શું દલિતો અને સવર્ણો વચ્ચે સંઘર્ષ વધવાની આશંકા છે?

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી રહેલા યુવકનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશમાં દલિતોને સતામણીની ફરિયાદો ઘણી વખત સાંભળવા મળી છે.

ક્યાંક દલિતોને ગરબામાં રોકવાથી લઈને મૂછો રાખવા જેવી બાબતે માર મારવા જેવી ઘટનાઓ પણ બનતી રહે છે.

દલિતો સાથે ભેદભાવની ઘટનાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યસ્થળે પણ સામે આવી છે.

આ બધાની વચ્ચે દલિત સમાજનો એક મોટો આકાંક્ષી વર્ગ રૂઢિચુસ્ત પરંપરાઓને પડકારી રહ્યો છે.

દલિતોનો આવો જ એક વર્ગ ગુજરાતના રાજકોટમાં જોવા મળ્યો જ્યારે ધોરાજીમાં 11 વરરાજાઓ સમૂહલગ્નમાં પરણ્યા. તેમણે નાની પરંતુ મહત્ત્વપૂર્ણ પરંપરાને પડકારી હતી.

ઘોડી પર દલિતની પ્રતીકાત્મક તસવીર

પરંપરા એવી હતી કે કોઈ દલિત વ્યક્તિ પોતાના લગ્નમાં ઘોડી પર ન બેસી શકે.

પરંતુ આ પરંપરાને પડકારવા 11 વરરાજા ઘોડી પર બેસીને મંડપ પરણવા ગયા. જોકે, કોઈ અગમ્ય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

સમૂહલગ્નના આયોજક યોગેશ ભાષાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, "અમે માત્ર એક સંદેશ આપવા માગતા હતા કે અમે કોઈ ભેદભાવ સહન નહીં કરીએ."

તેમણે ઉમેર્યું, "ધોરાજીમાં આશરે 80% દલિતો શિક્ષિત છે અને મોટાભાગના યુવાનો એન્જિનિયરીંગ, મેડિકલ અને વકીલાત જેવા વ્યવસાય સાથે જોડાયેલા છે."

"આવા શિક્ષિત લોકો કેવી રીતે સતત ચાલતા ભેદભાવનો ભોગ બની શકે છે. તેઓ આવા ભેદભાવનો વિરોધ કરે તે વાજબી છે."

line

દલિત અને બિન દલિત વચ્ચે સંઘર્ષ

વિરોધ પ્રદર્શન કરતા દલિતો

ઇમેજ સ્રોત, Getty Images

દલિત સમાજમાં આકાંક્ષી લોકોની સંખ્યા વધી રહી છે. પરંતુ સાથે સાથે જ દલિત અને બિન-દલિતો વચ્ચે સંઘર્ષની ઘટનાઓ પણ દેશમાં વધી રહી છે.

દલિત અધિકારો માટે કામ કરતા માર્ટીન મેકવાન કહે છે, "સંઘર્ષની ઘટનાઓ વધતી રહેશે. પરંતુ પહેલાંની જેમ હવે દલિતો વ્યવસાય કે નોકરી કે પછી પૈસા માટે જે તે વિસ્તારના બિન-દલિત લોકો પર નિર્ભર નથી."

સંઘર્ષની વાત કરીએ તો ગુજરાતના લ્હોર ગામની જ ઘટનામાં મેહુલ પરમારે પોતાના લગ્નમાં ઘોડી પર બેસવાની જીદ કરી હતી.

મેહુલ પરમાર તેમના ગામથી આશરે 50 કિલોમિટરના અંતરે અમદાવાદમાં આવેલી હૉસ્પિટલમાં નોકરી કરે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા મેહુલ પરમાર કહે છે, "જો હું મારી રીતે કમાતો હોઉં, અને મારા લગ્નમાં ઘોડી લાવવાનો ખર્ચ ઉઠાવી શકતો હોઉં, તો હું ઘોડી પર કેમ ન બેસી શકું."

આ ઘટનામાં મેહુલના વરઘોડા પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના એટલી મોટી થઈ થઈ કે પોલીસ કેસ થયો.

જમતી દલિત વ્યક્તિની પ્રતીકાત્મક તસવીર

વધુ એક ઉદાહરણ ઉત્તરાખંડના તહેરી તાલુકામાં સામે આવ્યું હતું જ્યાં જીતેન્દ્ર દાસ નામની વ્યક્તિએ ભેદભાવ દૂર કરવા પડકાર ફેંક્યો હતો.

આ ગામમાં પ્રથા છે કે દલિત વ્યક્તિ બિન-દલિતની સાથે એક જ ટેબલ પર બેસીને ન જમી શકે.

આ પ્રથાને તોડવાના પ્રયાસ બાદ બિન-દલિત સમાજના લોકોએ જીતેન્દ્ર દાસની હત્યા કરી નાખી હતી.

line

દલિતોમાં વધતું શિક્ષણનું પ્રમાણ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દેશમાં દલિત અને બિન-દલિત વચ્ચે વધતી ઘર્ષણની ઘટનાઓ બાદ પણ દલિતો પાછળ હઠી રહ્યા નથી.

પોતાના હક માટે લડાઈ લડતા દલિતો માટે શિક્ષણ મુખ્ય ભાગ ભજવે છે. સાથે જ દલિતોને મળતા અર્બન ઍક્સપૉઝરની પણ મોટી ભૂમિકા છે.

વર્ષ 2014 અને 15ના ગ્રોસ ઍનરોલમૅન્ટ રેશિયો (GER) મુજબ ધોરણ 1થી 12 સુધીના દલિત વિદ્યાર્થીઓની સંખ્યા દેશના વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધારે હતી.

આ તરફ ઉચ્ચ વર્ગના અભ્યાસક્રમોમાં પણ દલિત વિદ્યાર્થીઓની સંખ્યા (19.1) દેશના વિદ્યાર્થીઓની સંખ્યા (24.3) કરતા થોડી ઓછી છે.

આ આંકડો ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સ અને ડેવલપમૅન્ટના વર્ષ 2016ના એક અહેવાલ પ્રમાણેનો છે.

આ જ પ્રમાણે નેશનલ સેમ્પલ સર્વે ઑફિસના વર્ષ 2014ના અહેવાલ પ્રમાણે આખા દેશમાં 7 કે તેથી વધુ વયના લોકોમાં સાક્ષરતા દર 75.8% હતો અને દલિત સમાજના લોકોમાં સાક્ષરતા દર 68.8% હતો. આમ સાક્ષરતામાં તફાવત નજીવો છે.

આ રિપોર્ટને ટાંકીને મેકવાન કહે છે, "દલિતો અને બિન-દલિતોમાં શિક્ષણના સ્તરનું જે અંતર છે, તે ઝડપથી ઘટી રહ્યું છે. દલિતો મોટા પ્રમાણમાં શિક્ષિત થઈ રહ્યા છે અને એટલે જ સંઘર્ષો જોવા મળી રહ્યા છે."

તેમનું માનવું છે કે શિક્ષણના કારણે જ દલિત સમાજમાં આકાંક્ષી લોકોની સંખ્યા વધી રહી છે.

'ભેદભાવ થવો તો મારું નસીબ છે.' એવું માનનારા દલિતોની સંખ્યા ઘટી રહી છે.

line

સ્ટાર્ટ-અપ અને નાના ઉદ્યોગોમાં દલિતો

વિરોધ પ્રદર્શન કરતા દલિતો

ઇમેજ સ્રોત, Getty Images

લોકોનું માનવું છે કે દલિત સમાજ સાથે સંકળાયેલા લોકોને માત્ર સરકારી નોકરી મેળવવામાં રસ હોય છે.

પરંતુ વાસ્તવિકતા તો એ છે કે દલિતો હવે વિવિધ સ્ટાર્ટ અપ તેમજ નાના ઉદ્યોગોમાં પણ રસ દાખવી રહ્યા છે.

ધ દલિત ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (DICCI) દ્વારા ઘણા એવા યુવાનોને તાલીમ મળી છે કે જેઓ વિવિધ બિઝનેસમાં સફળ થઈ શકે.

આ અંગે DICCIના પ્રમુખ મિલિંદ કાંબલેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "દલિતો ઘણા દાયકાઓથી સંઘર્ષ કરી રહ્યા છે અને હવેના સંઘર્ષો કદાચ છેલ્લો તબક્કો છે. કેમ કે દલિતો ગુલામીની સાંકળો તોડી રહ્યા છે."

જોકે, રાજકીય વિશ્લેષક બદ્રીનારાયણ કંઈક અલગ મત ધરાવે છે.

તેમનું કહેવું છે, "જ્યાં સુધી નાના-નાના પડકારો એક સામૂહિક લડાઈ નહીં બને ત્યાં સુધી કોઈ રાજકીય પાર્ટી તેને મુદ્દો બનાવવામાં રસ લેશે નહીં."

"અને જ્યાં સુધી રાજકીય પાર્ટીઓ આવી લડાઈઓને મુદ્દો નહીં બનાવે, ત્યાં સુધી જમીની સ્તર પર રહેતા દલિત સમાજમાં કોઈ પરિવર્તન નહીં આવે."

નિષ્ણાતોમાં એ મામલે કોઈ બેમત નથી કે દલિતોમાં શિક્ષણ વધી રહ્યું છે અને તેઓ પોતાના હકો અંગે જાગૃત થયા છે.

સાથે જ તેઓ એવું પણ માને છે કે દલિતો પર દમન ખતમ થયું નથી.

નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં હજુ પણ વધુ અને વધુ અત્યાચાર કેસ નોંધાશે.

મેકવાન કહે છે, "આજે પણ દલિત સમાજનો નીચલો વર્ગ કચડાયેલો છે અને તેમાંથી ઘણા લોકો હજુ પણ શિક્ષણથી વંચિત છે."

તો આ તરફ બદ્રીનારાયણ કહે છે, "દલિતો પર થતા અત્યાચારની ઘટનાઓ સામાજિક ઉંચનીચને તો પડકારે છે પણ રાજકીય પાર્ટીઓ તેના પર સામૂહિક લડાઈ ઊભી કરી શકતી નથી કે જેનાથી કોઈ સામાજિક ઉથલ-પાથલ થઈ શકે."

"જ્યાં સુધી એક મોટી સામૂહિક લડાઈ ન થાય ત્યાં સુધી સામાજિક સુધારણા અઘરી લાગે છે."

line

એકલા હાથે લડાઈ પણ મોટા સંઘર્ષ સમાન

વિરોધ પ્રદર્શન કરતા દલિતો

ઇમેજ સ્રોત, Getty Images

એક તરફ નિષ્ણાતો માને છે કે દલિતોની લડાઈ સામૂહિક લડાઈ બને તો સમાજમાં પરિવર્તન આવી શકે છે.

ત્યારે આ તરફ કેટલાક નિષ્ણાતો એવા પણ છે કે જેમનું માનવું છે કે એકલા હાથે લડેલી લડાઈ પણ મોટા સંઘર્ષ સમાન હોય છે.

દલિત કર્મશીલ પૌલ દિવાકર માને છે, "બિહાર જેવા રાજ્યોમાં દલિતો દાયકાઓથી સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ ક્યારેય તે સંઘર્ષની નોંધ લેવાઈ ન હતી."

"પરંતુ આજકાલ ઘણા વંચિત સમુદાયોના લોકો પણ મીડિયા સાથે સંકળાયેલા છે, જેના કારણે આ પ્રકારના સંઘર્ષને મીડિયા રિપોર્ટમાં સ્થાન મળે છે."

"મીડિયા થકી મોટા વર્ગને આવી લડાઈઓ અંગે ખબર પડે છે."

મોટાભાગના દલિતો હવે એવું માનતા થયા છે કે તેમની ખરાબ પરિસ્થિતિનું કારણ તેમનું નસીબ નથી. એટલે જ હવે દલિતો રૂઢિચુસ્ત પરંપરાઓને પડકારી રહ્યા છે.

પૌલ દિવાકર કહે છે, "દલિતોનું ગ્રામ્ય વિસ્તારથી શહેર તરફ સ્થળાંતર થઈ રહ્યું છે. જ્યારે તેઓ પરત પોતાના ગામમાં આવે છે, ત્યારે નવા વિચારો સાથે આવે છે. જેથી તેમને રૂઢિચુસ્ત પરંપરા તોડવાની પ્રેરણા મળે છે."

line

દલિતોના લીધે બિન-દલિતોમાં અસલામતીની ભાવના?

લોકોને જાગૃત કરતા કાર્યકરો

ઇમેજ સ્રોત, Getty Images

મિલિંદ કાંબલે કહે છે, "દલિતોને પોતાના અધિકારો જોઈએ છે. ગૌરવસભર જીવન જોઈએ છે અને આર્થિક નીતિઓમાં એક સમાન ભાગ જોઈએ છે."

કાંબલેનું એવું પણ માનવું છે કે દલિતોમાં સફળતા એ ઘણા બિન-દલિત લોકોમાં અસલામતીની ભાવના ઉત્પન્ન કરી દે છે.

જોકે, તેમના મતે ઉદ્યોગસાહસિકોમાં દલિતોની સંખ્યા હજુ ખૂબ ઓછી છે.

આ તરફ મેકવાન કહે છે કે જૂની પેઢીઓથી વિપરીત નવી પેઢી વધુ અવાજ કરવામાં માને છે અને તે પોતાના હકો માટે વધારે સક્રિય છે તેમજ આંબેડકરની વિચારધારામાં માને છે.

NSSOના આંકડા તારવતા મેકવાને કહ્યું કે જે રાજ્યોમાં દલિતોમાં શિક્ષણનું પ્રમાણ વધારે છે ત્યાં દલિતોની સામે અત્યાચાર પણ વધારે છે.

તેઓ ઉમેરે છે, "વધારે ભણતર એટલે જૂની પ્રથાઓ ન માનનારા વધારે લોકો."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો