જાણો વિશ્વમાં બાળકીઓ સાથે રેપની કયા દેશમાં કેવી સજા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
શનિવારે મળેલી કેંદ્ર સરકારની કેબિનેટ મિટિંગમાં પણ પોક્સોના કાયદામાં સુધારો કરીને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોના જાતીય શોષણ માટે ફાંસીની સજાની જોગવાઈ માટેના વટહુકમને મંજૂરી આપવામાં આવી છે.
સુરત, કઠુઆ, ઉન્નાવ, દિલ્હી - દિવસો, તારીખ અને જગ્યા અલગ છે. પરંતુ દરેક જગ્યાએ સગીરા સાથે બળાત્કાર થયો હતો. દરેક ઘટના તેની અગાઉની ઘટના કરતા દર્દનાક અને બીભત્સ હતી.
જોકે, ફાંસીની માગના સમર્થન અને વિરોધ મામલે વિચારોમાં તફાવત છે.
કેટલાક લોકોનો તર્ક છે કે ફાંસીની સજાથી ગુનાનું પ્રમાણ ઘટશે તથા કેટલાંક માને છે કે હાલના કાયદા સક્ષમ નથી.
આથી એ જાણવું અગત્યનું છે તે વિશ્વમાં અન્ય દેશોમાં બળાત્કારની શું સજા છે?

ભારતમાં કેવો કાયદો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની વાત કરીએ તો અહીં 'રેરેસ્ટ ઓફ ધી રેર' કેસમાં જ ફાંસીની સજા થાય છે.
બાળકીઓ સાથે બળાત્કારના કેસ પોક્સો એક્ટ હેઠળ નોંધવામાં આવે છે.
આ કાયદા હેઠળ દોષિતને 10 વર્ષથી લઈને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા સરકારે તેમના રાજ્યોમાં 12 વર્ષથી નાની ઉંમરની બાળકી સાથે બળાત્કારના કેસમાં ફાંસીની સજાનું બિલ તૈયાર કરી લીધું છે. તેના પર કાયદો બનાવવાની પણ તૈયારી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
દિલ્હીમાં પણ આવો કાયદો પસાર કરવાની માગ સાથે દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ અનશન પર બેઠાં છે.
તેમની માગ છે કે બળાત્કારીઓને 6 મહિનાની અંદર ફાંસી આપી દેવામાં આવે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલય પણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાનાં નવા બિલ સાથે સંમતિ દર્શાવીને રાષ્ટ્રીય સ્તરે પોક્સો એક્ટમાં ફેરફાર કરવાની વાત કરે છે.

વિશ્વમાં બળાત્કારની સજા?

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર દુનિયામાં બળાત્કાર મામલે અલગ-અલગ સજાના કાયદા છે. કેટલાંક દેશોમાં બાળકો સાથે યૌન શોષણને બળાત્કાર કરતા પણ મોટો અપરાધ માનવામાં આવે છે.
દિલ્હીની નેશનલ લૉ યુનિવર્સિટીમાં સંશોધન કરી રહેલા રિસર્ચ એસોસિએટ નીતિકા વિશ્વનાથ જણાવે છે કે વિશ્વમાં બે પ્રકારના દેશ છે.
એક એવા દેશ જ્યાં ફાંસીની સજાની જોગવાઈ છે પણ બાળકો સાથે બળાત્કાર માટે ફાંસીની સજા નથી. જ્યારે બીજા એવા દેશ છે જેમાં કોઈ પણ અપરાધ માટે ફાંસીની સજા નથી.

મૃત્યુદંડની સજા આપનારાં દેશ

નીતિકા અનુસાર જે દેશોમાં અપરાધ માટે મૃત્યુદંડની સજાની જોગવાઈ છે, તેવા દેશોને 'રિટેશનિસ્ટ' દેશ કહેવામાં આવે છે.
તેમના અનુસાર કેટલાંક 'રિટેશનિસ્ટ' દેશોમાં પણ બાળકો સાથે બળાત્કાર માટે ફાંસીની સજાની જોગવાઈ નથી.
જોકે, આ દેશોમાં બાળકો પર જાતીય શોષણ માટે કડક સજા નક્કી કરવામાં આવેલી છે.
વર્ષ 2001માં હક-સેન્ટર ફોર ચાઇલ્ડ રાઇટે વિશ્વભરના દેશોમાં બાળકીઓ સાથે થયેલા જાતીય શોષણ અને બળાત્કાર મામલેની સજા પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.
આ રિપોર્ટ અનુસાર દરેક દેશમાં બાળકો સાથે બળાત્કાર મામલે અલગ અલગ સજા આપવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
મલેશિયા - અહીં બાળકોના જાતીય શોષણ માટે વધુમાં વધુ 30 વર્ષની કેદ અને કોરડા મારવાની સજાની જોગવાઈ છે.
સિંગાપોર - આ દેશમાં 14 વર્ષના બાળક સાથે બળાત્કાર માટે અપરાધીને 20 વર્ષની કેદ, કોરડા ફટકારવાની સજા અને દંડની સજા થઈ શકે છે.
અમેરિકા - અહીં બાળકો સાથે બળાત્કાર માટે પહેલાં મૃત્યુદંડની સજાની જોગવાઈ હતી. પણ કેનેડી વિ. લુઇસિયાના (2008) કેસમાં મૃત્યુની સજાને ગેરબંધારણિય જાહેર કરવામાં આવી હતી.
કોર્ટનું કહેવું હતું કે મૃત્યુ ન થયું હોય તેવા કેસમાં મૃત્યુદંડની સજા યોગ્ય નથી. જેનો અર્થ કે સજા અપરાધ કરતાં વધુ મોટી છે. આથી આ રાજ્યોમાં હવે મૃત્યુદંડની સજા નથી થતી.
જોકે, અમેરિકામાં બાળકો સાથે બળાત્કારના મામલે રાજ્યો અનુસાર જોગવાઈ અલગ-અલગ છે.

આ દેશમાં મૃત્યુદંડની જોગવાઈ નથી

ઇમેજ સ્રોત, Getty Images
ફિલિપાઇન્સ - અહીં બાળકો સાથે બળાત્કારની સૌથી કડક સજા છે. અહીં દોષિતને પેરોલ વગર 40 વર્ષ કેદ સુધીની સજા થઈ શકે છે.
ઑસ્ટ્રેલિયા- અહીં બાળકીઓના બળાત્કારીને 15થી 25 વર્ષ સુધીની જેલની કેદ થઈ શકે છે.
કેનેડા - અહીં બાળકો સાથે બળાત્કાર માટે વધુમાં વધુ 14 વર્ષની કેદની સજા થઈ શકે છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સ - બાળકો સાથે બળાત્કાર માટે અહીં 6થી 19 વર્ષ કેદની સજાથી લઈને આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે.
જર્મનીમાં બાળકો સાથે બળાત્કાર બાદ તેમનું મૃત્યુ થાય તે આજીવન કારાવાસની સજા છે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ માત્ર બળાત્કાર માટે વધુમાં વધુ 10 વર્ષની સજા નક્કી કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકામાં બળાત્કારીને પ્રથન વખત 15 વર્ષ જેલની સજાની જોગવાઈ છે.
બીજી વખત દોષિત ઠરે તો 20 વર્ષ કેદ અને ત્રીજી વખત 25 વર્ષ કેદની સજા થાય છે.
ન્યૂઝિલૅન્ડમાં આ પ્રકારના અપરાધ માટે 20 વર્ષની સજાની જોગવાઈ છે.
એમનેસ્ટી ઇન્ટરનેશનલના 2013ના એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં માત્ર આઠ જ દેશોમાં બાળ અપરાધી માટે ફાંસીની સજાની જોગવાઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ દેશોમાં ચીન, નાઇજિરીયા, કાંગો, પાકિસ્તાન, ઇરાન, સાઉદી અરેબિયા, યમન અને સૂડાનનો સમાવેશ થાય છે.
'હક'ના જોઇન્ટ ડાયરેક્ટર ભારતી અલીનું કહેવું છે કે, "વિશ્વના મોટાભાગના દેશો ફાંસી પર રોક લગાવી રહ્યા છે અને આપણે તેમાં પાછળ છીએ."
"જે લોકો બાળકીઓ સાથે બળાત્કાર પર ફાંસીની સજાની તરફેણ કરે છે તેમણે વિચારવું જોઈએ કે આ બાબતને કારણે આરોપી બળાત્કાર બાદ બાળકીની હત્યા કરી શકે છે."
"આપણે આ તર્ક પર ધ્યાન આપવાની જરૂર છે."
(નોંધ - દરેક દેશમાં સગીરા અને બળાત્કારની પરિભાષા અલગ-અલગ છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












