કોંગ્રેસમાં પરિવારવાદ પરંપરા છે કે મજબૂરી?

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે સોમવારે રાહુલ ગાંધીએ પક્ષની પ્રક્રિયા પ્રમાણે ફોર્મ ભર્યું હતું. હવે તેમની સામે જો કોઈ ચૂંટણીમાં ફોર્મ નહીં ભરે, તો રાહુલ બિનહરિફ વિજેતા બનીને પક્ષના સર્વેસર્વા બનશે.
જો ચૂંટણી થશે તો પણ તેઓ બહુમતીથી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે.
પક્ષના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી નહેરુ-ગાંધી પરિવારની પાંચમી પેઢીના સભ્ય હશે, જે ભારતનાં સૌથી જૂના રાજકીય પક્ષનું સુકાન સંભાળશે.
કોંગ્રેસનું પરિવારવાદનું આ માળખું માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, રાજ્ય સ્તરે પણ છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના ત્રણ મુખ્યમંત્રીઓના પુત્રો હાલ પક્ષના રાજ્ય એકમના મુખ્ય નેતાઓ છે.
તમને આ વાંચવું પણ ગમશે:
માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ ગુજરાતના કોંગ્રેસ એકમના પ્રમુખ છે. ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે.
અમરસિંહ ચૌધરીના પુત્ર ડૉ. તુષાર ચૌધરી પણ કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારમાં કેંદ્રીય મંત્રી હતા.

પરિવારવાદ કોંગ્રેસની ટીકાનું કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસના વિરોધી પક્ષો માટે પરિવારવાદ એ મહત્ત્વનો મુદ્દો રહે છે. કોંગ્રેસને પણ તેની ટીકાનો સામનો કરવો પડે છે.
આમ છતાં કોંગ્રેસ પક્ષ આ માળખામાંથી બહાર કેમ નથી નીકળી શકતો, તે વિશે વાત કરતા સામાજિક રાજકીય બાબતોના વિશ્લેષક પ્રો. ઘનશ્યામ શાહે કહ્યું, "કોંગ્રેસમાં એવું નથી કે બધાંને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે પ્રેમ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે વધુમાં કહ્યું, "પક્ષમાં પણ બધા એવું નથી માનતા કે એમનામાં દૃષ્ટી છે. પણ બધા એવું ચોક્કસ માને છે કે એ નહીં હોય તો બધા અંદરોઅંદર લડીને પક્ષમાં અનેક ટુકડા કરી નાખશે.”
“મને તો આ જ એકમાત્ર કારણ લાગે છે કે, કોંગ્રેસમાં પરિવારવાદ ચાલે છે."
તેમણે જણાવ્યું "એ પણ શક્ય છે, જ્યારે રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી ન હોય તો પક્ષમાં નેતા કોણ બને એ વાત પર લડાઈ થાય.”

‘પરિવાર વિના કોંગ્રેસ તૂટી જાય’

ઇમેજ સ્રોત, Getty Images
પ્રો. શાહે કહ્યું, “હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે, જો આ પરિવારને ત્યાગી દેવામાં આવે તો, કદાચ કોંગ્રેસ જરા તૂટી પણ જાય. છતાંય એ કોંગ્રેસ માટે સારું છે."
"કોંગ્રેસ માટે કે સમાજની કોઈપણ સંસ્થામાં આવી મુશ્કેલીઓ આવે અને તેનાથી ડરીને તમે ભાગો તો તમારો વિકાસ નથી થઈ શકતો.
“હાલ કોંગ્રેસમાં બધા અત્યારે જે થઈ રહ્યું છે, તે કોંગ્રેસને માત્ર જાળવી રાખવા માટે છે, તેના વિકાસ માટે નથી.”
પ્રો. શાહે કહ્યું, "હાલમાં રાહુલને પક્ષનું સૂકાન સોંપવાનું આ પગલું એ મને ડહાપણભર્યું નથી લાગતું.
“એવી જ સ્થિતિ ગુજરાતની છે, કે પરિવારવાદના કારણે હાલ કોંગ્રેસમાં જે મોટા નેતાઓ છે, તેમના નેતૃત્વને કારણે પક્ષમાં જૂથ પડેલાં જ છે."

‘લોકોને આ વ્યવસ્થા કોઠે પડી ગઈ છે’

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશે ગુજરાતની સામાજિક બાબતોના અવલોકનકાર અચ્યુત યાજ્ઞિક કહે છે, "કોઈપણ રાજકીય પક્ષમાં આંતરિક લોકશાહી છે જ નહીં.
“એ કોંગ્રેસ હોય લાલુ પ્રસાદ યાદવનો રાષ્ટ્રીય જનતા દળ હોય કે ભારતીય જનતા પક્ષ. ભારતમાં આ પ્રકારની જ પરંપરા છે, આપણે ત્યાં સામંતશાહી પદ્ધતિ એક રીતે ચાલુ જ રહી છે."
યાજ્ઞિકે ઉમેર્યું, "નજીકનાં ભવિષ્યમાં તો આ સ્થિતિનો કોઈ વિકલ્પ દેખાતો નથી. આપણા સમાજમાં પણ લોકોને આ પ્રકારની વ્યવસ્થા કોઠે પડી ગઈ છે.”
“આમ તો આ સ્થિતિનો કોઈ સીધો ગેરલાભ નથી, પરંતુ આપણે સમાજમાં જે સમાનતા લાવવાની વાત કરીએ છીએ, તે સમાનતા લાવવામાં વિલંબ થાય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














