સેરેના વિલિયમ્સથી ટેનિસ કોર્ટ પર કેમ ધ્રૂજે છે હરીફ ખેલાડીઓ?

ઇમેજ સ્રોત, EPA
સેરેના વિલિયમ્સ આઠમું વિમ્બલ્ડન ટાઇટલ પોતાના નામે કરવા માટે માત્ર એક મેચ જ દૂર છે.
ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલા વિમ્બલ્ડનના ફાઇનલમાં સેરેના હવે જર્મનીની ઍન્જલિક કૅર્બર સામે ટકારશે.
વાત એ નથી કે સેરેના વિલિયમ્સ ગ્રાન્ડ સ્લેમના ફાઇનલમાં પહોંચ્યાં છે. પરંતુ વાત એ છે કે આટલી ફિટનેસ તેમણે મેળવી કઈ રીતે?
બીજો સવાલ એ છે કે ફાઇનલ પહેલાં સેરેનાની ફિટનેસ પર કેમ ચર્ચા થઈ રહી છે?
દસ મહિના પહેલાં સેરેના વિલિયમ્સે એક બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, પ્રૅગનન્સી તેમના માટે સામાન્ય રહી ન હતી.

પ્રૅગનન્સી બાદ પથારીવશ

ઇમેજ સ્રોત, Reuters
36 વર્ષનાં સેરેના વિલિયમ્સે જ પોતાની પ્રૅગનન્સીની વાત કરતાં કહ્યું હતું કે બાળકીના જન્મ સમયે તેમની સ્થિતિ લગભગ મૃત્યુ પામવા જેવી થઈ ગઈ હતી.
પુત્રી ઍલિક્સ ઑલિમ્પિયાને જન્મ આપ્યા બાદ તેમને છ સપ્તાહ સુધી પથારીવશ રહેવું પડ્યું હતું.
તેમની ડિલિવરી સમયે તેમને ઇમરજન્સી સિઝેરિયન કરાવવાની જરૂર પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે બાદ પણ ઘણા મહિનાઓ સુધી તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સિઝેરિયન સમયે થયેલા ઑપરેશનને કારણે પેટ ફૂલવું અને ટાંકા તૂટવા જેવી મુશ્કેલીઓ પડી હતી.

ફિટનેસ: 'સેરેના માણસ નહીં, હિરો છે'

ઇમેજ સ્રોત, AFP
ડિલિવરી બાદ સેરેના વિલિયમ્સ 2017માં નવેમ્બરમાં જિમમાં પરત ફર્યાં હતાં.
ડિસેમ્બર મહિનામાં તો તેઓ ટેનિસની કોર્ટ પર એક ઍક્ઝિબિશન મેચ રમવા માટે ઊતર્યાં હતાં.
યુનાઇટેડ સ્ટેટ્સના ફેડ કપમાં ડબલ્સમાં તેમણે ફેબ્રુઆરીમાં ફરી રમવાનું શરૂ કર્યું હતું.
ડિલિવરી બાદ વિમ્બલ્ડન તેમની માત્ર ચોથી ટૂર્નામેન્ટ છે અને તેઓ ફાઇનલમાં પહોંચી ગયા છે.
અહીં એ વાત પણ ભૂલવી ના જોઈએ કે આઠ મહિનાની પ્રૅગનન્સી દરમિયાન તેમણે 2017નું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું.
2013ના વિમ્બલ્ડન ચેમ્પિયન મારિઓન બાર્તોલીએ કહ્યું હતું, "સેરેના માણસ નથી પરંતુ હિરો છે."
સેરેના વિલિયમ્સ પણ ફ્રેન્ચ ઑપનમાં બ્લેક સૂટ પહેરતાં કહ્યું હતું કે, "હું સુપર હિરો જેવું ફિલ કરું છું."

માનસિક: 'તેઓ ખરેખર યોદ્ધા છે'
સેરેના વિલિયમ્સે એક પત્રકાર પરિષદમાં માતૃત્વની વાતો કરી હતી.
તેમની ડિલિવરી, તે બાદની મુશ્કેલીઓ અને ટ્રેનિંગ સેશન દરમિયાન તેમની પુત્રીની વાતોથી બૉરિંગ ગણાતી પત્રકાર પરિષદ જીવંત બની ગઈ હતી.
ટેનિસની ટૂર્નામેન્ટ્સમાં તેઓ એટલા રિલેક્સ જણાતા હતા કે તેમના પર જાણે ટાઇટલ જીતવાનો કોઈ ભાર હોતો નથી.
માતા બન્યા બાદ ત્રણ ટાઇલ્સ જીતનારા કિમ ક્લિસ્ટર્સ કહે છે, "એ મહત્ત્વનું નથી કે તમે ટેનિસ પ્લેયર છો કે એક નોકરી કરતાં માતા, સંઘર્ષ તો બંનેમાં છે."
કિમ 2008માં માતા બન્યા બાદ 2009, 2010માં યૂએસ ઑપન અને 2011માં ઑસ્ટ્રેલિયન ઑપન જીત્યાં હતાં.
વિલિયમ હવે એ ચોથી વખત ટાઇટલ જીતવા જઈ રહ્યાં છે.
જોકે, કિમે જ્યારે ટાઇટલ જીત્યું ત્યારે તેમની જે ઉંમર હતી તેના કરતાં સેરેનાની ઉંમર 10 વર્ષ વધારે છે.
કિમની દીકરીની સરખામણીએ સેરેનાની દીકરી આઠ મહિના નાની છે.
માતા તરીકેના આ તમામ પ્રકારના સંઘર્ષ અને દબાણ બાદ પણ સેરેનાએ મેચ જીતવા માટે માનસિક તાકાત મેળવી છે.
વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલમાં તેમણે એક સેટ હારી ગયા બાદ પણ જીત મેળવી હતી.
સેરેના વિલિયમ્સની માનસિક મજબૂતી અંગે વાત કરતાં 1994નાં વિમ્બલ્ડન વિજેતા કોંકિટા માર્ટીનેઝે કહ્યું, "એ વાત જ પ્રભાવશાળી છે કે હજી પણ તેમનામાં જીતવાની પ્રબળ ઇચ્છા છે. એ બાબત જ જણાવે છે કે તે હજી ઘણું બધું કરી શકશે."
1987ના મેન્સ સિંગલના વિજેતા પૅટ કૅશ કહે છે કે સેરેના એક યોદ્ધા છે, તેની આ બાબતના વખાણ થવા જોઈએ.

કોર્ટ પર સેરેનાથી ડરતા ખેલાડીઓ

ઇમેજ સ્રોત, AFP
માત્ર સેરેના સામે મેચ રમવાનો છે આટલો વિચાર જ ઘણા ખેલાડીઓને હરાવવા માટે પૂરતો છે.
જ્યારે અમેરિકાની દસમો નંબર ધરાવતી મેડિસન કિ પોતાનો મેચ હારી ગયાં, ત્યારે તેમણે સ્વીકાર્યું કે તેમનું ધ્યાન એટલા માટે ભંગ થયું કે જો જીત મળશે તો સેરેના વિલિયમ્સ સામે મેચ રમવાનો આવશે.
બ્રિટન ફેડ કપ કૅપ્ટન એન કૅઓથવાંગે કહ્યું કે તેમની ખરેખર આભા છે. તેમનું નામ લેતા જ લોકો ટેનિસ કોર્ટ પર જતા પહેલાં જ ડરવા લાગે છે.
વિમ્બલ્ડનમાં સેમી ફાઇનલ હારેલા જુલિયાએ કહ્યું કે સેરેના સામે રમવું એ એક સન્માન મળ્યા જેવું છે.
જ્યારે ચોથા રાઉન્ડમાં સેરેના સામે રમનાર રોડિનાએ કહ્યું કે તેમના માટે સેરેના એક આદર્શ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















