ચૂંટણીનાં પરિણામો મોદીના પ્રચાર પર આધાર રાખશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શકીલ અખ્તર
- પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદથી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ છે. અહીં સંખ્યાબંધ રેલીઓ અને સભાઓ થઈ રહી છે.
એક તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમના ગુજરાત પ્રવાસ પર છે અને બીજી તરફ ભાજપની સરકાર વાયદાઓ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 27મી નવેમ્બરથી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે અને રેલીઓ અને સભાઓને સંબોધિત કરશે.
તમને આ પણ વાંચવું ગમશે
પરંતુ આ સમયે ચૂંટણીનો પ્રવાહ કોઈ એક તરફનો નથી. ગત બે દાયકાથી ગુજરાત ભાજપનો ગઢ રહ્યું છે, પરંતુ આ વખતે જોઈ શકાય છે કે કોંગ્રેસ ભાજપને ટક્કર આપી રહી છે.

જોરદાર ટક્કરની શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણીના પ્રચારમાં ઘણા સમયથી સક્રિય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી નવેમ્બરે પ્રચાર શરૂ કરી સતત આઠ રેલીઓને સંબોધિત કરશે.
આ રેલીઓ સંકેત આપે છે કે ચૂંટણીમાં રાજકીય ખેંચતાણ જોવા મળશે. હવેના ભાષણોમાં એકબીજા વિરુદ્ધ આરોપો લગાવવાનો ક્રમ શરૂ થયો છે.
વીસ વર્ષ બાદ એવું વાતાવરણ ઊભું થયું છે કે ભાજપ વિરુદ્ધ કોઈ પક્ષ મજબૂતીથી લડી રહ્યો છે, બાકી તો એકતરફી વાતાવરણ જોવા મળતું હતું.

રાજ્યમાં મોદી જેવા નેતાઓ નથી

ઇમેજ સ્રોત, Reuters
આ વખતે કોંગ્રેસ માત્ર ઉત્સાહમાં નથી પણ તેમાં આત્મવિશ્વાસ પણ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં એવી પરિસ્થિતિ હતી કે કેટલાક સમુદાયો વર્ષોથી ભાજપને મત આપતા આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે આ સમુદાયો ભાજપ પ્રત્યેની નારાજગીના કારણે કોંગ્રેસની નજીક આવ્યા છે.
ઉપરાંત નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડ્યા બાદ આ પહેલી વિધાનસભા ચૂંટણી છે, જેમાં મોદી રાજ્યનાં રાજકારણમાં વધુ સક્રિય નથી અને દેશના વડાપ્રધાન છે.
મોદી શક્તિશાળી નેતા છે અને તેઓ કેન્દ્રમાં ગયા બાદ તેમની કક્ષાના નેતાઓ ગુજરાતમાં નથી. જે નેતાઓ છે તેઓ પણ એવા સ્તર પર છે જે સ્તર પર કોંગ્રેસના નેતાઓ છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ પણ એક કારણ છે કે ગુજરાતની ચૂંટણી ભાજપને પડકારરૂપ લાગી રહી છે.
'બાપુ'ના નામે ઓળખાતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજ્યસભા ચૂંટણીના થોડા દિવસો પહેલાં કોંગ્રેસથી અલગ થયા હતા. રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ ભાજપ અને જનસંઘનો હિસ્સો પણ રહ્યા છે.
ચૂંટણી પહેલા તેમણે નવો રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરી હતી, પરંતુ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર રહી છે.
નાના પક્ષો જેમ કે શિવસેના, એનસીપી અને શંકરસિંહ વાઘેલાનું મહત્ત્વ એક-બે બેઠકો માટે હોઈ શકે છે પરંતુ રાજ્યના રાજકારણમાં તેમની ભૂમિકા મોટી નથી. તેમનો હકારાત્મક કે નકારાત્મક પ્રભાવ દેખાતો નથી.

આર્કબિશપની અપીલની અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ગાંધીનગરસ્થિત ચર્ચના આર્કબિશપે અમદાવાદના તમામ ચર્ચોને એક પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રાર્થનાસભાના માધ્યમથી લોકોને ભલામણ કરવામાં આવે કે ક્યા પક્ષને મત આપવો,
તેમનો મત છે કે અહીં લઘુમતી સમુદાયો, પછાત જ્ઞાતિઓ અને દલિતો પર હુમલાઓ થઈ રહ્યા છે તેથી આ લોકો એવા પક્ષને ચૂંટે જે દેશની બિનસાંપ્રદાયિકતાને જાળવી રાખે.
ગુજરાતના રાજકારણમાં લઘુમતી સમુદાયો ગત ઘણાં વર્ષોથી ઉપેક્ષિત રહ્યા છે. અહીં સૌથી મોટો લઘુમતી સમુદાય મુસ્લિમોનો છે અને બાદમાં ખ્રિસ્તીઓ આવે છે.
જો કે અહીંનું રાજકારણ એવું સ્વરૂપ લઈ રહ્યું છે કે આ સમુદાયોની રાજકીય ભૂમિકા હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.
મને નથી લાગતું કે આ અપીલોની કોઈ અસર થાય. આ લઘુમતીઓ પહેલાં પણ ભાજપની વિરુદ્ધ હતા અને કોંગ્રેસને મત આપતા આવ્યા છે.
તેમના મોટાભાગના મત કોંગ્રેસને મળતા રહ્યા છે અને તેનાથી કોઈ મોટો તફાવત સર્જાશે તેવું લાગતું નથી.

રેલીનો જવાબ રેલીથી

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીની રેલીઓમાં લોકોની મોટી ભીડ જોવા મળી રહી છે. પહેલીવાર એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસને અહીં લોકોનો પ્રતિભાવ મળી રહ્યો છે.
તેમની રેલીઓમાં યુવાવર્ગ પણ બહોળી સંખ્યામાં સામેલ થઈ રહ્યો છે. ભાજપની સભાઓમાં પણ લોકો ઊમટી રહ્યા છે, પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે મોદી હજુ સુધી મેદાનમાં ઊતર્યા નથી.
ગુજરાતની ચૂંટણી તેમના માટે સન્માનની લડાઈ છે અને તેમનાં ગુજરાત મોડલની સ્વીકૃતિની લડાઈ છે. તેમના રાજકીય વર્ચસ્વ માટે પણ આ ચૂંટણી એક પડકાર છે.
ગુજરાતનાં કેટલાંક રાજકીય વિશ્લેષકોનો મત છે કે મોદી કેવી રીતે પ્રચાર કરે છે તેના પર ઘણાં પરિબળો આધાર રાખે છે.
કહેવાઈ રહ્યું છે કે જો તે આટલાં મોટા પાયા પર પ્રચાર કરશે તો કોંગ્રેસને નુકસાન થઈ શકે તેમ છે. આ ચૂંટણીના પરિણામો નરેન્દ્ર મોદીના પ્રચાર પર આધાર રાખે છે.
(બીબીસી સંવાદદાતા શકીલ અખ્તરના માનસી દાશ સાથેના વાર્તાલાપના આધારે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












