BBC SPECIAL: જ્યારે વન્ડર ગર્લ હિમા દાસને જવું પડ્યું પોલીસ સ્ટેશન

ઇમેજ સ્રોત, HIMA DAS/FACEBOOK
- લેેખક, નિતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, નૌગાંવ(આસામ)થી
આ ઘટના 2007માં બની હતી. આસામના નૌગાંવ જિલ્લામાં એક વરસાદી બપોરે ચારેક વાગ્યે ઝઘડો થયો હતો.
કાંદુલમારી ગામમાં રહેતા રંજીત દાસ શોરબકોર સાંભળીને ઘરની બહાર દોડ્યા હતા.
ઘરની સામે એક છોકરો તેનો જમણો હાથ પકડીને ઉંહકારા કરતો હતો અને તેની બાજુમાં ઉભેલી એક બાળકી તેને સમજાવવાના પ્રયાસ કરતી હતી.
સાત વર્ષની હિમા દાસ અને એ છોકરો પકડા-પકડીની રમત રમી રહ્યાં હતાં ત્યારે એ છોકરો ઘવાયો હતો.
હિમા દાસના પિતા રંજીત દાસ ત્યાં પહોંચ્યા એ પહેલાં તેમના મોટાભાઈ ઘાયલ છોકરાના પરિવારને થોડા પૈસા આપીને મામલો સમેટવાનો પ્રયાસ પણ કરી ચૂક્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, છોકરાના પરિવારજનોએ ગામની પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી અને એક સિપાઈ હિમા દાસને હાથ પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયો હતો.
છોકરીની ઉંમર જોઈને જમાદાર આખો મામલો તરત સમજી ગયા હતા અને છોકરીને ઘરે પાછી મોકલવાનો આદેશ સિપાઈને આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિમા દાસના પરિવારને મોડી રાતે નિરાંત થઈ હતી.

બાળપણથી જ હિંમતવાન

રંજીત દાસ હવે એ ઘટનાની વાત ગર્વભેર કરે છે.
તેમણે કહ્યું હતું, "હિમા બાળપણથી જ બહુ હિંમતવાન છે. ખેતરમાં મારી મદદ કરવાની હોય કે ગામની કોઈ બીમાર વ્યક્તિને હૉસ્પિટલે પહોંચાડવાની હોય, હિમા હંમેશા મોખરે રહે છે."
"જોકે, આજે તેણે જે સિદ્ધિ મેળવી છે તે તમામ મુશ્કેલી હોવા છતાં પોતાના લક્ષ્યાંકને હાંસલ કરવાની સિદ્ધિ છે."
આ એ હિમા દાસની વાત છે, જેણે આંતરરાષ્ટ્રીય ટ્રૅક ઍન્ડ ફિલ્ડ ચૅમ્પિયનશિપમાં 20 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેની 400 મીટરની દોડમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
હિમા દાસની જીતનો સિલસિલો બોલીવૂડની કોઈ બાયૉપિકથી જરાય ઉતરતો નથી.
હિમાના ગામમાં આજે પણ ત્રણ કલાક માટે જ વીજળી આવે છે. રમતગમત માટે કોઈ ગ્રાઉન્ડ નથી કે કોઈ સુવિધા પણ નથી.
હિમા દાસે 2016 સુધી જે મેદાનમાં દોડવાની પ્રેક્ટિસ કરી હતી તે ગ્રાઉન્ડ પર સવારથી સાંજ સુધી ઢોર ચરતાં હોય છે અને વર્ષના ત્રણ મહિના તેમાં વરસાદનું પાણી ભરાયેલું રહેતું હોય છે.
હિમાએ બાળપણથી મુશ્કેલીઓને જ પોતાની તાકાત બનાવી છે.

ઝનૂનના કિસ્સા

અમે હિમાના ગામમાં પહોંચ્યા કે તરત જ અમારી મુલાકાત તેમના પાડોશી રત્નેશ્વર દાસ સાથે થઈ હતી.
તેમણે કહ્યું હતું, "હિમા એટલી ઝનૂની હતી કે તેની પાસેથી કોઈ કાર ઝડપભેર પસાર થતી તો હિમા દોડીને એ કારની આગળ નીકળવાના પ્રયાસ કરતી હતી."
"તેને ખબર હતી કે ગામની આસપાસ ખાસ કોઈ સુવિધા નથી એટલે તેણે ઉપલબ્ધ સંસાધનોનો ભરપૂર ઉપયોગ કર્યો હતો."

સ્પોર્ટ્સ પ્રત્યેની દીવાનગી

સ્પોર્ટ્સ પ્રત્યેની હિમાની દીવાનગીનું સૌથી ઉત્તમ ઉદાહરણ તેના બાળપણના દોસ્ત જોય દાસે આપ્યું હતું.
જોય દાસે કહ્યું હતું, "વર્ષો પહેલાંની વાત છે. ગામના છોકરાઓ ફૂટબૉલ રમતા હતા. હિમા પણ આવી અને કહ્યું કે હું પણ રમીશ."
"અમે કહ્યું કે તું નહીં રમી શકે, પણ હિમા માની નહીં અને અમારી સાથે રમી. અમારી વચ્ચે ઝઘડો અને ઝપાઝપી થયાં હતાં."
"પછી અમે દોસ્ત બની ગયા હતા, પણ ત્યાં સુધીમાં હિમાએ ધડાધડ ગોલ ફટકારવવાનું શરૂ કરી દીધું હતું."

દરેકનું હરખભેર સ્વાગત

નૌગાંવના આ નાનકડા વિસ્તારથી ગુવાહાટી પહોંચવાના હિમાના સફર વિશે તો બહુ વાતો થઈ ચૂકી છે અને એ પછી હિમાએ પાછું વાળીને જોયું નથી.
અલબત હિમાના ઘરે એક આખો દિવસ પસાર કર્યા પછી એવું લાગ્યું કે કોઈક મોટી ઘટના બનાવાનો આભાસ આ ગામને થઈ ગયો હતો.
હિમાએ ગોલ્ડ મેડલ જીત્યો છે ત્યારથી આખા ગામમાં ઉત્સવનું વાતાવરણ છે.
હિમાના ઘરે આવતા દરેક પત્રકાર, નેતા, અધિકારી કે સગાસંબંધીને નારંગી રંગની મિઠાઈ નારિયેળ પાણી સાથે આપવામાં આવે છે. મહેમાનોને ભોજનનો આગ્રહ પણ કરવામાં આવે છે.

અવરોધ સર્જનારાઓને આપ્યો જવાબ

પરવળ અને અનાજની ખેતી કરતા હિમાના પરિવારે તેમની દીકરીને મળેલી દરેક ટ્રોફી તથા સર્ટિફિકેટ્સ સાચવીને રાખ્યાં છે.
હિમાના મમ્મી જોનાલી દાસનો અડધો દિવસ ઇન્ટરવ્યૂ આપવામાં અને બાકીનો સમય મહેમાનગતિમાં પસાર થઈ જાય છે.
તેમણે હિમા વિશેની કેટલીક ખાસ વાતો અમને જણાવી હતી.
જોનાલી દાસે કહ્યું હતું, "સ્પોર્ટ્સમાં હિમાની શરૂઆત ફૂટબૉલથી થઈ હતી. એ આસપાસના ગામોમાં જઈને ફૂટબૉલ રમતી હતી અને ગોલ ફટકારતી હતી. જે પૈસા જીતી લાવતી હતી એ મને આપી દેતી હતી.
"મજાની વાત એ છે કે જરૂર હોય ત્યારે હિમા મારી પાસે નહીં તેના પપ્પા પાસે પૈસા માગતી હતી."
"દીકરીને દોડવા માટે બહાર શા માટે મોકલો છો એવું કહેતા કેટલાક લોકોને" હિમાએ જોરદાર જવાબ આપ્યો તેનો જોનાલી દાસને બહુ આનંદ છે.

હિમાની રેસિંગના દીવાના

જોકે, આ બધાની વચ્ચે હિમા દાસની રેસિંગના દીવાનાઓની સંખ્યા પણ ઓછી નથી.
હિમાના પિતાના બાળપણના દોસ્ત દીપક બોરા હિમાની એકેય રેસ નિહાળવાનું ચૂકતા નથી.
દીપક બોરાએ કહ્યું હતું, "ગુવાહાટીમાં હિમાનો સેમીફાઇનલ જોઈ રહ્યો હતો. હિમા ત્રીજા સ્થાને હતી. મારું દિલ ધડકી રહ્યું હતું. લાગતું હતું કે મને હાર્ટ-ઍટેક આવી જશે.
"મારી પત્નીએ કહેલું કે તમે મરી જશો, પણ પછી હિમાનો ફોન આવ્યોને તેણે કહ્યું કે ચિંતા નહીં કરતા. ફાઇનલની રાહ જોજો."

'મેડલ સ્વીકારતા જોઈ ન શક્યા'

સાંજ થઈ ગઈ હતી અને અમારા હિમાના ઘરેથી રવાના થવાનું હતું.
રંજીત દાસ જાતે બહારની સડક સુધી અમને વિદાય કરવા આવ્યા હતા, પણ એમના ચહેરા પર દીકરીની જીતની ખુશી સાથે એક ટીસ પણ જોવા મળી હતી.
રંજીત દાસે કહ્યું હતું, "આ મેડલ હિમા માટે, અમારા માટે અને સમગ્ર ભારત માટે બહુ મહત્ત્વનો છે, પણ અફસોસ એ વાતનો છે કે જે રાતે હિમાની રેસ હતી એ રાતે લાઇટ આવતી-જતી રહેવાને કારણે અમે એ ક્ષણો નિહાળી શક્યા ન હતા, જ્યારે હિમાને ગોલ્ડ મેડલ પહેરાવવામાં આવ્યો હતો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














