ગ્રાઉન્ડ રિપોર્ટઃ 'આટલા લોકોને લટકતાં જોઈને હું ભયથી ધ્રુજી ગયો હતો'

- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર દિલ્હીના સંત નગર બુરાડી વિસ્તારની ગલી નંબર 4Aમાં પ્રવેશતા જ જમણી તરફ બે પ્લોટ છોડીને એક ત્રણ માળનું મકાન છે જેમાં હવે માત્ર એક શ્વાન જ બચ્યો છે.
આ ઘરના તમામ 11 લોકો રવિવાર (1 જૂલાઈ 2018)ની સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
તેમના મોઢાં કપડાંથી ઢંકાયેલા હતા અને હાથ પણ બંધાયેલા હતા.
ભાટિયા પરિવારના નામે પ્રસિદ્ધ આ ઘરમાં 10 લોકો ઘરમાં લટકેલા મળી આવ્યા હતા. જ્યારે સૌથી વૃદ્ધ મહિલા જમીન પર મૃત અવસ્થામાં પડેલાં હતાં.
તેમાં સાત મહિલાઓ અને ચાર પુરુષ છે જેમાંથી ત્રણ સગીર છે.
આ પરિવાર મૂળ રાજસ્થાનનો હતો પરંતુ 20 વર્ષ કરતાં વધારે સમયથી બુરાડીમાં જ રહેતો હતો.
આશરે 75 વર્ષીય મહિલા નારાયણ, તેમના બન્ને દીકરા ભુપ્પી (46) અને લલિત (42), તેમની પત્નીઓ સવિતા (42) અને ટીના (38) પણ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકેલાં હતાં.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભુપ્પીની બે જુવાન દીકરીઓ અને એક સગીર દીકરો તેમજ લલિતનો એક 12 વર્ષનો દીકરો પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો.
નારાયણની એક વિધવા દીકરી અને તેમની 30 વર્ષની દીકરી પ્રિયંકાનું પણ મૃત્યુ થયું છે.
પ્રિયંકાની હાલ જ 17 જૂનના રોજ સગાઈ થઈ હતી અને ઑગસ્ટમાં તેમનાં લગ્ન થવાનાં હતાં.
સેન્ટ્રલ રેન્જના સંયુક્ત પોલીસ કમિશનર રાજેશ ખુરાનાએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સ્પષ્ટપણે કંઈ કહી શકાય તેમ નથી.
તેમણે કહ્યું કે આ મામલા અંગે તપાસ ચાલી રહી છે પરંતુ હત્યા છે કે આત્મહત્યા, તે અંગે હાલ કંઈ કહી શકાશે નહીં.

ઘટના અંગે કેવી રીતે જાણ થઈ?

આ ઘરમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર બે દુકાનો છે. આ કરિયાણાની દુકાન છે કે જે ભુપ્પી ચલાવતા હતા અને બીજી દુકાન પ્લાયવૂડની હતી જેનું કામ લલિત જોતા હતા.
આટલા લોકો મૃત હાલતમાં મળી આવવા મામલે સૌથી પહેલાં જાણકારી તેમના પાડોશી ગુરચરણ સિંહને મળી હતી.
ગુરચરણ સિંહ કહે છે કે તેમના પત્ની દરરોજ સવારે દૂધ લેવા માટે ભાટિયા પરિવારની દુકાને જતાં હતાં. આજે તેમની દુકાન સવારે સાત વાગ્યા સુધી ન ખુલી તો તેમના પત્નીએ તેમને જઈને જોવાનું કહ્યું.
ગુરચરણ કહે છે, "હું ગયો તો બધા જ દરવાજા ખુલ્લા હતા અને બધા જ લોકોના મૃતદેહ લટકી રહ્યા હતા. તેમના હાથ બંધાયેલા હતા."
"આટલા લોકોને લટકેલા જોઈ હું ભયથી ધ્રુજી ગયો હતો. ઘરે આવીને મેં પત્નીને જણાવ્યું તો તેઓ પણ જોવા જવા લાગ્યાં. મેં પત્નીને ત્યાં જવાથી રોક્યાં."
ત્યારબાદ ગુરચરણે પાડોશમાં રહેતા એક પોલીસકર્મીને બોલાવ્યા અને તેમણે સવારે 7.30 કલાકે પીસીઆરને કૉલ કર્યો.

ગુરચરણ જણાવે છે કે આ પરિવાર એટલો સારો હતો કે તેમની દુકાનમાંથી તેઓ ઉધાર સામાન પણ આપતા હતા.
આ પરિવાર સાથે નજીકનો સંબંધ ધરાવતા નવનીત બત્રા જણાવે છે કે આ પરિવાર ખૂબ સારો હતો જે આખો દિવસ પૂજા-પાઠ કરતો હતો.
તેઓ કહે છે કે આખો પરિવાર મળીને રોજ સાંજે પૂજા કરતો હતો.
બત્રા જણાવે છે કે નારાયણની એક પરિણીત દીકરી પાણીપતમાં અને એક મોટો દીકરો રાજસ્થાનમાં રહે છે.

ધાર્મિક પરિવાર

આઉટર રિંગ રોડ સાથે જોડાયેલો બુરાડી વિસ્તાર પહેલા એક ગામડું હતું.
જોકે, દિલ્હીની વધતી વસતી બાદ બુરાડી વિસ્તારમાં યૂપી, બિહાર અને ઉત્તરાખંડના ઘણા લોકો આવીને વસી ગયા.
આ વિસ્તારમાં મોટાભાગની સ્પર્ધાત્ક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો પણ રહે છે. આ પરિવારના સામેના ઘરમાં લાઇબ્રેરી પણ ચાલે છે.
બીજા એક પાડોશી ટી.પી. શર્મા કહે છે કે આ પરિવારની ક્યારેય કોઈ સાથે દુશ્મની જોવા મળી નથી.
શર્મા જણાવે છે, "આ પરિવાર એટલો સારો હતો કે તેમના દુઃખમાં આસપાસની બધી જ દુકાનો બંધ છે. તેમને અમે ક્યારેય કોઈની સાથે ઝઘડો કરતા જોયા નથી."
"હાલ જ ભુપ્પીની ભાણેજની સગાઈ હતી. ઘરમાં બધું જ ઠીક ચાલી રહ્યું હતું. ઘરમાં બધા સાથે રહેતા હતા તો કોઈ પારિવારિક વિવાદ પણ ન હતો."

ગલીની બહાર રોલની રેકડી લઈને ઊભા રહેતા મોહમ્મદ યૂનુસ જણાવે છે કે તેમની પૌત્રીઓ આ ઘરમાં ટ્યૂશન લેતી હતી.
ભુપ્પીની બન્ને દીકરીઓ વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવતી હતી.
યૂનુસ કહે છે, "હું મારી પૌત્રીઓને આ ઘરમાં છોડીને જતો હતો અને મને હંમેશાં અહીં આદર સત્કાર જ મળતો હતો. ઘરને જોઈને ક્યારેય એવું લાગ્યું નથી કે અહીં કોઈ સમસ્યા હશે."
આ પરિવારના ખૂબ ધાર્મિક હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે.
આ વિસ્તારના એક પુજારી મૂલચંદ શર્મા કહે છે કે તેમના આ પરિવાર સાથે નજીકના સંબંધ હતા અને આ એક સંપન્ન પરિવાર હતો.
તેઓ કહે છે, "કાલે રાત્રે મારી મુલાકાત ભુપ્પી સાથે થઈ હતી. મેં તેમની પાસે પ્લાયનો સામાન મગાવ્યો હતો અને તેમણે આજે સવારે મને સામાન આપવાનો વાયદો કર્યો હતો."

આત્મહત્યા કે હત્યા?

તેમના પાડોશી સીમા જણાવે છે કે આ પરિવાર તેમની સાથે સત્સંગમાં જતો હતો અને કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં આગળ રહેતો હતો.
તેઓ કહે છે, "કરિયાણાની દુકાન બહાર આ પરિવાર દરરોજ એક કાગળ પર સુવિચાર લખતો હતો."
"દરરોજ તેમના પરિવારમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ બહાર લખતી હતી. આટલા સારા વિચાર ધરાવતા લોકો આત્મહત્યા કેવી રીતે કરી શકે."
સીમા કહે છે કે આ પરિવાર સંપન્ન હતો અને બાળકો શિક્ષિત હતાં એટલે આ ઘટના પર સવાલ ઊઠે છે.
તેમનું કહેવું છે કે પરિવારના બધા જ નાના મોટા લોકો પાડોશીઓનું સન્માન કરતા હતા.
આટલી મોટી ઘટના બાદ બધા નેતાઓનું ઘટનાસ્થળે જવાનું ચાલુ થઈ ગયું છે.
પહેલાં આ વિસ્તારના ધારાસભ્ય સંજીવ ઝા ઘટનાસ્થળે હાજર રહ્યા.
ત્યારબાદ ક્ષેત્રીય સાંસદ મનોજ તિવારી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પહોંચ્યા હતા.

અરવિંદ કેજરીવાલે સોનીપતથી આવેલાં નારાયણનાં દીકરી સાથે વાત કરી.
તેમનાં દીકરીનું કહેવું હતું કે ઘરમાં તો લોકો ખુશ હતા તો પછી આમ કેવી રીતે થયું. લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અરવિંદ કેજરીવાલ અને મનોજ તિવારીએ પોલીસ રિપોર્ટ આવવા સુધી રાહ જોવા કહ્યું છે.
એ બન્નેનું કહેવું છે કે આ ઘટના અંગે પહેલેથી અનુમાન લગાવી શકાય તેમ નથી.
જોકે, પોલીસે હત્યાની વાતને ફગાવી નથી. બધા જ મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે સબ્જી મંડી મોર્ચરી મોકલાયા છે.
આટલી મોટી ઘટનાના કારણો શું હતા, એ તો પોસ્ટમૉર્ટમ અને પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













