શું મોદીના ગઢમાં કોંગ્રેસની નૈયા પાર કરી શકશે રાહુલ ગાંધી?

રાહુલ ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું રાહુલ ગાંધીના સુધરેલા સંવાદથી ગુજરાતમાં તેમને ફાયદો મળી શકશે ?

કટાક્ષભર્યા અંદાજમાં રાહુલ ગાંધી દ્વારા ભાજપ મામલે કરવામાં આવતી ટિપ્પણીઓ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની સભાઓમાં તેઓ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે અને ભાજપને વાગે તેવા આકરા પ્રહાર પણ કરી રહ્યા છે.

શું રાહુલ ગાંધીએ પોતાના સંવાદની રીતને સફળતાપૂર્વક સુધારી નાખી છે?

તમને આ પણ વાંચવું ગમશે

તેમની રજૂઆત માં આવેલું પરિવર્તન ગુજરાતમાં કોંગ્રેસને મત મેળવી આપશે?

line

મુદ્દા પર વાંચો વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીનો લેખઃ

રાહુલ ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, Facebook/Rahul Gandhi

ઇમેજ કૅપ્શન, ભાષણમાં આક્રમકતાને કારણે રાહુલ ગાંધી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે

રાહુલ ગાંધી ગત મહિને જ્યારે અમેરિકાની યુનિવર્સિટીમાં ગયા તો ત્યાં તેમણે પોતાના વક્તવ્યથી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

રાહુલ ગાંધીમાં સુધાર જોવા મળે છે. તેમના શાબ્દિક હુમલા પણ ધારદાર લાગે છે.

પરંતુ રાહુલના પોતાના હુનર સિવાય પણ ગુજરાતમાં કોંગ્રેસે પોતાના સંવાદ અને સોશિઅલ મીડિયાના મોરચે પણ ખૂબ સુધાર કર્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની આક્રમકતા જાહેર થઈ રહી છે.

સોશિઅલ મીડિયા પર કોંગ્રેસે ચલાવેલો ટ્રેન્ડ 'વિકાસ ગાંડો થયો છે' વાઇરલ થયો છે. આ વાત ઘર ઘરમાં સાંભળવા મળી. જેને કારણે ભાજપે રક્ષણાત્મક સ્થિતિમાં આવી જવું પડ્યું છે.

line

જનતાનો મિજાજ પણ બદલાયો

ગુજરાતમાં રાહુલ ગાંધીની રેલી સમયના દૃશ્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સમયની સાથે જનતાના મૂડમાં બદલાવ આવ્યો છે અને તેનાથી નેતાઓના રંગઢંગ બદલાયા છે

આ સિવાય જે વસ્તુ બદલાઈ છે તે છે જનતાનો મિજાજ. જનતાનો મિજાજ બદલાય તો નેતાઓનાં રંગઢંગ પણ બદલાઈ જાય છે.

કોંગ્રેસના લોકો કહે છે કે પહેલા અમે નરેન્દ્ર મોદી કે ભાજપ પર હુમલો કરતા હતા તો લાગતું કે અમે દિવાલો સાથે વાત કરી રહ્યા છીએ. પણ હવે લાગે છે કે અમારી વાત સાંભળવામાં આવી રહી છે.

ગુજરાતમાં આ બાબતને એક મોટા બદલાવ તરીકે જોવાઈ રહી છે. ઘણા લોકોને લાગે છે કે ગુજરાતમાં કોંગ્રેસ તેનો સાચો ચહેરો બતાવી શકતી તો તેની પાસે જીતનો મોકો પણ હોત.

મને લાગે છે કે હાલ કોંગ્રેસ જે રીતે ચર્ચામાં જોવા મળી રહી છે, તે કોઈ એક નેતાના કારણે નથી પણ આખી પાર્ટીના કારણે છે. કોંગ્રેસની સુધરેલી રણનીતિ અને રાહુલના આક્રમક રૂપના અલગ અલગ કારણ છે.

line

મોદી વિરૂદ્ધ હજુ નથી આવ્યું 'પ્રસ્થાન બિંદુ'

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીની ભાષણો પણ પકડને લીધે તેમને પડકાર આપવો ખૂબ અઘરો છે

રાહુલ પોતાની રજૂઆત અને લોકો સાથેનાં સંવાદમાં તો સુધારો કરી રહ્યા છે. પણ સવાલ એ છે કે નજીકના ભવિષ્યમાં શું તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત સંવાદને પડકાર આપી શકશે?

મારૂં માનવું છે કે જ્યાં સુધી સંવાદના હુનરની વાત છે તો રાષ્ટ્રીય સ્તર પર વડાપ્રધાનની નજીક કોઈ જોવા નથી મળતું.

અમિત શાહના પુત્ર જય શાહને લઈને તપાસમાં ભલે ગમે તે વસ્તુ સામે આવે, પણ હાલ સવાલ તો ઉઠી ગયા છે.

અર્થવ્યવસ્થાને લઈને પણ ચિંતા છે. તે છતાં મને નથી લાગતું કે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ 'પ્રસ્થાન બિંદુ' આવી ગયું છે.

હજુ સુધી લોકો તેમની તરફ એક જાદુઈ નેતા તરીકે જૂએ છે. આ સાથે જ સોશિઅલ મીડિયા અને ભાષણો પર તેમની જે પકડ છે, તેમાં તેમને પડકાર ફેંકનાર કોઈ નથી.

રાહુલ ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોંગ્રેસની આશા છે કે જેમ બને તેમ વધુ લોકોમાં ભાજપ વિરૂદ્ધ ગુસ્સો ભડકે

આ સ્તર પર તો રાહુલ માટે એટલી જ મોટી સમસ્યા છે કે જેટલી વર્ષ 2014માં હતી. અત્યારે લોકો અધીર છે. પરંતુ જો તે આક્રોશમાં બદલાઈ જાય છે, તો લોકો કંઈ પણ જોયા વગર ભાજપને હરાવવા માટે મત આપશે.

પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ નથી આવી. કોંગ્રેસની આશા તેના પર જ નિર્ભર છે કે જમીની સ્તર પર ભાજપ વિરૂદ્ધ ગુસ્સો કેટલો ઉભો થઈ શકે છે.

line

જ્યાં કોંગ્રેસ પાસે ચહેરો હતો, ત્યાં ફાયદો મળ્યો

કેપ્ટન અમરિંદર સિંહ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, અત્યાર સુધી કોંગ્રેસે જ્યાં જ્યાં ચહેરા ઉતાર્યા, ત્યાં ત્યાં તેને સફળતા મળી છે

કોંગ્રેસે પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહને ઉમેદવાર બનાવ્યા હતા. ત્યાં તેમનો પોતાનો જનાધાર છે અને ત્યાં તેમને જીત મળી. આ જ રીતે કર્ણાટકમાં સિદ્ધારમૈયાની એક મજબૂત નેતા તરીકે ઓળખ છે.

થોડા મહિના પહેલા કહેવામાં આવતું હતું કે કર્ણાટકમાં ભાજપ ચોક્કસથી જીત મેળવશે. પરંતુ આજે એવું નથી કહી શકાતું. ટક્કર ખૂબ રસપ્રદ બની ગઈ છે.

આ જ રીતે હરિયાણામાં ભૂપેન્દર સિંહ હુડ્ડાની મુશ્કેલીઓ ઓછી નથી થઈ, પણ લાગે છે કે તેઓ પરત ફરવાની રાહ પર છે.

જ્યાં જ્યાં કોંગ્રેસે ક્ષેત્રીય નેતાઓને ચહેરા તરીકે ઉતાર્યા, ત્યાં તેને જીત મળી અથવા તો તેનો ફાયદો પહોંચ્યો. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસને એ જ નુકસાન છે.

એટલે મને નથી લાગતું કે ગુજરાતમાં લોકોને રાહુલ ગાંધીના ચહેરાથી કંઈ વધારે ફેર પડશે. બીજી તરફ મોદીના જવાનો ફેર ચોક્કસથી પડશે કેમ કે તે લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે.

બીજુ, મોદીને હરાવવા માટે 'ગુજરાતી ગૌરવ'નો ભાવ પણ વચ્ચે આવશે. ભાજપ એ રીતે પ્રચાર કરશે કે જો મોદી હાર્યા તો એ ગુજરાતના ગૌરવ પર ધબ્બા સમાન હશે.

line

મોદીનો જાદુ ઓછો થયો

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, અર્થવ્યવસ્થાની ધીમી ગતિથી લોકો પરેશાન છે. પણ તેનાથી કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળશે ?

એ વાતમાં કોઈ શંકા નથી કે ઉત્તર ભારતમાં વડાપ્રધાનના વ્યક્તિત્વની જેવી અસર હતી, તે હવે ઓછી થઈ છે. ઘરોમાં થતી ચર્ચાઓમાં ફેર જોવા મળી રહ્યો છે.

મધ્યમવર્ગના ઘણા લોકો કદાચ વિચારી રહ્યા હશે કે વર્ષ 2019માં તેઓ કોને મત આપશે.

એવું બની શકે છે કે તેઓ નોટાને પસંદ કરે, એવું પણ બની શકે છે કે તેઓ મત આપવા જ ન જાય. કેમ કે તેમને કોઈ વિકલ્પ નથી જોવા મળી રહ્યો.

અર્થવ્યવસ્થાની ધીમી ગતિથી લોકો ખૂબ પ્રભાવિત થયા છે. ઉદાહરણ તરીકે જે લોકોની નોકરીઓ ગઈ છે, તેઓ ખૂબ નારાજ છે.

ગરીબ પરિવારના મોટા ભાગના લોકો કહે છે કે ઘણી વસ્તુઓના ભાવ વધી જવાથી તેમની મુશ્કેલીઓ વધી છે.

પરંતુ તેમને પૂછો કે મત કોને આપશો તો ઘણા લોકો એવું જ કહેશે કે મોદીનો આપીશું કેમ કે તેઓ અમારા માટે કંઈક કરશે.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગરીબોના મનમાં મોદીએ જગાવેલી આશા હજુ પણ કાયમ છે

ગરીબોના મનમાં મોદીએ જે આસ્થા અને આશા જગાવી છે, તે હજુ પણ કાયમ છે. હજુ સુધી ભલે તેમણે લોકોની આશા પુરી ન કરી હોય, પણ લોકોને લાગે છે કે આગળ ચાલીને તેઓ કંઈક કરશે.

જો કે સ્થિતિ એવી નથી, જેવી ગત વર્ષે હતી. સરકારમાં પણ ચિંતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આર્થિક મુદ્દાઓ ખૂબ મહત્વના જોવા મળી રહ્યા છે.

મોદીએ થોડી પકડ ગુમાવી છે અને થોડી અપીલ ગુમાવી છે, પણ પ્રસ્થાન બિંદુ હજુ પણ નથી આવ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો