'વિજય રૂપાણી સાહેબ, દલિત ખેડૂતોને જીવનું જોખમ છે, બચાવશો કે મરવા દેશો?'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

'અમે કચ્છ જિલ્લાના દલિત ખેડૂતો અમારી માલિકીની જમીન પર ખેતી કરવા જઈએ તો માથાભારે શખ્સો અમારું ખૂન કરાવી શકે એમ છે. વિજય રૂપાણી સાહેબ, તમે અમને રક્ષણ આપશો કે ગુંડાઓને હાથે મરવા દેશો?'

મનની લાગણી અને ભય વ્યક્ત કરતા આ શબ્દો કચ્છના દલિત ખેડૂતોના છે.

પોતાની જમીન હોવા છતાં ત્યાં પગ ન મૂકી શકવાની લાચારી તેમણે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ અને પોલીસ અધિક્ષક સમક્ષ વ્યક્ત કરી છે.

કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકાના 116 દલિત ખેડૂતોએ સરકારને ભલામણ કરી છે કે ઊંચી જાતિના માથાભારે શખ્સો દ્વારા અતિક્રમણ કરાયેલી તેમની જમીન તેમને પરત અપાવવામાં આવે.

તાજેતરમાં આ અંગે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાજ્યપાલ ઓ. પી. કોહલીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ અંગે જરૂરી આદેશો આપી દેવાયા છે અને કાર્યવાહી ચાલી રહી છે.

શું છે સમગ્ર મામલો?

વીરજીભાઈ

ઇમેજ સ્રોત, Jignesh Mevani/Twitter

ઇમેજ કૅપ્શન, વીરજીભાઈ, ભચાઉ મંડળી પ્રમુખ

જિજ્ઞેશ મેવાણીએ રાજ્યપાલ ઓ. પી. કોહલીને આપેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ દલિત પરિવારોને એએલસી હેઠળ (ઍગ્રિકલ્ચર લૅન્ડ સિલિંગ ઍક્ટ) 1984માં જમીન ફાળવવામાં આવી હતી.

પરંતુ બિનદલિત દ્વારા તેમની જમીન પર ગેરકાયદે અતિક્રમણ કરવાને કારણે આ પરિવાર ખેતી કરી શકતા નથી.

આ બાબત ઍટ્રોસિટી ઍક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે જે ગેરકાયદે છે.

ઍટ્રોસિટી ઍક્ટની જોગવાઈ મુજબ જોઈ કોઈ એવી વ્યક્તિ જે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ સાથે સંબંધ ન ધરાવતી હોય અને તે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની વ્યક્તિની જમીન પર દબાણ કરે તો કલમ 3(1)(f) અને 3(1)(g) મુજબ ગુનો બને છે.

મેવાણીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે વારંવાર રજૂઆતો કરવાં છતાં છેલ્લાં 35 વર્ષથી આ જમીનનો કબજો લાભાર્થીઓને મળ્યો નથી.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, જો આ ખેડૂતો પોતાની માલિકીની જમીન ખેડવા જાય તો તેમની પર જીવલેણ હુમલો થઈ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

line

OBC અને દલિતોને જમીનની ફાળવણી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કચ્છના આ ખેડૂતો માટે અવાજ ઉઠાવનારા કાર્યકર સુનીલ વિંજુડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે 1983-84માં તત્કાલીન રાજ્ય સરકારે અનુસૂચિત અને ઓબીસી (અન્ય પછાતવર્ગ) સમુદાયનું જીવનધોરણ સુધરે તે હેતુસર જમીન સંપાદન કર્યું હતું.

વિંજુડાએ કહ્યું, "સરકારે અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી બનાવી હતી. જે અંતર્ગત દલિતોને ભચાઉ તાલુકામાં 1730 એકર અને રાપર તાલુકામાં 2750 એકર જમીન ફાળવી હતી."

"આ સાથે જ ઓબીસી સમુદાયને પણ બન્ને તાલુકામાં અંદાજે ત્રણ હજાર એકર જેવી જમીન ફાળવી હતી."

"પરંતુ આ તમામ જમીન ફાળવણી માત્ર કાગળ પર કરવામાં આવી હતી. 35 વર્ષ થઈ ગયાં, પરંતુ હજુ સુધી આ ખેડૂતોને જમીનની માલિકી મળી નથી."

સહકારી આગેવાનો ઉચ્ચ જાતિના માથાભારે લોકોને કારણે જીવનું જોખમ હોવાની વાત કહે છે.

રાપર તાલુકાના મંડળી પ્રમુખ અને દલિત ખેડૂત પચનભાઈ ભદ્રુએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમે છેલ્લાં ઘણાં વર્ષોથી અમારી જમીન મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છીએ, પરંતુ કોઈ મદદ નથી મળતી."

તેઓ કહે છે, "સ્થાનિક ઉચ્ચ જાતિના લોકો અમને મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે. બીજું કે મહેસૂલ વિભાગમાં પણ ઘણી રજૂઆતો કરવા છતાં કોઈ મદદ કરવા તૈયાર નથી."

line

'આવું માત્ર હિંદુસ્તાનમાં જ બની શકે'

જિજ્ઞેશ મેવાણીએ પાઠવેલું આવેદનપત્ર

ઇમેજ સ્રોત, Jignesh Mevani

ઇમેજ કૅપ્શન, જિજ્ઞેશ મેવાણીએ પાઠવેલું આવેદનપત્ર

એક ઘટનાને યાદ કરતા સુનીલ વિંજુડાનું કહે છે, "થોડા સમય અગાઉ આ મુદ્દે સરકારી અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી."

"તે સમયે દલિતોને જમીન આપવાની વાત કરવામાં આવી, ત્યારે બધાને સામે સ્થાનિક માથાભારે શખ્સોએ અમને મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી."

ભચાઉ તાલુકા મંડળીના પ્રમુખ વીરજીભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમારી જમીનનો, જે સરકારી કર આવે છે તે અમે ભરીએ છીએ, પરંતુ ખેતી કોઈ અન્ય જ કરે છે. આવું માત્ર હિંદુસ્તાનમાં જ બની શકે."

આ મુદ્દે કચ્છ જિલ્લાના ઍડિશનલ કલેક્ટર બી. એસ. ઝાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ગત વર્ષે સરકારે પરિપત્ર દ્વારા જાણ કરી હતી કે જે પણ લાભાર્થીઓ છે તેમના સર્વે નંબર કઢાવી તાત્કાલિક ધોરણે જમીનનો કબજો સોંપી દેવો.

તેમણે વધુમાં કહ્યું, "રાપર તાલુકાના ગામોમાં જમીન સોંપણીની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. આ સિવાય મંડળીના સભ્યો સાથે બેઠકો હાથ ધરી મુદ્દાનું નિરાકરણ કાઢવામાં આવી રહ્યું છે."

ઝાલાએ જણાવ્યું કે ગત વર્ષે ઍટ્રોસિટીના સાત કેસ નોંધવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં આવા કોઈ કેસ નથી આવ્યા નથી.

તેઓ કહે છે, "જો કોઈ ઍટ્રોસિટીનો કેસ સામે આવશે તો કાયદાકીય રીતે તેનો નિકાલ કરવામાં આવશે."

line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો