શિયાળબેટ : 'મત માગે છે, પણ રેશનિંગની દુકાન નથી આપતા'

ઇમેજ સ્રોત, NANDAN DAVE
- લેેખક, વિજયસિંહ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા શિયાળબેટ નામના ટાપુમાં રહેતા લોકોને રાહત દરનું અનાજ મેળવવા માટે લાંબી સફર ખેડવી પડે છે.
શિયાળબેટના રહેવાસીઓએ સસ્તાની અનાજની દુકાનથી રેશન લેવા ૪૦ કિમી દૂર જાફરાબાદ જવું પડે છે.
જાફરાબાદ જઈને પાછા આવવાનું ભાડું જ ૨૦૦ રૂપિયા થઈ જાય અને એક દિવસની મજૂરી પણ ગુમાવવી પડે છે.
શિયાળબેટ ટાપુ પર રહેતા ૬૦ વર્ષીય ઘેલાભાઈ શિયાળે ઘણા સમયથી રેશનકાર્ડ પર મળતું રેશન લેવાનું બંધ કરી દીધું છે.
તમને આ પણ વાંચવું ગમશે
તે એકલા રહે છે અને અશક્ત છે અને રેશનની દુકાન (સરકાર માન્ય સસ્તાં અનાજની દુકાન) ૪૦ કિલોમીટર દૂર જાફરાબાદમાં આવેલી છે. આટલે દૂર તેઓ જઈ શકે તેમ નથી.

ઘેલાભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "થોડાં વર્ષો પહેલાં શિયાળબેટમાં જ સસ્તા અનાજની દુકાન બને એ માટે મેં લડત ચલાવી હતી.
"જો સરકાર સસ્તા અનાજની દુકાન શિયાળબેટમાં કરે, તો લોકોને સગવડ રહે અને ગરીબ માણસોને ઘઉં, ચોખા, કેરોસીન વગેરે સસ્તા ભાવે તેમનાં ઘર આંગણે મળી રહે.
"જોકે, હજુ સુધી અમારી આ માંગણી સંતોષાઈ નથી. હું થાકી ગયો છું.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, NANDAN DAVE
પીપાવાવ પોર્ટની સામે આવેલા શિયાળબેટની બીબીસી ગુજરાતીની ટીમે મુલાકાત લીધી હતી.
સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી, તેમને મૂંઝવતા પ્રશ્નોની જાણકારી મેળવી.
શિયાળબેટની કુલ વસતિ ૧૨ હજારની આસપાસ છે. તમામ વસતિ કોળી સમાજની છે. મોટાભાગના લોકો માછીમારી કરે છે.

ઇમેજ સ્રોત, NANDAN DAVE
કુલ ૧૨ હજારની વસતિમાંથી શિયાળબેટમાં હાલ અંદાજિત ત્રણ હજાર જેટલા લોકો રહે છે.
બાકીના લોકો જાફરાબાદમાં રહે છે અને માછીમારીના ધંધા સાથે જોડાયેલા છે.
ચોમાસામાં જ્યારે માછીમારીની સિઝન બંધ થાય એટલે આ બધા લોકો શિયાળબેટ પાછા આવે છે.
શિયાળબેટ જવા માટે પીપાવાવ પોર્ટની અંદરથી પસાર થવું પડે છે અને દરિયાકાંઠેથી બોટમાં બેસીને સામે આવેલા શિયાળબેટ પર જવાય છે.
શિયાળબેટના રહેવાસીઓને જો શિયાળબેટથી માત્ર સામેકાંઠે જઈને પાછાં આવવું હોય તો પણ જવા-આવવાના વીસ રૂપિયા ખર્ચવા પડે છે.

ઇમેજ સ્રોત, NANDAN DAVE
પાણીબહેન શિયાળ કહે છે, "અમે ગરીબ છીએ એટલે સરકારી રેશનની દુકાનનું અનાજ લેવું પડે છે.
"એ લેવા માટે, જો અમે જાફરાબાદ જઈને પાછાં આવીએ તો, બસો રૂપિયા તો માત્ર જવા-આવવાનું ભાડું જાય અને ત્રણસો રૂપિયાની રોજી ગુમાવવી પડે એ તો અલગ. તો તમે કહો, આ સસ્તું અનાજ અમને સસ્તું પડે કે મોંઘું?
ચૂંટણીનાં આ માહોલમાં પણ અહીંના રહીશોને તેમની આ અગવડનું સમાધાન નજરે નથી ચડી રહ્યું.
ભગવાનભાઈ બાલધિયા શિયાળબેટમાં જ રહે છે. તેમણે કહ્યું, "અહીં દરેક પ્રકારની ચૂંટણીમાં મતદાનની વ્યવસ્થા થાય છે.
"ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે પછી ધારાસભા કે દેશની ચૂંટણી બધી જ ચૂંટણીઓમાં અહીં મત આપવા માટે તંત્ર વ્યવસ્થા કરે છે.
“રાજકીય પક્ષો પણ અહીં ચૂંટણી પ્રચાર માટે આગેવાનોને મોકલે છે, એ લોકો મત લેવા આવે છે, પણ રેશનિંગની દુકાન નથી આપતા.
"અમારે એ દુકાનેથી મહિનામાં એક જ વખત રેશન લેવાનું હોય છે, તો એવી વ્યવસ્થા પણ નથી થતી કે કોઈ મહિનામાં એક વખત શિયાળબેટ આવીને અમને રેશનિંગ આપી જાય.”

ઇમેજ સ્રોત, NANDAN DAVE
અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી (ઇન્ચાર્જ) વી. એમ. પ્રજાપતિનો સંપર્ક કરતા તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે સસ્તા અનાજની દુકાન શિયાળબેટમાં બને એ અંગેની પ્રક્રિયા ચાલુ છે અને વહીવટીતંત્ર આ અંગે હકારાત્મક છે.
સ્થાનિક આગેવાન ચિથરભાઈ શિયાળ કહે છે, "સસ્તા અનાજની દુકાન વિશે અમે વારંવાર રજૂઆતો કરી છે, પણ સરકાર ઝડપથી કોઈ નિર્ણય લેતી નથી."
સ્થાનિક રહેવાસી જંડુરભાઇ કહે છે, "વર્ષો પહેલાં શિયાળબેટના તળમાં મીઠું પાણી હતું, પણ હવે એ તળનું પાણી ખારું થઈ ગયું છે. ખેતી નષ્ટ થઈ ગઈ છે, એટલે માછીમારી કરવા જાફરાબાદ જવા સિવાય છૂટકો નથી.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












