NCERTમાંથી દલિત મહિલાઓનો જે સંઘર્ષ હટાવાયો તે શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી
'નેશનલ કાઉન્સિલ ઑફ ઍજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ'(એનસીઈઆરટી) દ્વારા નવમા ધોરણના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી ભારતમાં જાતિગત ભેદભાવ સંબંધિત ત્રણ પ્રકારણ હટાવી દેવાયાં છે. વર્તમાન સરકારના કાર્યકાળમાં પાઠ્યપુસ્તકોનું નિરીક્ષણ કરાયું હોય એવી આ બીજી ઘટના છે.
'ક્લૉધિંગ : અ સોશિયલ હિસ્ટ્રી' નામના હટાવાયેલા પ્રકારણમાં 'જાતિ સંઘર્ષ અને પહેરવેશમાં પરિવર્તન'ની વાત કરાઈ હતી.
જે અંતર્ગત કેરળમાં દલિત મહિલાઓના કથિત ઊંચી જ્ઞાતિઓ વિરુદ્ધ સંઘર્ષ અંગેની માહિતી અપાઈ હતી.
18મી સદીની આસાપાસ ત્રાવણકોરમાં 'નાદર' સમુદાયની મહિલાઓને પોતાના શરીરનો ઉપરનો ભાગ ખુલ્લો રાખવા માટે મજબૂર કરવામાં આવતી હતી.
લગભગ 50 વર્ષ સુધી ચાલેલા સંઘર્ષ બાદ નાદર મહિલાઓને પોતાના શરીરને ઢાંકવાનો હક મળ્યો હતો.
'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના અહેવાલમાં સુત્રને ટાંકીને જણાવાયું છે કે કેન્દ્રીય માનવસંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે તમામ વિષયોના પાઠ્યક્રમ ઘટાડવા એનસીઈઆરટીને સૂચન કર્યું હતું.
જોકે, એનસીઈઆરટી દ્વારા સમાજવિજ્ઞાનનો અભ્યાસક્રમ લગભગ 20% ઘટાડી નાખવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ દ્વારા એક લાખ કરતાં પણ વધુ સૂચન મળ્યા બાદ આ ફેરફાર કરાયો હોવાનું એનસીઈઆરટીનું જણાવવું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં કેન્દ્રીય માધ્યમિક બૉર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને સંબંધિત શાળાઓને જણાવાયું હતું કે 'જાતિ-સંઘર્ષ અને પહેરવેશમાં પરિવર્તન' નામનો વિભાગ અભ્યાસક્રમમાંથી હટાવી દેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને એને લઈને પ્રશ્નો પૂછી શકાશે નહીં.

હટાવાયેલા પ્રકરણમાં શું હતું?

ઇમેજ સ્રોત, Hari Desai
હટાવી દેવાયેલા પ્રકરણમાં શનાર સમુદાય અને સવર્ણ હિંદુ વચ્ચેના સંઘર્ષની વાત હતી.
ભારતમાં પહેરવેશ અને ભોજનને લઈને લાગુ કરાયેલા સામાજિક નિયમોનો ઉલ્લેખ કરતા પ્રકરણમાં દર્શાવ્યું હતું,
'આશ્રિત અને શક્તિશાળીઓ હિંદુઓએ શું પહેરવું, શું ખાવું વગેરે જ્ઞાતિ-વ્યવસ્થા નક્કી કરતી હતી. વૈશ્વિક રીતે જોવા મળી રહેલા પહેરવેશનમાં પરિવર્તનના આ નિયમોને પડકાર્યા હતા અને તેની હિંસક પ્રતિક્રિયા જોવા મળી હતી.
વર્ષ 1822ના મે મહિનામાં દક્ષિણના ત્રાણવકોર રાજ્યમાં શનાર જાતિની મહિલાઓ પર પોતાના શરીરનો ઉપરનો ભાગ ઢાંકતાં વસ્ત્રો પહેરવાં બદલ ઊંચા ગણાતા નાયર સમુદાયે હુમલો કર્યો હતો.
એના પરિણામ સ્વરૂપ કેટલાય દાયકાઓ સુધી ડ્રેસકૉડને લઈને હિંસક સંઘર્ષ ચાલ્યો.
શનાર(નાદર) સમુદાય રોજગારીની શોધમાં ત્રાણવકોર આવીને વસ્યો હતો અને અહીં નાયર સમુદાયના જમીનદારો માટે તાડી બનાવવાનું કામ કરતો હતો.
આશ્રિત સમુદાય ગણાતો હોવાને કાણે શનાર લોકોને છત્રીનો ઉપયોગ કરવા, જોડાં પહેરવાં કે સોનાનાં ઘરેણાં ધારણ કરવા પર પ્રતિબંધ હતો.
આ સમુદાયનાં પુરુષ અને સ્ત્રીઓને સ્થાનિક રિવાજ અનુસાર ઊંચી જાતિના લોકો સામે શરીરનો ઉપરનો ભાગ ઢાંકીને રજૂ થવાની પરવાનગી નહોતી.
જોકે, ખ્રિસ્તી મિશનરીઓના આગમન સાથે 1820માં શનાર સમુદાયની મહિલાઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા લાગી અને ઊંચી જ્ઞાતિની મહિલાઓની માફક સીવેલાં પોલકાં અને અન્ય કપડાં પહેરવા લાગી.
જેને પગલે ઉચ્ચજાતિ ગણાત નાયર સમુદાયે આ જાહેરસ્થળોએ મહિલાઓ પર હુમલો કર્યો અને તેમનાં શરીરના ઉપરના ભાગનાં કપડાં ફાડી નાખ્યાં.
ડ્રેસકોડમાં આવેલા આ પરિવર્તન અને મફતમાં મજૂરી કરવાનો ઇન્કાર કરવા બદલ શનાર સમુદાય વિરુદ્ધ ઊંચી જ્ઞાતિઓ દ્વારા કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
શનાર સમુદાયના ઘરો પર હુમલા કરાયા અને તેમના દેવાલયો પણ તોડી પડાયાં. આખરે સરકારને દખલગીરી કરવી પડી અને શનાર મહિલાઓને શરીરનો ઉપરનો ભાગ ઢાંકવાની મંજૂરી મળી ગઈ.

'લોકોનો ખોટો ઇતિહાસ ભણાવવા માગો છો?'

ઇમેજ સ્રોત, AFP
આ મામલે બીબીસી ગુજરાતીએ સતત એનસીઈઆરટીના ડિરેક્ટર ઋષિકેષ સેનાપતિનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. જોકે, એમનો સંપર્ક સાધી શકાયો નથી.
તો પાઠ્યક્રમમાંથી નદાર સમુદાયના સંઘર્ષને હટાવી દેવાના સંબંધિત નિર્ણયને દલિત ચિંતક-લેખક કાંચા ઇલૈયા યોગ્ય નથી માનતા.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કાંચાએ કહ્યું, "આકાદમીની વ્યવસ્થાને બરબાદ કરવા માટે આ બધું થઈ રહ્યું છે. વસ્ત્રો પહેરવા માટે મહિલાઓના સંઘર્ષને કોઈ સરકાર કઈ રીતે હટાવી શકે? તમે લોકોનો ખોટો ઇતિહાસ ભણાવવા માગો છો?"
નોંધનીય છે કે આ પહેલાં દલિત ચિંતક-લેખક કાંચા ઇલૈયાનાં ત્રણ પુસ્તકોને દિલ્હી યુનિવર્સિટીના એમ.એ. રાજકીય વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી હટાવી દેવાયાં હતાં.
'વ્હાઇ આઈ એમ નોટ અ હિંદુ', 'પોસ્ટ હિંદુ ઇન્ડિયા', અને 'ગૉડ ઇઝ પૉલિટિકલ ફિલૉસૉફર : બુદ્ધિઝમ ચેલેન્જ ટુ બ્રાહ્મિનિઝમ' નામનાં આ ત્રણેય પુસ્તકો કાંચા ઇલૈયાના દલિતવાદી અભિગમ સાથે લખાયાં હતાં.

'ઇતિહાસનું વિકૃતિકરણ'

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતકાળમાં સમાજવ્યસ્થામાં જે ત્રૃટિઓ હતી તેને દૂર કરવા પ્રયાસ કરવા જોઈએ એવો મત ધરાવતા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર હરિ દેસાઈ આ પગલાને ઇતિહાસનું 'વિકૃતિકરણ' કરવાનો પ્રયાસ ગણાવે છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હરિ દેસાઈ જણાવે છે, "આ શિક્ષણ અને ઇતિહાસનું વિકુતિકરણ કરાઈ રહ્યું છે. આ ઇતિહાસને ભૂંસવાનો પ્રયાસ છે. "
દેસાઈ ઉમેરે છે કે વિકૃતિકરણ થઈ રહ્યું હોય તો સાચું શું છે એ આપણે શોધી શકીએ પણ જ્યારે ઇતિહાસને ભૂંસવાનો પ્રયાસ કરાય ત્યારે શું કરી શકાય?
ઇતિહાસની સાથે ચેડા કરવાનું બંધ કરવું જોઈએ એવું જણાવતા તેઓ ઉમેરે છે,
"પાકિસ્તાનમાં જ્યારે લોકોને સાચો ઇતિહાસ ભણાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, ત્યારે આપણે ત્યાં ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














