દૃષ્ટિકોણ: યોગીની ટ્રેનિંગ સંઘની નહીં હિંદુ મહાસભાની વિચારધારા મુજબ થઈ છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પુણ્ય પ્રસૂન વાજપેયી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ડૉટ કૉમ માટે
2019ની લોકસભા ચૂંટણીઓમાં કોનો વિજય થશે અને કોનો પરાજય, આજની તારીખે આ અંગે અભિપ્રાય જુગાર રમવા જેવું છે.
પરંતુ જે રીતે ગોરખપુરની બેઠક પર ભાજપનો પરાજય થયો છે, તે જોતા ત્રણ સવાલ ઊભા થાય છે.
પહેલો, ચૂંટણીમાં જાતિગત ગણિતના આધારે લડાશે. બીજું, 'વિકાસ'નો નારો એ 'ગરીબી હટાવો'ની જેમ નારો જ છે.
ત્રીજું, જે રીતે પરિવર્તનની લહેર ઊભી થઈ છે, તેને જોતા એક દમદાર રાજનેતાની જરૂર છે, પણ નેતા રાહુલ ગાંધી નથી.

હિંદુ મહાસભા વિ. સંઘ પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images
મતલબ કે ઇચ્છીએ કે ન ઇચ્છીએ 2014ના જનાદેશને પડકારવા માટે 2019નું વર્ષ સજ્જ થઈ રહ્યું છે.
દાયકાઓથી ગોરખપુર લોકસભા બેઠકની ઓળખ હિંદુ મહાસભા સાથે સંકળાયેલી રહી છે.
રાજકીય રીતે હિંદુ મહાસભાએ માત્ર ગોરખપુરની બેઠક પર જ સંઘ પરિવારને પડકાર આપ્યો છે.
અહીં મહંત દિગ્વિજયનાથથી માંડીને અવૈદ્યનાથ સુધીના કાળમાં જનસંઘ કે ભાજપ તેમની સામે ટકી શક્યા ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અને યોગી આદિત્યનાથની રાજકીય ટ્રેનિંગ સંઘની શાખામાં નહીં, પરંતુ ગોરખધામ પર પ્રભુત્વ ધરાવતી હિંદુ મહાસભાની વિચારસરણી મુજબ થઈ છે.
તમને આ વાંચવું પણ ગમશે:
હિંદુત્વ સંદર્ભે સાવરકર તથા હેડગેવારના વિચારો વચ્ચે વારંવાર ટક્કર થતી હતી એટલે સંઘ અને હિંદુ મહાસભાનો ટકરાવ થતો.
પહેલી વખત રાજકીય બાબતોમાં દખલ દેતા સંઘે યુપીના મુખ્યપ્રધાન તરીકે હિંદુ મહાસભાના યોગી આદિત્યનાથનું નામ આગળ કર્યું.
નરેન્દ્ર મોદી તથા અમિત શાહની પસંદ મનોજ સિંહા હતા.

નાગપુર-દિલ્હીને અંદાજ ન હતો

ઇમેજ સ્રોત, Getty Images
યોગી આદિત્યનાથને મુખ્યપ્રધાન તરીકે બેસાડવા પૂરતો સંઘનો પ્રયોગ મર્યાદિત ન હતો.
ગોરખપુર હિંદુત્વની પણ પ્રયોગશાળા છે.
સંઘની અંદર ઊભા થઈ રહેલા સાવરકરવાદી જૂથને નાથવા તથા હિંદુત્વના એજન્ડા મારફત સત્તા સુધીના માર્ગને સરળ બનાવવાનો હેતુ પણ છે.
મતલબ કે વાજપેયીની જેમ મોદી વિકાસવાદનો નારો લગાવીને સંઘનો એજન્ડા આગળ વધી શકે તેમ ન હોય તો યોગીની ફોર્મ્યુલા પર સંઘ આગળ વધશે.
એ વાતના અણસાર વર્ષ 2017માં જ આપી દેવામાં આવ્યા હતા.
ગોરખપુરની બેઠક પર અવિરત વિજયની યોગી આદિત્યનાથની રાજકીય કાબેલિયત સંઘે જોઈ હતી.
પરંતુ યોગી મુખ્યપ્રધાન બને, તેના માત્ર એક વર્ષમાં તેમનો જનાધાર તૂટી જશે, તેનો અંદાજ સંઘ કે ભાજપને ન હતો.
આ સંજોગોમાં બીજો સવાલ એ ઊભો થાય છે કે સંઘ પરિવાર તેના સ્વયંસેવક નરેન્દ્ર મોદીની રાજકીય ક્ષમતા પર ભરોસો મૂકે અને યોગી આદિત્યનાથ જેવા પ્રયોગો પડતા મૂકે.
અથવા તો યોગી-મોદીનો સંયુક્ત રાજકીય મંત્ર અસરકારક ન હોવાની વાત સ્વીકારીને તેના જૂના એજન્ડા પર પરત ફરે.

કોઈ લહેર નહીં

ઇમેજ સ્રોત, Getty Images
જેમ વિપક્ષની પાસે 2019ના ચૂંટણી જંગમાં ઉતરવા માટે કોઈ દમદાર નેતા નથી, એવી જ સ્થિતિ સંઘ પરિવારની છે.
તેમની પાસે નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી.
સ્પષ્ટ છે કે ઇચ્છાએ કે અનિચ્છાએ 2019ની ચૂંટણીઓ 'જાતિગત ગણતરી' તરફ વળતી જણાય છે, જેમાં કોઈની લહેર નથી.
સોશિયલ એન્જિનિયરિંગના નામે જાતિઓને આગળ કરવામાં આવે અને હિંદુત્વના નામે ધાર્મિક લાગણીઓ વચ્ચેની ટક્કર દ્વારા વોટબેન્ક ઊભી કરવામાં આવે.
આ સંજોગોમાં પણ મોદી સરકાર પાસે ત્રણ કામ કરાવવામાં આવશે.
પહેલું નવેમ્બર મહિના સુધીમાં રામ મંદિર માટેનો રસ્તો ખુલ્લો કરાવવો.
બીજું કે જનધન બૅન્ક ખાતાઓમાં સરકારી સહાય સીધી જ મળતી થાય.
ત્રીજું, સીબીઆઈ મારફત માયાવતી-અખિલેશ સામેની ફાઈલો ખોલવી અને ભ્રષ્ટાચાર સામેનું અભિયાન 2019ની ચૂંટણીનું વલણ બદલી નાખે.

બાબરી ધ્વંસ પછી
ઉપરોક્ત સંજોગો વિના 'મોદી લહેર' કે વિકાસ-રોજગાર મારફત ફરી મોદી સત્તામાં આવે તે મુશ્કેલ જણાય છે.
કારણ કે રામ મંદિર નિર્માણ માટેનો રસ્તો ખુલ્લે તો પણ વધુમાં વધુ 1996માં યોજાયેલી લોકસભા ચૂંટણી જેટલો લાભ મળે.
1992માં બાબરી ધ્વંસ પછી વર્ષ 1996માં પહેલી વખત લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી.
1996માં રામ મંદિરની લહેર છતાંય 1996માં ભાજપને માત્ર 161 બેઠકો મળી હતી, જ્યારે 99 બેઠકો પર પાર્ટી બીજા ક્રમે રહી હતી.
એ ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 29.65 ટકા મત મળ્યા હતા.
મતલબ કે હિંદુત્વ કે રામ મંદિરની લહેર પણ ભાજપને 200નો આંકડો પાર કરાવી શકે?
આ સવાલનો જવાબ 1996માં પણ ન મળ્યો તો 2019માં કયા આધારે ભાજપ 200ને પાર કરી શકશે, તે સવાલ છે.
બીજું કે 1996માં તો દરેક વોટર અયોધ્યાકાંડથી વાકેફ હતો.
પરંતુ, 2019માં જેટલા મતદાતા હશે, તેમાંથી 27 ટકા મતદાતાઓનો જન્મ 1992 બાદ થયો હશે.

યુવા મતદાતાઓના સવાલ

ઇમેજ સ્રોત, Twitter@AmitShah
કુલ 38 ટકા યુવા મતદાતાઓ સામે રોજગાર તથા શિક્ષણ જેવા સવાલો જડબું ફાડી ઊભા છે.
માહિતી અને સંચારના આ યુગમાં વિકાસ અંગે યુવાનોની આગવી વ્યાખ્યા છે.
ત્યારે હિંદુત્વ કે રામ મંદિરની યુવા મતદાતાઓ પર કેટલી અસર થશે, તે સવાલ છે.
એમ તો રાજીવ ગાંધીની હત્યા બાદ પણ કોંગ્રેસની લહેર ઊભી થઈ હતી.
આમ છતાંય 1991ની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી માટે જરૂરી 272 બેઠકો મળી ન હતી.
45.69 ટકા મતો સાથે કોંગ્રેસને 244 બેઠકો મળી હતી.
જ્યારે 22.47 ટકા મત સાથે ભાજપને 120 બેઠકો પર વિજય મળ્યો હતો.
મતલબ કે 1991માં કોંગ્રેસની લહેર હતી પણ 1996માં અયોધ્યાકાંડની અસર હેઠળ કોંગ્રેસના મતોની ટકાવારી 45.69 ટકાથી ઘટીને 25.78 ટકા થઈ ગઈ હતી.
ભાજપના મતોની ટકાવારી 22.47ટકા પરથી વધીને 22.47 ટકા પર પહોંચી.

યાદવ, જાટવ તથા મુસલમાન ગઠબંધન

ઇમેજ સ્રોત, Getty Images
મતલબ કે માત્ર રામ મંદિરના મુદ્દે 2019માં ભાજપ ફરી સત્તા પર આવે, તેમ નથી લાગતું.
કારણ કે, 2014માં જે આશાઓ ઊભી કરીને ભાજપ સત્તા પર આવ્યો હતો, તેણે 2019માં કોંગ્રેસ તથા વિપક્ષને ભૂતકાળના તમામ ભારથી મુક્ત કરી દીધો છે.
2014માં મોદીના જાદુથી ભાજપને 2009ની સરખામણીએ 12.19 ટકા વધુ મત અપાવ્યા.
ભાજપને 31 ટકા મત મળ્યા હતા.
કોંગ્રેસના મતોની ટકાવારી 2009માં 28.55 ટકા હતી. જે 9.25 ટકા ઘટીને 18.80 ટકા રહી.
મતલબ કે 1991 પછી માત્ર ભારતીય મૂડી બજાર મૂડીમાં જ નહીં, પરંતુ રાજકીય પરિદૃશ્ય પર પણ છવાઈ ગયા.
2014માં મોદીએ ગુજરાત મોડલ મારફત તેને વેગ આપ્યો.
સંજોગવસાત 2017ની વિધાનસભા ચૂંટણીમાં 'ગુજરાત મોડલ' હાંફી ગયું, ત્યારે 2019માં પાર્ટી પાસે શું રહ્યું?
વિશેષ કરીને 1991થી 2014 સુધી ગોરખપુરની બેઠક પર યોગી આદિત્યનાથનો વિજય થયો હતો.
યાદવ, જાટવ તથા મુસ્લિમના ગઠબંધને ભાજપની વિજયકૂચને બ્રેક મારી દીધી છે.

સંઘનો મોદી પ્રેમ સમાપ્ત?

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન સંઘ પરિવારમાં હિંદુત્વ તથા આર્થિક મુદ્દે ખેંચતાણ ચાલતી રહી.
કિસાન સંઘથી લઈને મજૂર સંઘ તથા સ્વદેશી જાગરણ મંચથી લઈને વિશ્વ હિંદુ પરિષદ અને મોદી વચ્ચે ટક્કર થઈ.
સંઘને પોતાના ઈશારે નચાવીને નરેદ્ર મોદી મજૂર સંઘ, કિસાન સંઘ તથા સ્વદેશી જાગરણ મંચના પદાધિકારીઓને દૂર કરાવવામાં સફળ રહ્યા હતા.
પરંતુ વિહિપમાંથી પ્રવીણ તોગડિયાને દૂર ન કરી શક્યા. ઉપરાંત ભૈય્યાજી જોશીના સ્થાને દત્તાત્રેય હોસબેલેની સહકાર્યવાહક તરીકે નિમણૂક કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા..

સંઘ પરિવારની હિંદુ પ્રયોગશાળા

ઇમેજ સ્રોત, Getty Images
ચોથી વખત સરકાર્યવાહક બન્યા બાદ તેઓ રામ મંદિર ઉપરાંત ખેડૂતોની કંગાળ સ્થિતિ વિશે ઉલ્લેખ કરવાનું ચૂક્યા ન હતા.
મતલબ કે ઇચ્છાએ કે અનિચ્છાએ જેવી રીતે વાજપેયી પ્રત્યે સંઘનો પ્રેમ ખૂટ્યો હતો, તેવી જ રીતે મોદી પ્રત્યેનો પ્રેમ પણ ખૂટી રહ્યો છે.
એ સમયે વાજપેયી ઇચ્છતા હતા કે રાજકારણના જાણકાર મદનદાસ દેવીને સરકાર્યવાહક બનાવવામાં આવે.
પરંતુ તત્કાલીન સરસંઘસંચાલક સુદર્શને મોહન ભાગવતને સરકાર્યવાહ નિમ્યા.
મતલબ કે ગોરખપુરના ચૂંટણી પરિણામોમાં માત્ર 2019 માટે વિપક્ષની રણનીતિ જ નહીં, પરંતુ સંઘ-ભાજપની હિંદુત્વની પ્રયોગશાળા પર પણ ટકેલી છે.
લાંબાગાળા પછી પ્રાદેશિક ક્ષત્રપોની મહત્ત્વકાંક્ષા સ્પષ્ટપણે દર્શાવે છે કે 2019ની ચૂંટણી કોઈ વચન કે આશા પર નહીં, પરંતુ માત્ર અને માત્ર સત્તા મેળવવા માટે જોડતોડ પર આધારિત હશે.
તેમાં કોણ જીતશે અને કોણ હારશે, તેનો નિર્ણય મતદાતા કરશે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














