ટૂથપેસ્ટમાં વપરાતી એક વનસ્પતિ મહિલાઓને બનાવી રહી છે લાખોપતિ

- લેેખક, લ્યૂસી એશ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ, ઝાંઝીબાર
તમને ખબર છે તમારા રોજીંદા જીવનમાં વપરાતી ટૂથપેસ્ટ, દવાઓ અને શેમ્પૂમાં વપરાતી એક ખાસ વસ્તુ એક દેશની મહિલાઓને નવું જીવન આપી રહી છે?
હા, એક એવી વસ્તુ છે કે જે આજનું નવું સુપરફૂડ છે. આ વસ્તુ સમુદ્રની સેવાળમાં ઊગતી દરિયાઈ વનસ્પતિ છે. જે સીવીડ તરીકે ઓળખાય છે.
આ વનસ્પતિ ઝાંઝીબારની મહિલાઓ માટે એક મોટો વેપાર બની ગયો છે. તેની ખેતી મહિલાઓ જ કરે છે.
દરરોજ વહેલી સવારે ઝાંઝીબારની મહિલાઓ દોરડાં અને લાકડીઓ પોતાના માથા પર લઈને દરિયાકિનારે પહોંચે છે, દરિયાઈ વનસ્પતિને રોપે છે અને છ અઠવાડિયામાં આ વનસ્પતિ ઊગી જાય છે.
આ ખાસ ખેતીની મદદથી મહિલાઓ બે મહિનામાં 25 થી 35 ડૉલર એટલે કે આશરે 1700 થી 2400 રૂપિયાની કમાણી કરે છે.
આ રકમ ભારતમાં ભલે નાની છે પરંતુ ઝાંઝીબારમાં આ મહિલાઓની વાર્ષિક આવક લાખોમાં થાય છે.
ઝાંઝીબારના ચલણ તાન્ઝાનિયન શિલિંગમાં મહિલાઓની આવક અંદાજે 3,50,000 જેટલી થાય છે.

આ વનસ્પતિ ઊગાડતા સમયે મહિલાઓ હસી-મજાક કરે છે, એકબીજા સાથે વાતો કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે કે આ સમયગાળો મહિલાઓ માટે રોજીંદા જીવનનો એક મોટો ભાગ કહી શકાય.
પણ એક સમય હતો જ્યારે મહિલાઓ માટે આ ખેતી કરવી તો દૂર, પણ ઘરની બહાર નીકળવું પણ અશક્ય હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
1990ના દાયકામાં પહેલીવાર અહીં સીવીડની ખેતી શરૂ થઈ હતી. તે વખતે પુરુષોને તેમાં મહેનત કરવા જેવું લાગ્યું નહોતું.
પુરુષોને માછીમારીમાં કે પછી પ્રવાસન ઉદ્યોગમાં કામ કરવાનું જ ગમતું હતું.
કેટલાક પુરુષો પોતાની પત્નીને પણ આની ખેતી કરવા દેવા તૈયાર નહોતા.

પૂર્વના કિનારે આવેલા પાજે ગામના મુખી મોહમ્મદ મઝાલે ચોખ્ખું કહે છે: "મને એવું લાગેલું કે સીવીડની ખેતીની પાછળ ફેમિલિ પ્લાનિંગનો ઇરાદો છે."
"કલાકો સુધી દરિયાકિનારે કામ કરીને આવે ત્યારે મહિલાઓ બહુ થાકી જાય છે. એટલે પછી તમે સમજો છોને... તેમને બચ્ચાં જણવાનો ટાઇમ રહેતો નથી."
મોહમ્મદે શરૂઆતમાં પોતાની પ્રથમ પત્નીને બીજી મહિલાઓ સાથે સીવીડ વાવવા જવાની મનાઈ કરી હતી.
તેઓ કહે છે, "તેઓ બહુ ઉદાસ થઈ ગયાં હતાં અને બહુ રડ્યાં કરતાં હતાં." એટલે છેવટે તેમણે મંજૂરી આપવી પડી હતી.
મુસ્લિમ બહુમતી ધરાવતા આ ટાપુમાં સીવીડની ખેતીના કારણે બહુ મોટાં પરિવર્તનો આવ્યાં છે.
એવી સ્થિતિ હતી કે લગ્ન પ્રસંગે, બીમાર સગાની ખબર કાઢવા જવા અને કબ્રસ્તાને જવા સિવાય મહિલાઓ ક્યારેય પોતાના ઘરમાંથી બહાર નીકળતી નહોતી.
તેમનાં ઘરો પણ એવી રીતે બન્યાં છે કે મહિલાઓ અલગ જ રહે. ઘરની મુખ્ય દિવાલની બહારની બાજુ પથ્થરોની બેઠક બનાવેલી હોય.
કોઈ મળવા આવે ત્યારે પુરુષો બહાર જે બેઠકો પર જ બેસે, જેથી મહિલાઓ ઘરમાં એકાંતમાં જ રહી શકે.

ઇમેજ સ્રોત, Alamy
મરીન બાયોલોજિસ્ટ ફ્લાવર મસૂયા કહે છે, "પ્રારંભમાં કેટલાક પુરુષોએ પોતાની પત્નીઓને ધમકી આપવાનું શરૂ કર્યું હતું કે સીવીડ વાવવા જશે તો તલાક આપી દેશે."
"જોકે આ મહિલાઓ કમાણી કરવા લાગી તે પછી ધીમે ધીમે પુરુષો સ્વીકાર કરતા થયા છે."
મહિલાઓ હવે બજારમાં પણ જવા લાગી અને ખરીદી કરવાનું કામ પતિઓ પર છોડવાના બદલે બસમાં બેસીને રાજધાનીના શહેરમાં પહોંચી જાય છે.
કમાણીના કારણે પરિવારો હવે પોતાનાં સંતાનોને ભણવા મોકલવા લાગ્યા છે.
મકાનનું છાપરું ઘાસનું બનતું હતું, તેની જગ્યાએ કોરુગેટેડ પતરાં લાગવા લાગ્યા, ઘરમાં રાચરચિલું પણ આવ્યું અને ખોરાકમાં પણ સુધારો થયો.

નૈઋત્ય કિનારે આવેલા બવેલીયો ગામમાં સીવીડની ખેતી કરતાં સાફિયા મોહમ્મદે ખૂબ જ પ્રગતિ કરી છે.
તેણે દુકાન ખોલી છે, જેમાં સીવીડના સાબુ, જામ અને ચટણી વેચે છે.
દુકાનમાંથી કરેલી કમાણીમાંથી તેણે પોતાના દીકરાને ફિશિંગ બોટ ખરીદી આપી છે. મોટું ઘર ચણાવ્યું છે અને સ્કૂટર પણ લીધું છે.
તેમની આ મહેનત ધીરે ધીરે રંગ લાવી. પોતાની કમાણીમાંથી તેમણે એક દુકાન ઊભી કરી છે કે જ્યાં તેઓ દરિયાઈ વનસ્પતિમાંથી બનેલા સાબુ, જામ અને ચટણી જેવી વસ્તુઓ વેચે છે.
મેં તેના ઘરમાં સફેદ ચમકતી ટાઇલ્સ જોઇ અને સિલિંગમાં ફેન્સી ડિઝાઇન કરી હતી તેમના વખાણ કર્યા, પરંતુ સાફિયાને તેના કરતાંય અન્ય એક બાબતનું વધારે ગૌરવ છે.
"મારે ચાર બાળકો છે. મારા લગ્ન 1985માં થયા છે અને હું મારા પતિની એક માત્ર પત્ની છું," એમ તે ગૌરવ સાથે કહે છે.
સાફિયાએ મને કહ્યું કે ઇસ્લામી કાનૂન હેઠળ તેણે પોતાના પતિની બીજી પત્નીને સ્વીકારવી પડે, પરંતુ તરત ઉમેર્યું કે બીજી બેગમે પોતાનું અલગ ઘર કરવું પડશે - આ ઘરમાં પોતે તેને રહેવા નહીં દે.

જોકે, ઉપરથી શાંત દેખાતા પાજે ગામમાં ઘરોની અંદર પારિવારિક ડ્રામા ભજવાઈ રહ્યા છે.
કેટલાક તો ટીવી સિરિયલનો પ્લોટ બની શકે તેવા નાટકીય છે. બહુપત્નીત્વની સાથે તલાક પણ સામાન્ય થઈ પડ્યા છે.
2015ની ચૂંટણીમાં મતદાન કરવા ગયેલી આ ટાપુની સ્ત્રીઓમાંથી 50 ટકાને તલાક આપી દેવાયા છે.
ઘણા કિસ્સામાં પતિએ કહ્યું તે રાજકારણીને મત ના આપ્યો તેના કારણે પણ તલાક આપી દેવાયા.
ટાપુની કેટલીક મહિલાઓમાં હવે નવી હિંમત પ્રગટી છે, કેમ કે પોતે આર્થિક રીતે પગભર થઈ ગઈ છે.
ઝાંઝીબાર અને પડોશી ટાપુ પેમ્બામાં 10 ઇસ્લામી શરિયત કોર્ટ આવેલી છે.
કૌટુંબિક વિખવાદ થાય ત્યારે મામલો આ અદાલતોમાં પહોંચે છે.
સિદ્ધાંતની રીતે બેમાંથી કોઈ પણ તલાક લઈ શકે છે, પણ વ્યવહારમાં માત્ર પતિ જ તલાક આપતો હોય છે.
કુશળ વેપારી બની ગયેલી સાફિયાની જેમ મવનૈશા મકામેએ પોતાની સીવીડની આવક રિઅલ એસ્ટેટમાં જ રોકી છે. તેનું મકાન ચણાઈ રહ્યું છે તે તેણે મને બતાવ્યું હતું.
તે પોતાના સંતાનો માટે મકાન ચણાવી રહી છે એમ મેં ધારેલું, પણ મવનૈશા કહ્યું કે ના, એવું નથી.
આ મકાન તે એટલા માટે બનાવી રહી છે કે તલાક થઈ જાય તો પોતે અહીં રહી શકે.
તેના માટે આ એક જાતની વીમા પોલીસી જેવું છે, કેમ કે આ સમાજમાં પતિને ભાગ્યે જ ભરણપોષણ આપવાની ફરજ પાડવામાં આવે છે.
તે હસતાં હસતાં કહે છે, "ઝાંઝીબારમાં લગ્નનો કોઈ ભરોસો નહીં. પતિને બીજી કોઈ સ્ત્રી ગમી જાય તો તે પ્રેમમાં ગાંડો થઈ જાય અને તમને કહી દે કે તું જતી રહે."
શું મહિલાઓમાં એક બીજાની ઇર્ષા થતી હશે તેનું મને કૂતુહલ હતું. મવનૈશા હસતી અટકી ગઈ અને મારી સામે તાકીને જોયું અને કહ્યું, "હા. બહુ જ ઇર્ષા થાય છે!

અહીંની મહિલાઓ સામે બીજી પણ એક સમસ્યા છે - તે છે ક્લાઇમેટ ચેન્જની.
ઝાંઝીબારમાં સૌથી વધુ સીવીડ પેમ્બા ટાપુ પર ઉગાડવામાં આવે છે.
પેમ્બાના દરિયાકિનારો પથરાળ છે, સપાટ અને રેતાળ નથી. તેના કારણે વધી રહેલા તાપમાનની બહુ અસર થઈ નથી.
જોકે, પાજેમાં 2011 પછી ત્રણ વર્ષ સુધી સીવીડ ઉગવાના જ બંધ થઈ ગયા છે.
હવે સીવીડ ફરી પાછા ઉગવા લાગ્યા છે, પણ હવે અહીં ઓછી કિંમતી જાત જ તૈયાર થાય છે.
ફૂડ, કોસ્ટમેટિક્સ અને દવાઓમાં વપરાતું કેરાગ્રીનન (carrageenan) નામનું તત્ત્વ આ જાતમાં ઓછું જોવા મળે છે. તેના કારણે પાકનો સારો ભાવ મળતો નથી.
બીજી મુશ્કેલી એ ઊભી થઈ કે તાપમાન વધવા સાથે દરિયામાં એવી શેવાળ થવા લાગી છે, જેનાથી બહુ ખંજવાળ આવે છે અને ચાઠાં પડી જાય છે.
પાજેમાં ઘણી મહિલાઓએ આ કામ છોડી દીધું છે. 20 વર્ષ પહેલાં 450 મહિલાઓ સીવીડ ઉગાડતી હતી, હવે માંડ 150 કામ કરી રહી છે.
મવનૈશાની પડોશી રેઝિકીને સાત સંતાનો છે અને પૈસાની બહુ જરૂર છે.
તેમ છતાં તેણે સીવીડની ખેતી છોડીને સમોસા વેચવાનું શરૂ કર્યું છે.
બીજી ઘણી મહિલાઓ હવે હસ્તકલાની વસ્તુઓ બનાવે છે, જે અહીં સનબાથ માટે આવતા પ્રવાસીઓને વેચી શકાય.
જોકે, સીવીડનો વારસો એ રીતે રહી ગયો છે કે આજે પણ આ મહિલાઓ ઘરની બહાર નીકળીને કામ કરી રહી છે.
મરીન બાયોલોજિસ્ટ્સ કહે છે કે સીવીડમાં વધુ નફા માટે cottonii નામની જાત ઉગાડવી જોઈએ. આ જાતમાં મોટા પ્રમાણમાં કેરાગ્રીનન મળે છે.
જોકે આ જાતને ઉગાડવા માટે વધુ ઊંડા અને ઠંડા પાણી સુધી જવું પડે. તે શક્ય બનતું નથી, કેમ કે મહિલાઓ પાસે બોટ પણ નથી અને તેમને તરતા પણ આવડતું નથી.
મોટી ભરતી હતી ત્યારે મુન્ગોની ગામની કેટલીક મહિલાઓ સાથે હું લાઇફજેકેટ પહેરીને દરિયામાં ગઈ હતી.
આ મહિલાઓ જે સ્કર્ટ પહેરેથી તેનો મોટો ઘેરાવો હોય છે, તેના કારણે તેમના માટે બ્રેસ્ટ સ્ટ્રોક મારીને તરવું મુશ્કેલ હોય છે.
તેમને તરતા શીખવવાની કોશિશ કરી ત્યારે મહિલાઓએ ચીસાચીસ કરી મૂકી હતી અને એકબીજાને જોઈને હસતી પણ હતી.
ફૂલોની ભાતવાળો ડ્રેસ પહેરેલી એક મહિલા મેન્ગ્રોવના વૃક્ષને વળગી પડી હતી અને બહુ ડરી ગઈ હોય તેમ લાગતું હતું.
જોકે, પાણીમાંથી બહાર આવ્યા પછી તેના શ્વાસ હેઠા બેઠા હતા. તે કહે છે, "હું તો ખુશ હતી, કેમ કે તરતા શીખી રહી હતી. પુરુષો તરી શકે તો અમે પણ તરી શકીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















