નાયક કમ, ખલનાયક વધારે : બોલિવૂડના સંજૂની કહાની

સંજય દત્ત

ઇમેજ સ્રોત, DHARMA/SCREENGRAB/BBC

    • લેેખક, વિકાસ ત્રિવેદી
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્લી

'અપના લાઇફ કભી અપ, કભી ડાઉન. ડ્રગ્સ લિયા. મહંગે હોટલોમેં ભી રહા ઔર જેલ મેં ભી. ઘડીયાં ભી પહેની, હથકડિયાં ભી. 308 ગર્લફ્રેન્ડ્સ થી ઔર એક એકે-56 રાઇફલ.'

ભાઈઓ અને બહેનો, તમારા સીટ બેલ્ટ બાંધી લો. આગળ સંજય દત્ત એટલે કે સંજૂ બાબાની કહાણી છે. આ કહાણીની શરૂઆત કરીએ સંજયને જન્મ આપનારી તેમની માતા નરગિસથી.

એ નરગિસ જેમણે 'મધર ઇન્ડિયા'માં ખોટું કામ કરનારા પોતાના પુત્ર બિરજૂને ગોળી મારી દીધી હતી.

એ ફિલ્મની કથા હતી, પણ 29 જુલાઈ 1959ના રોજ નરગિસે વાસ્તવિક જીવનમાં લાડકા દીકરાને જન્મ આપ્યો ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે જીવનમાં કેવા આડાઅવળા માર્ગેથી તે પસાર થશે.

નરગિસ

ઇમેજ સ્રોત, INSTAGRAM/SANJAYDUTT/BBC

નરગિસ અને સુનીલ દત્તના પુત્ર સંજય. ફિલ્મ ડિવિઝનની ડૉક્યુમેન્ટરીમાં નરગિસ સંજૂને તૈયાર કરીને વહાલથી ચૂમી લે છે ત્યારે તે શરમાયને મોઢું છુપાવી દે છે.

નાનકડો સંજૂ કૅમેરા સામે જોતો પણ નથી, પરંતુ તે પછીના જીવનમાં તેણે સદાય કૅમેરાની સામે જ રહેવાનું પસંદ કર્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

એક ટીવી શોમાં સંજય દત્તનાં બહેન ઝાહિદાએ એક કિસ્સો સંભળાવ્યો હતો, "સંજય દિલનો બહુ સારો હતો. એકવાર નરીમાન પૉઇન્ટ પર ગાડીની આસપાસ એક છોકરો સતત ફરતો હતો એટલે ડ્રાઇવર કાસિમભાઈએ તેને તમાચો મારી દીધો હતો."

"ત્યાંથી ઘરે પહોંચ્યા ત્યાં સુધી સંજૂ રડતો રહ્યો. અમારે ગાડી પાછી લેવી પડી અને પેલા છોકરાને દૂધની બૉટલ અપાવી તે પછી સંજૂ શાંત થયો હતો."

સંજય દત્ત

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

એક રેડિયો ઇન્ટરવ્યૂમાં નરગિસે કહ્યું, "હું શૂટિંગ પર જતી તો સંજય રોવા લાગતો. સ્ટુડિયોમાં મને સતત અજંપો રહ્યા કરતો કે તે ઘરે ઠીક હશે કે નહીં. એટલે જ મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેવાનું નક્કી કર્યું હતું."

line

સંજૂના બગડવાની શરૂઆત

સંજય દત્ત

ઇમેજ સ્રોત, FILMDIVISION

ઇમેજ કૅપ્શન, સંજય દત્ત માતા નરગિસ અને બહેન સાથે

સુનીલ દત્ત એક કિસ્સો ઘણીવાર સંભળાવતા હતા. એક વખત કાશ્મીરમાં મજાકમાં તેમણે સંજૂને સિગારેટ આપી તો તે આખી સિગારેટ પી ગયો અને તેઓ જોતા જ રહી ગયા.

તે વખતે સંજૂની ઉંમર માંડ દસ વર્ષની હશે. સુનીલ દત્તને મળવા માટે નિર્માતા કે તેમના મિત્રો આવતા રહેતા. તે લોકોએ છોડી દીધી હોય તે સિગારેટના ઠૂંઠા સંજય છુપાઈને પી લેતો હતો.

સંજૂ બગડવા લાગ્યો તે જોઈને તેને મુંબઈની કેથેડ્રલ સ્કૂલમાંથી ઉઠાવીને હિમાચલ પ્રદેશની જાણીતી બોર્ડિંગ સ્કૂલ 'સેન્ટ લૉરેન્સ'માં મોકલી દેવાયો. સંજયે જીવનના આગામી કેટલાક વર્ષો ત્યાં જ વિતાવ્યા.

સંજયને નાનપણથી જ સંગીતનો શોખ હતો. સ્કૂલના બૅન્ડમાં તેઓ સૌથી પાછળ ડ્રમ વગાડતા ચાલતા. તેમના બહેન પ્રિયા દત્તે એક ટીવી શોમાં કહ્યું હતું, "સંજયને એક જ રીતે ડ્રમ વગાડતા આવડતું હતું."

ફારુક શેખને આપેલા ટીવી ઇન્ટરવ્યૂમાં સુનીલ દત્તે એક કિસ્સો સંભળાવ્યો હતો.

1971ના યુદ્ધ પછી ભારતીય કલાકારોનો એક કાર્યક્રમ બાંગલાદેશમાં યોજાવાનો હતો. સંજયે જીદ પકડી કે મારે પણ સાથે આવવું છે.

સુનીલ દત્તે કહ્યું કે જેમને ગાતા આવડતું હોય કે કશુંક વગાડતા આવડતું હોય તેમને જ લઈ જવાના છે, ત્યારે સંજયે કહેલું કે, "હું બાંગો વગાડીશ."

આખરે સંજયને પણ સાથે લઈ જવા પડ્યા હતા. સ્ટેજ પર લતા મંગેશકર ગાતાં હતાં, ત્યારે તેમને લાગ્યું કે પાછળ બાંગો ખોટી રીતે વાગી રહ્યો છે.

તેઓ ગાતા અટક્યાં હતાં અને પાછળ જોયું, પણ પછી તેઓ તેમની અવગણના કરીને ગાતાં રહ્યાં.

line

ડ્રગ્ઝ લેવાની શરૂઆત

સંજય દત્ત અને નગરિસ

ઇમેજ સ્રોત, INSTAGRA/SANJAYDUTT/BBC

ઇમેજ કૅપ્શન, સંજય દત્ત નરગિસ સાથે

1977માં 18 વર્ષની ઉંમરે સંજય લૉરેન્સ સ્કૂલથી ઘરે પરત ફર્યા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં તેમણે પ્રવેશ લીધો.

આ જ સમયગાળામાં સંજૂ બાબા ડ્રગ્ઝની અંધારી ગલીઓમાં ઘૂમવા લાગ્યા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ રૂમમાં પૂરાઈ રહેતા.

નરગિસને કદાચ અંદાજ આવી ગયો હતો કે તેમનો દીકરો ડ્રગ્ઝ લેવા લાગ્યો છે, પણ તેમણે સુનીલ દત્તને આ વાતનો અણસાર આવવા દીધો નહોતો.

સંજયે નક્કી કરી લીધું હતું કે તેઓ ફિલ્મો કરવા માગે છે. તેઓ પહેલી વખત રૂપેરી પડદે 1971માં 'રેશમા ઔર શેરા' ફિલ્મમાં બાળ કલાકાર તરીકે જોવા મળ્યા હતા.

સુનીલ દત્તે સંજય દત્તની ટ્રેનિંગ કરાવી. જ્યારે ફિલ્મ કરવા માટે સંજય તૈયાર થઈ ગયા તો તેમણે 'રૉકી' ફિલ્મમાં સંજયને હીરો તરીકે લીધા અને ટીના મુનીમને હીરોઇન તરીકે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું.

line

કેન્સર અને દર્દનો સંબંધ

રૉકીનું પોસ્ટર

ઇમેજ સ્રોત, INSTAGRAM/SANJAYDUTT/BBC

'રૉકી' ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ખબર પડી કે નરગિસને કેન્સર છે. સુનીલ દત્ત સારવાર માટે નરગિસને અમેરિકા લઈ ગયા.

બે મહિના કૉમામાં રહ્યા પછી નરગિસે આંખો ખોલીને પૂછેલું, "સંજય ક્યાં છે?"

હોસ્પિટલમાં સુનીલ દત્ત નરગિસનો અવાજ રેકર્ડ કરતા રહેતા હતા. તેમણે પોતાના પુત્ર સંજૂ માટે નરગિસનો સંદેશ પણ એવી રીતે રેકર્ડ કરી લીધો હતો.

થોડા સમય પછી નરગિસની તબિતય સુધર્યા બાદ તેઓ ભારત પરત ફર્યા. સંજયની પહેલી ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું હતું.

નરગિસે સુનીલ દત્તને કહ્યું હતું, "ગમે તેમ કરજો, પણ મને મારા દીકરાની ફિલ્મનાં પ્રીમિયરમાં લઈ જજો. સ્ટ્રેચરમાં કે વ્હીલચેરમાં પણ લઈ જજો."

સુનીલ દત્તે બધી તૈયારીઓ કરી લીધી હતી. 7 મે 1981ના રોજ 'રૉકી'નું પ્રીમિયર યોજાવાનું હતું, પણ અચાનક નરગિસની તબિયત કથળી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં.

તેમનું શરીર તૂટવા લાગ્યું હતું. 'રૉકી' ફિલ્મનું પ્રીમિયર યોજાય તેના ચાર દિવસ પહેલાં 3 મે 1981ના રોજ નરગિસ દુનિયાને અલવિદા કહી જતાં રહ્યાં.

ફિલ્મમાં હોય કે વાસ્તવિક જીવન, કોઇના જન્મ કે મરણથી કથા અટકતી નથી.

સંજય દત્તે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે માતાનું અવસાન થયું ત્યારે તેઓ બિલકુલ રડ્યા નહોતા.

સિમી ગરેવાલ સાથેના ઇન્ટરવ્યૂમાં સુનીલ દત્તે કહ્યું હતું કે 'રૉકી'ના પ્રીમિયરના દિવસે એક સીટ ખાલી રાખવામાં આવી હતી.

કોઈએ આવીને કહ્યું કે 'દત્તસાહેબ આ સીટ ખાલી પડી છે.' તેમણે જવાબ આપ્યો કે 'ના, તે મારી પત્નીની સીટ છે'.

'રૉકી' રિલિઝ થઈ અને લોકોને તે પસંદ પણ પડી. નરગિસના અવસાન બાદ સંજય દત્ત ટીના મુનીમ અને ડ્રગ્ઝ બંનેની ખૂબ નજીક આવી ગયા હતા.

સંજય દત્તે પોતાના ઘણા ઇન્ટરન્યૂમાં સ્વીકાર્યું છે કે, "જેટલા પ્રકારની ડ્રગ્ઝ મળતી હતી, તે બધી મેં લીધી હતી. એવું કહેવાય છે કે દર દસમાંથી એક વ્યક્તિને કોઈને કોઈ લત લાગતી હોય છે.”

“ખાવાની, જુગારની, શરાબની કે ડ્રગ્ઝ લેવાની હોઈ શકે છે. હું તે દસમાંનો એક હતો. ડ્રગ્ઝ લેવાની આદત એક પ્રકારની બીમારી છે."

તેમણે જણાવ્યું કે ડ્રગ્ઝના બંધાણીને કોઈ સ્વીકારતું નથી પણ "મારા ડેડ મને જેવો હતો તેવો સ્વીકારવા તૈયાર હતા. તેઓ પ્રોડ્યુસરોને ફોન કરીને કહેતા મારા દીકરાને લેતા પહેલાં વિચારજો, કેમ કે તે ડ્રગ્ઝ લે છે."

line

'મેં ડ્રગ્ઝ લેવાનું છોડ્યું, કેમ કે...'

સંજય અને સુનીલ દત્ત

ઇમેજ સ્રોત, INSTAGRAM/SANJAYDUTT/BBC

સંજય દત્તે એક ટીવી શોમાં કહ્યું હતું, "એક દિવસ સવારે મારી આંખ ખુલી. સામે જ નોકર ઊભો હતો. મેં કહ્યું ભૂખ લાગી છે, કંઈક ખાવાનું લઈ આવે.”

“આ સાંભળીને તેની આંખમાં આંસુ આવી ગયા. મેં તેને પૂછ્યું શા માટે રડે છે. તો મને કહ્યું કે તમે બે દિવસ પછી જાગ્યા છો. મેં અરીસામાં જોયું તો મારો ચહેરો સૂઝી ગયો હતો. વાળ સાવ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા.''

"મને લાગ્યું કે આવી રીતે તો હું મરી જઈશ. હું ડેડ પાસે ગયો અને કહ્યું 'મને તમારી મદદ જોઈએ છે'. ડેડ તરત મને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ ગયા અને દાખલ કરી દીધો."

1984માં ડ્રગ્ઝના વ્યસનમાંથી મુક્ત કરાવવા સુનીલ દત્ત તેમને અમેરિકા લઈ ગયા. તે દરમિયાન ટીના સાથેનો તેમનો સંબંધ પણ તૂટી ગયો હતો.

અમેરિકામાં ડ્રગ્ઝ રિહેબ સેન્ટરમાં સંજય એક ગ્રૂપમાં બેઠા હતા ત્યારે એક છોકરાએ અચાનક નરગિસનો રેકોર્ડ કરેલો મેસેજ પ્લે કરી દીધો. પોતાના લાડકા દીકરા સંજૂ માટે તેમણે આ મેસેજ આપ્યો હતો.

સંજય દત્ત માતા પિતા સાથે

ઇમેજ સ્રોત, INSTA/SANJAYSUTT/BBC

ઇમેજ કૅપ્શન, સંજય દત્ત માતા પિતા સાથે

નરગિસે તે સંદેશમાં કહ્યું હતું, "બીજી કોઈ પણ વસ્તુ કરતા સંજૂ તારી વિનમ્રતા અને ચરિત્રને જાળવી રાખજે. ક્યારેય દેખાડો ના કરીશ. હંમેશા વિનમ્ર રહેજે અને વડીલોનું સન્માન કરજે.”

“તેના આધારે જ માણસ જીવનમાં આગળ વધી શકે છે. તારા કામમાં પણ આ બાબતો તને ઉપયોગી થશે."

સંજય કહે છે, "મૉમનો અવાજ સાંભળીને હું કલાકો સુધી રડ્યો હતો. મૉમના મૃત્યુ બાદ બે વર્ષે મેં તેમનો મેસેજ સાંભળ્યો હતો અને ચાર-પાંચ કલાક સુધી રડતો રહ્યો હતો. મારા આંસું રોકાયા ત્યારે હું બદલાઈ ગયો હતો.”

સંજય દત્ત ભારત પરત ફર્યા ત્યારે તેમની પાસે બે રસ્તા હતા, "નવ મહિને હું ભારત પાછો આવ્યો અને ઘરે પહોંચ્યો ત્યારે સૌથી પહેલી વ્યક્તિ મને મળવા આવી, તે હતા ડ્રગના પેડલર.”

“મારી પાસે બે રસ્તા હતા. પહેલો રસ્તો તેની પાસેથી ડ્રગ્ઝ લઈ લેવાનો હતો. બીજો તેને ના પાડી દેવાનો હતો. મેં બીજો રસ્તો પસંદ કર્યો હતો."

સારવાર માટે નવ મહિના અમેરિકામાં રહેતી વખતે સંજયે વિચાર કરેલો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને તેઓ અમેરિકામાં જ વસી જશે અને કોઈ બિઝનેસ કરશે.

પરંતુ તે જ વખતે પપ્પૂ વર્માએ 'જાન કી બાઝી' ફિલ્મ માટે સંજયને સાઇન કરી લીધા હતા. આ ફિલ્મ 1985માં રિલિઝ થઈ અને સંજયનું અમેરિકા જવાનું અટકી પડ્યું.

વીડિયો કૅપ્શન, મુંબઇમાં ગૈફર તરીકે કામ કરતી આ એક માત્ર ગુજરાતી યુવતી કોણ છે?

સંજય દત્તના જીવનમાં એક ખૂબસૂરત વળાંક આવ્યો 1986માં રિલીઝ થયેલી મહેશ ભટ્ટની ફિલ્મ 'નામ'થી.

આ ફિલ્મમાં એવાં ગીતો હતાં જે જાણે તેમને અમેરિકા જતા રોકવા માટે ગવાયાં હોય. 'તું કલ ચલા જાયેગા...' અને 'ચિઠ્ઠી આઈ હૈ, આઈ હૈ ચિઠ્ઠી આઈ હૈ...' એવાં ગીતો તેમાં હતાં.

કેટલાય પ્રેમ સંબંધો પછી સંજય દત્તનું દિલ આખરે રિચા શર્મા પર ઠર્યું હતું. દેવાનંદે તેમને પોતાની ફિલ્મમાં લીધાં હતાં. બંને એક બીજાને મળવા લાગ્યા અને એકબીજાની ખૂબ નજીક આવી ગયા.

1987માં બંને પરણી પણ ગયા અને એક વર્ષ બાદ તેમને ત્યાં દીકરી ત્રિશલાનો જન્મ થયો. ત્યારબાદ અચાનક રિચા શર્માના માથામાં દુખાવો થવા લાગ્યો હતો.

ડૉક્ટર્સને બતાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેમને બ્રેઈન ટ્યુમર થયું છે. સારવાર માટે રિચા અને ત્રિશલા અમેરિકા રહેવાં લાગ્યાં.

'નામ' ફિલ્મને સફળતા મળી, પણ ત્યારબાદ એક પછી એક ફિલ્મો ફ્લોપ જવા લાગી હતી.

તે પછી માધુરી દીક્ષિત અને સલમાન ખાન સાથે 1991માં આવેલી 'સાજન' ફિલ્મે ધૂમ મચાવી દીધી.

દરમિયાન અને સંજય દત્ત અને રિચાના સંબંધો બગડવા લાગ્યા હતા અને સંજયનું નામ માધુરી દીક્ષિત સાથે જોડાવા લાગ્યું હતું.

line

ખલનાયક બનવાની કથા

સંજય અને સુનીલ દત્ત

ઇમેજ સ્રોત, INSTAGRAM/SANJAYDUTT/BBC

અહીં સુધીની આ કથા દત્ત પરિવારના અગાઉ લેવાયેલા ઇન્ટરવ્યૂઝ અને ડૉક્યુમેન્ટરી પર આધારિત હતી. પરંતુ સંજય દત્તના જીવનમાં હજુ વધુ એક મોટો વળાંક આવવાનો બાકી હતો.

1993માં 'આતિશ' ફિલ્મના શૂટિંગ માટે સંજય મોરેશિયસ ગયા હતા. તે વખતે મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલી રહી હતી. સમીર હિંગોરાની અને હનીફ લાકડાવાલાએ પોલીસને જણાવ્યું કે સંજય પાસે એકે-56 રાઇફલ છે.

સંજય મુંબઈ પાછા આવ્યા તે સાથે જ આંતકવાદ વિરોધી 'ટાડા' કાયદા હેઠળ તેમની ધરપકડ કરી લેવાઈ હતી.

'ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલીવૂડ બૅડબોય' નામના પુસ્તકમાં યાસિર ઉસ્માન લખે છે, ''સંજયે પોલીસને જણાવ્યું હતું કે ફિરોઝ ખાનની ફિલ્મ યલગારના શૂટિંગ વખતે દુબઈમાં તેમની મુલાકાત દાઉદ અને અનીસ સાથે થઈ હતી.”

“અબુ સાલેમ, હનીફ અને સમીર પાસેથી સંજયે ત્રણ એકે-56 રાઇફલો લીધી હતી. પરંતુ બાદમાં તેમણે બે એકે-56 પાછી આપી દીધી હતી.''

સંજય દત્ત

ઇમેજ સ્રોત, AFP

સુનીલ દત્ત માની પણ નહોતા શકતા કે સંજય આવું પણ કંઈક કરી શકે? તહેલકા મેગેઝીનના એક રિપોર્ટ અનુસાર તેમણે પોતાના પુત્રને પૂછ્યું હતું કે તેમણે આવું શા માટે કર્યું?

તે વખતે જવાબમાં સંજય દત્તે કહ્યું હતું કે "મારી નસોમાં મુસ્લિમ લોહી વહી રહ્યું છે. શહેરમાં જે થઈ રહ્યું હતું તે હું સહન કરી શકું તેમ ન હતું."

એવું કહેવાય છે કે સંજય દત્તે એ વાતનો સ્વીકાર કરી લીધો હતો કે મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ થયા ત્યારે તેઓ વિદેશમાં હતા. તેમણે પોતાના મિત્ર યુસૂફ નળવાલાને રાઇફલનો નાશ કરી દેવા કહ્યું હતું.

જોકે, કેસ ચાલ્યો ત્યારે સંજયે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું.

સંજયના હથિયાર રાખવાનું એક કારણ 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ થયેલા રમખાણ પણ હતા, એવો દાવો કરનારા લોકોમાં હુસૈન ઝૈદી પણ સામેલ હતા.

સંજય દત્ત, સુનીલ દત્ત અને કુમાર ગૌરવ

'માઈ નેમ ઇઝ અબુ સાલેમ' નામના પુસ્તકમાં ઝૈદીએ લખ્યું છે, "બાબરી મસ્જિદ તોડી પડાઈ તે પછી મુંબઈમાં ભારે રખમાણો થયા હતા. ધર્મનો ભેદ કર્યા વિના સુનીલ દત્તે ઘાયલોને મદદ કરી હતી. સંજય દત્તે પણ ઘણાને મદદ કરી હતી."

"આ વાત કેટલાક લોકોને ગમી નહોતી. કેટલાક ઉગ્રપંથી સંગઠનોએ દત્ત પરિવારને ભાંડવાનું શરૂ કરી દીધું હતું.”

“કેટલીક જગ્યાએ સુનીલ દત્ત પર હુમલો પણ થયો હતો. ફોન પર મળતી ધમકીઓથી સંજય પરેશાન થઈ ગયા હતા. ફિલ્મના આ હીરોને લાગ્યું હતું કે વાસ્તવિક જીવનમાં પણ હીરો થવાનો આ સમય છે."

સંજયે કેટલાક દિવસો જેલમાં રહેવું પડ્યું, પણ તે પછી તેમને જામીન મળી ગયા. અત્યાર સુધી માધુરી અને સંજયની પ્રેમકથા છાપનારા ગોસીપ મેગેઝીનો હવે તે બંનેના તૂટી ગયેલા સંબંધો વિશે લખવા લાગ્યાં હતાં.”

સંજય જેલમાં ગયા તેનો સૌથી વધુ ફાયદો સુભાષ ઘાઈને થઈ ગયો. તેમની ફિલ્મ ખલનાયક 1993ની સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ. એ જ વર્ષે સંજયની મુલાકાત મૉડેલ રિયા પિલ્લઈ સાથે થઈ હતી.

line

જેલ અને જામીન, જામીન અને જેલ

સંજય દત્ત

ઇમેજ સ્રોત, GETTY IMAGES

એક વર્ષ જામીન પર રહ્યા પછી ફરીથી જુલાઈ 1994માં સંજયે જેલમાં જવું પડ્યું હતું. આ વખતે તેમને 'અંડા સેલ'માં રાખવામાં આવ્યા હતા, જ્યાં સૌથી ખતરનાક ગુનેગારોને રાખવામાં આવે છે.

થોડા વર્ષો પહેલાં સંજય અને તેમના બહેન પ્રિયા દત્ત વચ્ચે અણબનાવ છે તેવા સમાચારો પણ આવ્યા હતા.

જોકે, સંજય જેલમાં હતા ત્યારે ભાઈ-બહેનના સંબંધો વિશેનો કિસ્સો ફારુક શેખના શો 'જીના ઇસી કા નામ હૈ'માં રજૂ થયો હતો.

પ્રિયા દત્તે આ શોમાં કહ્યું હતું, "રક્ષાબંધન વખતે અમે જેલ પર ગયા ત્યારે ડેડે મને રાખડી બાંધવા કહ્યું હતું. સંજૂએ ઉદાસ ચહેરે કહ્યું હતું કે મારી પાસે તને આપવા માટે કશું નથી. પણ મેં તારા માટે કેટલીક કૂપનો સાચવીને રાખી છે. જેલમાં ચા ખરીદવા માટે આ કૂપન મળે છે."

પ્રિયાએ 1998માં કહ્યું હતું કે સંજયે આપેલી તે કૂપનો આજે પણ તેમણે સાચવીને રાખી છે.

સંજય દત્ત

ઇમેજ સ્રોત, AFP

સિમી ગરેવાલના શો 'રૉન્દેવૂ'માં સંજયે જેલના દિવસોનો એક કિસ્સો સંભળાવ્યો હતો.

સંજયએ કહ્યું, "ડેડ જેલમાં મળવા આવતા ત્યારે કહેતા, કાલે થઈ જશે, કાલે થઈ જશે. આ રીતે ત્રણ ચાર મહિના જતા રહ્યા. એક વાર ડેડ આવ્યા અને ફરી કહ્યું કે કાલે થઈ જશે, ત્યારે મેં ચિલ્લાઈને કહ્યું ક્યારે થશે.”

“આ સાંભળીને મારા પિતા રડવા લાગ્યા હતા અને કહ્યું હતું કે બેટા, મને માફ કરી દેજે. હવે હું તારા માટે કશું કરી શકું તેમ નથી."

યાસિર ઉસ્માને પુસ્તકમાં લખ્યું છે કે સુનીલ દત્તને તત્કાલીન મુખ્યમંત્રી શરદ પવાર તરફથી કોઈ મદદ ના મળી ત્યારે તેઓ બાલા સાહેબ ઠાકરેને મળવા ગયા હતા.

ઠાકરેએ સંજયનો ખુલ્લેઆમ બચાવ કર્યો હતો અને કહ્યું કે દત્ત પરિવારમાંથી કોઈ દેશવિરોધી નથી.

સંજયને સાથ આપનારામાં શત્રુઘ્ન સિંહા પણ હતા.

બાલ ઠાકરેએ બચાવ કરેલો, પણ તે વખતે તેમની જ શિવસેના સંજય દત્તની ફિલ્મોનો જોરદાર વિરોધ કરતી હતી.

જેલમાં 15 મહિના રહ્યા પછી ઓક્ટોબર 1995માં તેમને ફરી જામીન મળ્યા હતા. માથે ટીલું અને સફેદ કૂર્તામાં સંજય દત્ત જેલની બહાર આવ્યા હતા.

તેઓ જેલમાંથી છૂટ્યા તેના બે મહિના પછી ડિસેમ્બર 1996માં રિચા શર્માનું અવસાન થયું. રિયા પિલ્લઈ સાથે તેમનો સંબંધ ગાઢ થઈ રહ્યો હતો. 1998માં રિયા સાથે સંજયે લગ્ન કરી લીધા.

1999માં તેમની ફિલ્મ 'વાસ્તવ' હિટ થઈ અને તેમને બેસ્ટ ઍક્ટરનો ફિલ્મફેર ઍવૉર્ડ પણ મળ્યો.

2000માં ફરી એવી ઓડિયો ક્લિપ બહાર આવી, જેમાં સંજય દત્ત અને છોટા શકીલ વચ્ચેની વાતચીત સાંભળવા મળી હતી. આજે પણ ઇન્ટરનેટ પર તે ઓડિયો મળી જાય છે.

યાસિર ઉસ્માન પોતાના પુસ્તકમાં લખે છે, "સીબીઆઈ આ ફોન રેકર્ડ કરી રહી હતી. 2002માં તેને પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા."

મુંબઈમાં 58 પાલી હિલ બંગલોમાં નરગિસે પોતાનું ઘર વસાવ્યું હતું, પણ હવે તે ઘરના બધા સભ્યો જુદા જુદા રહેતા હતા.

2003માં સંજય દત્તને એક એવી ફિલ્મ મળી જેના કારણે તેમને પોતાની છાપ સુધારવામાં મોટી મદદ મળી.

'મુન્નાભાઇ એમબીબીએસ'માં સુનીલ દત્તે જ સંજયના પિતાનો રોલ કર્યો હતો. એ હિલ્મ સુપરહિટ થઈ હતી.

બે વર્ષ બાદ 2005માં સુનીલ દત્તનું અવસાન થયું. એક બાપ અને પતિ તરીકે તેમણે સતત સંબંધોને સાચવવાનું દર્દ અનુભવ્યું હતું.

line

'માન્યતા પ્રાપ્ત' સંજય

સંજય અને માન્યતા દત્ત બાળકો સાથે

ઇમેજ સ્રોત, INSTA/SANJAYDUTT/BBC

રિયા સાથે પણ સંજયનો સંબંધ 2008 સુધી જ ચાલ્યો. તે પછી સંજય 'માન્યતા પ્રાપ્ત' થઈ ગયા.

માન્યતા એટલે દિલનવાઝ શેખ, જેઓ પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજલમાં 'અલ્લડ મસ્ત જવાની' આઇટમ સોન્ગ કરવાને કારણે જાણીતાં થયાં હતાં.

સંજય અને માન્યતા બન્ને નજીક આવ્યાં, પણ બહેન પ્રિયા, નમ્રતા અને જીજાજી તથા મિત્ર કુમાર ગૌરવ તેમનાથી દૂર થતાં ગયાં.

સંજય અને માન્યતાનું લગ્ન થયું ત્યારે બેમાંથી એકેય બહેન હાજર રહી નહોતી. જોકે, 2010માં માન્યતાએ ઇકરા અને શાહરાન એમ જોડકા બાળકોને જન્મ આપ્યો તે પછી તેમની ફઈબાઓનો રોષ ઓછો થયો હતો.

આ તરફ 1993માં લાગેલો ડાઘ હજુ પણ સંજય પરથી હટ્યો નહોતો. 2006માં જે મુન્નાભાઈએ લોકોને ગાંધીગીરી શીખવી, તેમણે હિંસક હથિયારો રાખવા બદલ સજા ભોગવવાનું હજુ બાકી હતું.

સંજય દત્ત પોસ્ટર

ઇમેજ સ્રોત, AFP

2007માં ટાડા કોર્ટે ચુકાદો આપ્યો કે સંજય આતંકવાદી નથી, પણ તેમણે હથિયારો રાખ્યા એટલે છ વર્ષની કેદની સજા કરી હતી. સંજય ફરી જેલમાં ગયા, પણ તુરંત જ જામીન પર બહાર આવી ગયા હતા.

2013માં સુપ્રીમ કોર્ટે સંજય દત્તની સજા ઘટાડીને પાંચ વર્ષની કરી. સંજય મે 2013માં ફરી જેલમાં ગયા અને ફેબ્રુઆરી 2016માં સારા વર્તનને ધ્યાનમાં રાખીને સંજયને વહેલા જેલમાંથી છોડી દેવાનો નિર્ણય લેવાયો.

ફેબ્રુઆરી 2016માં સંજય ફરી એકવાર માથે તિલક કરીને જેલની બહાર આવ્યા. જેલના અંધારામાં સજા કાપ્યા પછી હવે સંજય માટે આખરે 'સુબહ હો ગઈ મામૂ.'

એ જ સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ સંજૂ બની છે. ફિલ્મમાં રણબીર કપૂરે સંજયનું પાત્ર ભજવ્યું છે.

સંજય દત્ત

ઇમેજ સ્રોત, AFP

આ એ જ રણબીર છે, જેમના પિતાને મારવા માટે એકવાર ગુલશન ગ્રોવર અને સંજય દત્ત પહોંચ્યા હતા. તેનું કારણ હતું ટીના સાથે સંજયનો પ્રેમ.

પોતાની આત્મક્થા 'ખુલ્લમખુલ્લા'માં ઋષિ કપૂર લખે છે, "એક દિવસ સંજૂ અને ગુલશન ગ્રોવર નીતૂના એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. તેમને શંકા હતી કે મારી અને ટીના વચ્ચે કશુંક ચાલી રહ્યું છે.”

“બાદમાં ગુલશન ગ્રોવરે મને જણાવ્યું હતું કે સંજય નીતૂના ઘરે મારી સાથે ઝઘડવા આવ્યા હતા. જોકે, નીતૂએ સંજયને સમજાવ્યું કે આવી કોઈ વાત નથી."

સંજયે અત્યાર સુધીમાં 130થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. સમાજવાદી પાર્ટીમાં જોડાઈને રાજકારણનો પણ અનુભવ લીધો હતો. તેના કારણે જ બહેન સાથે તેમના મતભેદો થયા હતા.

સંજુ ફિલ્મનું પોસ્ટર

ઇમેજ સ્રોત, AFP

સંજય દત્ત પોતાની કારના નંબરો 4545 જ પસંદ કરે છે. આજે પણ સંજય ઘણા લોકો માટે સંજૂ બાબા જ છે. આટલી ઉંમરે પણ તેમની બૉડી એવી છે કે સલમાન ખાન પણ શરમાઈ જાય.

સંજય દત્ત

ઇમેજ સ્રોત, DHARMAPRODUCTION/BBC

સંજયે પોતાના શરીર પર કેટલાક ટેટૂ સંસ્કૃતમાં કરાવ્યાં છે, તેના કારણે પણ બાબાનું નામ બંધબેસતું આવે છે.

તેમણે સુનીલ અને નરગિસના નામ તથા ઓમ નમઃ શિવાય ચીતરાવ્યું છે. તેમના શરીર પર આગ ફેંકતો ડ્રેગનનું ટેટૂ પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો