મોદીએ પાટીદારના ગઢમાં સભા કેમ ન કરી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં સુરતના વિવિધ વિસ્તારોથી લોકો તેમને સાંભળવા કામરેજ વિધાનસભાથી આશરે 10 કીલોમીટર દૂર કડોદરામાં હતા.
તે સમયે બીબીસી ગુજરાતીની ટીમ નરેન્દ્ર મોદીના ટેકેદારો સાથે ફેસબુક લાઇવમાં વાતચીત કરી રહી હતી.
હજી તો ફેસબુક લાઇવ અડધે પહોંચ્યું, ત્યાં ઘણાં બધા લોકો સભાથી નીકળીને મુખ્ય ગેટ તરફ ચાલવા માંડયા હતા.
અમને થયું કે શું મોદીની સભા પૂર્ણ થઈ ગઈ? પરંતુ ધ્યાન દઈને સાંભળ્યું તો મોદીનું ભાષણ ચાલુ જ હતું.
લોકો મોદીનાં ભાષણ વખતે જ ચાલવા માંડ્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
અનેક ખુરશીઓ ખાલી થઈ રહી હતી અને અનેક ખુરશીઓ ખાલી થઈ ગઈ હતી.
ગુજરાતે નજીકના ઇતિહાસમાં ન જોયા હોય તેવા સૌથી લોકપ્રિય નેતાની સભામાંથી લોકોનું આવી રીતે ચાલ્યાં જવું કંઈક અજુગતું હતું.
ખાલી ખુરશીઓ અને સભા છોડી જતાં લોકો

ખાલી ખુરશીઓ અને નીરસ લોકો સુરતમાં ભાજપ માટે એલાર્મ વગાડી રહી હોય તેવું લાગ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે લોકો સાથે વાત કરી તો ઘણા લોકો પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું.
સુરતના પાટીદારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી મોદીની સભામાં પાટીદારોને બદલે પરપ્રાંતીય લોકો વધુ હતા.
હું અને મારા શુટ-એડીટ પવન જયસ્વાલે નક્કી કર્યું કે સભા સ્થળની વચ્ચે જઈને જાણીએ કે લોકોની સંખ્યા અને મોદીને સાંભળવા માટે લોકોનો રસ કેવો છે.
એ વાતમાં કોઈ બે મત નથી કે મોદીના ચાહકોથી ખુરશીઓ ભરાયેલી હતી, પરંતુ એ વાત પણ માનવી પડે કે આ સભા મોદીની 2014 પહેલાંની સભા જેવી નહોતી.
મેદની ભેગી કરનાર એ કીમિયાગરનો એ જાદુ ક્યાંક ફીકો પડતો નજરે પડ્યો.
2002થી ગુજરાતની ચૂંટણીઓનું રિપૉર્ટિંગ કરતા મને મોદીની સભામાં ક્યારેય ખાલી ખુરશીઓ જોવા મળી નથી.

શું મોદીનો જાદુ ઓસરી રહ્યો છે?

સુરત જેવા ભાજપના ગઢમાં એક તરફ જ્યા્ં વરાછા રોડ પર રાહુલ ગાંધી ૨૫ વર્ષો બાદ કોંગ્રેસ માટે હજારોની સંખ્યામાં લોકોની મેદની ભેગી કરવામાં સફળ થયા.
ત્યાં બીજી બાજુ સુરત શહેરથી દૂર મોદીની સભામાં ખાલી ખુરશીઓ જોઇને આશ્ચર્ય થયું.
જ્યારે લોકો જોડે વાત કરી તો જાણવા મળ્યું કે ઘણા લોકો સભા માટે કલાકોથી બેઠા હતા.
મોદીને આવવામાં મોડું થતાં કંટાળીને સભા છોડીને જવા માંડયા હતા.
પહેલા મોદીને સાંભળવા માટે કલાકો સુધી રાહ જોઈને બેસનાર લોકોની સંખ્યામાં ઘટોડો થતો હોય તેવું લાગ્યું.
લાખોની મેદનીને સંબોધીને લોકો સાથે પોતાનું કનેક્શન મેળવી લેતા મોદીનો 2014નો એ જાદુ મને સુરતમાં જોવા ન મળ્યો.
ભાજપનાં હોદ્દેદારો જોડે વાત કરતા જાણવા મળે છે કે આ સભા સુરત અને તેની આસપાસમાં રહેતા પાટીદોરોને ભાજપ તરફી કરવા માટેનો એક મોટો પ્રયાસ હતો.

પાટીદારોના ગઢમાં સભા કેમ ન કરી?

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ જ્યાં પાટીદાર મતદારોથી વિજેતા નક્કી થાય છે, તે કામરેજ, કરંજ, ઓલ્પાડ, વરાછા રોડ, સુરત ઉત્તર અને કતારગામ જેવી વિધાનસભા બેઠકોનાં વિસ્તારથી દૂર કડોદરામાં સભા કરવી તે પ્રશ્ન ઊભો કરે છે.
મેં જ્યારે પોલીસ સાથે વાત કરી તો જાણવા મળ્યું હતું કે તેમનો રિપોર્ટ હતો કે કામરેજ માં જો મોદીની સભા થાય તો પાટીદારો તે સભામાં ખલેલ પહોંચાડી શકે છે.
પોલીસના આ રિપોર્ટ પછી સભા કામરેજથી આશરે ૧૦ કિલોમીટર દૂર કડોદરામાં યોજવામાં આવી હતી.
આગાઉ જ્યારે મેં વરાછા રોડના સુરતના પાટીદારોથી વાત કરી હતી ત્યારે સામાન્ય પરિવારના પાટીદારોની હાડમારીમાં વધારો થયો છે, તે જાણવા મળ્યું હતું.
આવા અનેક પાટીદારો ભાજપથી દૂર થાય છે કે નહીં અને કોંગ્રેસને સુરતમાં એનો સીધો ફાયદો મળે છે કે નહીં તે તો 18 ડિસેમ્બરે જ ખબર પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












