દુનિયાને હચમચાવી નાખનારા ચંગેઝ ખાન 'લાખોના પિતા' કેમ કહેવાતા?

ઇમેજ સ્રોત, NIVERSAL HISTORY ARCHIVE/UIG/GETTY IMAGES
- લેેખક, ઝફર સૈયદ
- પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
13મી સદીની શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ એશિયાના મેદાનમાં એક એવી વ્યક્તિનો ઉદય થયો જેમણે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી.
એ વ્યક્તિ એટલે ચંગેઝ ખાન. તેના નેતૃત્વમાં મોંગોલ મોત અને તબાહીના પથ પર આગળ વધતા ગયા અને જોત જોતામાં અનેક વિસ્તાર, શહેર અને દેશ પર તેમની સામે ઝૂકતાં ગયાં.
માત્ર થોડા દાયકાઓમાં જ ચંગેઝ ખાનના સેનાપતિઓ ખૂનની હોળી રમતાં-રમતાં, કંકાલોની ઇમારતો ચણતાં-ચણતાં, હસતાં-રમતાં શહેરોને રાખ ભેગા કરતા બીજિંગથી લઈને મોસ્કો સુધી ફેલાયેલા ક્ષેત્રના માલિક બની ગયા.
મોંગોલ સલ્તનત ત્રણ કરોડ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી હતી. હાલમાં એ ક્ષેત્રની કુલ વસ્તીમાં ત્રણ કરોડ લોકો રહે છે.
પરંતુ ચંગેઝ ખાનની સફળતા માત્ર યુદ્ધ પૂરતી સીમિત નહોતી. બીજા એક ક્ષેત્રમાં પણ તેની જીત એટલી જ ગજબની હતી.
થોડાં વર્ષો પહેલાં બહાર પડેલા આનવંશિક અનુસંધાનમાં માલૂમ પડ્યું કે પૂર્વ મંગોલ સામ્રાજ્યની હદમાં રહેતા આઠ ટકા પુરુષોના વાઈ ક્રોમોઝોમની અંદર જે નિશાન મળ્યું છે, એ સાબિત કરે છે કે તેઓ મોંગોલ શાસકના વંશ સાથે સંબંધ ધરાવે છે.
આ અનુસંધાનથી એવું માલૂમ પડે છે કે દુનિયામાં લગભગ 1 કરોડ 60 લાખ પુરુષ મતલબ કે દુનિયાના પુરુષોની કુલ સંખ્યાના 0.5 ટકા પુરુષો ચંગેઝ ખાન સાથે સંબંધ ધરાવે છે.
પાકિસ્તાનમાં એવી જ ખાસ નિશાની 'હજારા' સમુદાયના લોકોના ડીએનએમાં જોવા મળે છે જ પોતાને મોંગોલ હોવાનું માને છે. આ સિવાય મુગલ, ચુગતાઈ અને મિર્ઝા નામ ધરાવતા લોકો પણ પોતાને મોંગોલ વંશના ગણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એક વ્યક્તિનાં આટલાં બાળકો કેવી રીતે?

ઇમેજ સ્રોત, SAMUEL BERGSTROM
આનુવંશિક અનુસંધાનની બીજી તરફ આ વાતના ઐતિહાસિક પુરાવાઓ પણ મળે છે.
ચંગેઝ ખાને ઘણાં લગ્નો કર્યાં અને તેમનાં બાળકોની સંખ્યા 200 સુધી હોવાનું માનવામાં આવે છે. તેમનાં ઘણાં દીકરાઓએ આગળ જઈને શાસન કર્યું અને સાથે જ ઘણી રખાતો પણ રાખી જેનાથી મોટી સંખ્યામાં બાળકો પેદા થયાં.
પ્રખ્યાત ઇતિહાસકાર અતા મલિક જુવાયની પોતાનાં પુસ્તક 'તારીખ-એ-જહાંગુશા'માં ચંગેઝ ખાનનાં મોતનાં 33 વર્ષ બાદ લખે છે, "એ સમયે તેમના ખાનદાનના 20 હજાર લોકો એશઆરામની જિંદગી જીવતા હતા."
હું તેમની અંગે વધુ કંઈ નહીં કહું કારણ કે હું નથી ઇચ્છતો કે આ પુસ્તકના વાચકો લેખક પર અસત્ય ફેલાવવાનો આરોપ લગાવે અને એવું કહેવા લાગે કે આટલા સમયમાં કોઈ એક વ્યક્તિને એટલાં સંતાનો કેવી રીતે થાય?
એક અનોખી ઘટના એવી પણ બની જ્યારે 60થી વધુ વર્ષની ઉંમરમાં ચંગેઝ ખાને તેમની છાવણીમાં તેમની પ્રથમ પત્નીથી પેદા થયેલાં ચાર બાળકો જોચી, ઓગદાઈ, ચુગતાઈ અને તોલીને બોલાવ્યાં અને તેમની સાથે ખાસ બેઠક કરી.
આ બેઠકમાં તેમના ઉત્તરાધિકારીઓનાં નામ નક્કી કરવાના હતા.


ઇમેજ સ્રોત, Getty Images
ચંગેઝ ખાને તેમને કહ્યું, "જો મારા દીકરાઓ સુલતાન બનવા માગતા હોય, પણ એકબીજા સાથે રહેવા ના માગતા હોય તો એ જૂની વાર્તા જેવું થશે. એ વાર્તામાં બે સાપ હોય છે, જેમાંથી એકને ઘણાં માથાંઓ હોય છે અને એક પૂંછડી, જ્યારે બીજાને એક માથું અને ઘણી પૂંછડીઓ હોય છે."
"જ્યારે ઘણાં માથાં ધરાવતા સાપને ભૂખ લાગે ત્યારે તે શિકાર માટે નીકળે છે. પરંતુ, ઘણાં માથાં હોવાને કારણે તે નક્કી નથી કરી શકતો કે કઈ તરફ જવું. આખરે તે ભૂખથી મરી જાય છે. જ્યારે એક માથાવાળો સાપ આરામથી જિંદગી જીવે છે."
ત્યારબાદ ચંગેઝ ખાને તેમના મોટા દીકરા જોચી ખાનને બોલવાની તક આપી. મોટા દીકરાને પહેલાં બોલવાની પહેલી તક આપવાનો મતલબ એવો હતો કે અન્ય ભાઈઓ જોચીની સત્તા કબૂલ કરી લે.
આ વાત બીજા નંબરના દીકરા ચુગતાઈને ન પચી. તે ઊભા થયા અને પિતાને કહ્યું, "શું આનો મતલબ એવો છે કે તમે જોચીને ઉત્તરાધિકારી બનાવી રહ્યા છો? કોઈ અનૌરસ સંતાનને અમારો પ્રમુખ કેવી રીતે માની લઈએ?"

40 વર્ષ જૂની ઘટના

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES
ચુગતાઈનો ઇશારો 40 વર્ષ જૂની એ ઘટના તરફ હતો જેમાં ચંગેઝ ખાનનાં પ્રથમ પત્ની બોરતા ખાતૂનનું અપહરણ ચંગેઝ ખાનના વિરોધી કબીલાએ કરી લીધું હતું.
બોરતા 1161માં ઓલખોંદ કબીલામાં જન્મ્યાં હતાં, જે તૈમુજિન (ચંગેઝ ખાનનું સાચું નામ)ના બોરજિગન કબીલાનો સહયોગી હતો.
ચંગેઝ અને બોરતાનાં લગ્ન બાળપણમાં જ થઈ ગયાં હતાં. એ સમયે ચંગેઝની ઉંમર 16 વર્ષ અને બોરતાની ઉંમર 17 વર્ષ.
લગ્નના થોડા દિવસો બાદ જ વિરોધી કબીલાએ ચંગેઝ ખાનની છાવણી પર હુમલો કર્યો હતો. આ મરકદ કબીલો હતો જેઓ વણજારાની જિંદગી જીવતા હતા.
હુમલામાં તૈમૂજિન તેમના છ નાના ભાઈઓ અને મા સાથે ફરાર થવામાં સફળ રહ્યો પરંતુ પત્ની તેમનાથી છૂટી ગયા.
વિરોધી કબીલાના લોકો બોરતા માટે જ આવ્યા હતા.

બોરતાને કારણે કર્યો હુમલો?

ઇમેજ સ્રોત, Getty Images
વાત એવી છે કે તૈમુજિનનાં માતા વિરોધી કબીલા સાથે સંબંધ ધરાવતાં હતાં. એક સમયે તૈમુજિનના પિતાએ તેનું અપહરણ કરીને પોતાનાં પત્ની બનાવી લીધાં.
આ વાતને વિરોધી કબીલાઓ વર્ષો સુધી ભુલાવી ન શક્યા અને બદલો લેવા માટે તેમણે બોરતાનું અપહરણ કર્યું.
તૈમુજિને પોતાનાં પત્નીને શોધવાના પ્રયાસો ચાલુ રાખ્યાં. મરકદ કબીલો યાયાવરી હતો અને એશિયાના હજારો કિલોમિટરમાં ફેલાયેલા મેદાનોમાં ફર્યા કરતો હતો.
જ્યાં પણ તેઓ જતાં ચંગેઝ ખાન પણ તેમની પાછળ જતા. એમનો પીછો કરતાં-કરતાં ચંગેઝ ખાને સાથીઓને પણ એકઠા કરવાનું શરૂ કરી દીધું હતું.
એ સમયે તૈમુજિન કહેતા, "મરકદોએ માત્ર મારી છાવણીને જ નથી ઉજાડી પરંતુ, મારી છાતી ચીરીને મારું દિલ પણ કાઢી લીધું છે."
આખરે જ્યારે મરકદો 400 કિમી દૂર સાઇબીરિયાનાં બૈકાલ તળાવ નજીક પહોંચ્યા, ત્યારે તૈમુજિને પોતાના બે સાથીઓ સાથે છાપો મારીને બોરતાને છોડાવી લીધી.
અમુક ઇતિહાસકારોનું માનવું છે કે આ ઘટનાનું ચંગેઝ ખાનની જિંદગીમાં ખૂબ જ મહત્તવ છે, કારણ કે આ ઘટનાએ તેમને એ રસ્તા પર લાવી દીધા હતા કે જેણે આગળ ચાલીને દુનિયાના એક મોટા ભાગ પર રાજ કરવા તેમને કાબેલ બનાવ્યા.
બોરતાને છોડાવાયા બાદ આઠ મહિનાનો સમય વીતી ચૂક્યો હતો. તેના થોડા સમય બાદ જોચીનો જન્મ થયો.
એ સમયે ઘણી વાત થઈ, પરંતુ ચંગેઝે હંમેશાં જોચીને પોતાનો દીકરો માન્યો અને એટલે જ તે જોચીને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા માગતા હતા.
પરંતુ તેને ખબર નહોતી કે 40 વર્ષ બાદ આ ઘટના તેને કાંટાની જેમ ખૂંચવાની છે.

ભાઈઓમાં લડાઈ

ઇમેજ સ્રોત, NATIONAL PALACE MUSEUM
ચુગતાઈએ જ્યારે જોચી પર આરોપ મૂક્યો, તો જોચી પણ ચૂપ ન રહ્યો. તેણે ઊભા થઈને ચુગતાઈને થપ્પડ મારી અને બન્ને ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. ત્યાં હાજર દરબારીઓએ બન્ને ભાઈઓને મુશ્કેલીથી છોડાવ્યા.
ચંગેઝ ખાનને અંદાજો આવી ગયો હતો કે તેમનાં મૃત્યુ બાદ ત્રણેય દીકરાઓ ક્યારેય જોચીને રાજા તરીકે સ્વીકાર કરશે નહીં. જેનું પરિણામ પોતાની સલ્તનતનો નાશ હશે.
ત્યારબાદ ચુગતાઈએ એક પ્રસ્તાવ મૂક્યો જેને નાના ભાઈઓએ તુરંત સમર્થન આપ્યું. તેમણે વચ્ચેનો રસ્તો પસંદ કર્યો. એ અનુસાર ના તો જોચી, ના તો ચુગતાઈ પણ ત્રીજા નંબરના ભાઈ ઓગદાઈને બાદશાહ બનાવવામાં આવે.
આ વાતથી ચંગેઝ ખાનને ખૂબ દુખ થયું પરંતુ તેમની પાસે અન્ય કોઈ રસ્તો નહોતો. તેમણે કહ્યું, "ધરતી માતા વ્યાપક છે. તમે એકબીજાથી દૂર દૂર તંબુઓ સ્થાપિત કરો અને પોતપોતાની સલ્તનતો પર રાજ કરો."
એ ઇતિહાસની સૌથી મોટી વિડંબના હશે કે આજે જે વ્યક્તિનાં સંતાનો કરોડોની સંખ્યામાં છે, તેમનાં દીકરાઓએ તેના મોઢા પર તેમના ઉત્તરાધિકારીને તેમનો દીકરો માનવાનો ઇન્કાર કરી દીધો હતો.
18 ઑગસ્ટ 1227ના રોજ છેલ્લા શ્વાસ લેતી સમયે કદાચ ચંગેઝ ખાનને સૌથી વધુ દુખ આ વાતનું જ હશે.
(આ અહેવાલ પહેલી વાર 2018માં પ્રકાશિત કરાયો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો



















