જ્યારે ભારતની સેના પર મુસ્લિમોના સંહારનો આરોપ લાગ્યો

- લેેખક, માઇક થૉમસન
- પદ, પ્રેઝન્ટર, ડૉક્યૂમૅન્ટ, રેડિયો 4
આઝાદી બાદ ભારતીય સેનાના ઇતિહાસમાં એક કાળું પ્રકરણ પણ છે. જ્યારે તેની ઉપર મુસ્લિમોની હત્યાના આરોપ લાગ્યા. આ વાતનો ખુલાસો ભારત સરકાર દ્વારા નીમવામાં આવેલી સમિતિના રિપોર્ટમાં થયો હતો.
13મી સપ્ટેમ્બર, 1948ના દિવસે ભારતે, હૈદરાબાદની સામે 'પોલીસ ઍક્શન' હાથ ધર્યું, જે વાસ્તવમાં સૈન્ય કાર્યવાહી હતી.
આ સાથે દમનચક્રની શરૂઆત થઈ, જે આગામી બે માસ સુધી ચાલ્યું હોવાનો દાવો પંડિત સુંદરલાલ સમિતિના રિપોર્ટમાં થયો હતો.
જોકે, 'કોમી એખલાસ' જોખમાય નહીં, તે માટે આ રિપોર્ટને ફાઇલોની વચ્ચે દબાવી દેવાયો.
એ સમયની કે પછીની કોઈપણ સરકારે તે રિપોર્ટ જાહેર કરવાની હિંમત જ ન કરી.

13મી સપ્ટેમ્બર, 1948

અંગ્રેજોએ ભારતને આઝાદી આપી, આ સાથે 500થી વધુ રજવાડાં પણ 'આઝાદ' થઈ ગયાં.
તેમની પાસે 'ભારત કે પાકિસ્તાન'માં જોડાવાનો કે સ્વતંત્ર રહેવાનો વિકલ્પ હતો.
'ભારતના બિસ્માર્ક' સરદાર વલ્લભભાઈ પટેલે લગભગ બધા રજવાડાંને ભારતમાં ભળવા માટે મનાવી લીધાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, હૈદરાબાદના મુસ્લિમ શાસક નિઝામે ભારત સાથે ભળવાનો ઇન્કાર કરી દીધો.
ગુપ્તચર તંત્ર અને તત્કાલીન શાસકોને આશંકા હતી કે નિઝામ પાકિસ્તાનમાં ભળી જશે.
જો આવું થાય તો ભારતની સામે 'અંદરના ભાગેથી' હુમલાનું જોખમ તોળાતું રહે.
વળી, રઝાકારોએ ત્યાંનાંના હિંદુ ગ્રામીણો પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું હતું.
જેથી કરીને જવાહરલાલ નહેરુના નેતૃત્વવાળી સરકારે 'કાર્યવાહી' કરવાનો નિર્ણય કર્યો.
આ સંભાવનાને નાબૂદ કરવા માટે ભારતની સેના દ્વારા 'ઑપરેશન પોલો' હાથ ધરવામાં આવ્યું.
જેમાં ભારતની સેના અને નિઝામના રઝાકારો વચ્ચે સશસ્ત્ર લડાઈ થઈ.
તમે આ વાંચ્યું કે નહીં?

પોલીસ ઍક્શનમાં પોલીસ જ નહીં

ઇમેજ સ્રોત, Hulton Archive
ભારતના ઇતિહાસમાં તત્કાલીન કાર્યવાહીને 'પોલીસ ઍક્શન' એવું નામ આપવામાં આવ્યું હતું.
જોકે, તેમાં પોલીસ હતી જ નહીં, આ એક સૈન્ય કાર્યવાહી હતી.
ગણતરીના દિવસોમાં ખાસ 'કૉલૅટરલ ડૅમેજ' વિના રઝાકારોને હરાવવામાં ભારતની સેનાને સફળતા મળી.
થોડા જ દિવસોમાં હૈદરાબાદથી માઠા સમાચાર દિલ્હી પહોંચ્યા.
ભારતની સેના પર સામૂહિક નરસંહાર, લૂંટ તથા બળાત્કારના આરોપ લાગ્યા.
આથી તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પંડિત સુંદરલાલના નેતૃત્વમાં એક સમિતિનું ગઠન કર્યું, જેમાં મુસ્લિમ સભ્યો પણ હતા.
ડિસેમ્બર 1948માં સમિતિએ રાજ્યના બિદર, મેડક, ગુલબર્ગ, ઓસ્માનાબાદ જિલ્લામાં અનેક ગામડાંની મુલાકાત લઈને રિપોર્ટ તૈયાર કર્યો હતો.

મુસ્લિમોનો નરસંહાર

ઇમેજ સ્રોત, Getty Images
સુંદરલાલ સમિતિએ તેના અહેવાલમાં બચી ગયેલા મુસ્લિમોએ તેમની આપવીતી કહી હતી.
પંડિત સુંદરલાલ સમિતિએ રિપોર્ટમાં લખ્યું :
"અનેક કિસ્સામાં અમને પાક્કા પુરાવા મળ્યા કે ભારતીય સેના તથા સ્થાનિક પોલીસે લૂંટ તથા અન્ય ગુના આચર્યા હતા."
"અમુક કિસ્સામાં સૈનિકોએ સ્થાનિક હિંદુઓને મુસ્લિમોની દુકાનો તથા ઘરોને લૂંટવા માટે ઉશ્કેર્યાં હતા."
સમિતિના રિપોર્ટ પ્રમાણે, ભારતીય સેનાએ મુસ્લિમ ગ્રામીણો પાસેથી તેમનાં હથિયાર લઈ લીધાં હતાં.
બીજી તરફ હિંદુઓ પાસે હથિયારો યથાવત્ રહેવાં દેવાયાં હતાં.
તે પછી જે હિંસા ફાટી નીકળી, તેમાં હિંદુઓએ આ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
અનેક સ્થળોએ ભારતીય સૈનિકોએ નરસંહારમાં પ્રત્યક્ષ રીતે ભાગ લીધો હતો.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, "અનેક સ્થળોએ આજુબાજુનાં ગામડાં તથા શહેરોમાંથી પુખ્ત મુસ્લિમોને લાવવામાં આવતા અને ઠંડા કલેજે તેમની હત્યા કરી દેવાઈ હતી."
અમુક સ્થળોએ ભારતીય સેનાએ મુસ્લિમો સાથે સારો વ્યવહાર કર્યો હોવાનું તથા તેમની રક્ષા કરી હોવાનું પણ સમિતિએ નોંધ્યું છે.
રઝાકારો દ્વારા વર્ષોથી હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવતા હતા, તેના પગલે આ હિંસા થઈ હોવાનું કહેવાય છે.

27થી 40 હજારનો નરસંહાર

ઇમેજ સ્રોત, Getty Images
સુંદરલાલ રિપોર્ટ સાથે કરવામાં આવેલી ટિપ્પણીઓમાં હિંદુઓ દ્વારા બદલાના નામે હાથ ધરવામાં આવેલી હિંસાની વિગતો નોંધી છે.
"અનેક સ્થળોએ અમે જોયું કે કૂવાઓમાં લાશો સડી રહી હતી. આવી જ એક ઘટનામાં 11 લાશો જોઈ હતી."
"એક મહિલાની લાશ તરી રહી હતી અને તેની છાતીએ બાળક વળગેલું હતું."
"અનેક જગ્યાએ લાશોને સળગાવી દેવાઈ હતી. અમે રાખની વચ્ચે પડેલાં હાડકાં અને ખોપડીઓ જોઈ."
સુંદરલાલ રિપોર્ટ મુજબ, પોલીસ ઍક્શન દરમિયાન અને પછી 27થી 40 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ધૂળ ખાતો રિપોર્ટ

શા માટે નહેરુએ આ રિપોર્ટ પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો, તે અંગે ક્યારેય કોઈ ઔપચારિક ખુલાસો આપવામાં આવ્યો ન હતો.
વર્ષો સુધી આ રિપોર્ટ સરકારી ફાઇલોના ઢગમાં ધૂળ ખાતો રહ્યો અને તેને બહાર પાડવામાં ન આવ્યો.
કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ઇતિહાસકાર સુનિલ પુરુષોત્તમે આ અપ્રકાશિત રિપોર્ટ મેળવ્યો હતો. હવે તે નહેરુ મ્યુઝિયમ ખાતે રાખવામાં આવ્યો છે.
હિંદુઓ તથા મુસ્લિમો વચ્ચે હિંસા ફાટી ન નીકળે અને કોમી એખલાસ જળવાય રહે, તે માટે આમ કરવામાં આવ્યું હશે.
દાયકાઓ પછી પણ ભારતીય ઇતિહાસના શૈક્ષણિક પુસ્તકોમાં હૈદરાબાદમાં થયેલી કાર્યવાહી એ 'સુવર્ણ પૃષ્ઠ' જ છે.
આ લેખ માટે BBC Magazineના આર્ટિકલનો આધાર લેવામાં આવ્યો છે, અંગ્રેજીમાં મૂળ લેખને વાચવા માટે અહીં ક્લિક કરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














