રાહુલ સામે રડનારાં મહિલાની શું છે હકીકત?

રાહુલ ગાંધી સામે રડતાં રંજનાબહેન અવસ્થી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીની સભામાં ફિક્સ પગારની વાત કરતા રંજનાબહેન રડી પડ્યાં હતાં

અમદાવાદમાં આયોજિત રાહુલ ગાંધીની જ્ઞાન અધિકાર સભામાં પોતાની વ્યથા વર્ણવતા એક મહિલા રડી પડ્યાં હતાં.

જે બાદ રાહુલ ગાંધી સ્ટેજ પરથી ઊતરીને તેમને મળવા દોડી ગયાં હતાં. રાહુલ ગાંધીએ ગળે મળીને તેમને સાંત્વના આપી હતી.

રંજનાબહેન અવસ્થી ફિક્સ પગાર અંગેની પોતાની વાત કહેતા ભાવુક થઈ ગયાં હતાં.

જોકે, આ બાબતે ગુજરાતના શિક્ષણમંત્રીએ ફિક્સ પગાર બાબતે સ્પષ્ટતા કરી છે, રંજનાબહેનને ખંડ સમયનાં પ્રાધ્યાપિકામાંથી પૂર્ણ સમયનાં પ્રાધ્યાપિકા તરીકેની નિમણૂક ઓક્ટોબરમાં આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં જ આપી દેવામાં આવી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

અમદાવાદના આંબાવાડીમાં રહેતા રંજનાબહેન એમ.બી. પટેલ રાષ્ટ્રભાષા કૉલેજમાં ખંડ સમયના પ્રાધ્યાપિકા તરીકે નોકરી કરે છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા રંજનાબહેને કહ્યું, "રાહુલ ગાંધીને મારી વ્યથા કહેતાં હું ભાવુક થઈ હતી.

"અમારો પ્રશ્ન કોઈ સાંભળતું નથી. અહીં મને અમારી સમસ્યા કહેવાની તક મળતાં હું બોલી હતી."

line

‘એ મારી વ્યથા હતી, જાહેર પ્રદર્શન ન હતું’

રંજનાબહેન અવસ્થી અને પૂર્વી ત્રિવેદી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, રંજનાબહેન અવસ્થી અને પ્રાધ્યાપિકા પૂર્વી ત્રિવેદી

તેમણે કહ્યું, "આ મારી વ્યથા હતી. એ કોઈ જાહેર પ્રદર્શન ન હતું."

તેમણે કહ્યું, "હું બાવીસ વર્ષથી નોકરી કરું છું, પરંતુ મને મહિને 12 હજાર રૂપિયા જેટલો પગાર મળે છે.

"હું કાયમી પ્રાધ્યાપિકા છું, પરંતુ ખંડ સમયની ગણાતી હોવાથી પૂર્ણ સમયના પ્રાધ્યાપકો જેટલો પગાર મળતો નથી."

કઈ રીતે તેમનો પગાર નક્કી થાય છે તેની વાત કરતા તેમણે કહ્યું કે અમને કોલેજમાં લેક્ચરના આધારે પગાર મળે છે.

જો મહિનામાં નવ લેકચર લેવાનાં થાય તો 18 હજાર રૂપિયા પગાર મળે અને છ લેક્ચર હોય તો મહિને 12 હજાર રૂપિયા મળે છે.

ઉપરાંત તેમણે કહ્યું, "ગુજરાતમાં આવા ખંડ સમયના 250 અધ્યાપકો છે. હું જ્યારે નોકરીમાં જોડાઈ, ત્યારે કોલેજમાં કેટલા લેક્ચરની જગ્યા ખાલી છે તેના આધારે ભરતી થતી હતી.

"એ સમયે 12 લેક્ચરની જગ્યા હોય તો પૂર્ણ સમયના પ્રાધ્યાપક ગણાતા. હું છ લેક્ચરની જગ્યા માટે જોડાઈ એટલે ખંડ સમયની પ્રાધ્યાપિકા ગણાઉં છું."

આગળ તેઓ કહે છે કે ત્યારબાદ ઘણી ભરતીઓ થઈ, પૂર્ણ સમયના પ્રાધ્યાપકોની ભરતીઓ પણ થઈ, પરંતુ અમારી પાસે લાયકાત હોવા છતાં અમને પૂર્ણ સમયના પ્રાધ્યાપક બનાવાયાં નહીં.

line

‘મોદીને પણ મળ્યાં હતાં પણ...’

રાહુલ ગાંધીને ગળે મળતાં રંજનાબહેન

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ તેમને ગળે મળીને સાંત્વના આપી હતી

અમારી માંગ છે કે અમે વર્ષોથી નોકરી કરીએ છીએ તો અમને પણ પૂર્ણ સમયના પ્રાધ્યાપકોની જેમ જ લાભ આપવામાં આવે. જેથી અમારો પગાર વધે અને અન્ય લાભો મળતા થાય.

ખંડ સમયના પ્રાધ્યાપકોને શું લાભ મળે છે તે પ્રશ્નના જવાબમાં રંજનાબહેન કહે છે કે અમને વર્ષની માત્ર છ સીએલ મળે છે એના સિવાય કોઈ લાભ મળતા નથી.

આ મામલે સરકાર શું કહી રહી છે તેવું પૂછતા તેમણે કહ્યું, "અમે સરકારને આ મામલે રજૂઆત કરી છે.

"અમે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરી હતી. એ સમયે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પગલાં લેવાયાં નહીં.

"આનંદીબહેન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રમણલાલ વોરાને પણ અમારી રજૂઆત કરી હતી.

"તો પણ કોઈ ઉકેલ આવ્યો નથી. એક સમયે તો અમને રજૂઆત કરવા માટે ન આવો એમ પણ કહી દેવામાં આવ્યું હતું."

line

શું કહ્યું શિક્ષણમંત્રીએ?

રાહુલ ગાંધી સામે રડતાં રંજનાબહેન અવસ્થી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, 'સરકારે અમને સરકારે અમને ફિક્સ પગાર આપી ફિક્સમાં મૂકી દીધા'

ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ મામલે સ્પષ્ટતા કરી.

તેમણે જણાવ્યું, “જ્યારે પણ સરકારને જરૂર પડે ત્યારે અમે ખંડ સમયમાંથી પૂર્ણ સમય માટે નામો મંગાવીએ છીએ. યુજીસી અને સરકારના નિયમો અનુસાર જે ક્વૉલિફાઇડ હોય, એમાંથી એમને તક આપીએ છીએ. એમાં આ બેનને તક મળી હતી.”

તેમણે વધુમાં જણાવ્યું, “મને મળેલી છેલ્લી માહિતી પ્રમાણે, દસમા મહિનામાં આચાર સંહિતા પહેલાં રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને નિર્ણય કર્યો છે અને 122 જગ્યા અમે પૂર્ણ સમયમાં કરી છે. આ બહેનનો નંબર તેમાં નવ્વાણુમો છે. તેમને ખબર પણ છે.”

જોકે, રંજનાબહેન અવસ્થીએ કહ્યું, "હવે સરકાર અમને ફિક્સ પગારધારક બનાવવા માગે છે.

"સરકાર કહે છે કે ખંડ સમયના પ્રાધ્યાપકોમાં જે પીએચ.ડી. છે, તેમને ફિક્સ પગારધારક બનાવવા અને પાંચ વર્ષ પછી મેરિટના આધારે તેમનો પગાર નક્કી કરવામાં આવશે.

"પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ હાલ ખંડ સમયના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા મોટાભાગના પ્રાધ્યાપકો નિવૃત્તિના આરે આવી જશે.

"જેથી અમને નિવૃત્ત થયા બાદ પણ કોઈ લાભ નહીં મળે. સરકારે અમને સરકારે અમને ફિક્સ પગાર આપી ફિક્સમાં મૂકી દીધા."

આ મામલે ખંડ સમયના પ્રાધ્યાપક મંડળના પ્રમુખ દિનેશ શાહ કહે છે કે આ મામલે ગુજરાત હાઇકોર્ટે અમારી તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.

પરંતુ સરકાર આ ચૂકાદા સામે સરકારે ડિવિઝનલ બેન્ચ સમક્ષ અપીલ કરી છે. યુજીસીએ પણ પાર્ટટાઇમ નિમણૂક રદ કરવાનો નિર્દેશ આપ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો