કાશ્મીર : દમનનો આરોપ પણ સેનાનો ઇન્કાર
- લેેખક, સમીર હાશ્મી
- પદ, બીબીસી ન્યૂઝ, કાશ્મીર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારત પ્રશાસિત કાશ્મીરનો વિશેષ અધિકાર છીનવાતા સુરક્ષાદળો પર હિંસક મારઝૂડ અને ટૉર્ચરના આરોપ લાગ્યા છે.
અનેક ગ્રામીણો પાસેથી બીબીસીએ લાકડી અને તારથી મારવાની તથા ઇલેક્ટ્રિક શૉક આપવાની વાતો સાંભળી.
અનેક ગ્રામીણોએ મને ઈજાઓ દેખાડી, પરંતુ બીબીસી આ આરોપોની અધિકારીઓ પાસેથી પુષ્ટિ નથી કરી શક્યું.
ભારતીય સેનાએ આરોપોને "પાયાવિહોણા અને નિરાધાર" ગણાવ્યા છે.
5મી ઑગસ્ટે રાજ્યને વિશષ દરજ્જો આપતા અનુચ્છેદ-370ની નાબૂદી બાદ કાશ્મીરમાં અભૂતપૂર્વ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. તેના કારણે ત્રણ અઠવાડિયાંથી ગોંધી રખાયા હોય એવી સ્થિતિ છે અને બહુ ઓછી માહિતી બહાર આવી રહી છે.
હજારોની સંખ્યામાં વધારાનાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં છે. રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ તથા ઍક્ટિવિસ્ટો સમેત લગભગ 3000 લોકોની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે. અનેકને રાજ્ય બહારની જેલોમાં ખસેડવામાં આવ્યા છે.

સત્તાધીશોનું કહેવું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અગમચેતીનાં પગલાંરુપે આ કાર્યવાહી કરવામાં આવી છે. કાશ્મીર ભારતનું એકમાત્ર મુસ્લિમ બહુમતીવાળું રાજ્ય હતું, પરંતુ હવે તેને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે.
લગભગ ત્રણ દાયકાથી ભારતની સેના ભાગલાવાદી બળવાખોરો સાથે સંઘર્ષ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત આ વિસ્તારમાં હિંસા માટે પાકિસ્તાન સમર્થિત ઉગ્રપંથીઓને જવાબદાર ઠેરવે છે. પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાને હંમેશાં આ આરોપોને નકાર્યા છે, કાશ્મીરના બાકીના વિસ્તાર પર પાકિસ્તાનનું નિયંત્રણ છે.
ભારતમાં અનેક લોકોએ અનુચ્છેદ 370ને નાબૂદ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને 'સાહસિક' ગણાવી તેનું સ્વાગત કર્યું છે. આ પગલાને મુખ્ય પ્રવાહનાં મોટાં ભાગનાં મીડિયાગૃહોએ આવકાર્યું છે.
ચેતવણી : આગળનું વિવરણ કેટલાક વાચકોને માનસિક પીડા આપી શકે છે.
ગત કેટલાંક વર્ષો દરમિયાન મેં ભારતવિરોધી ઉગ્રવાદના કેન્દ્ર તરીકે ઉદ્ભવેલા દક્ષિણના જિલ્લાઓનાં કમસેકમ છ ગામોની મુલાકાત લીધી.
આ ગામોમાં અનેક લોકોના મોઢેથી મેં રાત્રે રેડ, મારઝૂડ તથા ટૉર્ચરનાં લગભગ એકસમાન વૃત્તાંત સાંભળ્યાં.
તબીબો તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ કોઈ પણ દર્દી કે તેની બીમારી અંગે પત્રકારો સાથે વાત કરવા તૈયાર નથી, પરંતુ ગ્રામીણોએ મને ઈજાઓ દેખાડી, જે કથિત રીતે સુરક્ષાદળોને કારણે થઈ હતી.
એક ગામડામાં સ્થાનિકોએ કહ્યું કે ભારતે દિલ્હી તથા કાશ્મીર વચ્ચે દાયકાઓ જૂના કરારને પલટી નાખવાનો વિવાદાસ્પદ નિર્ણય લીધો, તેની ગણતરીની કલાકોમાં સેનાના જવાનો ઘરે-ઘરે ગયા હતા.
બે ભાઈઓએ આરોપ મૂક્યો કે તેમને ઊંઘમાંથી ઉઠાડવામાં આવ્યા અને બહારના વિસ્તારમાં લઈ જવાયા, જ્યાં ગામના અન્ય બારેક પુરુષો એકઠા થયા હતા.
વેરવૃત્તિની આશંકાએ અન્યોની જેમ તેઓ પણ પોતાની ઓળખ જાહેર કરતાં ડરી રહ્યા હતા.
એકે કહ્યું, "તેઓ અમને માર મારી રહ્યા હતા. અમે તેમને પૂછતાં રહ્યા: 'અમે શું કર્યું છે? જો અમે ખોટું કર્યું હોય કે ખોટું બોલી રહ્યા છીએ એવું લાગતું હોય તો તમે અન્ય ગ્રામજનોને પૂછી શકો છો.' પરંતુ તેઓ કંઈ સાંભળવા તૈયાર ન હતા, તેમણે કંઈ ન કહ્યું અને અમને મારતાં જ રહ્યા."

"તેમણે મારા શરીરનાં દરેક અંગ પર પ્રહાર કર્યો. તેમણે અમને લાતો મારી, લાકડીઓથી ફટકાર્યા, વીજળીના શૉક આપ્યા અને તારથી માર માર્યો. તેમણે અમને પગના પાછળના ભાગે માર માર્યો. તેઓ જ્યારે અમને લાકડીઓથી મારતા અને અમારી ચીસો નીકળતી ત્યારે તેઓ અમારાં મોઢાંમાં માટી ભરી દેતા હતા."
"અમે તેમને કહ્યું કે અમે નિર્દોષ છીએ. અમે તેમને પૂછ્યું કે તેઓ આમ શા માટે કરી રહ્યા છે? પરંતુ તેમણે અમારી વાત ન સાંભળી. મેં તેમને કહ્યું કે અમને મારો નહીં, ગોળી જ મારી દો. હું ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે મને બોલાવી લે, કારણ કે ત્રાસ સહન થતો ન હતો."
અન્ય એક યુવાન ગ્રામીણે મને કહ્યું કે સુરક્ષાબળો તેમને "પથ્થરબાજોનાં નામો" પૂછતા રહ્યા. છેલ્લા એક દાયકામાં આ યુવાનો અને ટીનેજરો કાશ્મીરના ખીણપ્રદેશમાં નાગરિક વિરોધ-પ્રદર્શનોનો ચહેરો બની ગયા છે.
તેમના કહેવા પ્રમાણે, એમણે સૈનિકોને કહ્યું કે તેઓ કોઈને નથી ઓળખતા, આથી તેમણે ચશ્માં, કપડાં તથા બૂટ ઉતારવાનો આદેશ આપ્યો.
તેમના કહેવા પ્રમાણે "મેં કપડાં ઉતાર્યાં એટલે લગભગ બે કલાક સુધી તેમણે નિર્દયતાપૂર્વક માર માર માર્યો. હું બેભાન થઈ જતો એટલે તેઓ મને શૉક આપીને ભાનમાં લાવતા."
"જો તેઓ ફરીથી આવું કરશે તો હું ગમે તે કરીશ, હું બંદૂક ઉઠાવીશ. હું રોજરોજ આ બધું સહન ન કરી શકું."
યુવાને ઉમેર્યું કે સૈનિકોએ તેમને ધમકી આપી કે ગામમાં અન્યોને પણ ચેતવણી આપી દે કે જો તેમણે સુરક્ષાદળો વિરુદ્ધ કોઈ દેખાવોમાં ભાગ લીધો, તો તેમના પણ આવો જ હાલ થશે.
દરેક ગામડાંમાં મેં જેટલા પુરુષો સાથે વાત કરી, તેમનું માનવું હતું કે ગ્રામજનો વિરોધ કરતાં ડરે તે માટે સુરક્ષાદળોએ આવું કર્યું હતું.

ઇમેજ સ્રોત, Abid Bhat
બીબીસીને આપેલા નિવેદનમાં ભારતની સેનાએ ક્હ્યું, "આરોપ મુજબ કોઈ પણ નાગરિક સાથે હિંસા નથી થઈ."
સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદના કહેવા પ્રમાણે, "આ પ્રકારના કોઈ ચોક્કસ આરોપ અમારા ધ્યાનમાં નથી આવ્યા. વિરોધી તત્ત્વોની પ્રેરણાથી આ આરોપ લગાવવામાં આવ્યા હોય એવું બની શકે."
તેમણે ઉમેર્યું કે નાગરિકોની સુરક્ષા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે. "સેના દ્વારા કરવામાં આવેલાં વળતાં-પગલાંથી કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ."
અમે અનેક ગામડાંમાંથી પસાર થયા, ત્યાંના અનેક નિવાસીઓ ભાગલાવાદી ઉગ્રવાદી જૂથો પ્રત્યે કૂણું વલણ ધરાવતા હતા અને તેમને "આઝાદીના લડવૈયા" તરીકે ઓળખાવતા હતા.
ફેબ્રુઆરી મહિનામાં કાશ્મીરના આ વિસ્તારના એક જિલ્લામાં આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ભારતના 40થી વધુ સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
જેના કારણે ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી ઉપર આવી ગયા હતા. વર્ષ 2016માં આ વિસ્તારમાં જ કાશ્મીરના પૉપ્યુલર ઉગ્રપંથી બુરહાન વાણીની હત્યા થઈ હતી, જે પછી ગુસ્સે ભરાયેલા અનેક કાશ્મીરી યુવા ભારતવિરોધી બળવાખોરીમાં જોડાઈ ગયા.
આ વિસ્તારમાં સેનાનો એક કૅમ્પ છે, આતંકવાદીઓ તથા તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખનારાઓનું પગેરું કાઢવા માટે તેઓ નિયમિત રીતે આ વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધરે છે.
જોકે ગ્રામીણોનું કહેવું છે કે મોટા ભાગે તેઓ જ એમાં ફસાઈ જતા હોય છે.
એક ગામડામાં વીસીમાં પ્રવેશેલા એક યુવાને કહ્યું કે સેનાએ તેમને ધમકી આપી હતી કે જો તેઓ આતંકવાદીઓ વિરુદ્ધ બાતમીદાર નહીં બને તો તેમને ફસાવી દેવામાં આવશે.
તેમનો આરોપ છે કે જ્યારે તેમણે ના પાડી દીધી, ત્યારે તેમને એટલી ખરાબ હદે માર મારવામાં આવ્યા કે બે અઠવાડિયાં બાદ પણ તેઓ પીઠ ટેકવીને લંબાવી નથી શકતા.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
"જો આવું અને આવું જ ચાલતું રહેશે તો મારી પાસે ઘર છોડવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. તેઓ અમને પશુઓની જેમ માર મારે છે. તેઓ અમને માણસ ગણતા જ નથી."
અન્ય એક શખ્સે અમને તેમની ઈજાઓ દેખાડી અને કહ્યું કે તેમને જમીન ઉપર પટકી દેવામાં આવ્યા અને "15-16 સૈનિકોએ કેબલ, બંદૂકો, લાકડી અને કદાચ લોખંડના સળિયાઓથી પણ" માર માર્યો.
"હું અર્ધજાગૃતાવસ્થામાં હતો. તેમણે એટલા જોરથી મારી દાઢી ખેંચી કે મને લાગ્યું કે મારા દાંત બહાર નીકળી જશે."
"પછી હુમલાના પ્રત્યક્ષદર્શી બાળકે મને જણાવ્યું કે એક સૈનિક મારી દાઢી સળગાવવા માગતો હતો, પરંતુ અન્ય એક સૈનિકે એને એમ કરતા અટકાવ્યો હતો."
અન્ય એક ગામમાં હું એક યુવાનને મળ્યો. તેમણે જણાવ્યું કે બે વર્ષ અગાઉ તેમના ભાઈ હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયા હતા, આ સંગઠન ભારત પ્રશાસિત કાશ્મીરમાં લડત લડતાં મોટાં જૂથોમાંનું એક છે.
તેમણે કહ્યું કે તાજેતરમાં સેનાના એક કૅમ્પમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે આરોપ મૂક્યો કે ત્યાં આપવામાં આવેલી યાતનાઓને કારણે તેમને પગમાં ફ્રૅકચર થઈ ગયું.
તેમણે કહ્યું, "તેમણે મારા હાથ અને પગ બાંધીને મને ઊંધો લટકાવી દીધો. તેમણે બે કલાકથી પણ વધુ સમય સુધી મને ખૂબ જ ખરાબ રીતે માર માર્યો."
જોકે ભારતીય સેના કંઈ ખોટું કર્યું હોવાની વાતને નકારે છે.
બીબીસીને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે તેઓ "વ્યાવસાયિક સંગઠન છે જે માનવાધિકારને સમજે છે અને તેનું સન્માન કરે છે" અને તમામ આરોપોની "તત્કાળ તપાસ હાથ ધરવામાં આવે છે."
નિવેદન વધુમાં જણાવે છે કે ગત પાંચ વર્ષ દરમિયાન રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સમક્ષ ઉઠાવવામાં આવેલાં 37માંથી 20 કેસ "પાયાવિહોણાં" હોવાનું બહાર આવ્યું હતું, 15ની તપાસ હાથ ધરવામાં આવી હતી અને "માત્ર ત્રણ કેસ જ તપાસને લાયક" જણાયા હતા. નિવેદનમાં જણાવ્યા મુજબ દોષિતોને સજા કરવામાં આવી છે.
જોકે ચાલુ વર્ષના શરૂઆતના ભાગમાં બે વિખ્યાત કાશ્મીરી માનવ અધિકાર સંગઠનોએ લગભગ ત્રણ દાયકા દરમિયાન કાશ્મીરમાં કથિત માનવાધિકાર ભંગના સેંકડો કેસ નોંધ્યા હતા.
કાશ્મીરમાં માનવ અધિકાર ભંગના આરોપો મુદ્દે સર્વાંગી સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર પંચે કમિશન ઑફ ઇન્ક્વાયરી (COI)ની ભલામણ કરી છે.
રાજ્યમાં સુરક્ષાદળો દ્વારા કથિત અતિરેક વિશે 49 પાનાંનો રિપોર્ટ બહાર પાડ્યો છે.
ભારતે આ રિપોર્ટ તથા તેના આરોપોને નકારી કાઢ્યા છે.

કાશ્મીરમાં શું થઈ રહ્યું છે?

- કાશ્મીર એ હિમાલયમાં આવેલો એક વિસ્તાર છે, ભારત અને પાકિસ્તાન બંનેનો દાવો છે કે તે પૂર્ણપણે તેમનો છે. બંને દેશો આ વિસ્તારની ઉપર આંશિક પ્રભુત્વ ધરાવે છે. તેઓ આ વિસ્તારમાં બે યુદ્ધ તથા એક મર્યાદિત લડાઈ લડ્યા છે.
- ભારત પ્રશાસિત વિસ્તાર જમ્મુ અને કાશ્મીર રાજ્યને હમણાં સુધી ભારતના બંધારણના અનુચ્છેદ-370 હેઠળ આંશિક સ્વાયત્તતા મળેલી હતી.
- 5મી ઑગસ્ટે દિલ્હીમાં સરકારે અનુચ્છેદ-370 નાબૂદ કર્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા શાસક ભારતીય જનતા પાર્ટીએ દલીલ આપી કે કાશ્મીરના અધિકાર પણ દેશના અન્ય વિસ્તાર જેટલા જ હોવા જોઈએ.
- ત્યારથી ભારત પ્રશાસિત કાશ્મીરમાં લોકોને ગોંધી રખાયા હોય એવી અસામાન્ય સ્થિતિ છે. આમ છતાં કેટલાંક મોટાં પ્રદર્શન થયાં હતાં જે હિંસક બન્યાં હતાં. પાકિસ્તાને આ મામલે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને દરમિયાનગીરી કરવા આહ્વાન કર્યું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













