ઓશોનું મૃત્યુ કેવી રીતે થયું અને એ દિવસે શું થયું હતું?

ઇમેજ સ્રોત, OSHO INTERNATIONAL FOUNDATION
- લેેખક, તુષાર કુલકર્ણી
- પદ, બીબીસી મરાઠી
ઓશોનું જીવન જેટલું રહસ્યમય હતું તેટલું રહસ્યમય તેમનું મૃત્યુ પણ હતું. અગિયારમી ડિસેમ્બરે તેમની જન્મતિથિ છે.
અહીં તેમના વારસા અને તેમના જીવનના કેટલાંક જાણીતાં અને અજાણ્યાં પાસાં પર એક નજર કરાઈ રહી છે.

1. ઓશોનું પ્રારંભિક જીવન

ઇમેજ સ્રોત, OSHO INTERNATIONAL FOUNDATION
11 ડિસેમ્બર 1931ના રોજ મધ્યપ્રદેશના કુચવાડામાં તેમનો જન્મ થયો હતો. સાંસારિક જીવનમાં તેમનું નામ ચંદ્રમોહન જૈન હતું.
બાળપણથી જ તેમની રુચિ ફિલસૂફી(તત્ત્વજ્ઞાન) તરફ હતી. આ વાતનો ઉલ્લેખ તેમણે લખેલાં પુસ્તક 'ગ્લિમ્પ્સિસ ઑફ માય ગોલ્ડન ચાઇલ્ડહુડ'માં કરાયો છે.
જબલપુરમાં શિક્ષણ મેળવી તેઓ જબલપુર યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા.
તેમણે અલગ-અલગ ધર્મ અને વિચારધારા પર દેશભરમાં પ્રવચનો આપવાની શરૂઆત કરી હતી.
તેમનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ પણ તેમની અસર હેઠળ આવ્યા વગર નહોતું રહેતું.
બાદમાં તેમણે પ્રવચન સાથે ધ્યાનશિબિરોનું આયોજન કરવાનું પણ શરૂ કર્યુ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરૂઆતના સમયમાં તેમને 'આચાર્ય રજનીશ' તરીકે ઓળખવામાં આવતા હતા.
નોકરી છોડીને તેમણે 'નવસંન્યાસ આંદોલન'ની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે પોતાને 'ઓશો' કહેવાનું શરૂ કર્યુ હતું.

2. અમેરિકાનો પ્રવાસ

ઇમેજ સ્રોત, OSHO INTERNATIONAL FOUNDATION
વર્ષ 1981થી 1985 દરમિયાન તેઓ અમેરિકા જતા રહ્યા હતા.
અમેરિકનના ઑરેગોનમાં તેમણે આશ્રમની સ્થાપના કરી હતી.
આ આશ્રમ 65 હજાર એકરમાં ફેલાયેલો હતો. ઓશોનો અમેરિકા પ્રવાસ ખૂબ વિવાદાસ્પદ રહ્યો હતો.
કિંમતી ઘડિયાળો, રોલ્સ રૉયસ કારોનો કાફલો અને કપડાંનાં કારણે તેઓ હંમેશાં ચર્ચામાં રહ્યા હતા.
ઓશોના ઑરેગોનસ્થિત આશ્રમને તેમના અનુયાયીઓ 'રજનીશપુરમ' નામે એક શહેર તરીકે રજિસ્ટર્ડ કરાવવા માગતા હતા. પરંતુ સ્થાનિકોએ આ વાતનો વિરોધ કર્યો હતો. વર્ષ 1985માં તેઓ ભારત પરત ફર્યા હતા.

3. ઓશોનું મૃત્યુ

ઇમેજ સ્રોત, OSHO INTERNATIONAL FOUNDATION
ઓશો ભારત પરત ફર્યા બાદ પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલા આશ્રમમાં રહેતા હતા. 19 જાન્યુઆરી, 1990ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.
તેમનાં મૃત્યુ પછી તેમના નજીકના શિષ્યોએ આશ્રમનું સંચાલન સંભાળ્યું હતું. આશ્રમની સંપત્તિ કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે અને તેમના શિષ્યો વચ્ચે આ મુદ્દે મતભેદો પણ છે.
ઓશોના શિષ્ય રહી ચૂકેલા યોગેશ ઠક્કર બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં કહે છે:
"ઓશોનું સાહિત્ય બધા લોકો સુધી પહોંચવું જોઈએ. તેથી મેં તેમના વસિયતનામાને બૉમ્બે હાઇકોર્ટમાં પડકાર્યુ છે.
ઓશોનું ડેથ સર્ટિફિકેટ જાહેર કરનારા ડૉક્ટર ગોકુલ ગોકાણીએ લાંબા સમય સુધી ઓશોનાં મૃત્યુનાં કારણ મુદ્દે ચુપકીદી સેવી હતી.
બાદમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેમને ખોટી માહિતી આપી ડેથ સર્ટિફિકેટ પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા.
હવે ડૉક્ટર ગોકુલ ગોકાણીએ યોગેશ ઠક્કરના કેસમાં પોતાની તરફથી સોગંદનામું રજૂ કર્યુ છે. તેમનું કહેવું છે કે ઓશોનાં મૃત્યુનાં વર્ષો પછી પણ કેટલાક સવાલોના જવાબ નથી મળી રહ્યા અને તેમનાં મૃત્યુનું રહસ્ય હજુ અકબંધ છે.

4. મૃત્યુના દિવસે શું થયું?

ઇમેજ સ્રોત, OSHO INTERNATIONAL FOUNDATION
અભય વૈદ્યે ઓશોનાં મૃત્યુ પર 'વ્હૂ કિલ્ડ ઓશો'નું શીર્ષક ધરાવતું પુસ્તક લખ્યું છે. તેઓ કહે છે, "19 જાન્યુઆરી, 1990ના રોજ ઓશો આશ્રમમાંથી ગોકુલ ગોકાણીને ફોન કરવામાં આવ્યો હતો."
"લેટરહેડ અને ઇમર્જન્સી કિટ સાથે લઈ આશ્રમમાં આવવાનું તેમને કહેવામાં આવ્યું હતું."
ડૉક્ટર ગોકુલ ગોકાણીએ તેમનાં સોગંદનામામાં લખ્યું છે, "ત્યાં હું લગભગ બે વાગ્યે પહોંચ્યો હતો."
"તેમના શિષ્યોએ મને કહ્યું કે ઓશો દેહત્યાગ કરી રહ્યા છે, તમે તેમને બચાવી લો, પરંતુ મને તેમની પાસે નહોતો જવા દેવાયો."
"ઘણા સમય સુધી આશ્રમમાં રહ્યા બાદ મને તેમના અવસાન વિશે જાણકારી આપવામાં આવી હતી."
"મને કહેવામાં આવ્યું હતું કે હું ડેથ સર્ટિફિકેટ તૈયાર કરી આપું."
ડૉક્ટર ગોકુલ ઓશોના અવસાનના સમય બાબતે પણ સવાલો ઉઠાવે છે.
તેમણે સોગંદનામામાં એવો દાવો પણ કર્યો છે કે ઓશોના શિષ્યોએ તેમના પર દબાણ કર્યું હતું કે મૃત્યુના કારણ તરીકે હાર્ટઍટેકનો ઉલ્લેખ કરવામાં આવે.
ઓશોના આશ્રમમાં કોઈ સંન્યાસીનાં મૃત્યુને ઉત્સવ તરીકે મનાવવાનો રિવાજ હતો. પરંતુ જ્યારે ઓશોનું અવસાન થયું, ત્યારે અવસાનની જાહેરાત થયાના એક કલાકની અંદર તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.
ઉપરાંત તેમના નિર્વાણના ઉત્સવને પણ અમુક લોકો પૂરતો જ સીમિત રાખવામાં આવ્યો હતો. ઓશોનાં માતા પણ આ આશ્રમમાં જ રહેતાં હતાં.
ઓશોના સચિવ રહી ચૂકેલાં નીલમે આપેલા એક ઇન્ટર્વ્યૂમાં ઓશોનાં મૃત્યુ સાથે જોડાયેલાં રહસ્યો મુદ્દે કહ્યું હતું કે ઓશોના અવસાનની જાણકારી તેમનાં માતાને પણ થોડા સમય પછી આપવામાં આવી હતી.
નીલમે આ ઇન્ટર્વ્યૂમાં એવો દાવો પણ કર્યો હતો કે ઓશોના માતા ઘણા સમય સુધી એવું કહેતાં રહ્યાં કે, 'બેટા, તે લોકોએ તને મારી નાખ્યો.'

5. ઓશોની વસિયત

ઇમેજ સ્રોત, OSHO INTERNATIONAL FOUNDATION
યોગેશ ઠક્કરનો દાવો છે કે આશ્રમની સંપત્તિ હજારો કરોડ રૂપિયામાં આંકવામાં આવે છે.
પુસ્તકો અને અન્ય વસ્તુઓમાંથી 100 કરોડ રૂપિયાની રૉયલ્ટી મળે છે. ઓશોના વારસા પર 'ઓશો ઇન્ટરનેશનલ'નું નિયંત્રણ છે. 'ઓશો ઇન્ટરનેશનલ'ની દલીલ છે ક ઓશોનો વારસો તેમને વસિયતમાં મળ્યા છે.
યોગેશ ઠક્કરનો દાવો છે કે 'ઓશો ઇન્ટરનેશનલ' જે વસિયતનામાનો હવાલો આપી રહ્યું છે તે બનાવટી છે.
જોકે 'ઓશો ઇન્ટરનેશલ' પરના આરોપોને ઓશોના શિષ્યા અમૃત સાધના નકારી રહ્યા છે. તેઓ આ આરોપોની પાયાવિહોણા ગણાવી રહ્યા છે.

6. ઓશો પર ટ્રેડમાર્ક

ઇમેજ સ્રોત, OSHO.COM
'ઓશો ઇન્ટરનેશનલ'એ યુરોપમાં ઓશોના નામનો ટ્રેડમાર્ક લઈ રાખ્યો છે. 'ઓશો લોટસ કમ્યૂન' નામની અન્ય એક સંસ્થાએ આ ટ્રેડમાર્કને કોર્ટમાં પડકાર્યો હતો.
વર્ષ 2017ની અગિયારમી ઑક્ટોબરેના રોજ જનરલ કોર્ટ ઑફ યુરોપિયન યુનિયને 'ઓશો ઇન્ટરનેશનલ'ના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
'ઓશો ઇન્ટરનેશનલ' કોપીરાઇટ અને ટ્રેડમાર્ક પરના વિવાદો મામલે કહે છે કે તેઓ ઓશોના વિચારોને શુદ્ધ સ્વરૂપે ઓશોના ચાહકો સુધી પહોંચાડે છે.
તેથી આ અધિકાર તેઓ પોતાની પાસે રાખવા માગે છે, પરંતુ ઓશોએ જ એક સમયે કહ્યું હતું કે કોપીરાઇટ વસ્તુઓ અને સાધનોના હોઈ શકે, પરંતુ વિચારોના નહીં.
પુણે સ્થિત તેમની સમાધિ પર લખેલી આ વાત પરથી ઓશોના મહત્ત્વનો અંદાજ મેળવી શકાય છે:
"તેઓ ક્યારેય જન્મ્યા નહોતા અને તેમનું ક્યારેય મૃત્યુ પણ નથી થયું. તેઓ ધરતી પર 11 ડિસેમ્બર, 1931થી 10 જાન્યુઆરી, 1990 દરમિયાન આવ્યા હતા."
(મૂળ લખે 11 ડિસેમ્બર, 2017ના રોજ છપાયો હતો)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












