યોગી આદિત્યનાથનો પ્રભાવ ગુજરાતના મતદારો પર કેમ નથી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પારસ કે જ્હા
- પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી
ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને મળેલા વિજયને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સફળતા માનવામાં આવી રહી છે.
પરંતુ એક સમયે ભાજપ માટે હિંદુત્વની પ્રયોગશાળા ગણાતાં ગુજરાતમાં યોગીની જન સભાઓને ભાજપની અપેક્ષા પ્રમાણે પ્રતિસાદ નથી મળી રહ્યો.
ગયા સપ્તાહે જ જામનગરમાં થયેલી જન સભા વિશે તે સભામાં હાજર રહેલા સ્થાનિક પત્રકાર દર્શન ઠક્કરે કહ્યું, "યોગી આદિત્યનાથની સભા જે સ્થળે હતી, ત્યાં લગભગ 2500 લોકોની બેસવાની વ્યવસ્થા હતી.
"પરંતુ તેમની સભા વખતે માંડ હજારથી બારસો જેટલા લોકો હાજર હશે. એમાં પક્ષના કાર્યકર્તાઓની પણ સંખ્યા આવી ગઈ.
"લોકોમાં તેમની સભામાં આવવાનો કોઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહોતો."
તમને આ વાંચવું પણ ગમશે:
યોગી આદિત્યનાથની જન સભામાં પાંખી હાજરી પહેલી વખત નહોતી.

પહેલાં પણ પ્રતિસાદ નહોતો મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ તે પહેલાં જ ભાજપે પ્રચારનાં ભાગરૂપે શરૂ કરેલી ગૌરવ યાત્રામાં પણ યોગીએ વલસાડ, પારડી જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સભા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરતના પત્રકાર ફૈસલ બકીલીએ બીબીસીને જણાવ્યું કે, તે સમયે પણ ત્યાં પણ યોગીની જાહેરસભાઓને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો.
એટલે સુધી કે દેશનાં સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીએ અંડરબ્રિજ નીચે જાહેરસભા સંબોધી હતી.
આ વિશે વાત કરતાં ગુજરાત યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના નિવૃત્ત પ્રોફેસર દિનેશ શુક્લએ કહ્યું, "ગુજરાતમાં યોગીની અસર નથી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો જ પ્રભાવ વધુ છે.
"યોગીની લોકપ્રિયતા ઉત્તરપ્રદેશની બહાર નથી. જ્યાં છે, ત્યાં સિમિત છે."

હિંદુત્વની લહેર નથી?

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે વધુમાં કહ્યું, "આ ઉપરાંત એક સમયે ગુજરાતમાંથી અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાઓ કાઢી હતી.
"હવે તેવું વાતાવરણ રહ્યું નથી, પહેલાં જેવી હિંદુત્વની વાત કે લહેર હવે ગુજરાતમાં ચાલતી નથી."
તેમની વાત સાથે સહમત થતાં દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ઘનશ્યામ શાહે કહ્યું, "હિંદુત્વ એક ઇમોશન હતું. કોઈ પણ આવેશ જે સમય જતાં ઠંડો પડી જાય, તેવી જ રીતે હિંદુત્વ પણ ઠંડું પડી ગયું છે.
"આ ઉપરાંત સામાન્ય માણસો માટે રોજબરોજનું જીવન ચલાવવા માટેનો સંઘર્ષ વધી ગયો છે અને આ પ્રશ્નો ભાજપ ઉકેલી શક્યો નથી.
"તમે માણસોને એક વખત મૂર્ખ બનાવી શકો, બે વખત મૂર્ખ બનાવી શકો, દર વખતે મૂર્ખ ન બનાવી શકો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












