જ્યારે પોતાનું લગ્નજીવન બચાવવા એક મહિલાએ બાળકનું અપહરણ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
સંતાન માટે બે વખત લગ્ન કરનાર મહિલા પોતાનું લગ્નજીવન બચાવવા કોઈ બાળકનું અપહરણ કરી શકે?
શું આ વાત તમારા માનવામાં આવશે? હા આવું જ થયું છે અને એ પણ ગુજરાતમાં.
ઉત્તર ગુજરાતના પાલનપુરના છેવાડે આવેલા જનતાનગર ટેકરા વિસ્તારમાં સાક્ષરતાનો દર નીચો છે અને ગરીબી પણ પ્રમાણમાં વધારે છે. અહીં લઘુમતી સમુદાયના પરિવારો મોટી સંખ્યામાં રહે છે.
છેલ્લાં બે વર્ષથી એક મહિલા અહીં આવતાં હતાં. તેઓ મહિલાઓનાં સ્વાવલંબન માટેની યોજનાઓ અને લાભો માટેનાં ફૉર્મ ભરાવતાં અને એમને નાનીમોટી યોજનાઓનો લાભ અપાવતાં.
જનતાનગર ટેકરામાં લોકો આ મહિલાને સીમા દીદી કહીને માનથી બોલાવતા હતા. જોકે આ મહિલાઓને ઘણી વાતોની જાણ નહોતી.
સીમાએ ઘણી બધી મહિલાઓને સરકારી યોજનાઓ હેઠળ સિલાઈ મશીન, ગૃહઉદ્યોગની નાનીમોટી સામગ્રીઓ, નાની લૉન અપાવ્યાં હતાં.
આમ, સીમા આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતાં. તેઓ પાલનપુરની ઝમઝમ સોસાયટીમાં રહેતાં હતાં અને નિયમિત જનતાનગર ટેકરાની બહેનોને મળતાં હતાં.
આ બહેનોનું કોઈ પણ કામ સારું થાય તો તેઓ સીમા મોં મીઠું કરાવતાં હતાં. એક દિવસે જ્યારે અહીંની મહિલાઓને સીમાએ મીઠાઈ ખવડાવી ત્યારે આ બધી બહેનોને આશ્ચર્ય થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિલાઓએ સીમાને વધામણી આપી કારણકે સીમાએ કહ્યું હતું કે તેઓ ગર્ભવતી છે.

નવ મહિનાનું નાટક અને બાળકનું અપહરણ

સીમા કરતાં જનતાનગરની બહેનો એ વખતે વધારે ખુશ હતી, હવે આ બહેનો સીમાની વધારે કાળજી લેવા લાગી હતી.
જોકે, એ બહેનોને ખબર નહોતી કે પોતે ગર્ભવતી છે બધાને એવો વિશ્વાસ બેસાડવાં સીમા પેટ પર કપડું બાંધીને આવતાં હતાં.
થોડા દિવસોમાં સીમાએ નવું ગતકડું કાઢ્યું કે જનતાનગર ટેકરાની બહેનોને કહ્યું કે સરકારની નવી યોજના પ્રમાણે દીકરીનો જન્મ થાય તો સરકાર પાંચ હજાર રૂપિયા આપે છે.
આની પાછળ શું ઘડાઈ રહ્યું છે એનો આ મહિલાઓને અંદાજ નહોતો.
સીમાનું ધ્યાન જનતાનગર ટેકરામાં રહેતી ગર્ભવતી મહિલાઓ પર હતું. એમને પૂરેપૂરી ખબર હતી કે કઈ મહિલા બાળકને ક્યારે જન્મ આપવાની છે.
એ સમયે જનતાનગરમાં 3 મહિલાઓ ગર્ભવતી હતી અને સીમા સતત એમનાં સંપર્કમાં રહેતાં હતાં.
એમને સારું ખાવાનું પૂરું પાડતાં હતાં. તંદુરસ્ત બાળક જન્મે એ માટે ટિપ્સ આપતાં હતાં. તેમણે મહિલાઓનો ભરોસો જીતી લીધો હતો.
સમય વીત્યો એટલે સીમાએ પોતાના પેટ પર તકિયો બાંધવાનું પણ શરૂ કર્યું.
સીમાએ આ મહિલાઓ સિવાય પોતાના પતિ જમીલ અને અન્ય સંબંધીઓને પણ કહ્યું હતું કે તેઓ ગર્ભવતી છે.

ઇમેજ સ્રોત, Getty Images
સીમાની નજર જનતાનગર ટેકરાની સૌથી ગરીબ મહેરુન્નિસા શેખ પર હતી કારણ કે મહેરુન્નિસાનાં ઘરમાં ખાવાનાં પણ ફાંફાં હતાં.
મહેરુન્નિસા ગર્ભવતી થયાં એ પછી બેથી અઢી મહિનાના ગાળા પછી સીમાએ પોતે ગર્ભવતી હોવાનો ડોળ શરૂ કર્યો હતો.
એક દિવસે સીમા મહેરુન્નિસાને સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા અને સરકારની તમામ યોજનાઓનો લાભ અપાવી પ્રસૂતિ કરાવી. મહેરુન્નિસાને ત્યાં દીકરી આવી.
બધુ જ સીમાની ગણતરી પ્રમાણે ચાલી રહ્યું હતું. સીમાએ મહેરુન્નિસાને એવું સમજાવ્યું હતું કે એમની કૂખેથી દીકરી અવતરી છે એટલે સરકારી સહાય માટે ગોઠવણ કરી આપશે.
સીમાએ પોતે ગર્ભવતી હોવાની વાત કરી હતી એને હવે નવ મહિના થવા આવ્યા પરંતુ વાસ્તવમાં તેઓ ગર્ભવતી નહોતાં.
સીમા એક દીવસ બપોરે મહેરુન્નિસાને લઈને સરકારી સહાય અપાવવાને બહાને મામલતદાર કચેરી ગયાં અને મહેરુન્નિસાની નજર ચૂકવીને દીકરીનું અપહરણ કરીને ભાગી છૂટયાં.
મહેરુન્નિસાએ ક્યાંય સુધી સીમાની રાહ જોતી રહી પણ સીમા દીદી દેખાયાં નહીં.

સીમાની કેફિયત જાણી પોલીસ પણ દંગ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
દીકરી ગુમ થતાં મહેરુન્નિસા પાલનપુર પોલીસ વડા પાસે પહોંચ્યાં, પાલનપુર પોલીસે તાત્કાલિક આઠ ટીમ બનાવી અને દોઢ વર્ષની બાળકીને લઈને ભાગી રહેલાં સીમાને પાલનપુરથી ઝડપી લીધાં.
સીમાની કેફિયત જાણીને ખુદ પોલીસ પણ દંગ થઈ ગઈ હતી.
બાળક ન થવાને લીધે સીમાબહેનના છૂટાછેડા થયાં હતાં અને તેમનાં બીજી વખત લગ્ન થયાં હતાં. પોતાનું લગ્નજીવન ટકાવી રાખવા માટે સીમાએ સમાજસેવા છોડીને આ બાળકીનું અપહરણ કર્યું હતું.
જ્યારે તેઓ પોલીસથી બચીને ભાગી રહ્યાં હતાં ત્યારે કોઈ પણ તેમનું વર્ણન ગર્ભવતી તરીકે કરે એ માટે તેમણે પેટ પર કપડાં બાંધી રાખ્યાં હતાં.
પછીથી પોલીસના હાથમાં ન આવી જાય એ માટે પેટ પર બાંધેલાં કપડાં છોડી દીધાં હતાં.
બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પ્રદીપ શેજુલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ અમારા માટે પણ અજીબોગરીબ કિસ્સો હતો. સીમા સામાજિક કાર્યકર તરીકે કામ કરતી હોવાથી સારી છાપ હતી."
"પૂછપરછ બાદ ખબર પડી કે છ વર્ષ પહેલાં તેનાં લગ્ન થયાં હતાં અને તેને કોઈ સંતાન ન થતું હોવાથી છૂટાછેડા થઈ ગયાં હતાં."
શેજુલ કહે છે, "ત્યારબાદ એનાં પુનર્લગ્ન થયાં હતાં. જ્યારે એના પતિ અને સાસરિયાંઓએ બાળકની ઇચ્છા દર્શાવી ત્યારે સીમાની મુસીબત વધી ગઈ અને બીજાં લગ્ન પણ તૂટી ન જાય એ માટે એ ડેસ્પરેટ હતી."
"એટલે જ પોતે ગર્ભવતી હોવાનું દેખાડતી હતી. પરંતુ એના નાટકને નવ મહિના થવા આવ્યા હતા એટલે એણે બાળકનું અપહરણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે."

પહેલો પતિ બાળક હોવાથી મારતો હતો

ઇમેજ સ્રોત, Getty Images
સીમાએ જણાવ્યું કે ભણ્યા પછી ગરીબ અને દુખિયારી મહિલાઓની સેવા કરવી હતી. પહેલા લગ્ન થયાં ત્યારે મારા પતિએ સમાજસેવા કરવાની છૂટ આપી હતી અને લગ્નના એક વર્ષ પછી બાળકનો પ્લાન કર્યો હતો.
સીમા કહે છે, "મને લગ્નનાં ત્રણ વર્ષ સુધી બાળક થયું ન હતું જેને કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા."
"મારો પહેલો પતિ બાળક ન હોવાને લીધે મને મારતો હતો. પૂરતું ખાવાનું આપતો ન હતો અને અનેક અત્યાચાર કરતો હતો. છેવટે મેં છૂટાછેડા લીધા હતા."
"ત્યારબાદ હું બીજાં લગ્ન કરી પાલનપુર રહેવા આવી. બીજાં લગ્ન પછી પણ બાળકો થતાં ન હતાં."
સીમા આગળ કહે છે, "મારી ઉંમર વધતી જતી હતી અને બાળક થવાની સંભાવના ઘટતી જતી હતી, બીજી બાજુ પતિ બાળક માટે આગ્રહ રાખતો હતો."
"મને સતત ડર લાગતો હતો કે બાળક ન હોવાને કારણે મારાં બીજાં લગ્ન પણ તૂટી જશે."
"પતિ અને સાસરિયાંના મેહેણાંટોણાં સાંભળી મેં ગર્ભવતી હોવાનું નાટક કર્યું અને શરીર પર કપડાં બાંધી લોકોને મૂર્ખ બનાવ્યા."
"નવ માસ બાદ બાળક મેળવવા મેં પહેલાંથી મેહરુન્નિસાને ટાર્ગેટ કરી એની બાળકીનું અપહરણ કર્યું. જો હું પકડાઈ ન ગઈ હોત તો પાલનપુરથી ભાગીને અમદાવાદ આવી જાત."
"કારણકે મેં બાળક આવ્યા પછી અમદાવાદ રહેવાની મારા પતિ સાથે શરત કરી હતી. એની પાછળનું કારણ એટલું હતું કે અમદાવાદમાં અમને કોઈ ઓળખી ન શકે અને અપહરણ કરેલા બાળક સાથે હું આસાનીથી જીવી શકું."
"…પણ મારા આ મનસૂબા પર પણ પાણી ફરી વળ્યું અને હું પકડાઈ ગઈ."
પોતાની દીકરી પરત મળી જવાથી ખુશ મહેરુન્નિસાએ બીબીસીને કહ્યું કે "હવે અમે સરકારી અધિકારી સિવાય કોઈ સામાજિક કાર્યકરની વાતોમાં આવીશું નહીં અને ભૂલથી પૈસાની લાલચમાં ભરમાઈશું નહીં."
મહેરુન્નિસા કહે છે, "અલ્લાહની દુઆથી આ બાળક પાછું ફર્યું છે. અલ્લાહ કરે ભવિષ્યમાં મારી જેમ કોઈ છેતરાય નહીં."
આ સમગ્ર ઘટના અંગે બનાસકાંઠા પોલીસ વડા પ્રદીપ શેજુલ કહે છે કે "અમને આ સમાજસેવિકા સીમાની વાતમાં સંપૂર્ણ ભરોસો બેસતો નથી એટલે આ બાળકના અપહરણમાં બીજા કોણ-કોણ સામેલ છે એની પણ તપાસ કરી રહ્યા છીએ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












