ગ્રાઉન્ડ રિપોર્ટઃ મંદસૌર બળાત્કાર કેસમાં જૂતાંએ કેવી રીતે ખોલ્યું રહસ્ય?

પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, નિતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા, મંદસૌરથી

મધ્ય પ્રદેશના મંદસૌરમાં સાત વર્ષની બાળકીના બળાત્કાર બાદ શહેર જ નહીં, આખા દેશમાં રોષ ફેલાયો છે.

બાળકીનો ઇલાજ અહીંથી સાડા ચાર કલાકના અંતરે આવેલા ઇન્દોર શહેરની એક મોટી સરકારી હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે.

બળાત્કાર બાદ બાળકી સાથે નિર્દયતાપૂર્વક હિંસા પણ થઈ હતી.

શરૂઆતી દિવસોમાં એવું લાગ્યું હતું કે બાળકીનો જીવ બચશે નહીં પરંતુ ડૉક્ટરોને આશા છે કે બાળકીને બચાવી શકાશે.

આ અપરાધ બાદ શંકાસ્પદો સુધી પહોંચવામાં સોશિયલ મીડિયા અને ડિજિટલ ઇન્ટેલિજન્સની મહત્ત્વની ભૂમિકા રહી છે.

line

મામલો અને તપાસ

હૉસ્પિટલમાં પોલીસ

મંદસૌર શહેરની એક સ્કૂલમાંથી સાત વર્ષની બાળકી 26 જૂનની બપોરે બહાર નીકળી અને તેની તરફ કોઈનું પણ ધ્યાન ગયું નહીં.

સ્કૂલનો સીસીટીવી કૅમેરા પણ ખરાબ હતો અને ગેટની પાસે લાગેલો સીસીટીવી કૅમેરા ખરાબ હોવા સિવાય ઊંધી દિશામાં પણ હતો.

સ્કૂલ છૂટી તેના ત્રણ કલાક સુધી જ્યારે બાળકી ઘરે ન પહોંચી ત્યારે બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

બાળકીના પિતાએ શંકા વ્યક્ત કરી હતી કે એવું બની શકે છે કે તે 40 કિલોમીટર દૂર સીતામઊમાં કોઈ સંબંધીને ત્યાં જતી રહી હશે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ વચ્ચે પોલીસની 15 ટીમને દરેક તરફ મોકલવામાં આવી રહી હતી પરંતુ ક્યાંયથી બાળકી મામલે કોઈ સમાચાર ન મળ્યા.

પછી ખબર પડી કે પરિવારે છેલ્લા કેટલાક દિવસોમાં જમીનનો સોદો કર્યો હતો જેની રકમ એક કરોડ કરતાં વધારે હતી.

હવે તપાસ ખંડણી અને અપહરણ તરફ ઝૂકી ગઈ હતી પરંતુ તે અંગે પણ કોઈ પુરાવા મળ્યા નહીં.

બુધવારની બપોરે પોલીસની ચાર્લી મોબાઇલ સ્કવૉડને શહેરના લક્ષ્મણ ગેટ વિસ્તાર પાસે લોહીલુહાણ હાલતમાં બાળકી મળી હતી.

પોલીસની તસવીર

દિનેશ આ વિસ્તારમાં ફરસાણ અને સિંગદાણાની રેકડી ચલાવે છે.

તેમણે જણાવ્યું, "હું રસ્તા પર ઊભો હતો. એક ક્ષણ માટે તો વિશ્વાસ ન થયો કે કોઈ આટલી નાની બાળકીને આ પરિસ્થિતિમાં કેવી રીતે લાવી શકે છે."

આઘાત અને તકલીફમાં ડૂબેલી બાળકી ન તો કંઈ બોલી શકતી હતી અને ન કંઈ ઇશારો કરી શકતી હતી. શરીર પર અનેક ઘા હતા અને કપડાં લોહીલુહાણ હતા.

એક તરફ બાળકીને ઇલાજ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી અને બીજી તરફ તપાસ હવે કથિત બળાત્કાર અને હત્યાના પ્રયાસ તરફ વળી ગઈ.

line

સીસીટીવીમાં શંકાસ્પદની શોધ

સીસીટીવી ફૂટેજ

પરંતુ તેને તે પરિસ્થિતિમાં પહોંચાડનારા અંગે કોઈ પુરાવા મળ્યા નહીં.

આખરે બુધવારની રાત્રે એક 'ગુપ્ત પ્રશાસનિક મીટિંગ'માં એ નક્કી કરવામાં આવ્યું કે સ્કૂલની આસપાસના વિસ્તારમાંથી એ જાણકારી મેળવવામાં આવે કે સીસીટીવી ફૂટેજ કોની કોની પાસે છે.

તમામ દુકાનદારો સાથે સંપર્ક સાધવામાં આવ્યો અને તેમની મદદ લેવામાં આવી.

શહેરમાં અમારી વાત ઘણા એવા લોકો સાથે થઈ જેમણે પોત-પોતાના ફૂટેજ પોલીસ કન્ટ્રૉલ રૂમમાં સોંપ્યાં હતાં.

કુમાર (બદલાયેલું નામ)એ જણાવ્યું, "મારી દુકાનમાં ગત વર્ષે જ સીસીટીવી કૅમેરા લગાવ્યો હતો. અમે તુરંત ફૂટેજ કાઢીને મોકલી દીધાં હતાં."

કલાકો સુધી ફૂટેજની તપાસ થયા બાદ આખરે ત્રણ એવા વીડિયો મળ્યા જેમાં સ્કૂલ યુનિફોર્મ વાળી એક બાળકીને કોઈ યુવા વ્યક્તિ પાછળ જતી જોઈ શકાતી હતી.

વીડિયો કૅપ્શન, મહિલાઓ સામે થતી હિંસા સામે અવાજ ઉઠાવવા ફોટોગ્રાફરનું અવનવું અભિયાન

આ કેસમાં પહેલી સફળતા હતી, પરંતુ તંત્ર એ યુવકની ઓળખ કરવામાં નિષ્ફળ રહ્યું કેમ કે તેનો ચહેરો સ્પષ્ટ દેખાયો ન હતો.

પરંતુ એ યુવકના જૂતાની બ્રાન્ડ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.

વધુ એક યોજના બનાવવામાં આવી અને તેમાં સોશિયલ મીડિયાનો પ્રમુખ સહારો લેવામાં આવ્યો.

આ ત્રણેય સીસીટીવી ક્લિપને મંદસૌર શહેરમાં વાઇરલ કરવાનો પ્રયાસ કરાયો.

ક્લિપ વાઇરલ કરવાનો ઉદ્દેશ એ હતો કે કદાચ કોઈ ક્લિપની મદદથી યુવકને ઓળખી લેશે. એક જ ડર હતો જે ખતરનાક સાબિત થઈ શકતો હતો.

શહેરના લોકો જણાવે છે કે સોશિયલ મીડિયા પર આ બળાત્કારની ઘટનાને લઇને તમામ પ્રકારના 'દુષ્પ્રચાર અને ભડકાઉ' વ્હૉટ્સઍપ મેસેજ પણ ચાલી રહ્યા હતા.

વાત ફેલાઈ ગઈ હતી કે 'કોઈ બાળકી સાથે બળાત્કાર થયો છે અને તેની હાલત નાજુક છે.'

line

વિકલ્પ અને સમય, બન્ને ઓછા હતા

સીસીટીવી ફૂટેજ

આ મામલે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી અને શહેરમાં સદ્ભાવ જાળવી રાખવાનું દબાણ વધી રહ્યું હતું.

આ વચ્ચે પ્રશાસન અને જનતાના પ્રતિનિધિઓએ સીસીટીવી ફૂટેજ પર સાર્વજનિક મદદ લેવાનો વિચાર કર્યો.

પોલીસ પ્રમુખ મનોજ કુમાર સિંહ અને શહેરના સામુદાયિક નેતાઓએ બીબીસીને જણાવ્યું, "સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદની ઓળખ મામલે અસંભવિત સહયોગ જોવા મળ્યો."

જોકે, ફૂટેજમાં દેખાતા યુવકની ઓળખ વિશે પણ આશરે એક ડઝન લોકોનાં નામ સામે આવ્યાં હતાં.

ફરી એક વખત સોશિયલ મીડિયાનો જ સહારો લેવામાં આવ્યો.

તપાસ કરનાર અધિકારીઓએ ડિજિટલ એક્સપર્ટ્સની મદદ લેવી પડી અને તમામ લોકોના ફેસબુક અકાઉન્ટને શોધવામાં આવ્યાં જેમના વિશે સામાન્ય નાગરિકો પાસેથી સૂચના મળી રહી હતી.

જે પ્રમુખ આરોપીની આગામી દિવસે ધરપકડ થઈ, તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એ જ બ્રાન્ડ વાળાં સ્પોર્ટ્સ જૂતાં સાથે તેની બે તસવીરો પણ મળી.

પોલીસ પ્રમુખ મનોજ સિંહના જણાવ્યા અનુસાર, "ધરપકડ થયા બાદ યુવકે આખી ઘટનામાં સામેલ હોવાની વાાત સ્વીકારી લીધી છે."

પ્રદર્શન કરતા લોકો
ઇમેજ કૅપ્શન, બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે

જોકે, જે બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એકના પરિવારે પોતાના દીકરાને નિર્દોષ ગણાવતા મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગ કરી છે.

બન્ને આરોપી હાલ પોલીસ રિમાન્ડ પર છે અને આ મામલે આગળ મોટું અને નિર્ણાયક પગલું એ જ હોઈ શકે છે કે પીડિત બાળકી ઇલાજ બાદ ભાનમાં આવવા પર શંકાસ્પદોની ઓળખ કરી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો