દેશ છોડતા પહેલાં અરુણ જેટલીને મળ્યા હોવાનો વિજય માલ્યાનો દાવો

વિજય માલ્યા

ઇમેજ સ્રોત, Getty Images

દારૂના વેપારી અને ભારતીય બૅન્કોના લગભગ નવ હજાર કરોડ રૂપિયાના દેવાદાર વિજય માલ્યાએ એક મોટો દાવો કર્યો છે.

તેમણે કહ્યું છે કે, વર્ષ 2016માં ભારત છોડતા પહેલાં તે ભારતના નાણાં મંત્રીને મળ્યા હતા.

માલ્યા લંડનની એક કોર્ટમાં પ્રત્યર્પણ મામલે સુનાવણી માટે આવ્યા હતા. ભારતીય એજન્સીઓએ માલ્યાના પત્યર્પણની માગણી કરી છે.

વેસ્ટમિન્સ્ટર કોર્ટના પરિસરમાં માલ્યાએ એક સવાલના જવાબમાં પત્રકારોને કહ્યું, "હું ભારતથી જીનિવા એક પૂર્વ નિર્ધારિત મિટિંગમાં ભાગ લેવા ગયો હતો. જતાં પહેલાં હું નાણાં મંત્રીને મળ્યો હતો."

જોકે, નાણાં મંત્રી અરુણ જેટલીએ માલ્યાના દાવાને નકારી કાઢ્યો છે. તેમણે 'ફેક્ચ્યુઅલ સિચ્યુએશન' શીર્ષકથી ફેસબુક પર પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે કહ્યું છે કે, માલ્યાના દાવામાં કોઈ સચ્ચાઈ નથી.

માલ્યાએ દાવો કર્યો છે કે, "એ પૂર્વ નિર્ધારિત મિટિંગ હતી અને બૅન્કો સાથે સેટલમેન્ટ વિશે ફરી વખત રજૂઆત કરી હતી. એ જ સચ્ચાઈ છે."

વિજય માલ્યા

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે માલ્યાને પૂછવામાં આવ્યું કે નાણાં મંત્રીને તેમની મુલાકાત ક્યાં થઈ હતી, તો તેમણે કહ્યું, "એ હું તમને શા માટે જણાવું. એ પૂછીને મને પરેશાન ન કરશો."

નાણાં મંત્રીએ તેમને શું કહ્યું એ વિશે પણ માલ્યાએ કંઈ ન કહ્યું.

શું તમે આ વાંચ્યું?

માલ્યાના આ નિવેદન સામે નાણાં મંત્રી અરુણ જેટલીએ પોતાનો જવાબ ફેસબુક પર પોસ્ટ મૂકીને આપ્યો.

line

જેટલીએ શું કહ્યું?

પોતાની ફેસબુક પોસ્ટમાં જેટલીએ લખ્યું છે, "એ તથ્યતઃ રીતે ખોટું છે અને એ સત્ય નથી દર્શાવતું. વર્ષ 2014 થી મેં કદી તેમને મુલાકાત માટે સમય નથી આપ્યો, આથી મને મળવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો.”

“જોકે, એ રાજ્યસભાના સભ્ય હતા અને ક્યારેક ક્યારેક ગૃહમાં પણ આવતા હતા. એવામાં એમણે સંસદ સભ્ય તરીકેના વિશેષાધિકારનો દુરુપયોગ કરીને, જ્યારે હું ગૃહની કાર્યવાહી બાદ મારી ઓફિસમાં જઈ રહ્યો હતો ત્યારે એ મારી તરફ આવ્યા અને ચાલતા ચાલતા કહ્યું, "હું દેવું ચૂકવવાની એક ઑફર આપી રહ્યો છું."

"આ પહેલાં પણ તેમણે કરેલી આવી છેતરપિંડીથી હું વાકેફ હતો એટલે મેં વધારે કોઈ પણ વાત કરવાનો ઇન્કાર કરીને તેમને કહ્યું, "મારી સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી. તમારે બૅન્કને ઓફર આપવી જોઈએ."

"મેં તેમના હાથમાં રહેલા કાગળો લેવાનો પણ ઇન્કાર કર્યો હતો. બૅન્કના દેવાદાર હોવામાં વ્યાવસાયીક લાભ થઈ શકે તે માટે તેમણે રાજ્યસભાના સભ્ય હોવાનો ફાયદો ઉઠાવીને મને કહેલા આ વાક્ય સિવાય, તેમને મિટિંગ માટે મુલાકાતનો સમય આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો."

line

માલ્યાના પ્રત્યર્પણ વિશેનો ચુકાદો 10 ડિસેમ્બરે

વિજય માલ્યા

ઇમેજ સ્રોત, Getty Images

લંડનની વેસ્ટમિન્સ્ટર્સ મેજિસ્ટ્રેટ કોર્ટમાં છેલ્લા 18 મહિનાથી ચાલી રહેલી વિજય માલ્યાના પ્રત્યર્પણની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને કોર્ટ આ કેસનો ચુકાદો 10 સપ્ટેમ્બરે આપશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો