ગ્રાઉન્ડ રિપોર્ટઃ 24 દલિત પરિવારોએ શા માટે છોડવાં પડ્યાં ઘરબાર?

ઇમેજ સ્રોત, AMEY PATHAK
- લેેખક, અમેય પાઠક
- પદ, ઔરંગાબાદથી, બીબીસી ગુજરાતી માટે
મહારાષ્ટ્રના એક ગામમાં સવર્ણો અને દલિતો વચ્ચેના ઝઘડાને કારણે 24 દલિત પરિવારોએ તેમનાં ઘરબાર છોડવાં પડ્યાં છે. એક પ્રેમ પ્રકરણને પગલે આ ઝઘડો શરૂ થયો હોવાનું કહેવાય છે.
આ ઘટના લાતૂર જિલ્લાના રુદ્રવાડી ગામની છે, જ્યાં સવર્ણ મરાઠા જ્ઞાતિ અને અનુસૂચિત મતાંગ જ્ઞાતિના લોકો વચ્ચે ઝઘડા થયો હતો.
તેને કારણે ઘરબાર છોડી ગયેલા 24 પરિવારો હાલ ગામથી 25 કિલોમીટર દૂર ઉદગીર પાસે એક પહાડી પરની ખખડધજ હોસ્ટેલમાં દિવસો પસાર કરી રહ્યા છે.
આ ઝઘડો શા માટે થયો હતો અને દલિત પરિવારોએ ગામ છોડવા જેવો મોટો નિર્ણય શા માટે કરવો પડ્યો હતો એ જાણવા બીબીસીની ટીમ રુદ્રવાડી પહોંચી હતી.
રુદ્રવાડી ગામ ઉદગીર તાલુકામાં આવેલું છે અને તેની વસતી અંદાજે 1200 લોકોની છે.

પીડિત પરિવાર સાથે વાત

ઇમેજ સ્રોત, AMEY PATHAK
ઔરંગાબાદથી અંદાજે 370 કિલોમીટર દૂર ઉદગીર પહોંચ્યા પછી બીબીસીની વાત એક પીડિત પરિવાર સાથે થઈ શકી હતી.
એક પુરુષ અમને ઉદગીર-અહમદપુર રોડ પર સ્થિત ઇચ્છાપૂર્તિ મારુતિ મંદિર પાસેથી આગળ લઈ ગયો હતો.
શું તમે આ વાંચ્યું?
જે પહાડી પર દલિત પરિવારોએ આશરો લીધો હોવાનું કહેવાય છે, એ ભણી અમે આગળ વધ્યા ત્યારે એક જૂની, ખખડધજ ઇમારત જોવા મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ શ્યામલાલ હોસ્ટેલ હતી, જે ઘણા વખત પહેલાં ખાલી કરાવી નાખવામાં આવી હતી.

'અમે પાછાં નહીં જઈએ'

ઇમેજ સ્રોત, AMEY PATHAK
દલિતોએ તેમનાં ઘરબાર શા માટે છોડ્યાં એવું અમે એક પુરુષને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું, "જાઓ અને સરપંચબાઈને પૂછો."
ગામનાં સરપંચ શાલુબાઈ શિંદે થોડા સમયમાં ત્યાં આવ્યાં હતાં. શાલુબાઈ દલિત સમુદાયનાં છે અને માત્ર નામનાં જ સરપંચ છે. તે પણ તેમનું ઘર છોડીને હોસ્ટેલમાં રહે છે.
શાલુબાઈ શિંદેએ બીબીસીને કહ્યું, "સરપંચ હોવાનો શું ફાયદો? અહીં આવા અનેક ઝઘડા થતા રહે છે. મારા પતિને ઘણીવાર નિશાન બનાવવામાં આવ્યા છે.”
"અત્યાર સુધીમાં આવા ત્રણ ઝઘડા થઈ ચૂક્યા છે. અગાઉ બે વખત મતાંગ જ્ઞાતિના ગુણવંત શિંદે તેનું કારણ બન્યા હતા.”
"આ વખતે ઝઘડો લગ્નની સીઝનમાં થયો હતો. હવે અમે ઝઘડાથી વાજ આવી ગયાં છીએ. અમે ગામમાં પાછાં જવાં અને ઝઘડામાં પડવાં નથી ઇચ્છતા."
શાલુબાઈની સાથે ઊભેલા તેમનાં દીકરા ઈશ્વરે કહ્યું હતું, "અમે ગામમાં પાછા જવા ઇચ્છતા નથી. ત્યાં સન્માન સાથે અમે કદી નહીં રહી શકીએ.”
"અમારા કપડાં પહેરવાં સામે કે રિક્ષામાં મોટા અવાજમાં મ્યુઝિક વગાડવા સામે પણ એ લોકો વાંધો લે છે."

શું થયું હતું?

ઇમેજ સ્રોત, AMEY PATHAK
મેમાં બનેલી ઘટના બાબતે માહિતી આપતાં ઈશ્વર શિંદેએ કહ્યું, "મારા પિતરાઈ બહેન મનીષા વૈજનાથ શિંદેનું નવમી, મેએ લગ્ન થવાનું હતું.”
"પીઠી ચોળવાની વિધિ માટે આઠમી મેએ અમે મારુતિ મંદિરમાં ગયા ત્યારે ત્યાં કેટલાક છોકરાઓ આવ્યા હતા અને અમને મારવા લાગ્યા હતા.”
"એ લોકોએ સવાલ કર્યો હતો કે અમે મંદિરમાં શું કરી રહ્યા છીએ? એ પછી અમે ત્યાંથી ચાલ્યા ગયાં હતાં અને બીજા દિવસે ગામમાં જ મનીષાના લગ્ન કર્યાં હતાં."
ઈશ્વર શિંદેએ કહ્યું, "અમે કોઈ પણ રીતે ઝઘડો ટાળવા ઇચ્છતા હતા એટલે અમે ટંટામુક્તિ (વિવાદ નિવારણ) સમિતિના અધ્યક્ષ પિરાજી અતોલકર અને ગામના બીજા પ્રતિષ્ઠિત લોકો પાસે ગયા હતા.”
"અમે તેમને દસ તારીખે બેઠક યોજવા વિનંતી કરી હતી, જેથી ઝઘડાનું નિરાકરણ થઈ શકે. પછી અમને જણાવવામાં આવ્યું હતું કે બેઠક 13 તારીખે યોજાશે."

વિવાદ નિવારણ પહેલાં ઝઘડો

ઇમેજ સ્રોત, AMEY PATHAK
ઈશ્વર શિંદેના જણાવ્યા મુજબ, એ બેઠક યોજાય તે પહેલાં વધુ એક ઘટના બની હતી.
"અમારા એક સગાનો ગામના એક છોકરા સાથે ઝઘડો થયો હતો. એ પછી આખા ગામે અમારા પર હુમલો કર્યો ત્યારે અમને બચાવવા પોલીસ આવી હતી. અમે આ બાબતે ફરિયાદ પણ નોંધાવી હતી."
આ દરમ્યાન શાલુબાઈ શિંદેએ રાજ્યના સામાજિક ન્યાય પ્રધાન રાજકુમાર બડોલેને એક પત્ર લખીને પીડિત પરિવારોને શ્યામલાલ હોસ્ટેલમાં રહેવાની છૂટ આપવાની પરવાનગી માગી હતી.
પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ગુણવંત શિંદેના ગામની સવર્ણ જ્ઞાતિની છોકરી સાથેના પ્રેમસંબંધને કારણે આરોપીઓ તેમને સતત ધમકાવતા હતા.
આ ફરિયાદમાં આઠમી અને દસમી, મેએ બનેલી ઘટનાઓની વિગત પણ છે. દલિતોને ઘરની અંદર માર મારવામાં આવ્યો હોવાનું પણ તેમાં લખવામાં આવ્યું છે.

શું કહે છે પ્રતિપક્ષ?

ઇમેજ સ્રોત, AMEY PATHAK
ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવવા બીબીસીએ સામેના પક્ષની વાત જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો.
અમે ટંટામુક્તિ સમિતિ સાથે પણ વાત કરી હતી. સમિતિએ અમને ગુણવંત શિંદેનું માફીનામું દેખાડ્યું હતું.
ગામલોકોએ જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ 22 જૂને એક નિવેદન આપ્યું હતું.
તેમાં ગામલોકોએ દાવો કર્યો હતો કે "ગામમાં જ્ઞાતિ આધારિત દુર્વ્યવહાર અને ભેદભાવની કોઈ ઘટના અગાઉ બની નથી.”
"મરાઠા સમુદાયના 23 લોકો વિરુદ્ધ અત્યાચારની ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે. કેટલાંક સંગઠનો રાજકીય દ્વેષને લીધે કાયદા સાથે છેડછાડ કરી રહ્યા છે."
અમે ગામના અન્ય લોકો સાથે પણ વાતચીત કરી.
એ પૈકીનાં એક કૌશલ્યાબાઈ રાજારામ અતોલકરે કહ્યું હતું, "તમે અમારા ગામની પરિસ્થિતિ જોઈ છે. વાવણીની મોસમમાં ગામમાં કામ કરતા પુરુષોની ધરપકડ કરવામાં આવી છે.”
"મેં ઘણી પેઢીઓથી ગામમાં જ્ઞાતિવાદની કોઈ ઘટના જોઈ નથી."

પ્રેમપ્રકરણ પર જ્ઞાતિવાદનો રંગ

ઇમેજ સ્રોત, AMEY PATHAK
અમે ગામમાં પહોંચ્યા ત્યારે ગામના ઘણા લોકો ખેતરમાં ગયા હતા. પાછા ફરતી વખતે અમે કેટલાક યુવાનો સાથે વાત કરી.
યાદવ વૈજીનાથ અતોલકરે સમગ્ર ઘટના માટે ગુણવંત શિંદેના સવર્ણ છોકરી સાથેના પ્રેમપ્રકરણને જવાબદાર ગણાવ્યું હતું અને તેને જ્ઞાતિવાદનો રંગ ચડાવવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ ટંટામુક્તિ સમિતિના વડા પિરાજી અતોલકરે કહ્યું હતું, "દલિતોએ નવ તારીખે વિવાદ નિવારણ બેઠક યોજવાની માગણી કરી હતી, પણ ગામમાં બારમી તારીખે વધુ એક લગ્ન હતું.”
"તેથી અમે 13 તારીખે બેઠક યોજવાનું નક્કી કર્યું હતું, પણ એ દરમિયાન ઝઘડો વકર્યો હતો અને વાત પોલીસ સુધી પહોંચી હતી."

ઘટનાને પોલીસ ગણે છે ગંભીર

ઇમેજ સ્રોત, AMEY PATHAK
આ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી શ્રીધર પવારે કહ્યું હતું, "અમે આ ઘટનાને ગંભીર ગણી રહ્યા છીએ. તમામ પક્ષોની તપાસ કરવામાં આવી રહી છે.
"અત્યાર સુધીમાં અમે 23માંથી 11 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 12 આરોપી ફરાર છે."
આ મામલે સરકાર શું કરી રહી છે એવા સવાલના જવાબમાં સામાજિક ન્યાય પ્રધાન રાજકુમાર બડોલેએ કહ્યું હતું, "આ બાબતે સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ હું કંઈ કહી શકીશ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













