સરિતા ગાયકવાડ : DySP તરીકે નિમણૂક પામનારાં 'ડાંગ એક્સપ્રેસ'ની કહાણી

ઇમેજ સ્રોત, Pradipsinh Jadeja/FB
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જાણીતાં ઍથ્લીટ સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા નાયબ પોલીસ અધીક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી છે.
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ફેસબુક પર એક પોસ્ટ મૂકીને આ વાતની જાણકારી આપી હતી.
પ્રદીપસિંહ જાડેજાએ લખ્યું, "ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4x400 મી. રીલે દોડમાં ગોલ્ડમેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શક્તિવંદના સ્વરૂપા સુ.શ્રી. સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણૂક બદલ અભિનંદન."
ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે મહિલાઓની 4x400 રીલે દોડમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. રીલે દોડવીરોમાં ગુજરાતનાં સરિતા ગાયકવાડ પણ હતાં.
સરિતા ગાયકવાડ ગુજરાતના ડાંગ જિલ્લાના નાકકડા ગામમાંથી આવે છે. તેમના ઘરે શરૂઆતમાં પાણીના કનેક્શનની કોઈ વ્યવસ્થા નહોતી, પણ બાદમાં સરકારે તેમના ઘરે નળકનેક્શન કરી આપ્યું હતું.

ખો-ખો રમતથી શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
સરિતા ગાયકવાડ નાનપણથી જ ખેલકૂદમાં રસ ધરાવતાં હતાં. 2005થી તેઓ ખો-ખો રમે છે.
ખો-ખોની રાષ્ટ્રીય સ્પર્ધામાં તેઓ ગુજરાત રાજ્ય તરફથી 17 વખત રમી ચૂક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2012 સુધી તેઓ ખો-ખોની ગેમ રમતાં હતાં, જે બાદ તેમણે ઍથ્લેટિક્સ શરૂ કર્યું હતું.
બીબીસી સાથે થયેલી અગાઉની વાતચીતમાં તેઓએ કહ્યું હતું, "જ્યારે પહેલી વખત મારા ગામથી દૂર શહેરમાં હૉસ્ટેલમાં રહેવા આવી ત્યારે એક સરે બધાને પૂછ્યું હતું કે કોનેકોને સ્પોર્ટમાં રસ છે?"
"મેં મારી ફ્રેન્ડને એ પછી પૂછ્યું કે આ સ્પોર્ટ એટલે શું? મને એટલું પણ અંગ્રેજી નહોતું આવડતું. ધીમેધીમે હું બીજા ખેલાડીઓ સાથે રહીને શીખી."

કેવી રીતે બદલાવ આવ્યો?

ઇમેજ સ્રોત, facebook/Sarita Gayakwad
પ્રથમ વખત 2012માં તેમણે નવસારીમાં ખેલ મહાકુંભમાં ભાગ લીધો. અહીં તેઓ પાંચ ઇવેન્ટમાં પ્રથમ ક્રમે આવ્યાં હતાં.
ઇનામમાં તેમને કુલ 25,000 રૂપિયા મળ્યા હતા અને ખુશીથી તેઓ રડી પડ્યાં હતાં.
સરિતા કહે છે, "પહેલી વખત મેં મારી જિંદગીમાં આટલા બધા રૂપિયા એક સાથે જોયા હતા."
"જે બાદ મારી જિંદગીમાં બદલાવ આવ્યો. એક કોચે કહ્યું કે દોડમાં મહેનત કર. બાદમાં સ્ટેટ અને નેશનલ લેવલની દોડમાં મેં ભાગ લીધો હતો."
સરિતા ગાયકવાડે નડિયાદમાં સ્પૉર્ટ ઍકેડમીમાં ટ્રેનિંગ લીધી હતી.

પટિયાલામાં ટ્રેનિંગ

ઇમેજ સ્રોત, facebook/Sarita Gayakwad
સરિતા ગાયકવાડની 2017માં પટિયાલામાં આવેલી સ્પૉર્ટ ઍકેડમીમાં પસંદગી થઈ હતી.
અહીં તેમણે સંપૂર્ણ ટ્રેનિંગ લીધી હતી અને ત્યાંથી ઘણું શીખ્યાં હતાં.
સરિતાના પરિવારમાં માતાપિતા, બે બહેનો અને એક ભાઈ છે. તેમની રમતમાં આગળ વધારવામાં તેમના પરિવાર બહુ સપોર્ટ કર્યો છે.
તેમને જ્યારે પૂછ્યું હતું કે વિદેશમાં રમવા જાવ અને ટ્રેનિંગમાં મહિનાઓ સુધી હોવ ત્યારે તમે શું મિસ કરો છો?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, "અમારે ત્યાં નાગલીની રોટલી અને દેશી અડદની દાળ બને છે. એને બહુ મિસ કરું છું."

'મેં પણ ચીટિંગ કર્યું હતું'

ઇમેજ સ્રોત, Getty Images
સરિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે એવી કોઈ ક્ષણ કે જે તેમને ક્યારેય નહીં ભૂલાય. સરિતાના શબ્દોમાં જ આ વાત કરીએ.
"2009નું એ વર્ષ હતું અને ગોધરાનું એક ગ્રાઉન્ડ હતું. એ વખતે તો હું ખો-ખો રમતી હતી."
"વડોદરા સામેની મૅચમાં છેલ્લી પંદર જ સેકન્ડ બાકી હતી."
"મારે સામેની ટીમની સ્પર્ધકને પકડવાની હતી. ખો-ખોમાં તમારે બન્ને છેડે મૂકેલા પૉલને ફરવું પડે છે. વચ્ચેથી ન જઈ શકો."
"હવે બન્યું એવું કે એ યુવતી મારી નજીક હતી. અમે લોકો એક પૉલને અડીને જ હતાં. સાંજ પડી ગઈ હતી એટલે થોડું અંધારું હતું."
"મેં પૉલ ફરવાને બદલે તેને વચ્ચેથી જઈને પકડી લીધી. રેફરીને પણ ધ્યાનમાં ન આવ્યું. અમે આ મૅચ આ રીતે જીતી પણ ગયાં."

સરિતા ગાયકવાડની સફર

ઇમેજ સ્રોત, Getty Images
2014માં સરિતા ગાયકવાડે ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં 400 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જે તેમનો પહેલો નેશનલ મેડલ હતો.
બીજા જ વર્ષે તેમણે આ જ ઇવેન્ટમાં ગોલ્ડમેડલ પોતાના નામે કર્યો હતો.
ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં યોજાયેલા એશિયન ગેમ્સ ઇન્વિટેશન ઇવેન્ટ સ્પર્ધા 2018માં તેમણે ભાગ લીધો હતો.
જ્યાં તેમણે 400 મીટર હર્ડલમાં ગોલ્ડમેડલ અને 4x400 મીટર રીલેમાં ગોલ્ડમેડલ જીત્યો હતો.
2017માં ભુવનેશ્વરમાં આયોજિત એશિયન ઍથ્લેટિક ચેમ્પિયનશિપમાં પણ તેમણે ભાગ લીધો હતો.
સરિતા કહે છે તેમની ઇચ્છા ગુજરાત માટે ટોકિયોમાં આયોજિત થનારાં ઑલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાની છે.
( આ લેખ 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો, તેને ફરી સંપાદિત કરવામાં આવ્યો છે.)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












