પાકિસ્તાન : સંગીત કાર્યક્રમમાં 'શક્તિ પ્રદર્શન' માટે થતો ગોળીબાર 'હત્યા' માટે જવાબદાર?

ઇમેજ સ્રોત, SINDH POLICE
પાકિસ્તાનમાં એક ગર્ભવતી ગાયિકાની સંગીત કાર્યક્રમ દરમિયાન જ કથિત રૂપે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
આ ગાયિકા વિસ્તારમાં તેમના સંગીતના કાર્યક્રમો માટે પ્રખ્યાત હતાં.
એ દિવસે પણ એક સમારોહમાં મંચ પર બેઠાં હતાં અને ગીત ગાઈ રહ્યાં હતાં.
પણ એકાએક બંદૂકમાંથી ગોળી છૂટી અને તે નીચે ઢળી પડ્યાં. જોકે, આ ગોળીથી માત્ર તેમની જ નહીં પણ તેમના પેટમાં ઉછરી રહેલા આઠ મહિનાનાં ગર્ભસ્થ બાળકનું પણ મૃત્યુ થયું.
આ કિસ્સો પાકિસ્તાનમાં મંગળવારે બન્યો હતો. ઘટનાને પગલે ગાયકોના સમૂહે ન્યાયની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, જે સમયે 28 વર્ષીય સમીરા સિંધુને ગોળી વાગી એ સમયે પરિસ્થિતિ કેવી હતી તે સ્પષ્ટ નથી.
કાર્યક્રમમાં હાજર એક શખ્સ પર આરોપ છે કે તેમણે જ સમીરા પર ગોળી ચલાવી હતી. કેમકે, તેઓ ઊભા થઈને ગીત નહોતાં ગાઈ રહ્યાં.
પરંતુ એ શખ્સનું કહેવું છે કે તે હવામાં ગોળીબાર કરી રહ્યા હતા અને ગોળી સમીરાને વાગી ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોળી વાગતા જ સમીરાના પેટમાં ઉછરી રહેલાં આઠ મહિનાનાં ગર્ભસ્થ બાળકનું પણ મૃત્યુ નિપજ્યું.

શું છે સમગ્ર મામલો?
આ મામલો સિંધ પ્રાંતના લરકાના શહેર પાસેના કાંગા ગામનો છે. અહીં એક પરિવારે ખતના નિમિતે એક સમારોહનું આયોજન કર્યું હતું.
સમીરા સિંધુના પતિ આશિક શમ્મોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
તેમના અનુસાર સમારોહમાં જ એક એવી વ્યક્તિ હાજર હતી જેમણે સમીરાને 'ચેતવણી આપી કે તેઓ જગ્યા છોડીને ઊભાં થઈને ગીત ગાય.'
તમે આ વાંચ્યું કે નહીં?
આથી સમીરાએ કહ્યું કે 'તે ગર્ભવતી છે, ઊભા નહીં થઈ શકે, ત્યારબાદ તે વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવી દીધી.'
આ મામલે ગોળી ચલાવનાર તારિક જટોઈની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કોર્ટની બહાર પત્રકારોને જણાવ્યું કે તે હવામાં ગોળીબાર કરી રહ્યા હતા અને ભૂલથી ગોળી ગાયિકાને વાગી ગઈ હતી.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પર સમારોહનો એક વીડિયો ઝડપથી શેર થઈ રહ્યો છે. પણ કોઈ સમીરાને ધમકાવી રહ્યું હોય એવું વીડિયોમાં સ્પષ્ટ નથી દેખાતું.
વીડિયોમાં જોવા મળે છે કે તેઓ મંચ પર બેઠાં છે અને તેમની સાથે વાદક પણ છે.
એ સમયે ત્રણ લોકો મંચ પર આવે છે અને નોટો વરસાવે છે.
આથી તેઓ ઊભાં થઈ જાય છે અને ગીત ગાવાનું ચાલુ રાખે છે.
દરમિયાન એક શખ્સ ફ્રેમમાંથી જતી રહે છે અને થોડા સમયમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગનો આવાજ આવે છે. ત્યાર બાદ સમીરા નીચે ઢળી પડે છે.

ગીત ગાઈને જ કરતા હતા ગુજરાન
સમીરા સ્થાનિક વિસ્તારમાં એક પ્રસિદ્ધ ગાયિકા હતાં. સિંધી લોકગીતો અને સૂફી ગીતોના તેમના આઠથી વધુ આલ્બમ રિલીઝ થયાં હતાં.
પણ ગુજરાન માટે તેઓ મુખ્ય રીતે પારિવારીક સમારોહમાં ગીતો ગાવાનું કામ કરતાં હતાં.
કોર્ટમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને જાટોઈના લોહીમાં શરાબની માત્રાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં મુસ્લિમો માટે શરાબ પીવું પ્રતિબંધિત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












