ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે લાવવામાં આવેલો મહાભિયોગ પ્રસ્તાવ શું છે?

દીપક મિશ્રા

ઇમેજ સ્રોત, NALSA.GOV.IN

કેટલાય દિવસોથી ચાલી રહેલા ગણગણાટ બાદ આખરે વિરોધપક્ષે કોંગ્રેસના નેતૃત્વમાં રાજ્યસભામાં દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરી દીધો છે.

રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી.

કપિલ સિબ્બલે કહ્યું, "અમે આજે 12 વાગ્યે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેનને મળીને તેમને મહાભિયોગનો પ્રસ્તાવ આપી દીધો છે.

"અમે ઇચ્છતા હતા કે આ દિવસ ક્યારેય ન આવે, પરંતુ ચીફ જસ્ટિસના કામ કરવાની પદ્ધતિ પર સતત સવાલ ઊભા થતા રહ્યા છે."

જો રાજ્યસભાના અધ્યક્ષ આ પ્રસ્તાવને મંજૂરી આપે તો મહાભિયોગનો સામનો કરનારા દીપક મિશ્રા દેશના પ્રથમ ચીફ જસ્ટિસ હશે.

જસ્ટિસ મિશ્રા લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે.

આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં તેમનાથી નારાજ જજોએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોર્ટમાં ચાલી રહેલી અનિયમિતતાઓનો ઉલ્લેખ કર્યો હતો.

તેમાં જસ્ટિસ જે ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ શામેલ હતા. જે જસ્ટિસ મિશ્રા બાદ સુપ્રીમ કોર્ટના ચાર સૌથી સિનિયર જજ છે.

line

મહાભિયોગ શું છે?

ચાર જજોની તસવીર

ઇમેજ સ્રોત, SUPREME COURT

મહાભિયોગ એ પ્રક્રિયા છે જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ અથવા હાઈ કોર્ટના જજોને હટાવવા માટે કરવામાં આવે છે.

એનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 61, 124(4), (5), 217 અને 218માં જોવા મળે છે.

મહાભિયોગ પ્રસ્તાવ ત્યારે જ લાવી શકાય છે, જ્યારે બંધારણનો ઉલ્લંઘન, દુર્વ્યવહાર અથવા અક્ષમતા સાબિત થઈ ગયા હોય.

નિયમો અનુસાર, મહાભિયોગ પ્રસ્તાવ સંસદના કોઈ પણ ગૃહમાં લાવી શકાય છે.

  • પરંતુ લોકસભામાં એ રજૂ કરવા માટે ઓછામાં ઓછા 100 સંસદ સભ્યોની સહી
  • અને રાજ્યસભામાં ઓછામાં ઓછા 50 સંસદ સભ્યોની સહી જરૂરી હોય છે.

ત્યારબાદ જો ગૃહના સ્પીકર અથવા અધ્યક્ષ એ પ્રસ્તાવનો સ્વીકાર કરી લે (એ તે પ્રસ્તાવનો અસ્વીકાર પણ કરી શકે છે.) તો ત્રણ સભ્યોની સમિતિ બનાવીને આક્ષેપોની તપાસ કરાવવામાં આવે છે.

  • એ સમિતિમાં સુપ્રીમ કોર્ટના એક જજ
  • એક હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ
  • અને એક એવી ખ્યાતનામ વ્યક્તિને શામેલ કરવામાં આવે છે જેને સ્પીકર અથવા અધ્યક્ષ એ મામલામાં યોગ્ય માને.
line

મહાભિયોગની કાર્યવાહી

સંસદની તસવીર

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

જો આ પ્રસ્તાવ બન્ને ગૃહોમાં લાવવામાં આવે તો બન્ને ગૃહોના અધ્યક્ષ મળીને એક સંયુક્ત તપાસ સમિતિ બનાવે છે.

બન્ને ગૃહોમાં પ્રસ્તાવ આપવાની સ્થિતિમાં પછીની તારીખમાં આપવામાં આવેલો પ્રસ્તાવ રદ માનવામાં આવે છે.

તપાસ પૂરી થયા બાદ સમિતિ પોતાનો અહેવાલ સ્પીકર અથવા અધ્યક્ષને સોંપી દે છે, જે તે પોતાના ગૃહમાં રજૂ કરે છે.

જો તપાસમાં પદાધિકારીઓ દોષિત સાબિત થાય તો ગૃહમાં મતદાન કરવામાં આવે છે.

  • પ્રસ્તાવ પસાર થવા માટે તેને ગૃહના કુલ સાંસદોની બહુમતી
  • અથવા મત આપનારા સંસદ સભ્યોમાંથી ઓછામાં ઓછા બે તૃતીયાંશનું સમર્થન મળવું જરૂરી છે.

જો બન્ને ગૃહોમાં પ્રસ્તાવ પસાર થઈ જાય તો એને મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે.

કોઈ જજને હટાવવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ પાસે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો