પતિ-પત્ની અને આશિક, જ્યારે હનીમૂન પર હત્યાનો પ્લાન ઘડાયો

ઇમેજ સ્રોત, SANTOSH KAMBLE
- લેેખક, પ્રાજક્તા ઢેકલે
- પદ, બીબીસી સંવાદદાતા
"મેં મારા સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારા દીકરા સાથે આવું થશે. તેણે કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું ન હતું. તે અત્યારે મારાથી ખૂબ દૂર જતો રહ્યો છે. મેં મારા સપનામાં પણ આવું વિચાર્યું નહોતું."
પુણેના ઔંધ વિસ્તારમાં આ હત્યાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. અહીં કામ્બે પરિવાર એક નાના ઘરમાં વર્ષોથી રહે છે. મૃતક આનંદના ઘરમાં તેની પત્ની, મા-બાપ, ભાઈ છે.
આનંદના નાના ભાઈનાં લગ્ન બે વર્ષ પહેલાં થયાં હતાં. પોતે જ્યાં સુધી સેટલ ન થાય, ત્યાં સુધી લગ્ન ન કરવાનું વિચાર્યું હતું.
આખરે 20 મે, 2018ના રોજ આનંદનાં લગ્ન દીક્ષા સાથે થયાં. લગ્ન બાદ આનંદ-દીક્ષા અને તેનો મિત્ર રાજેશ અને તેની પત્નીએ પંચગીની અને મહાબળેશ્વર ફરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો, પરંતુ કોઈને ખબર નહોતી કે આ ટ્રીપ આનંદની જિંદગીની છેલ્લી ટ્રીપ બની જશે.
આનંદની માતાએ બીબીસીને જણાવ્યું, "આનંદે તેના ભાઈ સાથે કોઈ દિવસ ખરાબ રીતે વાત પણ નહોતી કરી. તે અમારા ઘરનો સ્તંભ હતો.
"એપ્રિલમાં દૂરના સંબંધી આનંદ માટે દીક્ષાનો સંબંધ લઈને આવ્યા હતા.
"સગાઈ બાદ આનંદને ઉતાવળે લગ્ન કરવા ન હતાં, પરંતુ યુવતીવાળાએ દબાણ કરતા 20 તારીખના રોજ તેમનાં લગ્ન કરી દીધાં.
"દીક્ષા જેટલા દિવસમાં ઘરમાં રહી એટલા દિવસ સારી રીતે રહી. તે અમારું સન્માન કરતી, પરંતુ તે આટલું નિષ્ઠુર કામ કરશે એવું અમને કોઈ દિવસ ના લાગ્યું"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એ દિવસે શું થયું?

ઇમેજ સ્રોત, PRAJAKTA DHEKALE /BBC
એ દિવસે શું થયું એ જાણવા અમે રાજશ બોબડેને મળ્યા.
રાજેશે કહ્યું, "પુણેથી અમે બપોરે 2 વાગ્યે નીકળ્યા હતા. આનંદ અને દીક્ષા કારમાં પાછળ બેઠાં હતાં. હું અને મારી પત્ની આગળની સીટ પર હતાં.
"જેવા અમે ખંડાલાના ઘાટમાં પહોંચ્યા કે દીક્ષાને ઊલટી થવા લાગી. અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી દીધી.
"થોડી વાર બાદ અમે પ્રવાસ ફરી શરૂ કર્યો. પસરણી ઘાટ ચડતા દીક્ષાને ફરીથી ઊલટી થવા લાગી. અમે ફરીથી ગાડી ઊભી રાખી.
"દીક્ષા ઊલટી કરવા માટે નીચે ઊતરી અને આનંદ તેની પાછળ પાણીની બૉટલ લઈને ગયો. હું અને મારી પત્ની સાથે ત્યાં સેલ્ફી લઈ રહ્યાં હતાં.
"થોડીવાર બાદ બે લોકો એક બાઇકમાં ત્યાં આવીને ઊભા રહ્યા. અમે તેમની પર ધ્યાન ન આપ્યું. થોડીવાર બાદ અન્ય એક બાઇક પર બે લોકો આવ્યા અને દીક્ષા અને આનંદ જ્યાં હતા ત્યાં ઊભા રહ્યા.
"કંઈ સમજાય એ પહેલાં તેમણે ચાકુ વડે આનંદ પર હુમલો કર્યો. પાંચ-દસ મિનિટ અમને કંઈ ખબર જ ન પડી કે શું થઈ રહ્યું છે.
"દરમિયાન આનંદ જીવ બચાવીને દોડતો-દોડતો ગાડી પાસે આવી ગયો. હુમલાખોરો પણ તેની પાછળ આવ્યા અને ગાડીના કાચ પર હુમલો કર્યો. તેમાં કાચ તૂટીને મારી પત્નીને લાગ્યો જેમાં તે જખમી થઈ ગઈ.
"શું થઈ રહ્યું છે મને કંઈ ખ્યાલ નહોતો પડતો. હું પંચગની પોલીસ સ્ટેશન પહોંચ્યો, તો ત્યાંથી ઉત્તર મળ્યો કે આ વિસ્તાર અમારી નીચે નથી આવતો તમે વાય પોલીસ સ્ટેશન જાઓ.
"હું ત્યાં પહોંચ્યો અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી."

રેડિયમ નંબર પ્લેટની દુકાન

ઇમેજ સ્રોત, Santosh Kamble
રાજેશે ઉમેર્યું, "આનંદ પર હુમલો થયો છે એવું દીક્ષાએ જ ફોન કરીને ઘરે જણાવ્યું હતું. બપોરે 3.30 વાગે દીક્ષાએ આનંદના ભાઈ સંતોષને ફોન કરી આ વાતની જાણ કરી હતી."
આ અંગે સંતોષ કહે છે, "દીક્ષાએ કહ્યું કે કોઈએ અમારી પર હુમલો કર્યો છે. હુમલાખોરોએ મારું મંગલસૂત્ર પણ ખેંચી લીધું છે.
"હું ગભરાયેલી સ્થિતિમાં થોડા મિત્રો સાથે પંચગની પહોંચ્યો, પરંતુ ત્યાં સુધીમાં તો બધું જ ખતમ થઈ ગયું હતું.
"મારા ભાઈની ઔંધ વિસ્તારમાં મોબાઇલ નંબર પ્લેટની દુકાન છે. બાનેર રોડ પર પણ અમારી દુકાનો છે. અમારી કોઈની સાથે દુશ્મની નહોતી.
"દીક્ષાએ ચાલીસ-બેતાલીસ દિવસોમાં તો બધું જ ખતમ કરી નાખ્યું. તેણે ઠંડા દિમાગથી આનંદની હત્યા કરાવી નાખી."

પત્નીએ કરી પતિની હત્યા

ઇમેજ સ્રોત, Santosh Kamble
આ અંગે વધુ જાણકારી માટે અમે વાય પોલીસ સ્ટેશનના ઇન્સપૅક્ટર વિનાયક વેતાળને મળ્યા. તેમણે જણાવ્યું, "દીક્ષા અને નિખિલ મળેકર વચ્ચે પ્રેમસંબંધ હતો, પરંતુ દીક્ષાનો પરિવાર આ સંબંધનો વિરોધ કરતો હતો.
"આ માટે દીક્ષાના પરિવારે તેનાં લગ્ન આનંદ સાથે કરાવી દીધાં, પરંતુ નિખિલ અને દીક્ષાને આ મંજૂર ન હતું. બંનેએ ઠંડા દિમાગથી આનંદની હત્યા કરાવી."
વેતાળ ઉમેરે છે, "1 જૂને જે લોકોએ આ હત્યાની સોપારી લીધી હતી તેઓ પંચગની પહોંચ્યા હતા. નિખિલના મોબાઇલ લોકેશનથી માલૂમ પડ્યું કે તે હત્યાના એક દિવસ પહેલાં જ પંચગની પહોંચી ગયો હતો.

ઇમેજ સ્રોત, Santosh Kamble
"દીક્ષાએ જ નિખિલને જાણકારી આપી હતી કે તેઓ શનિવારે પંચગની-મહાબળેશ્વર જવાના છે. શુક્રવારે મોડી રાત સુધી બંને વચ્ચે ચેટિંગ પણ થઈ હતી. આનંદના દરેક લોકેશનની જાણકારી દીક્ષા, નિખિલને આપતી હતી. દીક્ષાએ રસ્તાનું લોકેશન પણ નિખિલને મોકલ્યું હતું. ઊલટીનું બહાનું કરીને તેણે ગાડી રોકાવી હતી."
"દીક્ષા ઊલટી કરવાના બહાને કારમાંથી ઊતરી અને તેની પાછળ આનંદ પણ ઊતર્યો. પંચગની તરફથી આવતા ચાર લોકોએ આનંદ પર હુમલો કર્યો. દીક્ષાએ બાદમાં પોલીસને જણાવ્યું હતું કે અમુક લોકો તેમને લૂંટવા આવ્યા હતા અને હુમલો કર્યો હતો."

ઇમેજ સ્રોત, Santosh Kamble
ઇન્સપૅક્ટર વેતાળે જણાવ્યું, "નિખિલ મળેકરનો જમીન લે-વચનો ધંધો છે. આ કેસમાં અમે આનંદની પત્નીની ધરપકડ કરી છે."
આ અંગે અમે દીક્ષા અને નિખિલ મળેકરનો સંપર્ક કર્યો.
આનંદ માટે સંબંધ લઇને જે મહિલા આવી હતી તેનું નામ સુરેખા પરિહાર છે. અમે તેમની સાથે વાત કરી. સુરેખાએ જણાવ્યું કે તેમને દીક્ષાની ચાલચલગત અંગે કોઈ જાણકારી ન હતી.
આનંદની હત્યામાં સુરેખા પણ જવાબદાર છે એવો આરોપ સંતોષનો છે. પરંતુ સુરેખા જણાવે છે, "જો હું દોષી સાબિત થઉં તો કોઈ પણ સજા માટે તૈયાર છું."
(આ અહેવાલ સૌપ્રથમ જૂન, 2018માં પ્રકાશિત થયો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













