મોરબીની સભામાં મોદી ભૂલથી બોલ્યા કે ખોટું બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પારસ કે. જ્હા
- પદ, બીબીસી ગુજરાતી
બુધવારે મોદીએ ગુજરાતના મોરબીમાં ચૂંટણી સભાને સંબોધી હતી.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી સાપ્તાહિક ચિત્રલેખામાં મોરબી હોનારત વખતે છપાયેલી ઇંદિરા ગાંધી અને જનસંઘ, આરએસએસની તસવીર વિશે ટિપ્પણી કરી હતી.
તેમણે છે તસવીરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, ઇંદિરા ગાંધી મોરબીની મુલાકાત વખતે મોં પર રૂમાલ ઢાંકીને આમતેમ ભાગવાની કોશિશ કરતાં હતાં.
બીબીસી ગુજરાતીએ ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણી પાસેથી આ કવરપેજની તસવીર મેળવી હતી.
તમને આ વાંચવું પણ ગમશે
આ તસવીર જોતાં તેમાં દેખાય છે કે, એ સમયે માત્ર ઇંદિરા ગાંધી જ નહીં, જનસંઘ અને આરએસએસના સ્વયંસેવકોએ પણ મોઢા પર રૂમાલ બાંધ્યા હતા.


ઇમેજ સ્રોત, Chitralekha
એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટાઇટલ પેજ પર ફોટોગ્રાફ્સ વિશે લખેલા હેડિંગ વિશે પણ એવું કહ્યું હતું કે, "એક ફોટા પર લખ્યું હતું, માનવતાની મહેક અને બીજી બાજુ લખ્યું હતું, રાજકીય ગંદકી."
જ્યારે આ તસવીરોની નીચે ચિત્રલેખામાં લખેલું હતું, "ગંધાતી પશુતા મહેકતી માનવતા."
આ બાબત એ પ્રશ્ન ઊભો કરે છે કે નરેન્દ્ર મોદીને તેમનાં ભાષણમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં ભૂલ થઈ ગઈ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિશે વાત કરતા ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે કહ્યું, "નરેન્દ્ર મોદી જ્યારે આ પ્રકારની વાત કરે ત્યારે એ પોતે દેશના વડાપ્રધાન છે એ બાબત ભૂલી જાય છે.
"મોદી પોતે વડાપ્રધાન છે અને સ્વર્ગસ્થ વડાપ્રધાન માટે આ પ્રકારનું નિવેદન કરે.
આપણે ત્યાં એવી પરંપરા છે કે જે સ્વર્ગસ્થ લોકો છે તેમના વિશે આપણે નકારાત્મક ટિપ્પણી કરતા નથી.
"છતાં પણ તેમણે ઇંદિરા ગાંધી માટે ટિપ્પણી કરી તે સત્યથી વેગળી છે. મારી મચેડીને એમને જે જોવું છે, તે લોકોને બતાવે છે."


ઇમેજ સ્રોત, Getty Images
દયાળે ઉમેર્યું, "મોદી મોરબીની જે ઘટનાનો એ ઉલ્લેખ કરે છે તે દુર્ઘટના વખતે નરેન્દ્ર મોદી ગુજરાતમાં જ હતા.
"સ્વયંસેવક હતા એમને સારી રીતે અંદાજ છે કે, મચ્છુ ડેમ તૂટવાને કારણે જે રીતે માણસો અને જાનવરો મૃત્યુ પામ્યાં હતાં.
"એ સમયે આરોગ્ય સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા હતા. જે સ્વયંસેવકો, એટલે કે માત્ર સંઘના નહીં અન્ય દરેક સેવાભાવી સંસ્થાઓનાં સ્વયંસેવકો ત્યાં કામ કરતાં હતાં.
"તેમના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થાય તેવી સ્થિતિ હતી. એ દરેક માટે મોઢા પર માસ્ક બાંધવો ફરજિયાત હતો."
"આરોગ્યની દૃષ્ટિએ તો ફરજિયાત હતું જ પણ મોરબી અત્યંત દુર્ગંધ મારતું શહેર બની ગયું હતું.
"એ સ્થિતિમાં ઇંદિરા ગાંધી મોરબીની મુલાકાત લે અને પોતાનાં મોઢાં પર રૂમાલ મૂકે એ બહુ જ સહજ બાબત છે."
દયાળે કહ્યું, "એ વાતને રાજકીય હેતુ માટે નરેન્દ્ર મોદી જે રીતે લઈ જઈ રહ્યા છે, એ હું પહેલી વખત જોઈ રહ્યો છું કે રાજકારણનું સ્તર અત્યંત નીચે લઈ જવામાં આવી રહ્યું છે.
"અગાઉ ભાજપ અથવા કોંગ્રેસના કોઈપણ રાજનેતાએ આ નિમ્નસ્તરની રાજનીતિ ગુજરાતમાં નથી કરી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












