ગુજરાતમાં દલિતોની દોડઃ દફતરથી શરૂ થઈ ઝાડુ પર પૂરી થાય છે!

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
32 વર્ષના ભાનુભાઈ પરમાર મૂળ ખંભાતના વતની છે. તેમના માતાપિતા મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં.
ભાનુભાઈ નાનકડા ખંભાતમાં સારા કપડાં પહેરતા લોકોને જોઈ આંખમાં સપનાં આંજીને બેઠા હતા કે, એ ભણી ગણીને મોટા માણસ બનશે.
એમણે ભણવાનું શરૂ કર્યું. ચોટલી બાંધીને ભણ્યા. એમણે સ્કોલરશિપ લઈને બારમું ધોરણ પૂર્ણ કર્યું.
એમને ભાષા સાથે પ્રેમ હતો એટલે તેમણે ખંભાતની કોલેજમાંથી હિન્દી વિષય સાથે બી.એ.ની ડિગ્રી મેળવી.
વર્ષ 2001માં તેઓ ગ્રેજ્યુએટ થયા ત્યાં સુધીમાં દલિત તરીકેની અભ્યાસ માટે મળતી તમામ સ્કોલરશિપ મેળવી હતી.
આંખમાં સપનાં હતા કે, હવે ભણ્યા પછી સારી નોકરી મળશે. એમનું ભણવાનું પૂરું થયું એટલે લગ્ન થયાં પણ નોકરી તેમનાથી જોજનો દૂર ભાગતી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
ગામમાં લોકોના મહેણાંટોણાં સાંભળવા પડતા હતા. છેવટે તેમણે ખંભાત છોડીને નોકરીની શોધમાં અમદાવાદ આવવાનું નક્કી કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ આવીને એમણે નોકરી શોધી, પણ નોકરી ન મળી. ઘરે મજૂરી કરતા મા-બાપની આશાઓ પર તેઓ ખરા ઊતરી ન શક્યા.

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસમાં ભરતી માટે અરજી કરી પણ બધી જગ્યાએથી 'ના' સિવાય કોઈ જવાબ મળતો ન હતો.
છેવટે કન્ડક્ટર તરીકે નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં પણ સફળતા ન મળી.
ગામડે જઈ મજૂરી કરી શકે એમ પણ ન હતું, છેવટે તેમણે 2010માં હારી થાકીને સફાઈ કામદાર તરીકેનું કામ શરૂ કર્યું.
ભાનુભાઈ કહે છે, "હું ખંભાતમાં કોઈને કહેતો નથી કે અમદાવાદમાં સફાઈનું કામ કરું છું.
"મને ઇચ્છા હતી કે ભણી ગણીને સાહેબ બનું. મારા મા-બાપે મજૂરી કરીને ભણાવ્યો છે તેમનું હું વળતર ચૂકવું, પરંતુ અત્યારે સફાઈ કામદાર તરીકે કામ કરું છું.
"માબાપને શહેરમાં બોલાવતો નથી, રજામાં ખંભાત જઉં છું. પણ મને થાય છે કે, ભણી ગણીને સફાઈ જ કરવાની હોય તો ભણવાનો ફાયદો શું?
"જો પહેલેથી મજૂરી કરી હોત તો અત્યાર કરતાં પણ વધુ કમાયો હોત.
"મારા ગામના ખેતમજૂર પણ મારા કરતા વધુ કમાય છે. ત્યારે મને એમ થાય છે કે ભણવા કરતા મજૂર થયો હોત તો સારું થાત."
વકીલ અને દલિત આગેવાન કેવલસિંહ રાઠોડ જણાવે છે:
"પ્રાઇવેટાઇઝેશન અને સરકારી વિભાગોમાં કૉન્ટ્રાક્ટ સિસ્ટમ વધતા સરકારી નોકરીઓ ઓછી થઈ છે, જેના કારણે સરકારી નોકરીઓમાં દલિતો માટે અગાઉ જેટલી તકો રહી નથી."

'વિચારું છું, દીકરીને ભણાવું કે નહીં?'

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
આવી જ સ્થિતિ અમદાવાદની સી.યુ. શાહ કોલેજમાંથી ઇકોનોમિક્સ સાથે બી.એ થયેલા રાજેશ પુરબિયાની છે.
રાજેશ પુરબિયાને ભણીને આશા હતી કે અનામતના આધારે નોકરી તો મળી જ જશે.
પરંતુ હાઈ કોર્ટમાં ક્લાર્ક તરીકે, બૅન્કમાં ક્લાર્ક તરીકે અરજીઓ કરીને થાક્યા તો પણ ક્યાંય નોકરી ન મળી.
આ દરમિયાનમાં લગ્ન પણ થઈ ગયા હતા અને ઘરે દીકરીએ જન્મ લીધો એટલે કમાવું તો જરૂરી જ હતું.
એના માટે મહેનતથી મેળવેલી ડિગ્રી રદ્દી સમાન હતી.
છેવટે હારી થાકીને એમણે પોતાનો બાપ-દાદાનો સફાઈકામદાર તરીકેનો વ્યવસાય સ્વીકારી લીધો હતો અને આજે ગ્રેજ્યુએટ થયા પછી પણ સફાઈકામ કરે છે.
રાજેશ પુરબિયા કહે છે, "હું આટલો ભણ્યો પણ તેનાથી મારા માટે કોઈ નવી તક ઊભી થઈ નથી.
"તે જોઈને હવે હું મારી દીકરીને ભણાવું કે ન ભણાવું, પ્રાઇવેટ સ્કૂલમાં તેના ભણતર પાછળ પૈસા ખર્ચું કે નહીં તે સવાલનો જવાબ મને હજુ મળ્યો નથી."

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં મોટાભાગના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે કૉન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈકામ અપાય છે.
એટલે કેટલાય ગ્રેજ્યુએટ સફાઈકામ કરે છે એના ચોક્કસ આંકડા નથી.
પરંતુ માનવ ગરિમા સંસ્થાના ડાયરેક્ટર પુરૂષોતમભાઈ વાઘેલા કહે છે કે, અમે આ ભણેલા ગણેલા સફાઈકામદારોને તેમના ભણતર પ્રમાણે કામ મળે તેના માટે પ્રયાસ કરી રહ્યા છીએ.
તેના માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ, એમને સફાઈકામ કરતી વખતે ગ્લોવ્ઝ અને માસ્ક મળે તેવી પણ લડત લડી રહ્યા છીએ.
વાલ્મિકી સમાજના ભણેલા લોકોને અનામતનો લાભ મળે અને ખરેખર વંચિત લોકોને ફાયદો થાય તેના માટે કામ કરી રહ્યા છીએ.
તો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના પ્રધાન ઇશ્વર પરમારે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું:
"અમે પણ આ વાલ્મિકી સમાજના લોકો સ્વમાનભેર જીવી શકે એ માટે પ્રયાસ કરી રહ્યા છીએ.
"જેમને સારી નોકરી નથી મળતી એમને સ્વરોજગાર માટે સસ્તા વ્યાજે લોન મળે તેવી યોજના અમલમાં મૂકી છે."
વધુમાં તેઓ ઉમેરે છે, "દલિત અને વંચિત સમાજ માટે બનાવેલા ખાસ નિગમ દ્વારા દલિત યુવાનોને સ્વરોજગાર માટે સસ્તા વ્યાજે લોન મળે એ ઉપરાંત સબસિડી પણ આપવાની યોજના અમલમાં મૂકી છે.
"જેથી ભણેલા દલિતો સ્વમાનભેર જીવી શકે."

'શાકાહારી લોકોની સંસ્થામાં પ્રવેશ મુશ્કેલ'

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ દલિતો સાથે શું નોકરીઓમાં ભેદભાવ થાય છે કે પછી તેઓ એટલા ભણેલા નથી કે નોકરીને હકપાત્ર બને?
વરિષ્ઠ પત્રકાર આકાર પટેલ કહે છે આ કોઈ નવી વાત નથી, દલિતો અને આદિવાસીઓ સાથે વર્ષોથી આ જ થતું આવ્યું છે. આ એક સામાજિક વાત છે.
"અત્યારની સરકાર જ નહીં, આ પહેલાંની સરકારોમાં પણ આ સમુદાયો સાથે આ જ થતું આવ્યું છે.
"બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે દલિતો જે ગામડામાં સહે છે તેનાથી ભાગીને જો તેઓ શહેરમાં આવશે તો તેઓ એ સહન નહીં કરી શકે."
તેઓ ઉમેરે છે, "અમારી સંસ્થામાં ત્રણ વર્ષ પહેલાં અનામત શરૂ કરવામાં આવ્યું. ચોંકાવનારું એ હતું કે પીએચડી થયેલા લોકો આ માટે આવ્યા.
"તો દલિતો ક્વોલિફાઇડ નથી એવું તો છે જ નહીં.
"મેં એ જોયું છે કે ગુજરાતમાં મોટા ભાગની સંસ્થાઓમાં શાકાહારી લોકો હોય છે, જેથી ત્યાં દલિતો અને મુસ્લિમોનું ત્યાં આવવું મુશ્કેલ થઈ જાય છે."

ઇમેજ સ્રોત, Getty Images
ઇશ્વર પરમારે જણાવ્યું છે કે અત્યારે હાલ અમદાવાદમાં 22 જેટલા સફાઈ કામદારો છે કે જેઓ ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ-ગ્રેજ્યુએટ છે.
સરકાર ભલે ગમે તેટલી યોજનાઓનો અમલ કરે પરંતુ ભણીને સમાજના મુખ્ય પ્રવાહમાં આવવા દોડતા દલિતો આંખમાં સપનાં અને ખભે દફતર નાંખીને દોડીને ડીગ્રી તો લઈ આવે છે પણ નોકરી મેળવતા હાંફી જાય છે, એટલે એમની દોડ ઝાડુ સાથે પૂરી થાય છે..!
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












