અયોધ્યામાં મંદિર, મસ્જિદ બીજે ક્યાંય બને : શિયા વક્ફ બોર્ડ

ઇમેજ સ્રોત, Syed waseem rizvi
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
દેશના સૌથી મોટા બાબરી મસ્જિદ-રામ મંદિર વિવાદનો આસાન ઉકેલ ઉત્તર પ્રદેશના સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી પાસે છે.
વસીમ રિઝવી ઈચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બને અને મસ્જિદ અયોધ્યા અને ફૈઝાબાદની બહાર કોઈ જગ્યાએ બનાવવામાં આવે.
વસીમ રિઝવી આ સંબંધે વારંવાર નિવેદનો આપતા રહ્યા છે અને તેમનાં નિવેદન દરેક વખતે મીડિયામાં હેડલાઈન બનતાં રહ્યાં છે.
સવાલ એ છે કે અયોધ્યા વિવાદનો ઉકેલ આટલો સરળ છે?
કોર્ટમાં ચાલી રહેલા કેસ અને પક્ષકારો વચ્ચે થઈ રહેલી વાટાઘાટોમાં વસીમ રિઝવીના આ નિવેદનનું કોઈ મહત્વ છે?
વસીમ રિઝવી દાવો કરે છે કે બાબરી મસ્જિદનું નિર્માણ મીર બાકીએ કર્યું હતું અને તેના છેલ્લા ઉત્તરાધિકારી શિયા મુસલમાનો છે.
તેથી બાબરી મસ્જિદ શિયાઓની સંપત્તિ છે અને તેના વિશે નિર્ણય લેવાનો હક્ક શિયા વક્ફ બોર્ડને છે.

શિયા બોર્ડે પોતાની બાજુ ક્યારેય રજૂ નથી કરી

ઇમેજ સ્રોત, AFP GETTY
બીજી તરફ બાબરી મસ્જિદ એક્શન કમિટીના વકીલ જફરયાબ જિલાની અલગ વાત કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું, ''વસીમ રિઝવીનાં નિવેદનોનું કાયદાકીય રીતે કોઈ મહત્વ નથી.
બાબરી મસ્જિદ શિયા વક્ફની સંપત્તિ હોવાનો દાવો શિયા વક્ફ બોર્ડે 1945માં કર્યો હતો.
જોકે, ફૈઝાબાદના સિવિલ જજે 1946માં તેને ફગાવી દીધો હતો અને મસ્જિદને સુન્ની મસ્જિદ ગણાવી હતી.''
જફરયાબ જિલાનીએ કહ્યું હતું, ''1989માં હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસ ક્રમાંક પાંચમાં શિયા વક્ફ બોર્ડને એક પક્ષકાર બનાવવામાં આવ્યું હતું.
એ પછી બોર્ડે કોઈ જવાબ પણ દાખલ કર્યો ન હતો કે કોર્ટમાં દાવો પણ રજૂ કર્યો ન હતો.
2010માં બાબરી મસ્જિદ સંબંધી ચુકાદો આવી ગયો ત્યાં સુધી તેમણે હાઈકોર્ટમાં કંઈ કર્યું ન હતું.
તેનું કારણ એ હતું કે આ કેસ સાથે પોતાને કોઈ સંબંધ નથી એવું શિયા વક્ફ બોર્ડ માનતું હતું.''

'હિંદુઓ પોતાનું મંદિર બનાવી લે'

આ પરિસ્થિતિમાં ઉત્તર પ્રદેશનું શિયા વક્ફ બોર્ડ બાબરી મસ્જિદ વિવાદમાં અચાનક સક્રીય કેમ થયું?
આ સવાલના જવાબમાં વસીમ રિઝવીએ કહ્યું હતું, ''આ કેસ બાબતે અંદરોઅંદર મસલત કરી નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટે 21 માર્ચ 2017ના રોજ જણાવ્યું હતું."
"મેં આ મુદ્દે સુન્ની વક્ફ બોર્ડ સાથે ઘણીવાર વાત કરી હતી, પણ તેઓ તૈયાર થયા ન હતા."
"તેથી અમારે કહેવું પડ્યું કે આ સંપત્તિ તમારી નથી. તેના વિશે નિર્ણય લેવાનો હક્ક અમને છે અને અમે નિર્ણય કરીશું.''
વસીમ રિઝવીએ ઉમેર્યું હતું, ''અયોધ્યા-ફૈઝાબાદમાં મસ્જિદ ન બનવી જોઈએ એવું અમે નક્કી કર્યું છે."
"મસ્જિદ ત્યાંથી દૂર મુસ્લીમોની બહુમતીવાળા વિસ્તારમાં બનવી જોઈએ."
"વિવાદાસ્પદ સ્થળે હિંદુઓ ભલે તેમનું મંદિર બનાવે.''
વસીમ રિઝવીએ કહ્યું હતું, ''મસ્જિદ મીર બાકીએ બનાવી હતી, પણ જે વિવાદમાં 2,000થી વધુ લોકોનાં મોત થયાં છે તેનો અમે અંત લાવવા ઇચ્છીએ છીએ."
"અમે ઝઘડો નથી ઈચ્છતા. જ્યાં લોહી રેડાયું હોય તેને શિયા ધર્મ પરંપરા અનુસાર ઈબાદત માટે યોગ્ય ગણવામાં આવતી નથી.''
વસીમ રિઝવીએ એમ પણ કહ્યું હતું કે ''હવે ત્યાં મસ્જિદનું અસ્તિત્વ નથી."
"જે નવી મસ્જિદ બનાવવાની વાત કરવામાં આવી રહી છે તેને માનવતાનો પુરાવો આપતા અને વિવાદનો અંત લાવવા અમે અન્યત્ર બનાવવા ઈચ્છીએ છીએ."
"હું માનું છું કે શરિયત પ્રમાણે પણ એ યોગ્ય છે.''

શિયાઓ બાબરી મસ્જિદ સાથે

ઇમેજ સ્રોત, YASOOB ABBAS
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડ એક સરકારી સંસ્થા છે, જે ઉત્તર પ્રદેશમાંની શિયા સમુદાયની સાર્વજનિક સંપત્તિઓની દેખભાળ કરે છે.
સવાલ એ છે કે શિયા વક્ફ બોર્ડ શિયા મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરે છે?
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડ સાથે સંકળાયેલા યાસૂબ અબ્બાસે કહ્યું હતું, ''શિયા વક્ફ બોર્ડ સરકારી સંસ્થા છે અને તેના નિવેદન વિશે અમે ટિપ્પણી નહીં કરીએ."
જોકે, ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડનું વલણ એકદમ સ્પષ્ટ છે.
બાબરી મસ્જિદ વિવાદમાં અમે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને બાબરી મસ્જિદ સમિતિની સાથે છીએ. અમે હંમેશા તેમની સાથે રહ્યા છીએ.
યાસૂબ અબ્બાસે ઉમેર્યું હતું, ''બાબરી મસ્જિદના મુદ્દે સામાન્ય મુસલમાનો જે માને છે એ જ શિયા પર્સનલ લો બોર્ડ અને શિયા મુસલમાનો પણ માને છે.''
યાસૂબ અબ્બાસે કહ્યું હતું, ''અમે બાબરના વિરોધી હોઈ શકીએ, ઔરંગઝેબના વિરોધી હોઈ શકીએ, મોગલ બાદશાહોના વિરોધી હોઈ શકીએ, પણ મસ્જિદના મુદ્દે અમે મસ્જિદ સાથે છીએ.''

વસીમ રિઝવીના અભિપ્રાયનું મહત્વ નથી

ઇમેજ સ્રોત, Reuters
બાબરી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ સમુદાયના મુખ્ય પક્ષકાર હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીએ કહ્યું હતું, "વસીમ રિઝવીની વાત કોઈ નહીં સાંભળે. તેમની વાતને કોઈ ગંભીર નથી ગણતું."
ઈકબાલ અંસારીએ કહ્યું હતું, ''તેઓ હિંદુ,મુસલમાનો અને શિયા-સુન્ની વચ્ચે નફરત ફેલાવવાની વાત કરે છે."
"બાબરી મસ્જિદ એક મોટો મુદ્દો છે. લોકો તેમાં રાજકારણ રમે છે."
"ચૂંટણી યોજાવાની હોય છે ત્યારે બધા પ્રકારના લોકો ચાલ્યા આવે છે અને મંદિર બનાવવાના નામે મત માગે છે."
"અહીં કોઈ સમાધાન માટે નથી આવતું, રાજકારણ રમવા માટે આવે છે.''
ઈકબાલ અંસારીના જણાવ્યા અનુસાર, ''આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે. પારસ્પરિક સહમતી વડે વિવાદ ઉકેલવાની વાત પણ થઈ છે."
"બન્ને પક્ષો થોડું નમતું મૂકે ત્યારે સમાધાન થઈ શકે. હવે વસીમ રિઝવી તો લખનૌમાં મસ્જિદ બનાવવાની વાત કરે છે, જે અમને સ્વીકાર્ય નથી."
"કેસ સુપ્રીમ કોર્ટમાં છે અને હવે કોર્ટ નક્કી કરશે એ જ થશે.''
ઈકબાલ અંસારીએ સવાલ કર્યો હતો, ''આ વિવાદ તો 70 વર્ષથી ચાલે છે. અત્યાર સુધી તેઓ ક્યાં હતા?"
"તેમને શિયા-સુન્ની વિવાદ ભડકાવવા માટે લાવવામાં આવ્યા છે. તેઓ અયોધ્યા આવે છે ત્યારે મુસલમાનોના પક્ષની વાત નથી કરતા."
"કેટલાક લોકોને મળીને ચૂપચાપ ચાલ્યા જાય છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












