'બિહારની હૉસ્પિટલમાં બીમાર બાળકો આવે છે, મરીને જાય છે' : ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદાતા, મુઝ્ઝફરપુરથી
સવારથી જ મુઝ્ઝફરપુરની શ્રી કૃષ્ણા મેડિકલ કૉલેજ 45 ડિગ્રી તાપમાનની સાથે પરિસરની અંદર રડી રહેલી માતાઓનાં ગરમ આંસુઓથી ઊકળી રહી હતી.
આ માતાઓ હતી જેમનાં બાળકોએ છેલ્લા એક પખવાડિયામાં આ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
મુઝ્ઝફરપુરમાં 'ચમકી બીમારી' કે અક્યૂટ ઇનસેફિલાઇટિસ સિન્ડ્રોમના કારણે પોતાનો જીવ ગુમાવનારાં બાળકોનો આંકડો 93 પર આવી પહોંચ્યો છે.
તેમાંથી બે બાળકોએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની સામે જ જીવ તોડી દીધો.
શ્રી કૃષ્ણા મેડિકલ કૉલેજ (એસ.કે.એમ.સી.એચ)ના બાળ રોગ વિશેષ ઇન્ટેન્સિવ કેર યૂનિટ (બાળ રોગ આઈસીયૂ)માં લાગેલો કાચનો દરવાજો વૉર્ડની અંદરથી આવી રહેલા રુદનના અવાજને રોકી શકતો ન હતો.
અંદર 8 બેડના આ સ્પેશિયલ વૉર્ડના ખૂણામાં માથું ઝૂકાવીને બેઠેલાં બબિયા દેવી માથું હલાવી હલાવીને રડી રહ્યાં હતાં.
તેમની નજીક સૂતેલી તેમની પાંચ વર્ષીય દીકરી મુન્ની જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહી હતી.
બેડની ઉપર ટીંગાડવામાં આવેલા ટૂં-ટૂં કરતાં બે લીલા રંગનાં મૉનિટરો પર લાલ-પીળી રેખાઓ બની અને બગડી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૉનિટરોના રંગ અને અવાજ સાથે બબિયાનું રુદન પણ વધતું જઈ રહ્યું હતું.
ગત દિવસો દરમિયાન આ વૉર્ડમાં જીવ ગુમાવી ચૂકેલાં બાળકોના ડરનો પડછાયો બબિયાના ચહેરા પર એ રીતે જોવા મળી રહ્યો હતો કે ડૉક્ટરો હિંમત હારે એ પહેલાં જ તેમણે માની લીધું હતું કે મુન્ની હવે જીવીત નહીં રહે.

હું જોતી હતી ત્યારે જ અચાનક મૉનિટરમાંથી આવી રહેલો બીપનો અવાજ અંદરથી તીવ્ર થઈ ગયો અને બે ડૉક્ટર એકસાથે મુન્નીની છાતીને પોતાની મુઠ્ઠીઓથી દબાવીને તેનો શ્વાસ પરત લાવવા પ્રયાસ કરવા લાગ્યા.
ડૉક્ટરોના હાથે આપવામાં આવેલા દરેક પંપ બાદ મુન્નીનો માસૂમ ચહેરો ધીરે ઉપરની તરફ ઊઠ તો હતો.
તેના પીળા પડી ચૂકેલા હોઠ અને આંખમાથી પાણી વહી નીકળ્યું. આ તરફ માતા બબિયાએ ભોજપુરી ભાષામાં એક હૃદય વિદારક લોકગીત ગાવાનું શરૂ કરી દીધું.

એક દિવસ પહેલાં ઠીક હતી મુન્ની

ડૉક્ટરોને પૂછવા પર માત્ર એટલો જ જવાબ મળ્યો કે મુન્ની હવે નહીં બચે. હસતી રમતી મુન્નીને આખરે શું થયું હતું?
ડૉક્ટર નક્કી કરી શકતા ન હતા કે મુન્ની એઈએસની શિકાર હતી કે મગજના દાહની. આ તરફ બબિયાને માત્ર એટલું યાદ હતું કે તેમની દીકરી એક દિવસ પહેલાં ઠીક હતી.
આંસુઓથી પલળેલા ચહેરાને પાલવમાં છૂપાવીને તેઓ જણાવે છે, "અમે કોદરિયા ગોસાઈપુરના રહેવાસી છીએ. શનિવારની સવારે 10 કલાકે મુન્નીને અહીં હૉસ્પિટલ લાવ્યા હતા."
"શુક્રવાર સુધી તે ઠીક હતી. રમી રહી હતી. રાત્રે દાળ-ભાત ખાઈને સૂઈ ગઈ. જ્યારે હું સવારે ઊઠી તો જોયું કે તેને ખૂબ તાવ હતો."
"અમે ભાગીને હૉસ્પિટલ આવ્યા. થોડે દૂર સુધી પગપાળા જ મુન્નીને લઈને દોડતા રહ્યા. પછી ખાલી ગાડી મળી તો ભાડું આપીને ત્યાં સુધી પહોંચ્યા. હૉસ્પિટલમાં તેની હાલતમાં કોઈ સુધારો ન થયો. મુન્નીએ ત્યારથી આંખો જ ખોલી નથી."
મુઝ્ઝફરપુરમાં થઈ રહેલા આ મૃત્યુના કારણને લઈને ચિકિત્સા વિશેષજ્ઞોનો મત અલગ અલગ છે.
એક તરફ જ્યાં આ મામલે લીચી નામના ફળમાં હાજર ટૉક્સિક પદાર્થોને બાળકોની અંદર ફેલાતા ઇનસેફિલાઇટિસ માટે જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે.
બીજી તરફ કેટલાક ચિકિત્સા વિશેષજ્ઞોનું માનવું છે કે આ વિશેષ માનસિક તાવ બાળકોના શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઓછું હોવાના કારણે તેમના પર હુમલો કરે છે.

શું છે મૃત્યુનું કારણ

લાંબા સમયથી વાઇરસ અને ઇન્ફેક્શન પર કામ કરી રહેલા વરિષ્ઠ ડૉક્ટર માલા કનેરિયાના અનુસાર મુઝ્ઝફરપુરમાં થઈ રહેલા બાળકોનાં મૃત્યુ પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે.
તેઓ કહે છે, "જુઓ બાળકોનાં મૃત્યુ એઈએસના કારણે થઈ રહ્યાં છે, સામાન્ય માનસિક તાવ કે પછી જાપાની ઇનસેફિલાઇટિસના કારણે, તે તો સ્પષ્ટપણે કહી શકવું અઘરું છે. કેમ કે આ મૃત્યુની પાછળ ઘણાં કારણ હોઈ શકે છે."
"કાચા લીચી ફળથી નીકળતા ટૉક્સિક, બાળકોમાં કુપોષણ, તેમના શરીરમાં સુગરની સાથે સાથે સોડિયમનું ઓછું સ્તર, શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સ્તર બગડવું વગેરે."
"જ્યારે બાળકો રાત્રે ભૂખ્યા પેટે સૂઈ જાય છે અને સવારે ઊઠીને લીચી ખાઈ લે છે તો ગ્લૂકૉઝનું સ્તર ઓછું હોવાના કારણે સહેલાઈથી આ તાવનો શિકાર બની જાય છે."
"લીચી એકમાત્ર કારણ નથી. મુઝ્ઝફરપુરમાં ઇનસેફિલાઇટિસથી થઈ રહેલાં મૃત્યુ પાછળ એક નહીં, ઘણાં કારણ છે."
એ જણાવવું જરૂરી છે મુઝ્ઝફરપુર લીચીના પાક માટે પ્રખ્યાત ક્ષેત્ર છે અને અહીંના ગ્રામીણ વિસ્તારમાં લીચીના બાગ એ સામાન્ય બાબત છે.
આ તરફ મુઝ્ઝફરપુર મેડિકલ કૉલેજના આઈસીયુ વૉર્ડમાં બબિયાની સાથે હું બેઠી જ હતી કે અચાનક બે બેડ દૂરથી જોર જોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો.
જોયું તો બે ડૉક્ટર બેડના અડધા ભાગમાં સૂતેલી એક નાની એવી બાળકીને જીવીત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાળકી અચેત અવસ્થામાં પડેલી હતી.
અચાનક વૉર્ડમાં જોરથી અવાજ થયો અને બે મહિલાઓ એકબીજાને ગળે મળીને જોર જોરથી રડવા લાગી.
વૉર્ડની બહાર રાખવામાં આવેલી ખુરસીઓ પર રડી રહેલાં એક રુબી ખાતૂન પણ હતાં. અંદર બેડ પર ઊંઘતી તેમની ચાર વર્ષીય દીકરી તમન્ના ખાતૂનની જીવન કિનારે પડેલું હતું.

લીચી પર સવાલ

દીવાલ પર પોતાનાં બન્ને હાથ પછાડીને બંગડીઓ તોડતાં રુબીનાં રુદને મને પણ અચેત કરી નાખી. પરંતુ એ ક્ષણે રુબીનું દુઃખ કોઈ અનુભવી શકે તેમ ન હતું.
તેઓ એક મા હતાં જેમણે કદાચ પોતાની બાળકીને હંમેશાં માટે જતાં જોઈ લીધી હતી.
દુઃખમાં ડૂબેલી આ માતા આગળ બોલે છે, "છેલ્લા બે દિવસોમાં આ હૉસ્પિટલથી એક પણ બાળક સ્વસ્થ પરત ફર્યું નથી."
"બધાં બાળકો મૃત અવસ્થામાં જ પરત ફર્યા છે. મારી દીકરીએ કોઈ લીચી ખાધી ન હતી. અમે રોટલી બનાવી હતી, તેને ખાઈને સારી રીતે ઊંઘી ગઈ હતી. પછી સવારે ઉઠાવી તો ઊઠી નહીં."
"અમે વિચાર્યું કે મોડે સુધી ઊંઘવાનું મન હશે એટલે અમે તેમને ત્યાં જ છોડી દીધી. થોડીવાર બાદ જોયું તો તે ઘૂંટણના બળે બેઠેલી હતી. તેના હાથ-પગ ધ્રુજી રહ્યા હતા."
"અમે તેને તુરંત હૉસ્પિટલ લાવ્યા. પરંતુ હૉસ્પિટલમાં પરિસ્થિતિ ન સુધરી. ડૉક્ટર પણ વાતો કરતા અને જતા રહેતા. મેં શું મારી દીકરીને આ દિવસ માટે મોટી કરી હતી કે તે એક દિવસ આ રીતે જતી રહે?"
વૉર્ડની સામેથી પસાર થતાં મેં જોયું કે દર્દીઓનાં પરિવારજનો બૉટલમાં પાણી ભરી ભરીને લાવી રહ્યા છે.
પૂછવા પર જાણવા મળ્યું કે મેડિકલ કૉલેજમાં પીવાના સાફ પાણીની વ્યવસ્થા નથી.
આ કારણોસર ઇનસેફિલાઇટિસના દર્દીઓના પરિવારજનોએ પણ હૉસ્પિટલની બહાર બનેલા એક હેન્ડપંપ સુધી પાણી ભરવા જવું પડે છે.
એક તરફ જ્યાં દર્દીઓ હેંડપંપનું પાણી ગંદુ હોવાની ફરિયાદ કરતા મને મેલું પાણી બતાવે છે ત્યાં અન્ય પરિવારો જણાવે છે કે આર્થિક રૂપે ખસ્તાહાલ તેઓ બૉટલબંધ પાણી ખરીદવા મજબૂર છે. કેમ કે હૉસ્પિટલમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી.
આ જ હૉસ્પિટલમાં થયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં બીબીસીના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું કે ઇનસેફિલાઇટિસના દર્દીઓ માટે પીવાના પાણીની ઉપલબ્ધતા 'કોઈ ક્રિટિકલ ઇશ્યૂ નથી.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














