વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી અયોધ્યા કેમ ન ગયા?

ઇમેજ સ્રોત, FACEBOOK/JANKI MANDIR/BBC
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, અયોધ્યાથી, બીબીસી સંવાદદાતા
"મોદીજી બનારસથી માંડીને મગહર સુધી ગયા. આખી દુનિયામાં ફરી ફરીને મંદિર, મસ્જિદ અને મઝાર પર જઈ રહ્યા છે પણ ખબર નહીં અયોધ્યા જવાથી તેમને શું વાંધો છે?"
અયોધ્યામાં ચાની દુકાન પર સમાચારપત્ર વાંચી રહેલા સંન્યાસીના વેશમાં એક સજ્જને વાતચીત દરમિયાન નિરાશા અને ફરિયાદ સાથે આ વાત કહી.
અમે મગહરથી વડાપ્રધાનની રેલી કવર કરીને લખનઉ પરત ફરી રહ્યા હતા. રસ્તામાં અયોધ્યામાં ચા પીવા રોકાયા.
ત્યાં જ તેમની સાથે મુલાકાત થઈ અને વાતો શરૂ થઈ ગઈ. અમે નામ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી તો બોલ્યા, "સાધુના કોઈ નામ હોતા નથી. બસ આ જ દંડો અને ભગવો રંગ સાધુની ઓળખ હોય છે. જે નામ પહેલાં હતું, હવે તેનાથી અમારી ઓળખ થતી નથી."
તમે આ વાંચ્યું કે નહીં?
હવે તેમનું નામ પહેલાં શું હતું, અત્યારે શું છે, તેમાં અમને વધારે રસ પણ ન હતો. એ માટે ફરી જણાવવા અમે આગ્રહ પણ ન કર્યો.
પરંતુ સાધુના રૂપમાં જે તકલીફ તેમણે વ્યક્ત કરી, તેનું સમર્થન દુકાન પર હાજર અયોધ્યાના કેટલાક સ્થાનિક લોકો પણ કરતા જોવા મળ્યા.

ભાજપની રાજકીય ઓળખ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA
સાકેત મહાવિદ્યાલય ફૈઝાબાદથી બી. કૉમ. કરી રહેલા દિનેશ શ્રીવાસ્તવ પોતાના મિત્રો સાથે સરયૂ કિનારે ફરવા માટે આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિનેશ કહેવા લાગ્યા, "અહીં આવીને શું કહેશે? કેન્દ્રમાં ચાર વર્ષ સુધી સરકારમાં રહીને વિતાવ્યા, દોઢ વર્ષથી રાજ્યમાં પણ તેમની સરકાર છે, દરેક જગ્યાએ બહુમતી છે, હવે કોઈ બહાનું નથી. તેમ છતાં મંદિર નિર્માણ માટે કોર્ટનું બહાનું બનાવી રહ્યા છે."
અયોધ્યા અને ભારતીય જનતા પક્ષનો રાજકીય સંબંધ ભાવનાત્મક રૂપે જોડાયેલો છે.
ઉત્તર પ્રદેશ જ નહીં પણ આખા દેશમાં ભારતીય જનતા પક્ષને રાજકીય ઓળખ અપાવવામાં અયોધ્યા અને રામ મંદિરની કેટલી ભૂમિકા રહી છે, તે કોઈથી છાનું નથી.
એટલું જ નહીં, 1991માં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષની જ્યારે પહેલી વખત કલ્યાણ સિંહના નેતૃત્વમાં સરકાર બની તો આખું મંત્રીમંડળ શપથ લીધા બાદ તાત્કાલિક અયોધ્યામાં રામલલાના દર્શન માટે આવ્યું હતું.
એટલું જ નહીં, ગત વર્ષે ઉત્તર પ્રદેશમાં જ્યારથી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકાર બની છે ત્યારથી અયોધ્યાના વિકાસ માટે ન માત્ર તમામ જાહેરાતો કરવામાં આવી પણ દિવાળીના અવસર પર ભવ્ય કાર્યક્રમ અને દીપોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું.

યોગીનો અયોધ્યા પ્રેમ

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણી વખત અયોધ્યાની મુલાકાત લે છે.
તેવામાં પહેલી વખત કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમત ધરાવતી સરકાર બનાવવા વાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર વર્ષ કરતાં વધારે સમયથી વડાપ્રધાનનું પદ સંભાળી રહ્યા છે છતાં અયોધ્યા આવ્યા નથી, તે ચોંકાવનારું છે.
ભાજપ નેતા આ વિશે વાત કરવાનું થોડું ટાળે છે પરંતુ અયોધ્યાથી ભાજપ સાંસદ લલ્લૂ સિંહ તેને માત્ર સંયોગ ગણાવીને સવાલને ટાળી દે છે.
લલ્લૂ સિંહ કહે છે, "એ વાત સાચી છે કે વડાપ્રધાન બન્યા બાદ મોદીજી અયોધ્યા આવ્યા નથી."
"ચૂંટણીના સમયે પણ તેમણે ફૈઝાબાદમાં રેલીનું સંબોધન કર્યું હતું. પરંતુ તેનો કોઈ ખાસ મતલબ નથી કે તેઓ અહીં કેમ આવ્યા નથી."
"તેમનો વ્યસ્ત કાર્યક્રમ રહે છે, સમય નહીં મળ્યો હોય. પરંતુ આવશે ચોક્કસ."

'પહેલા શૌચાલય, પછી દેવાલય'

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA
વડાપ્રધાનનો સમય ખૂબ વ્યસ્ત હોય છે, એ વાતને તો નકારી શકાતી નથી.
પરંતુ આ સવાલ ત્યારે વધારે ધ્યાનમાં આવે છે જ્યારે વડાપ્રધાન વારાણસીથી જ સાંસદ હોય, વારાણસીની વારંવાર યાત્રા કરતા હોય, અન્ય શહેરોમાં પણ જતા હોય, કબીરના સમાધિસ્થળ મગહર સુધી જતા રહ્યા, પણ અયોધ્યા આવવાનો સમય કાઢી ન શક્યા.
આ તરફ અયોધ્યાને રાજકીય દૃષ્ટિએ ભાજપનું પ્રાણવાયુ સમજવામાં આવે છે.
નરેન્દ્ર મોદી ન માત્ર વડાપ્રધાન બન્યા બાદ ક્યારેય અયોધ્યા આવ્યા અને ન તો 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે અયોધ્યાની યાત્રા કરી.
એક વખત તો ચૂંટણી રેલી પ્રસ્તાવિત પણ થઈ હતી પરંતુ ત્યારબાદ તે કોઈ કારણોસર રદ કરી દેવાઈ હતી.
લોકસભા ચૂંટણી દરમિયાન અને વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ઘણી જનસભાઓમાં પણ તેમણે ક્યાંય પણ અયોધ્યા કે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો નથી.
લોકસભા ચૂંટણી દરમિયાન તો એક જનસભામાં તેમણે એ કહીને એક રીતે રામ મંદિરને પાર્ટીની પ્રાથમિકતાઓમાંથી જ દૂર કરી દીધું કે 'પહેલાં શૌચાલય, પછી દેવાલય.'

સુપ્રીમ કોર્ટ પાસે આશા

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA
જોકે, આ વચ્ચે તેમણે ગત વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો.
એક ચૂંટણીસભામાં તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ અયોધ્યામાં રામ મંદિર મામલાની સુનાવણીને આગામી ચૂંટણી સુધી ટાળવાની સુપ્રીમ કોર્ટ પાસે કેમ માગ કરી રહ્યા છે.
લખનઉમાં વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્ર કહે છે કે નરેન્દ્ર મોદી 2019ની લોકસભા ચૂંટણી પહેલાં અયોધ્યા ચોક્કસ જશે.
તેમના જણાવ્યા પ્રમાણે, "નરેન્દ્ર મોદી અયોધ્યા એક વિજેતાના રૂપમાં જવા માગે છે. આશા છે કે સુપ્રીમ કોર્ટથી રામ જન્મભૂમિ અને વિવાદીત ઢાંચા અંગે કોઈને કોઈ નિર્ણય ચોક્કસ આવી જશે."
"જો હાઈકોર્ટના નિર્ણયના આધારે જ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે છે તો સ્પષ્ટ છે એ હિંદુઓના પક્ષમાં હશે કેમ કે હાઈકોર્ટ પણ બે તૃતિયાંશ જમીન હિંદુ પક્ષને સોંપી ચૂકી છે."
"આવો નિર્ણય આવ્યા બાદ જો નરેન્દ્ર મોદી અયોધ્યા જાય છે તો સ્પષ્ટ છે, નિર્ણય ભલે કોર્ટનો હોય, ક્રેડિટ મોદીજી લેવાનો પૂર્ણ પ્રયાસ કરશે."

હિંદુ હૃદય સમ્રાટ હોવાનું પ્રમાણ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA
પરંતુ અયોધ્યાની આ કથિત ઉપેક્ષાની ચર્ચા શું ભાજપ નેતાઓ, RSSના સંબંધિત સંગઠનો, આસ્થાવાન હિંદુઓ વચ્ચે નહીં થતી હોય, જે ભાજપને એક રીતે 'રામ મંદિર સમર્થક પાર્ટી' તરીકે જુએ છે?
યોગેશ મિશ્ર કહે છે, "નરેન્દ્ર મોદી કટ્ટર હિંદુઓને પોતાના હિંદુ હૃદય સમ્રાટ હોવાનું પ્રમાણપત્ર ગુજરાતમાં આપી ચૂક્યા છે."
"એ જ કારણ છે કે અયોધ્યાની ચર્ચા ક્યારેય જાતે ન કરવા અને દેવાલય પહેલાં શૌચાલય બનાવવાની વાત કરવા છતાં હિંદુઓનો આ વર્ગ તેમની વિરુદ્ધ આક્રમક બની શક્યો નથી.
"તેમને ખબર છે કે આ બધી ચૂંટણી સભાઓની વિવશતા હોઈ શકે છે પરંતુ મોદીજી હિંદુઓનું હિત ઇચ્છે છે તેમાં તેઓ શંકાને સ્થાન આપતા નથી."
યોગેશ મિશ્ર કહે છે કે નરેન્દ્ર મોદી પોતે ભલે અયોધ્યા ન જાય અથવા તો અયોધ્યાની ચર્ચા ન કરે, પરંતુ એવું નથી કે તે તેમના એજન્ડામાં નથી.
યોગેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, "ભાજપના તમામ નેતા કે જેઓ પોતાની આક્રમક શૈલીમાં અયોધ્યા કે રામ મંદિરની ચર્ચા કરે છે, તો તમને શું લાગે છે કે તે તેમની મૌન સ્વીકૃતિ વગર થઈ રહ્યું છે?"

ચૂંટણી સંબંધિત મજબૂરીઓ

ઇમેજ સ્રોત, FACEBOOK @BJP
જાણકારોનું એવું પણ કહેવું છે કે રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં હોવાના કારણે વડાપ્રધાન જાણી જોઈને તેની ચર્ચા કરતા નથી. જેથી તેમના પર કોઈ પ્રકારના સવાલ ન ઉઠે.
બીજું એ પણ કે રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યા બાદ તેઓ સતત પોતાની એ છબીમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યા છે, જે છબી ગુજરાતના મુખ્યમંત્રી રહેતા સમયે તેમની બની હતી.
એટલે કે, હવે તેઓ 'વિકાસ પુરુષ'ની છબીમાં રહેવા માગે છે.
પરંતુ વરિષ્ઠ પત્રકાર શરદ પ્રધાનના જણાવ્યા અનુસાર, "ચૂંટણી સંબંધિત મજબૂરીઓ તેમને કબ્રસ્તાન- સ્મશાન, મંદિર- મસ્જિદ જેવા મુદ્દા પર બોલવા લાચાર કરી દે છે અને તેઓ પોતે પોતાની જૂની છબીમાં આવી જાય છે."
વડાપ્રધાનના અયોધ્યા ન જવા પાછળ જે પણ કારણ કે મજબૂરીઓ હોય પરંતુ કેટલાક હિંદુવાદી સંગઠનોના લોકો સાથે વાત કરવા પર એવું લાગે છે કે મોદીનું અયોધ્યાથી અંતર ન માત્ર તેમને હેરાન કરે છે, પણ આ વાતથી તેમની અંદર રોષ પણ છે.

અયોધ્યાને મોદીની રાહ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક લોકો તો સીધા જ વડાપ્રધાન પર 'છબી સુધારવાના પ્રયાસ'નો આરોપ લગાવે છે પરંતુ કેટલાક લોકો તેમનો બચાવ કરતા પણ જોવા મળે છે.
અયોધ્યામાં રહેતા આરએસએસના પ્રવક્તા શરદ શર્મા કહે છે, "અયોધ્યાવાસીઓને એ વાતનું દુઃખ છે કે મોદીજી અયોધ્યા કેમ ન આવ્યા."
"150 કિલોમીટર દૂર મગહર સુધી તમે આવી ગયા, તો ક્યારેક અયોધ્યા પણ આવી જાઓ. અયોધ્યા તમારી રાહ જોઈ રહ્યું છે."
શરદ શર્મા જણાવે છે કે મહંત નૃત્યગોપાલ દાસના જન્મદિવસ પર બે વખત વડાપ્રધાનને આમંત્રિત પણ કરવામાં આવ્યા પરંતુ આમંત્રણ છતાં તેમણે અયોધ્યા આવવામાં કોઈ રસ દાખવ્યો નહીં.
તેમના જન્મદિવસ પર થતા કાર્યક્રમોમાં તમામ નેતા આવે છે. આ વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગયા હતા.
એટલું જ નહીં, ભાજપના પણ તમામ નેતા આ વિશે મન ખોલીને તો કંઈ કહેતા નથી પરંતુ પાછળથી તેઓ પણ ખુશ દેખાતા નથી.

અયોધ્યાથી જનકપુર

ઇમેજ સ્રોત, Getty Images
અયોધ્યામાં એક હોટેલના માલિક દેવેશ તિવારી સ્મિત સાથે કહે છે, "અયોધ્યાથી જનકપુર સુધી બસ સેવાની શરૂઆત કરવા પણ મોદીજી અયોધ્યા ન આવ્યા અને નેપાળ જતા રહ્યા.
"લીલી ઝંડી તો અહીંથી પણ બતાવી શકતા હતા. જનકપુર ત્યારબાદ જઈ શકતા હતા."
ભાજપના એક વરિષ્ઠ નેતાને તેઓ મગહર સુધી આવ્યા છતાં અયોધ્યા ન જવું અને ભાષણમાં તેની ચર્ચા પણ ન કરવાથી ખૂબ તકલીફ છે.
પૂર્વ ઉત્તર પ્રદેશ સાથે સંબંધ ધરાવતા આ વરિષ્ઠ નેતા સાથે મગહરમાં જ મુલાકાત થઈ.
નામ ન છાપવાની શરતે તેઓ કહે છે, "સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરે છે પરંતુ કોઈ જોઈ રહ્યું નથી કે જાતિ, ધર્મ, સંપ્રદાય, મઠ, મઝાર દરેક પર રાજકારણ થઈ રહ્યું છે."
"મગહર અને કબીર પ્રત્યે અચાનક જાગેલી તમારી આસ્થાથી શું માની લેવામાં આવે કે ભગવાન રામ પ્રત્યે તમારી આસ્થા નથી કે પછી જેમની આસ્થા ભગવાન રામ પ્રત્યે છે, તેમના મતની તમને જરૂર નથી?"

'રામ મંદિરમાં મોદીનો રસ પહેલાં પણ જોવા મળ્યો નથી'

ઇમેજ સ્રોત, Getty Images
ધીરે ધીરે આ વરિષ્ઠ નેતા કંઈક વધારે જ આક્રમક થઈ ગયા અને કહેવા લાગ્યા, "અયોધ્યા અને રામ મંદિરમાં તો મોદીજીનો રસ પહેલાં પણ જોવા મળ્યો નથી."
"તેઓ માત્ર અડવાણીજીની રથયાત્રામાં જ તેમની સાથે જોવા મળ્યા હતા. તેમણે ન તો ક્યારેય કારસેવા કરી, ન તો ગુજરાતના મુખ્યમંત્રી રહેતા સમયે ક્યારેય અહીં આવ્યા."
"રામ મંદિરની તકલીફ તો એ જ સમજી શકે છે કે જેણે લાકડીઓ ખાધી હોય, ગોળી ખાધી હોય, જેલ ગયો હોય, જીવન બરબાદ કર્યું હોય અને તે છતાં તે પોતાના રામલલાને પોતાની જ પાર્ટીની સરકારમાં તંબુઓમાં પડેલા જોઈ રહ્યો છે."
જોકે, અયોધ્યાના લોકોને હજુ પણ આશા છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અહીં ચોક્કસ આવશે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં તેઓ અહીં આવશે, પરંતુ સૌથી મહત્ત્વનો સવાલ એ જ છે કે એ તેમની આસ્થા અંતર્ગત હશે કે પછી ચૂંટણીની મજબૂરી અંતર્ગત.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












