બુરાડીમાં થયેલાં 11 મોત વિશે ઉત્તર માગતા 11 પ્રશ્નો

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ દિલ્હીનાં સંત નગર બુરાડી વિસ્તારમાં રવિવારે 11 લોકોનાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવવાનો મુદ્દો વધુને વધુ જટિલ બની રહ્યો છે.
પોલીસ આ મુદ્દે હત્યા અને આત્મહત્યા એમ બન્ને પાસા પર તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સામવારે શરુઆતનાં પોસ્ટમૉર્ટમના રિપોર્ટને આધારે જણાવ્યું છે કે આ આત્મહત્યાનો મુદ્દો હોઈ શકે છે.
પણ ક્રાઈમ બ્રાન્ચનાં સંયુક્ત પોલીસ કમિશ્નર આલોક કુમારે સ્પષ્ટ કર્યું છે કે હજી સુધી કોઈ તારણ પર પહોંચી શકાયું નથી.
સોમવારે મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં તમામ 11 મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું.
આ પરિવારનાં બધા જ લોકોએ નેત્રદાનનો સંકલ્પ કર્યો હતો પણ છ મૃતદેહોની જ આંખો લઈ શકાઈ હતી.
આ ઘટનાનાં બે દિવસ પસાર થઈ ગયા બાદ આ મુદ્દાને લઈને ઊઠેલા સવાલ વધારે અટપટા બની ગયા છે. ચાલો એક નજર નાંખીએ આવા જ 11 સવાલો પર.

પહેલો સવાલ

ભાટિયા પરિવારનાં નામથી જાણીતા આ પરિવારમાં સૌથી વૃધ્ધ નારાયણ દેવી(77) હતા જે બીજા ઓરડામાં મૃત મળી આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય એમના મોટા દીકરા ભવનેશ અર્થાત્ ભુપ્પી ( 50), બીજો દીકરો લલિત (45), અને બન્નેની પત્નીઓ સવિતા (48), અને ટિના (42) પણ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં.
ભુપ્પીની બન્ને યુવાન દીકરીઓ અને એક સગીર દીકરો અને લલિતનો એક 15 વર્ષનો દીકરો પણ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.
શું તમે આ વાંચ્યું?
રવિવારે સવારે જ્યારે પહેલા નજરે જોનાર સાક્ષી ગુરુચરણ સિંહ,ઘરમાં દાખલ થયા ત્યારે તેમણે 10 લોકોને ગળાફાંસો ખાધેલી હાલતમાં નિહાળ્યા હતા.
તેઓ જણાવે છે કે બધા દરવાજા ખુલ્લા હતા. સવાલ એ ઊભો થાય છે કે જો આ આત્મહત્યા હતી તો આ ઘરનાં દરવાજા ખુલ્લા કેમ હતા?

બીજો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
હત્યાનાં દૃષ્ટિકોણથી પણ તપાસ કરી રહેલી પોલીસને રવિવારે ઘરમાંથી બે રજીસ્ટર મળ્યાં જેમાં આધ્યાત્મિક અને મોક્ષ સંબંધિત વાતો લખવામાં આવી હતી.
દિલ્હી પોલીસનું કહેવું છે કે આમાં જે રીતે હાથ, મોં અને આંખ પર પટ્ટીઓ બાંધવાની વાત કહેવામાં આવી હતી, કેટલાક મૃતદેહો પર એ જ રીતે પટ્ટીઓ બાંધવામાં આવી હતી.
સૌથી મોટો સવાલ તો એ ઊભો થાય કે શું રજીસ્ટર પ્રમાણે આ કુટુંબે સામૂહિક રીતે આત્મહત્યા કરી હતી?
ત્રીજો સવાલ
પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે સૌથી વૃદ્ધ નારાયણ દેવી બીજા ઓરડામાં ફરસ પર મૃત હાલતમાં મળી આવ્યાં જ્યારે બધા લોકો એક જગ્યાએ ફાંસીથી લટકેલા હતા, જેમાંથી ઘણાનાં હાથ ખુલ્લા હતા.
શું જેમના હાથ ખુલ્લા હતા એમણે પહેલાં આ ઘટના બાદ આત્મહત્યા કરી?

ચોથો સવાલ

ઇમેજ સ્રોત, Reuters
જો પરિવાર એકસાથે આત્મહત્યા કરી રહ્યો હતો તો કોઈએ એનો વિરોધ કેમ ના કર્યો. પોલીસનાં જણાવ્યા મુજબ, કોઈ પણ લાશ પર મારઝૂડ કે ઈજાનાં કોઈ નિશાન ન હતાં.
તાજેતરમાં જ 17 જૂનનાં રોજ નારાયણની ભત્રીજી પ્રિયંકા (33) ની સગાઈ થઈ હતી અને નજીકનાં ભવિષ્યમાં જ એમનું લગ્ન થવાનું હતું.
આટલા મોટા પ્રસંગ ટાણે કુટુંબ એકસાથે આત્મહત્યા કરે એ માનવું થોડું અઘરું છે.
પાંચમો સવાલ
પાડોશીઓનું કહેવું છે કે આ પરિવાર ખૂબ જ ધાર્મિક હતો. એક પડોશી સીમાએ બીબીસીને જણાવ્યું કે આ લોકો સત્સંગ અને પૂજા-પાઠમાં ખૂબ માનતાં અને તેમાં ભાગ લેતાં હતાં.
એમણે જણાવ્યું કે આ લોકો પોતાની કરિયાણાની દુકાનની બહાર 'સુવિચારો' લખતા હતા.
આ પરિવારનાં મોટા દિકરા ભવનેશ કરિયાણાની દુકાન ચલાવતા હતા. પાડોશીઓનું કહેવું છે કે આ પરિવાર પૂજા-પાઠ કર્યા વગર ઊંઘતો પણ નહોતો. શું વધારે ધાર્મિક હોવાને કારણે આ કુટુંબનાં લોકોએ જીવ ગુમાવ્યા છે?

છઠ્ઠો સવાલ

ઇમેજ સ્રોત, AFP
ઘરમાંથી વિવિધ ક્રિયા-કાંડ લખેલાં ચોપડાં મળ્યા એ પરથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ પરિવાર તાંત્રિક ક્રિયાઓમાં સામેલ હતો, પણ પાડોશીઓનું કહેવું છે કે તેમણે કોઈ પૂજારી કે તાંત્રિકને હજી સુધી આ ઘરમાં આવતાં-જતાં જોયા નથી.
તો ફરીથી સવાલ ઊઠે કે શું આ મુદ્દે તપાસને અવળા માર્ગે ચડાવી દેવા માટે આ ષડ્યંત્ર ગોઠવવામાં આવ્યું છે.
સાતમો સવાલ
આ પરિવાર કોઈ પૂજારી કે તાંત્રિક સાથે જોડાયેલો હોવાની કોઈ વાત હજુ સુધી બહાર આવી નથી, પણ પાડોશીઓનું કહેવું છે કે નાના દિકરા લલિતનો અવાજ કોઈ બીમારીને કારણે જતો રહ્યો હતો.
પછી એમણે ઘણી ધાર્મિક ક્રિયાઓ આશરો લીધો હતો અને બાદમાં એનો અવાજ પાછો આવી ગયો હતો. તો શું આ ઘટના પછી પરિવાર ઘણો ધાર્મિક બની ગયો હતો અને કોઈનાં પ્રભાવમાં આવી જઈ અથવા કોઈનાં કહેવાથી તેમણે આ એકસાથે આત્મહત્યાનું પગલું ભર્યું હતું?

આઠમો સવાલ

રજીસ્ટરમાં લખેલા હસ્તાક્ષરને લલિત ભાટિયાનાં હસ્તાક્ષર જણાવવામાં આવી રહ્યા છે,તો શું માત્ર એ જ તંત્ર-મંત્રમાં વિશ્વાસ રાખતા હતા?
ખરેખર સંત નગર બુરાડીની ગલી નંબર 4એ નાં આ મકાનની દીવાલનાં બહારનાં ભાગમાં 11 પાઇપ બહાર નીકળેલી છે જેનો કોઈ ઉપયોગ થતો જોવા મળતો નથી.
આ ઘર બનાવનાર બિલ્ડરે ઓળખ છતી ન કરવાની શરતે જણાવ્યું છે કે લલિત ભાટિયાનાં કહેવાથી એમણે આ પાઇપ્સ બહાર કાઢી હતી. લલિતે બિલ્ડરને જણાવ્યું હતું કે એનાથી હવા સીધી ઘરમાં આવશે.
આ 11 પાઈપ કેમ લગાડવામાં આવી હતી ,એમાંથી સાત પાઈપ વળેલી હતી અને 4 સીધી હતી અને બધી જ એક ખાલી પ્લોટ તરફ નીકળેલી હતી.
નવમો સવાલ
દિલ્હી પોલીસે આ રજીસ્ટરમાં મંત્ર-તંત્રની ક્રિયાઓને આત્મહત્યા સાથે જોડી છે જ્યારે એનું બીજું એક પાસું ઉજાગર કરવાનો પ્રયાસ હજુ સુધી કરવામાં આવ્યો નથી.
શું પોલીસ માત્ર અંધશ્રધ્ધાના દૃષ્ટિકોણથી જ આ બાબત ઉકેલવાનાં પ્રયાસમાં લાગી છે અને શું એને હજી સુધી હત્યાથી જોડાયેલા કોઈ પુરાવા મળ્યા નથી?

દસમો સવાલ

ભાટિયા કુટુંબનાં સગા-વહાલાંઓનું કહેવું છે કે આ એક સમૃદ્ધ પરિવાર હતો. ત્યાં જ એમનાં પડોશીઓનું કહેવું છે કે એમની કરિયાણાની દુકાનમાંની સામાન લાવવા માટે જો કોઈની પાસે પૈસા ના હોય તો તેઓ પછીથી પૈસા આપી દેવા જણાવતા હતા.
સગા-વહાલાંઓ મક્કમતાથી જણાવે છે કે આ લોકો આત્મહત્યા કરે જ નહીં, તો શું સગા-વહાલાંઓનાં મતે આ હત્યા છે. આ પણ એક સવાલ છે.
અગિયારમો સવાલ
સમગ્ર પરિવાર છેલ્લા 20 વર્ષથી બુરાડીમાં રહેતો હતો. નારાયણ દેવીની એક પુત્રી સુજાતા પાણીપતમાં અને એક દીકરો રાજસ્થાનમાં રહેતા હતા. આ સિવાય આ પરિવાર કોઈ મોટી સંપત્તિની હજી સુધી જાણમાં આવી નથી.
આ એક સંયુક્ત પરિવાર હતો અને આ હત્યા છે તો એનું કારણ શું છે, એનો જવાબ પોલીસે શોધવો રહ્યો.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ દરેક પાસાને ધ્યાનમાં રાખી આ મુદ્દાની તપાસ કરી રહી છે. આ ઘટના પાછળ જે પણ કારણ હોય તે જ્યારે સામે આવશે ત્યારે જ સત્ય બહાર આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















