ગુજરાત : એંસીના દાયકામાં સગીરા માટે લડેલા મહિલા વકીલનો દેશવાસીઓને ખુલ્લો પત્ર

ઇમેજ સ્રોત, iStock
- લેેખક, પ્રતિભા ઠક્કર
- પદ, બીબીસી ગુજરાતી માટે
પ્રિય ભારતવાસી,
આ સંબોધન કરતા જ મને મારા અવાજની સાથે હવામાં જાણે એક કારમી ચીસ પડઘાય છે. તમને સંભળાય છે? એક નિર્દોષ બાળકી આરિફા (બદલેલું નામ)ની મૂંગી ચીસ?
તમારામાંથી કોઈએ છાપામાં, કોઈએ ટીવીમાં તો કોઈએ સોશિયલ મીડિયા પર સમાચાર જોયા જ હશે.
કોઈ એવું પણ કહેતું સંભળાયું હશે કે, આવડા મોટા દેશમાં તો આવું ચાલ્યા કરે...! હેં ને?
પણ આ અધમ ઘટના એટલી સામાન્ય છે ખરી?
આપણી બુઠ્ઠી થતી જતી સંવેદનાને... આપણા ભાવ જગતને ઢંઢોળવાની વાત છે. અને એટલે જ આજે હું આ પત્રમાં મારી વકીલાતના દિવસોની શરૂઆતનો એક કેસ ટાંકી રહી છું.
સવારના ઊઠો ત્યારે છાપામાં ચોતરફ હિંસા, બળાત્કાર, અગ્નિસ્નાન ... અને હા, નરાધમોનો પુરાવાના અભાવે નિર્દોષ છુટકારાના વાહિયાત સમાચારો જોવા મળતા હોય છે.

આપણે કેવા સમાજમાં જીવીએ છીએ ?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય માણસ આ બધાથી એક તાણ અનુભવે, દરેકની સામે એક પ્રશ્નાર્થ ઘડિયાળના લોલકની જેમ લટકતો રહે છે કે આપણે કેવા સમાજમાં જીવીએ છીએ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા થોડા સમયથી ભયનો વંટોળ બધે ફરી વળ્યો છે. જાતિ, ધર્મના નામે જે ભાગલા પડી ગયા છે.
એકમેક સાથે જીવતા લોકો હવે પરસ્પર શંકાની ઝેરીલી નજરે જોતા થયા છે અને એ વિષચક્રમાં લોકો ફસાતા જાય છે.
એનું આ ભયંકર પરિણામ આપણી સામે નગ્ન નાચ કરતું જોવા મળે છે.
જાણે લોકો વચ્ચે સંબંધોની સંવેદનાનાં ભાગલા પડતા જાય છે અને ધર્મનું રૂપ ઘાતકી બનતું જાય છે

ઇમેજ સ્રોત, Science Photo Library
પાણીમાં પણ ઘાવ પડે
ને બરફને પણ તાવ ચડે
ઉભા બે ફાડચા કરો તો
છત સાથે ઘર પણ પડે...
કડડડભૂસ છતાં બધા મૂંગા મંતર...

ગંદી માનસિકતા

ઇમેજ સ્રોત, Science Photo Library
બંધારણની સમાનતાની મહેકના સ્થાને કોઈ ગંદી માનસિકતાએ દૂષિત હવા ફેલાવી દીધી છે.
એક ભયની લહેરખી ચોર પગલે બધે જ ફરી વળી છે અને નેતૃત્વની નૈતિકતા તો સ્વપ્નમાં પણ અલોપ થઈ ગઈ છે, સરકારી સંસાધનો જાણે બુઠ્ઠાં બની રહ્યાં છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પણ ક્યાંક રમેશકુમાર જલ્લા અને ટીમ જેવા ઓફિસર્સે એક આશાનો સંચાર કર્યો અને ગુનેગારો સામે ચાર્જશીટ થઈ પણ હજુ આગળની લડાઈ બાકી છે.
આવું સાંભળું છું ત્યારે મને એંસીના દાયકાની ઘટના યાદ આવે છે.
મારી વકીલાતની કારકિર્દીની શરૂઆતના દિવસોની વાત એટલા માટે આજે તમને કહેવી છે કે, ક્યાંક કાયદાકીય જડતાને સ્થાને આવી નક્કર માનવીયતા કોર્ટ કાર્યવાહી દરમિયાન અમલી બને.

1980માં પાલીતાણામાં શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, iStock
વર્ષ 1980માં પાલીતાણાના એક ગામની દુર્ઘટના આવું કંઈક સાંભળું ત્યારે તાદ્દશ થાય છે.
ગામના સરપંચના દીકરા અને તેમના ભત્રીજાએ મળીને મજૂરની સાત વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરી કાંટાળી વાડમાં નાખી દીધી.
બળાત્કાર પછી ખૂનની ઘટના. પણ પરિવાર અને ગામના લોકોએ મળી શોધખોળને અંતે આ દીકરીને હૉસ્પીટલમાં દાખલ કરી, જ્યાં પુરાવાનો નાશ કરવામાં ડૉક્ટર પણ આરોપીઓ સાથે ભળી જઈને પીડિતાને ઇન્જેક્શન આપી મારી નાખવા સુધીની નિમ્ન કક્ષાએ પહોંચવાના હતા.
પરંતુ સમાજવાદી કાર્યકર કનું ઠક્કરે ખુમારી ભરી આગેવાની લઈ સભા ભરીને દીકરીને બચાવી લીધી.

મારી ભૂમિકા

ઇમેજ સ્રોત, IMAGEDB/GETTY IMAGES
મને વિથ પ્રોસીક્યુશન વકીલ તરીકે રોકી, જેથી સરકારી વકીલ પર પણ ધ્યાન રાખી શકાય અને કોર્ટમાં પુરાવા રજૂ કરી શકાય.
જસ્ટિસ નગીનભાઈ ગાંધી ધારદાર અને પ્રમાણિક વ્યક્તિ. તેમણે તહોમતદારના વકીલને સાત વર્ષની બાળકીને કોઈ અઘટિત પ્રશ્ન પૂછવા ન દીધા.
‘એ દીકરીને વકીલના શાબ્દિક બળાત્કારથી બચાવી લેવાઈ’. ઓપન કોર્ટમાં ઓર્ડર સંભળાવ્યો અને સજા કરી.
જો વહીવટી તંત્ર પ્રમાણિકતાથી કામ કરે, સમાજના આગેવાનો સાચા અર્થમાં પ્રજા સેવક બને તો ગુનેગાર છૂટી ન શકે.
પણ મારા પ્રિય ભારતવાસીઓ આજે ચોતરફ જે ઉધઈ ફેલાઈ છે, એની ‘પેસ્ટ કંટ્રોલ’ આપણા હાથમાં જ છે.

મારે એની તલવારનું રાજ
મોં છુપાવ્યા વગર વિરોધ જો નહીં કરો, ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી નિર્ભયતાથી મહાત્મા ગાંધીએ આપેલું વ્રત 'અભય અને સ્વાર્થત્યાગ' બેય પાળીશું, તો આપણા શાંતિ ભર્યા સહ અસ્તિત્વને જાળવી શકીશું.
અન્યથા હવે ‘મારે તેની તલવાર’નું રાજ આવી રહ્યું છે. એ દિવસો દુર નથી કે આવી કરતૂતો કરનારા તમારા ઘરના આંગણે પહોચી જશે.
જાગો, ચેતો. "કાશ આખો સુરજ નહીં પણ આશાની એકાદ કિરણ મળે."
લી. અસ્વસ્થ પરિસ્થિતિ માં તમારી સાથે જ શ્વસતી એક ભારતીય - પ્રતિભા ઠક્કર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












