મળો એવી મહિલાઓને જેમણે ઘરે બેઠાં કર્યાં સપનાં સાકાર!

તનુશ્રી ચૌધરી બીજી બે યુવતીઓ સાથે

ઇમેજ સ્રોત, TANUSHREE CHAUDHURI

    • લેેખક, ટેટુમ એન્ડર્સન
    • પદ, બીબીસી સંવાદદાતા

34 વર્ષનાં તનુશ્રી ચૌધરીનું પ્રથમ બાળક તેમનાં પેટમાં હતું ત્યારે તેમના સુપરવાઇઝરે તેમને કહ્યું કે તેમણે હવે સપનાં જોવા બંધ કરી દેવા જોઈએ.

તેઓ કૉમ્પ્યુટેશનલ બાયોલોજિમાં ડૉક્ટોરેટ કરી રહ્યાં હતાં. તેઓ લોકોનાં આરોગ્ય માટે કામ કરવા માંગતા હતાં.

તેમના સુપરવાઇઝરે કહ્યું હતું કે તેઓ હવે પરિણીત છે તો PhDની શું જરૂર છે? તેમણે પરિવારની સંભાળ લેવી જોઈએ.

તેમને કોલકત્તાની પ્રતિષ્ઠિત સંસ્થામાંથી ભણીને ડ્રગ્સ અંગે સંશોધન કરવું હતું. નવી દવાઓ વિક્સાવવી હતી.

પરંતુ તેમનાં લગ્ન થઈ ગયાં અને પતિની નોકરીને કારણે હૈદરાબાદ જવું પડ્યું.

તમને આ પણ વાંચવું ગમશે

તેઓ કહે છે કે પરિણીત મહિલાઓ પાસે પરિવારની સંભાળ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે અને પરિવાર વિના તો અમે જાણે કંઈ જ નથી.

"અમને વિચારવાનો અને સંશોધન કરવાનો અધિકાર નથી."

તેથી જ્યારે તેમને સંશોધકોને ઘરેથી કામ કરવા આપતી એક ઓનલાઇન "વર્ચ્યુઅલ લૅબોરેટરિ"ની ખબર પડી ત્યારે તેઓ ખુશ થઈ ગયા કે ફરી તેમને તક મળશે.

દવાનું સંશોધન કરતા વ્યક્તિના હાથ

ઇમેજ સ્રોત, Getty Images

ઓપન સૉર્સ ડ્રગ ડિસ્કવરી (OSDD) મંચ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવ્યું હતું અને દવાઓને બનાવવા માટે અણુઓની શોધખોળ માટે વૈજ્ઞાનિકોને દૂરથી સહયોગ કરી શક્તું હતું.

ડૉ. ચૌધરી પોતાના બાળક સાથે ઘરે રહીને કામ કરી શક્તાં હતાં.

"હું કેટલાય લોકોને મળી હતી. મને એક છોકરી યાદ છે જે ક્યાંક દૂર રહેતી હતી."

"તેની સાથે કામ કરી શકાય એમ હતું કારણ કે મેં તેની સાથે ઘણી વખત સ્કાયપ દ્વારા વાત કરી હતી. અમે ક્યારેય મળ્યાં નહોતાં."

વૈજ્ઞાનિક સમુદાયમાં કેટલાંય બીજા ઓપન સૉર્સ પ્લેટફોર્મ છે, જે દરેકની પોતાની વિશેષતા છે.

ભારતની અને કેટલાક વિકાસશીલ દેશોની કેટલીય મહિલાઓ તેને ઘણું રાહતજનક માને છે.

2016માં સરકાર દ્વારા ચાલતા પ્લેટફોર્મ બંધ થઈ ગયા બાદ, ડૉ. ચૌધરી અને તેમની સહકાર્યકરે બીજા સંગઠન માટે કામ કરવાનું શરૂ કર્યું.

આ સંગઠન, ઓપન સૉર્સ ફાર્મા ફાઉન્ડેશન (OSPF) ફાર્માશ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પ્રોફેશ્નલ્સ અને શૈક્ષણિક વિદ્વાનોનું સંયુક્ત સાહસ છે.

તે વિશ્વભરમાં પોસાય એવી દવાઓની શોધ માટે દૂરના લોકોને સમર્પિત સંગઠન છે.

કેરળના કુટ્ટિચિરાનાં આયેશા સફીદા

ઇમેજ સ્રોત, AYISHA SAFEEDA

કેરળના કુટ્ટિચિરાનાં આયેશા સફીદા દૂરનાં વિસ્તારમાં રહેતા પારંપરાગત મુસ્લિમ પરિવારમાંથી આવે છે. ઓપન સૉર્સ પ્લેટફોર્મને કારણે તેમણે અનુસ્નાતકની પદવી મેળવી છે.

તેઓ જણાવે છે કે મારા બાળકને ખવડાવતાં પણ હું સંશોધન પેપર વાંચી શકું છું, લેપટોપ પર કામ કરી શકું છું.

એટલે જ જે મહિલાઓમાં ઘણી ક્ષમતા છે પરંતુ પરિવારના દબાણમાં હોય છે તેમણે આગળ આવવું જોઈએ.

આ મહિલાઓ વર્ચ્યુઅલ લેબમાં ટી.બી. જેવા રોગ સામે લડવાની દવા બનાવી શક્તા ડ્રગ માટેના અણુઓની પસંદગી કરે છે.

ડૉ. ચૌધરી OSPF માટે સોફ્ટવૅર બનાવે છે. જેનાથી જીવશાસ્ત્ર કે ભૌતિકશાસ્ત્ર જેવા વિવિધ શાખાના વૈજ્ઞાનિકોને મદદ મળે.

તમિલનાડુના અન્ય એક વર્ચુઅલ સંશોધક, રખિલા પ્રદીપ કહે છે કે તેમને હંમેશાથી સંશોધન ગમતુ આવ્યું છે પરંતુ સંશોધન કેન્દ્રો મેળવવાનું તેમને અશક્ય લાગ્યું હતું.

"અમારા ગામડાંમાંથી દૂરનાં વિશ્વવિદ્યાલયો સુધીની દૈનિક સફર એક બોજારૂપ પ્રવાસ બની જાય છે અને જે વ્યવહારુ પણ નથી."

તેઓ કહે છે "અમે દિવસો સુધી અમારા બાળકો અને વૃદ્ધોથી દૂર ન જઈ શકીએ."

તમિલનાડુના અન્ય એક વર્ચુઅલ સંશોધક રખિલા પ્રદીપ

ઇમેજ સ્રોત, RAKHILA PRADIP

કેમિન્ફોર્મેટિક્સઅને કૉમ્પ્યુટેશનલ બાયોલોજિના નિષ્ણાંત ડૉ. યુ.સી. જાલીલની દેખરેખ નીચે આવા કેટલાય પ્રોજેક્ટ થયા છે.

તેઓ માને છે કે આ મહિલાઓ નિપુણતાનો એક મોટો સ્રોત છે.

તેમના કોલેજના દિવસો યાદ કરતા તેઓ કહે છે કે મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા ધીમેધીમે ઓછી થઈ જતી હતી.

તેઓ કહે છે કે તેમણે કેરળના એક જીલ્લામાં આંકડાઓનું વિશ્લેષણ કર્યું હતું અને પરિણામો "આશ્ચર્યજનક" હતાં.

"આ બધી મહિલાઓ અત્યંત શિક્ષિત હતી, પરંતુ તેમાંની મોટાભાગની લગ્ન પછી ગૃહિણીઓ તરીકે રહેતી હોય છે."

ડૉ. જાલીલે OSPFના મૉડલમાં ભરોસો રાખે છે, ખાસ કરીને જ્યારે તે દુનિયાના ગરીબ પરિવારો માટે સસ્તી દવાઓ તરફ દોરી જતું હોય છે.

"ડ્રગની શોધના સમય અને ખર્ચને ઘટાડવાનું, માનવતાવાદી હેતુ માટે ઉપેક્ષિત માનવ ક્ષમતાઓને જોડવાનું એક સામાન્ય લક્ષ્ય છે."

line

વ્યાપારની વધુ તકનીકો

દવાના સ્ટોરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. ચૌધરી કહે છે કે બધુ આગળ વધશે. દરેકને એક જગ્યાએ ભેગા કરવાને બદલે આપણે બીજાઓને તક આપીએ.

"તમે રાતે વિચારી શકો છો અથવા સવારમાં વિચારી શકો છો. જ્યારે તમે ઇચ્છો ત્યારે વિચારી શકો. અને પછી અમને જવાબ મોકલો એટલે અમે આગળ વધીએ છીએ."

ચૅરિટી મેડિસિન્સ સેન્સ ફ્રન્ટિયર્સના એક્સેસ અભિયાનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એલ્સ ટોર્રીલે માને છે કે પોસાય તેવી દવાઓની શોધમાં આ પ્રકારનું મૉડલ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

તેઓ કહે છે "ઓપન સોર્સ રિસર્ચ સહયોગ તબીબી સંશોધનને વેગ આપવા એક મહત્ત્વપૂર્ણ અને સમયસરની વ્યૂહરચના છે, એવા પણ જ્યાં લોકોને સમજ નથી એવા ઉપદ્રવિત રોગોના વિસ્તારમાં."

OSPF હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં છે. અને તેની સામે પણ પડકારો છે. ગ્રામીણ વિસ્તારોમાં નબળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી તેમાંથી એક છે.

ભંડોળ એક અન્ય પડકાર છે. જોકે, તેને ભારતીય ફાઉન્ડેશન ટાટા ટ્રસ્ટમાંથી બીજ ભંડોળ મળેલું છે.

મોટાભાગનું કાર્ય હવે ઘણી યુનિવર્સિટી સર્વર અને સોશિઅલ મીડિયા દ્વારા થઈ રહ્યું છે.

પરંતુ ડૉ. ચૌધરી કે જેમની પાસે માત્ર PhDની પદવી નથી પરંતુ હવે તેઓ એક સહાયક પ્રોફેસર પણ છે, તેઓ કહે છે કે તેઓ અને તેમના વિદ્યાર્થીઓ OSPFનાં વિસ્તરણ પર કામ કરવાની યોજના ધરાવે છે.

તેઓ કહે છે "ભારતીય છોકરીઓ માટે સપનાં જોવા પર પ્રતિબંધ છે જ્યાં સુધી અમારી પાસે આ પ્રકારની તકો નથી." "આપણી પોતાની આવક અને સપનાં હોવા જોઈએ"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો