અયોધ્યામાં બાબરી કેસ વિશે જાણવા જેવી જરૂરી આ પાંચ બાબતો

ઇમેજ સ્રોત, AFP
ઉત્તર પ્રદેશના અયોધ્યામાંની બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તેને બુધવારે 25 વર્ષ પૂર્ણ થયા.
સુપ્રીમ કોર્ટમાં મહત્વના એક અન્ય કેસની સુનાવણી થઈ ગઈ છે, પણ તેમાં કઈ બાબતોનો ફેંસલો થવાનો છે?
દેશની સર્વોચ્ચ અદાલતમાં આ કેસની દૈનિક ધોરણે, શરૂ થયેલી સુનાવણી 8 ફેબ્રુઆરી, 2018 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

ટાઇટલ સૂટનો વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
આ કેસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેની સાથે જોડાયેલાં સંગઠનો જે જગ્યાએ રામ મંદિરનું નિર્માણ કરવા ઇચ્છે છે એ જમીનની માલિકી વિશેનો છે. તેને ટાઇટલ સૂટ કહેવામાં આવે છે.
સોળમી સદીની બાબરી મસ્જિદમાં 1949માં મૂર્તિઓ મૂકવામાં આવી, ત્યારથી આ કેસની શરૂઆત થઈ હતી.
મૂર્તિઓ રાખવામાં આવી એ કારણે વિવાદ સર્જાયો હતો અને સ્થાનિક વહીવટીતંત્રે પરિસરને સીલ કરી દીધું હતું.

મુખ્ય ત્રણ પક્ષકારો

ઇમેજ સ્રોત, AFP
આ કેસમાં ત્રણ પક્ષકારો છે. તેમાં રામજન્મભૂમિ ન્યાસ, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડનો સમાવેશ થાય છે.
અયોધ્યાના રામકોટ વિસ્તારમાંની 2.77 એકર જમીનનો આ વિવાદ છે. તેમાં બાબરી મસ્જિદ જે સ્થળે હતી એ હિસ્સાનો પણ સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્ર સરકાર મસ્જિદમાં રાખવામાં આવેલી મૂર્તિઓને હટાવવા વિચારી રહી હતી, ત્યારે જ ગોપાલસિંહ વિશારદે એક અરજી દાખલ કરી હતી.
એ અરજીને પગલે સ્થાનિક અદાલતે મૂર્તિ હટાવવા સામે સ્ટે આપ્યો હતો.
એ પછી 1955માં મહંત રામચંદ્ર પરમહંસે, 1959માં નિર્મોહી અખાડાએ અને 1961માં સુન્ની વક્ફ બોર્ડે અરજીઓ દાખલ કરી હતી.
સમય જતાં આવા બધા કેસીસને એક કેસમાં ભેળવી દેવામાં આવ્યા હતા.

2010માં હાઈકોર્ટે આપેલો ચુકાદો

ઇમેજ સ્રોત, AFP
અલાહાબાદ હાઇકોર્ટે સપ્ટેમ્બર, 2010માં એક ચુકાદો આપીને 2.77 એકર જમીન ત્રણેય પક્ષકારો-રામજન્મભૂમિ ન્યાસ, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ વચ્ચે વહેંચી આપી હતી.
જોકે, પક્ષકારોને એ ચુકાદો મંજૂર ન હતો. હિંદુ મહાસભા અને સુન્ની વક્ફ બોર્ડે એ ચુકાદાને પડકાર્યો હતો.
એ કેસ સુપ્રિમ કોર્ટમાં ગયો હતો. હવે તેની દૈનિક ધોરણે સુનાવણીનો નિર્ણય સુપ્રિમ કોર્ટે કર્યો છે. જેમાં ફેબ્રુઆરીમાં ફરી સુનાવણી શરૂ થશે.

લિબરાહન પંચનો અહેવાલ

ઇમેજ સ્રોત, AFP
આ કેસને બાબરી મસ્જિદ ધ્વંસ સાથે સીધો સંબંધ નથી. એ એક અલગ કેસ છે.
બાબરી મસ્જિદ ધ્વંસની તપાસ કરી ચૂકેલા જસ્ટિસ લિબરહાન પંચે તેના 2009માં રિપોર્ટ જણાવ્યું હતું કે ષડયંત્ર રચીને બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
એ પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી વિરુદ્ધ ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો હતો.

થશે દૈનિક સુનાવણી

ઇમેજ સ્રોત, AFP
ષડયંત્રનો કેસ તેની ગતિએ ચાલી રહ્યો છે, જ્યારે જમીનની માલિકીના હક્ક સંબંધી કેસની સુનાવણી હવે રોજેરોજ થશે.
જસ્ટિસ લિબરહાને ગત દિવસોમાં આપેલા એક ઈન્ટરવ્યૂ જણાવ્યું હતું કે ગુનાહિત ષડયંત્રના કેસનો નિર્ણય પહેલાં થવો જોઈએ.
તેનું કારણ એ છે કે જમીનની માલિકીના હક્ક વિશે પહેલાં નિર્ણય થશે તો તેનો પ્રભાવ ગુનાહિત ષડયંત્રના કેસ પર પડશે.
જોકે, અત્યારે એવું લાગે છે કે જમીનની માલિકીના હક્કનો ફેંસલો પહેલાં થઈ જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












