં."
ભારતમાંથી વિદાય વેળાને યાદ કરતાં ચે ગ્વેરાએ લખ્યું હતું, "અમને વિદાય આપતી વખતે ભારતના સ્કૂળના બાળકોએ જે નારા લગાવ્યા હતા તે હતા - 'ક્યૂબા-ભારત ભાઈ ભાઈ. ખરેખર ક્યૂબા અને ભારત ભાઈ ભાઈ છે."
(બીબીસી સંવાદદાતા આકાશ સોનીનો આ લેખ સૌપ્રથમ 9 ઑક્ટોબર 2007માં પ્રકાશિત થયો હતો.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












