ડભોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ : 'દીકરીનું ઝભલું અને મારી સાડી લેવા મહેશ ગટરમાં ઊતર્યા હતા'

મૃતક મહેશ અને તેમનાં પત્ની કાજલ

ઇમેજ સ્રોત, Javed Pathan

ઇમેજ કૅપ્શન, મૃતક મહેશ અને તેમનાં પત્ની કાજલ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું પિયર ગઈ હતી અને મારા પતિ મને લેવા આવવાના હતા, પણ એમને કહ્યું કે એક ગટર સાફ કરવાનું કામ મળ્યું છે, કાલે લેવા આવીશ. પૈસા મળશે એટલે તારા માટે એક સાડી અને દીકરી માટે ઝભલું લઈ આવીશ, હું ખુશ હતી કે સવારે એ મને લેવા આવશે પણ રાત્રે સમાચાર આવ્યા કે એ ગટરમાં ડૂબીને દેવ થઈ ગયા છે." બે વર્ષ પહેલાં મહેશ સાથે લગ્ન કરનાર અને એક વર્ષની દીકરીનાં માતા કાજલ હરિજનના આ શબ્દો છે.

સો રૂપિયા વધુ મેળવવાની આશાએ ડભોઈની આજુબાજુના દલિત પરિવારો હોટલના ખાળકૂવામાં ઊતરે છે અને પોતાના જીવ ગુમાવે છે.

ગત શુક્રવારે એક હોટલની સેપ્ટિકટૅન્કમાં ઊતરેલા સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.

બીબીસીની ટીમે ડભોઈના થુવાવી ગામે પરિવારની મુલાકાત લીધી, જ્યાંના ચાર લોકોએ એ ઘટનામાં જીવ ગુમાવ્યા છે.

રાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય જાહેર કરી છે અને આ મુદ્દે 'સંવેદનશીલ' હોવાની વાત કરી છે.

2013થી અત્યાર સુધીમાં ખાળકૂવા કે ગટરમાં ઊતરવાથી ગુજરાતમાં 63 લોકોનાં મૃત્યુ થયાં છે.

line

મા-પત્ની, આઘાત અને રિવાજ

થુવાવી

ઇમેજ સ્રોત, Javed Pathan

ઇમેજ કૅપ્શન, અમારામાં રિવાજ છે કે જે ગુજરી ગયા હોય, તેની પાછળ કપડાં-દાતણ, ચા અને જે નાસ્તો કરતા હોય તે મૂકવાં પડે.

અમે જ્યારે થુવાવી પહોંચ્યા ત્યારે ગામમાં સન્નાટો છવાયેલો હતો. પૂછતા-પૂછતા અમે મહેશભાઈના ઘરે પહોંચ્યા.

ઘરની બહાર કેટલાક રાજનેતાઓ આવ્યા હતા અને પરિવાર સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા.

સમાજના નિયમ પ્રમાણે, પતિના મૃત્યુના 12 દિવસ સુધી કાજલ ઘરનો ઉંબરો ઓળંગી ન શકે. એટલે કાજલ અને તેમનાં એક વર્ષનાં દીકરી ઘરે જ હતાં.

કાજલે કહ્યું કે 'સાહેબ, આ બીજા લોકો અને રાજનેતાઓને બહાર કાઢો તો મહેશને જમવાનું આપું. સવારે દાતણ કરાવીને તેને ચા અને બિસ્કિટ આપ્યાં છે, પણ એનું જમવાનું બાકી છે.'

અમારા મનમાં સવાલ ઊભો થયો, 'મહેશભાઈનું તો મૃત્યુ થયું છે, ત્યારે શું માનસિક આઘાતમાં કાજલ આવી વાત કરી રહ્યાં છે?'

તરત જ વાતનું અનુસંધાન સાધતાં કાજલે કહ્યું, "જુઓ સાહેબ. અમારામાં રિવાજ છે કે જે ગુજરી ગયા હોય, તેની પાછળ સળંગ 12 દિવસ સુધી કપડાં-દાતણ, પછી ચા અને જે નાસ્તો કરતા હોય તે મૂકવાં પડે. પછી જ ઘરના બીજા લોકો જમી શકે."

ઘરમાં ખરખરો કરવા આવનારાઓની અવરજવર વચ્ચે કાજલને તેમની એક વર્ષની દીકરી ટિંકીને જમાડવાની ચિંતા હતી, જે ભોજન માટે રડી રહી હતી.

line

'દીકરીના જન્મ પછી વધુ મહેનત કરતો'

ઘટનાસ્થળ

ઇમેજ સ્રોત, Javed Pathan

લોકો વિખેરાઈ જતાં કાજલે માથા ઉપરથી છેડો હટાવ્યો અને પોતાની વાત આગળ વધારી.

કાજલબહેને કહ્યું, "5મી મે 2017ના દિવસે અમારું લગ્ન થયું હતું. અમારાં લગ્ન થયાં ત્યારે મહેશ દરરોજ 100 રૂપિયા કમાતો હતો. તેને દારૂ, બીડી કે ગુટકાનું કોઈ વ્યસન નહોતું."

"દીકરીનો જન્મ થતાં તે ખૂબ જ ખુશ હતો અને વધુ મહેનત કરવા લાગ્યો હતો. સરદાર પટેલું પૂતળું બન્યા પછી અહીંની હોટલોનો વેપાર વધ્યો છે, પરંતુ ગટરવ્યવસ્થા ન હોવાને કારણે ખાળકૂવા સાફ કરવાનું કામ મળતું હતું."

"એક ખાળકૂવો સાફ કરવાના 700 રૂપિયા મળતા હતા એટલે અઠવાડિયામાં બે-ત્રણ વાર રાત્રે જતો હતો."

"આ કામ ખાનગીમાં કરવાનું હોય એટલે ચૂપચાપ રાત્રે જતો અને આવીને સૂઈ જતો. અમારા ગામમાંથી આઠ લોકો આ રીતે કૂવા સાફ કરવા જાય છે."

"અમને ક્યાં ખબર હતી કે દીકરીનું ઝભલું અને મારા માટે સાડી લેવા ખાળકૂવો સાફ કરવા ઊતરેલો મહેશ ક્યારેય પાછો નહીં આવે."

line

'સવારે દીકરા અને પતિની લાશ આવી'

ખાળકૂવો

ઇમેજ સ્રોત, Javed Pathan

ઇમેજ કૅપ્શન, આ ખાળકૂવાની સફાઈ દરમિયાન સાત લોકોનાં મૃત્યુ થયાં

થોડે દૂર હિનાબહેનના ઘરે પણ શોકનો માહોલ હતો. એ રાત્રે હિનાબહેનના પતિ અશોકભાઈ હરિજન તથા તેમના 22 વર્ષના જુવાનજોધ દીકરા હિતેશને એકસાથે ગુમાવ્યા હતા.

અગરબત્તી સળગાવતાં હીનાબહેને પોતાની આપવીતી વર્ણવી, "ઘરમાં બે દિવસ ચાલે એટલું જ અનાજ હતું અને છાપરું તૂટી ગયું હતું."

"એટલે ઉધાર રૂપિયા લઈને બનાવડાવ્યું હતું, જેથી વરસાદ પડે તો તલીફ ન પડે."

"જતા પહેલાં એમણે (અશોકભાઈએ) કહ્યું કે હિતેશને કામ ઉપર લેતો જઈશ એટલે આવેલા પૈસામાંથી 900 રૂપિયા દેવા પેટે ચૂકવીશ તથા સવારે 500 રૂપિયાનું અનાજ-શાકભાજી લેતો આવીશ."

પિતા અને મોટાભાઈનાં મૃત્યુ બાદ આઠમાં ધોરણમાં ભણતા રાહુલ ઉપર ઘરની તમામ જવાબદારીઓ આવી પડી છે.

ખાળકૂવો સાફ કરવા માટે જીવ જોખમમાં મૂકવા બદલ સફાઈકર્મચારીઓને 700 રૂપિયા મળે છે. પરિવારની જરૂરિયાત તથા વધુ રૂપિયા મેળવવાની આશાએ શ્રમિકો જીવ સટોસટનો ખેલ સ્વીકારે છે.

હિનાબહેન કહે છે, "સાહેબ, પાક્કું ઘર બનાવવું તો દૂર રહ્યું, ઘરમાં ખાવાનું અનાજ પણ નથી આવ્યું. બાપ-દીકરાને સવારે નાસ્તો આપ્યો હતો."

"મારા દિયર બજારમાં અનાજ લેવા ગયા છે. પછી બાપ-દીકરાને જમવાનું આપીશ."

કાજલબહેનની જેમ જ હિનાબહેન પણ મૃતકને માટે નાસ્તો-ભોજન મૂકવાનાં રિવાજનું પાલન કરવા માગે છે, પરંતુ ઘરમાં અનાજ નથી.

હિનાબહેન કહે છે કે 'સરકારમાંથી લોકો આવે છે, પણ ખબર નહીં શું લખાવે છે. બીજા કેટલાક આવે છે અને કહે છે કે સરકારમાંથી સહાય ન મળે તો કહેજો.'

line

સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને સમસ્યા

થુવાવી

ઇમેજ સ્રોત, Javed Pathan

ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ત્યાં જતા પર્યટકોની સંખ્યા વધી છે. જેને કારણે વડોદરાથી રાજપીપળા જતા હાઈવેની બંને બાજુ હોટલ તથા રેસ્ટોરાંઓ શરૂ થઈ ગયાં છે.

તેમને ગટર કનેક્શન નથી મળ્યાં. આથી હોટલના માલિકો ખાળકૂવા બનાવડાવી લે છે અને તેને ઉપરથી બંધ કરી દીધા છે.

ખાળકૂવા ભરાઈ જાય એટલે રાત્રે દલિતોને બોલાવીને સાફ કરાવી નાખે છે. સફાઈ બાદ જે મળ અને કચરો એકઠાં થાય છે તેને ટ્રેક્ટરમાં નાખીને દૂર ફેંકી દેવામાં આવે છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટી કેવડિયા ખાતે સરદાર સરોવર ડૅમની વચ્ચે સાધુબેટ ઉપર બનાવવામાં આવ્યું છે. ત્યાં સરદાર વલલ્ભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવી છે.

દરરોજ સેંકડો પર્યટકો આ પ્રતિમાની મુલાકાત લે છે અને ઉનાળું વેકેશન દરમિયાન તેની સંખ્યા અનેકગણી વધી ગઈ હતી.

આ અંગે ડભોઈ નગરપાલિકાના સભ્યો કશું બોલવા તૈયાર નથી, પરંતુ આ રીતે રાત્રે સફાઈકર્મચારીઓને ખાળકૂવો સાફ કરવા ઉતારવા એ સુપ્રીમ કોર્ટના નિર્દેશોના ભંગ સમાને છે.

line

શું થયું હતું એ રાત્રે?

થુવાવી ગામ

ઇમેજ સ્રોત, Javed Pathan

થુવાવી ગામના નિલેશભાઈ પાટણવાડિયા આ કેસમાં ફરિયાદી બન્યા છે. એ રાત્રે તેમણે પોતાના પિતા ગુમાવ્યા હતા.

નિલેશભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "રાત્રે હું ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે કામ કરું છું."

"મારા પિતા મહેશભાઈ ઉપર દર્શન હોટલના માલિકનો ફોન આવ્યો હતો એટલે મારા પિતા ત્રણ સફાઈકામદારોને લઈને હોટલે પહોંચ્યા હતા."

"રાત્રે 11.30 કલાકે મને તેમનો ફોન આવ્યો હતો કે 'તું હોટલે આવી જા.' હું ત્યાં પહોંચ્યો તો લોકોટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ત્યારે મને ખબર પડી કે ત્રણ મજૂરોને બચાવવા જતા મારા પિતા મૃત્યુ પામ્યા છે."

સમગ્ર ઘટનાક્રમમાં હોટલના ત્રણ કર્મચારી વિજય ચૌધરી, અજય વસાવા તથા સહદેવ વસાવા સહિત કુલ સાત લોકોનાં મૃત્યુ થયાં છે. તેઓ કૂવામાં ઊતરેલા મજૂરોને બચાવવા ખાળકૂવામાં ઊતર્યા હતા.

ડભોઈ રૂરલના ડીએસપી કલ્પેશ સોલંકીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું:

"અમારી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હોટલના માલિક હસન અબ્બાસે ખાળકૂવાની સફાઈ કરવા માટે ગેરકાયદેસર રીતે શ્રમિકોને બોલાવ્યા હતા."

"સેપ્ટિકટૅન્ક બધી બાજુથી બંધ હતી. એટલે ઝેરી ગૅસને કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં, તેમને બચાવવા ઊતરેલા હોટલના ત્રણ કર્મચારી સહિત સાત લોકોનાં મૃત્યુ થયાં છે."

"અમે ભારતીય દંડ સંહિતાની કલમ 304 તથા ઍટ્રોસિટી ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે."

"અમે હોટલના માલિકની તપાસ હાથ ધરી છે. ખાળકૂવા માટે જરૂરી સાધન નહીં રાખવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે."

તંત્ર દ્વારા હાઈવે પરની હોટલ્સમાં ઘનકચરાના નિકાલની તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી કરીને આવી કોઈ ઘટનાને બનતી અટકાવી શકાય.

line

સાધન, સાવધાની અને સુપ્રીમ

ઘટનાસ્થળ

ઇમેજ સ્રોત, Javed Pathan

ઇમેજ કૅપ્શન, ડભોઈ પાસેની આ હોટલના ખાળકૂવામાં ઊતરવાથી સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સમગ્ર ઘટનાક્રમ અંગે વડોદરના ફાયર ઑફિસરનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

અમદાવાદના ઍડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે બીબીસી સાથે વાત કરતા કહ્યું :

"ડભોઈનો ખાળકૂવો 40 ફૂટ ઊંડો જણાય છે. જ્યારે સેપ્ટિકટૅન્કને સિમેન્ટથી બંધ કરવામાં આવે એટલે તેની અંદર મિથેન ગૅસ એકઠો થાય છે, જેથી ઑક્સિઝનનું પ્રમાણ ઘટી જાય છે."

"જો અવરજવર માટે એક જ રસ્તો હોય તો બીજી બાજુ પણ ખોલી દેવી જોઈએ, જેથી કરીને તાજી હવા અંદર પ્રવેશી શકે."

"ગ્રામ્ય કે અર્ધશહેરી વિસ્તારમાં પૂરતાં સાધનો ન હોય તો દીવો કે મીણબત્તી લઈને અંદર ઊતરવું જોઈએ, જેથી કરીને જો ઑક્સિઝન ઓછો હોય તો તે બુજાઈ જાય."

"શ્રમિક દોરડું બાંધીને અંદર ઊતરે, ત્યારે બહારથી કોઈએ તેને પકડી રાખવો જોઈએ, જેથી કરીને કોઈ ઇમર્જન્સી આવે તો તેને બહાર કાઢી શકાય. તથા જો પગ લપસી જાય તો પણ તેને બહાર કાઢી શકાય."

રાજ્યમાં માથે મેલું ઉપાડવા મુદ્દે પુરુષોતત્મ વાઘેલાએ સર્વોચ્ચ અદાલત સુધી લડત આપી છે.

2013માં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા જણાવ્યું હતું કે 'રાતના સમયે શ્રમિકોને ગટરમાં ન ઉતારવા. ચામડીને મેલું સ્પર્શ ન થાય તેવા ગમબૂટ પૂરા પાડવા. આ સિવાય રિપેરિંગ કે ગંદું પાણી કાઢવાની મોટર બગડી ગઈ હોય તેવા સંજોગોમાં ઍક્સપર્ટની હાજરીમાં જ શ્રમિકોએ અંદર ઊતરવું.'

વાઘેલા કહે છે, "ગુજરાતમાં લગભગ ત્રણ હજાર લોકો કોઈ પણ જાતનાં સુરક્ષા સાધનો વગર ગટરમાં ઊતરીને જીવ જોખમમાં મૂકે છે."

"2013થી 2019 દરમિયાન ગુજરાતમાં 63 શ્રમિકનાં મૃત્યુ થયાં છે, જેમાંથી માત્ર 27ને જ વળતર મળ્યું છે. અન્યોને વળતર મળે તે માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે."

આ અંગે દલિત નેતા તથા સંસદસભ્ય કિરીટ સોલંકીએ કહ્યું કે 'સરકાર આ મુદ્દે 'સંવેદનશીલ' છે, રૂપિયા ચાર લાખની સહાય જાહેર કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કાર્યવાહી કરીશું.'

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ જવાબદારો સામે 'કડક કાર્યવાહી' કરવાની વાત કહી છે.

line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો