370 હઠાવાયા બાદ લેહના રહેવાસીઓનું શું માનવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કુલદીપ મિશ્ર
- પદ, બીબીસી સંવાદદાતા, લેહથી
"અહીં ઉજવણી ચાલી રહી હતી, લોકો નાચી રહ્યા હતા અને કાશ્મીરમાં મારા ઘરે બધું જ બંધ પડ્યું હતું. મારાં માતાપિતા અંગે કોઈ સમાચાર નહોતા મળી રહ્યા. તમે જ કહો, હું આ ઉજવણીનો ભાગ કેવી રીતે બનું?"
લેહની એક દુકાનમાં કામ કરતા એક કાશ્મીરી યુવાને આ વાત કહી અને પછી આસ-પાસ એ રીતે જોયું કે કોઈ તેમની વાતચીત સાંભળી ન લે.
લેહની મુખ્ય બજારમાં રસ્તાની બન્ને તરફ ઓછામાં ઓછી 70% દુકાનો કાશ્મીરીઓની છે. તેમાંથી એકાદ દુકાન તેમણે ખરીદી છે. બાકી દુકાનો બૌદ્ધ માલિકો પાસેથી ભાડે લીધી છે.
ઘણા કાશ્મીરી યુવાનો અહીં બૌદ્ધ માલિકોની દુકાનોમાં પણ કામ કરે છે.
લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યા બાદ અહીંના કાશ્મીરી દુકાનદારો અને કામદારો માટે એક વિચિત્ર ભાવનાત્મક સમસ્યા સર્જાઈ છે.

લેહના લોકોની માગ

જેઓ સમૃદ્ધ કાશ્મીરી છે તેમણે લેહમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.
કામદારો અહીં ભોજન ખવડાવીને, શાલ-દુપટ્ટા વેચીને કમાણી કરે છે.
આ રીતે અહીંના વિકાસની નવી આશાઓના ભાગીદાર તેઓ પણ છે. પરંતુ તેમનું મન કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેતાં ચિંતિત થઈ ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લેહની મુખ્ય બજારમાં કેટલાક કાશ્મીરી દુકાનદારો અને કામદારોએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે અમારી સાથે વાત કરી.
લેહમાં લોકો લાંબા સમયથી કેન્દ્ર શાસિત પ્રદેશ (યૂટી)ની માગ કરી રહ્યા હતા. આ આંદોલનમાં અહીંના ધાર્મિક સંગઠન લદ્દાખ બુદ્ધિસ્ટ ઍસોસિએશનની મોટી ભૂમિકા રહી છે.
એ માટે બૌદ્ધોની મોટા ભાગની વસતી માટે યૂટી એક ભાવનાત્મક મામલો છે.
પરંતુ લેહના કેટલાક કાશ્મીરી દુકાનદારોને લાગે છે કે આ નિર્ણયથી લેહવાસીઓને પણ કોઈ ફાયદો નથી.

એક કાશ્મીરી દુકાનદારે કહ્યું, "લેહના લોકો માટે યૂટી એક દૂરના સપના સમાન હતું જે અચાનક પૂર્ણ થઈ ગયું એટલે હવે લોકોને સમજાઈ રહ્યું નથી કે તેને કેવી રીતે જોવું."
"370નો વિશેષ દરજ્જો પણ છીનવી લેવામાં આવ્યો અને લોકોમાં મૂંઝવણ પણ ઘણી છે. તેનાં નકારાત્મક પરિણામો અંગે લોકોને જાણકારી નથી."
અન્ય એક કાશ્મીરી દુકાનદારે કહ્યું કે લદ્દાખના લોકો યૂટી એટલા માટે ઇચ્છતા હતા કેમ કે તેમને કાશ્મીર જઈને કોઈ બાબતે પરવાનગી ન લેવી પડે અને કાશ્મીરી નેતાઓ પાસે કંઈ માગવું ન પડે.
આ માગનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રનું સીધા શાસનમાં આવવાનું હતું પરંતુ કલમ 370ના ફાયદા તેઓ પણ ગુમાવવા માગતા નથી.

'લેહના ટૅક્સીવાળાઓનું શું થશે'

લેહમાં ટૅક્સીનો કારોબાર અહીંના સ્થાનિક લોકો પાસે જ છે અને તે તેમની કમાણીનો મોટો સ્રોત છે.
એક કાશ્મીરી દુકાનદારે જણાવ્યું, "ટૅક્સી બિઝનેસમાં લેહવાસીઓને એવો એકાધિકાર છે કે કારગિલવાસીઓને પણ લેહમાં ટૅક્સી ચલાવવાની પરવાનગી નથી."
"અહીં ટૅક્સી તરીકે માત્ર જેકે-10ની ગાડીઓ જ ચાલે છે."
તેમણે કહ્યું કે વિશેષ દરજ્જો હટાવ્યા બાદ જો અહીં 'ઑલા' અને 'ઉબર' જેવી કંપનીઓ આવી જશે તો તેમના સસ્તા ભાવોનો અહીંના સ્થાનિક ટૅક્સીમાલિક મુકાબલો કરી શકશે નહીં.
અન્ય એક કાશ્મીરીએ આ જ વાત હોટેલના સંબંધમાં કહી.

નોકરીઓમાં કેવી રીતે સ્પર્ધા કરશે લદ્દાખના લોકો?

યૂટીની માગ પાછળ એક મોટી દલીલ એ આપવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ વિકાસના પૈસા લદ્દાખમાં ખર્ચ્યા નથી એટલે તે વિકાસમાં પાછળ રહી ગયું.
જોકે, સ્થાનિક પત્રકાર સેવાંગ રિંગઝિન કહે છે કે 90ના દાયકામાં સ્વાયત્ત હિલ કાઉન્સિલની વ્યવસ્થા કરાયા બાદ લેહ-લદ્દાખમાં વિકાસને ગતિ મળી છે.
કાર્પેટની ઘડી કરતા કાશ્મીરી દુકાનદાર પણ એ માનવા તૈયાર ન થયા કે છેલ્લા એક દાયકામાં લેહ વિકાસથી વંચિત રહ્યું છે.
તેમણે કહ્યું, "મુખ્ય વાત એ જ હતી કે અહીંના લોકો એ ઇચ્છતા હતા કે તેમની ઉપર કોઈ ન હોય. આ લોકો પણ સ્વાયત્તા ઇચ્છતા હતા. જમ્મુ-કાશ્મીર વિધાનસભા તરફથી ફંડના ભેદભાવની વાત સાચી હોઈ શકે છે પરંતુ તે એક રાજકીય મામલો છે."
"હું કહી રહ્યો છું કે અહીંની સરકારી નોકરીઓ માટે હવે બહારના લોકો અરજી કરશે તો આ લોકો તેમનો મુકાબલો કરી શકશે નહીં કેમ કે તેમને શિક્ષણ અને કૌશલની તેવી સુવિધાઓ મળી રહી નથી."

બજાર એક, ભાવનાઓ અલગ-અલગ

ગૃહમંત્રી અમિત શાહ તરફથી સૂચિત કરવામાં આવેલા નિર્ણય પર લેહની મુખ્ય બજારના રસ્તા પર બે અલગ-અલગ પ્રકારની ભાવનાઓ ફેલાયેલી છે.
કોઈ દુકાનમાં જે વિદેશીને કાર્પેટ બતાવી રહ્યો છે, તે નારાજ છે. જે વ્યક્તિ બિલ બનાવી રહી છે, તે ખુશ છે.
પરંતુ કોઈએ ન કહ્યું કે આ મતભેદે અત્યાર સુધી કોઈ સંઘર્ષને જન્મ આપ્યો હોય.
એક કાશ્મીરી યુવાનને પૂછવામાં આવ્યું તો તેમણે તરત પોતાનો મોબાઇલ ફોન કાઢીને એ તસવીરો બતાવી કે કેવી રીતે આ વખતે તેઓ ઈદ પર પોતાના ઘરે ન જઈ શક્યા તો તેમના બૌદ્ધ માલિકે તેમની સાથે બેસીને ઈદ મનાવી.
પરંતુ શું આ ઘટના વેપાર માટે જરૂરી છે કે પછી સમાજનું અસલી પ્રતિબિંબ છે?
કેટલાક લોકો સ્મિત આપી રહ્યા, તો કોઈએ સ્પષ્ટ જવાબ ન આપ્યો.

....અને કાશ્મીરની વાત

લેહની બજારની એક દુકાન પર બેઠેલા આંગચુક કહે છે કે તેઓ કાશ્મીરીઓના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ જોઈ શકે છે અને તેમને આ દૃશ્ય સારું લાગતું નથી.
તેમણે કહ્યું, "ગમે તે થાય 70 વર્ષ સુધી અમે એક પ્રદેશમાં ભેગા રહ્યા છીએ. આ કાશ્મીરીઓ પણ લેહની બજારનો ભાગ છે."
એક દુકાનના બૌદ્ધ માલિકે કહ્યું કે તેઓ પોતાના કાશ્મીરી કારીગરોને અહીંથી ક્યારેય જવા દેવા માગતા નથી. પછી ભલે તેઓ તેમના વિચારોથી સહમત ન હોય.

એક દુકાન પર બે કાશ્મીરી કામદારોને કાશ્મીરની પરિસ્થિતિ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સૌથી પહેલી નારાજગી ત્યાં લાગેલા પ્રતિબંધો પર વ્યક્ત કરી અને બીજી ભારતીય મીડિયા પર.
તેઓ કહેવા લાગ્યા કે તેમણે આ દિવસો પોતાનાં માતાપિતા અને ભાઈબહેનોની ચિંતામાં વિતાવવા પડે છે.
પોતાને દેશભક્ત ભારતીય ગણાવતા એક કાશ્મીરી દુકાનદારે કહ્યું કે તેઓ કાશ્મીરની સ્વતંત્રતાના પ્રયાસોના સમર્થક નથી પરંતુ કાશ્મીરીઓ પાસેથી ખાસ અધિકાર છીનવાઈ જવાથી તેમને ધક્કો લાગ્યો છે.
તેમણે કહ્યું, "અમારો એક પ્રદેશ હતો, તેને તમે યૂટી બનાવી દીધો. માત્ર એ માટે કે તેનાથી તમે ચૂંટણી જીતો તો આ માત્ર એક રાજકીય નિર્ણય છે."

અહીંના કાશ્મીરી દુકાનદાર એ સ્વીકારવામાં સંકોચ નથી અનુભવતા કે બૌદ્ધ માલિકો સાથે સારા સંબંધ તેમની જગ્યાએ છે, પરંતુ કલમ 370 પર તેમની ભાવનાઓ કાશ્મીરની સાથે છે, લેહની સાથે નહીં.
એક દુકાનદારે કહ્યું, "જો તમે ઇચ્છો છો કે કાશ્મીર તમારું પોતાનું બનીને રહે તો કાશ્મીરીઓમાં એ ભાવ ઉત્પન્ન કરવા પર ભાર આપો કે તેઓ ભારતીય છે અને તમારા ભાઈ છે."
"એવું ન કરો કે તેમને લાગે કે તમે તેમને ચિડાવી રહ્યો છો. તેમનો એક વિશેષ દરજ્જો હતો જે તમે છીનવી લીધો છે."
મને ગરમ કાવો પકડાવતા તેમણે કહ્યું, "જો મેં તમારી પાસેથી તમારું ઘર છીનવી લઉં તો તમે મારી સાથે ઝઘડો નહીં કરો?"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












