અલગ પડી ગયેલા ભાઈઓ યૂ-ટ્યૂબને લીધે 40 વર્ષે ફરી મળ્યા

ઇમેજ સ્રોત, TWITTER/MUMBAI POLICE IMAGE
40 વર્ષ પહેલાં એક યુવાન તેના પરિવારને છોડી ગયો હતો. એ ફરી મળશે તેવી કોઈ આશા નહોતી, પણ છૂટા પડી ગયેલા પરિવારનું યૂ-ટ્યૂબ પર વાયરલ થયેલા એક વીડિયોને કારણે પુનર્મિલન થયું હતું.
ખોમદ્રામ ગંભીર સિંહ 1978માં મણિપુરથી ખોવાઈ ગયા હતા. એ સમયે તેઓ 26 વર્ષના હતા. ગંભીર સિંહ વિશે તેમના પરિવારને ક્યારેય કશું જાણવા મળ્યું ન હતું.
ગંભીર સિંહના પરિવારે થોડા દિવસ પહેલાં યૂ-ટ્યૂબ પર એક વીડિયો નિહાળ્યો હતો. એ વીડિયો મુંબઈનો હતો અને તેમાં એક પુરુષ રસ્તા પર હિંદી ગીતો ગાતો જોવા મળતો હતો.
ગંભીર સિંહના ભાઈ ખોમદ્રામ કુલાચંદે અંગ્રેજી અખબાર ધ હિંદુને જણાવ્યું હતું, "મારા ભત્રીજાએ યૂ-ટ્યૂબ પર એ વીડિયો દેખાડ્યો ત્યારે હું મારી આંખો પર ભરોસો કરી શક્યો ન હતો."
કુલાચંદે કહ્યું હતું, 'અમે તો બધી આશા મૂકી દીધી હતી. અમે તેમને જીવતેજીવ ફરી જોઈ શકીશું એવી આશા પણ ન હતી.'

ગુજરાન ચલાવવા ગાયન
ફિરોઝ શાકિર નામના એક શખ્સે ગંભીર સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. એ વીડિયો ઓક્ટોબરમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
ફિરોઝ શાકિર મુંબઈના રહેવાસી હોવાથી ગંભીર સિંહના પરિવારજનોને લાગ્યું હતું કે ગંભીર સિંહ મુંબઈમાં જ હોવા જોઈએ.
ફિરોઝ શાકિરે એએફપી ન્યૂઝ એજન્સીને કહ્યું હતું, "ગુજરાન ચલાવવા માટે ગંભીર સિંહ રસ્તાઓ પર જૂનાં ફિલ્મી ગીતો ગાતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
ગંભીર સિંહનું તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં મુંબઈ પોલીસે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મણિપુરના ઇમ્ફાલની પોલીસે ગંભીર સિંહનો એક ફોટોગ્રાફ મુંબઈ પોલીસને મોકલ્યો હતો.
યૂ-ટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલો વીડિયો બાંદ્રા વિસ્તારમાં શૂટ થયો હોવાનું જણાતું હતું.
એ પછી ફિરોઝ શાકિરની મદદથી ગંભીર સિંહની તપાસ શરૂ કરવામાં આવી હતી.

લગ્નજીવનથી હતા નારાજ
ઇન્સ્પેક્ટર પંડિત ઠાકરેએ બીબીસીને કહ્યું હતું, "ગંભીર સિંહ અમને રેલવે સ્ટેશનની બહાર મળી આવ્યા હતા. તેમની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી."
ગંભીર સિંહે પોલીસને જણાવ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ સૈનિક છે અને તેમણે 1978માં તેમનું ઘર છોડી દીધું હતું.
ગંભીર સિંહે એવું પણ જણાવ્યું હતું કે તેઓ તેમના લગ્નજીવનથી ખુશ નહોતા. તેથી લગ્નના થોડા મહિના બાદ જ તેમણે ઘર છોડી દીધું હતું.
મણિપુરથી આવ્યા બાદ ગંભીર સિંહ મુંબઈમાં જ રહેવા લાગ્યા હતા. ક્યારેક ભીખ માગીને તો ક્યારેક મજૂરી કરીને તેઓ ગુજરાન ચલાવતા હતા.
પંડિત ઠાકરેએ જણાવ્યું હતું કે ગંભીર સિંહ મળી આવ્યા પછી પોલીસે તેમના પરિવારને ફોન કર્યો હતો અને ગંભીર સિંહને તેમના નાનાભાઈ સાથે વાત કરાવી હતી.
મુંબઈ પોલીસે આ ઘટનાના ફોટોગ્રાફ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા હતા. ગંભીર સિંહ મુંબઈથી ઈમ્ફાલ પહોંચ્યા પછીના ફોટોગ્રાફ ફિરોઝ શાકિરે પણ ટ્વિટર પર પોસ્ટ કર્યા હતા.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ગંભીર સિંહ સારી રીતે રહી શકે એટલા માટે તેમના પરિવારે ઘણી તૈયારી કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












