નરોડા પાટિયા કેસ: 'એ જાનવરનું મૂલ્ય છે, પણ મુસલમાનનું મૂલ્ય નથી'

રુક્સાના કુરેશીની તસવીર
ઇમેજ કૅપ્શન, રુક્સાના કુરેશીને હાઈ કોર્ટે નરોડા પાટિયા કેસમાં આપેલા ચુકાદાથી અસંતોષ છે
    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી, સંવાદદાતા

"એ જાનવર છે, જેના મરે વર્ષો થઈ ગયા પછી પણ એનું એટલું મૂલ્ય છે કે એ ખબર નથી કે સલમાનખાને ગોળી ચલાવી હતી કે નહીં, પરંતુ તેમને નિર્દોષ નથી છોડવામાં આવ્યા," આ શબ્દો છે, વર્ષ 2002માં નરોડા પાટિયા વસાહતમાં થયેલા રમખાણોમાં પોતાની માતા અને બહેનને ગુમાવી ચૂકેલાં રુકસાના કુરેશીના.

નરોડા પાટિયા રમખાણ કેસના ચૂકાદાની પ્રતિક્રિયા આપતી વખતે તેમણે પોતાનો અસંતોષ સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતાં કહ્યું:

"અમે અમારા મા-બહેન અને ભાઈઓને એ તોફાનોમાં ગુમાવ્યાં છે.

“અમે એમની હત્યાના સાક્ષી છીએ, છતાં અમારી આંખે જોયેલી ઘટનાને પણ સરકાર ધ્યાને લેવા તૈયાર નથી. એટલે એમ લાગે છે કે એ જાનવરનું મૂલ્ય છે, મુસલમાનનું મૂલ્ય નથી."

ગુજરાત હાઈ કોર્ટે ગત વર્ષે આપેલાં નરોડા પાટિયાના રમખાણોના કેસના ચુકાદામાં ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારનાં ભૂતપૂર્વ મંત્રી માયા કોડનાની સહિત 18 આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂક્યા હતા.

એ ચુકાદામાં બાબુ બજરંગી સહિત 14 ઓરોપીઓને દોષીત જાહેર કર્યા હતા.

એ વખતે બીબીસી ગુજરાતીએ રમખાણોના ભોગ બનેલાં અને પોતાના સ્વજનો ગુમાવી ચૂકેલાં પીડિતોમાં સાથે વાત કરી હતી.

line

‘એક દિવસ બાબુ બજરંગીને પણ છોડી દેશે’

પીડિતાના માતા

એ રમખાણમાં પોતાનો 18 વર્ષનો દીકરો ગુમાવી ચૂકેલાં શરીફા શેખે કહ્યું, "અમને એવું લાગે છે કે જેમ માયા કોડનાનીને છોડી દીધાં છે, એવી જ રીતે એક દિવસ બાબુ બજરંગીને પણ છોડી દેશે."

તેમણે કોર્ટમાં એક આરોપી સુરેશ ઉર્ફે રિચર્ડ છારા વિરુદ્ધ જુબાની આપી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

કોર્ટે હર્ષદ ઉર્ફે મુંગડા છારાની સજા 24 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરી છે. હર્ષદના પત્ની રીનાને આ સજાની જાણ થતાં જ ભાંગી પડ્યાં.

તેમણે આંખમાં આંસુ સાથે કહ્યું, "મને એ વાતની ખુશી છે કે તેમની સજા ઓછી થઈ છે, પણ છેલ્લાં સાત વર્ષથી હર્ષદ જેલમાં હોવાને કારણે અમે ખૂબ જ દુખ સહન કર્યું છે."

line

શું કહે છે, પીડિતો અને સરકારના વકીલો?

કોડનાની અને બજરંગી

ઇમેજ સ્રોત, AFP

એક તરફ જ્યારે રમખાણ પીડિતોએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી બતાવી છે, જ્યારે બીજી બાજુ સરકારી વકીલ આર. સી. કોડેકરે આ ચુકાદાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

નીચલી અદાલતમાં એક પીડિતના વકીલ રહી ચૂકેલા શમસાદ પઠાણે આ મામલે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ ચુકાદાનો અર્થ એવો થાય કે 'ટેક્નિકલી' એ રમખાણોમાં માત્ર 16 લોકો જ હાજર હતા, જેમણે 97 લોકોની નરોડા પાટિયાની વસાહતમાં હત્યા કરી હતી.

તેમણે કહ્યું, "મને ખબર નથી પડતી કે આ ચુકાદાને કેવી રીતે સ્વીકારવો."

તેમણે સુપ્રીમ કોર્ટે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ (SIT) દ્વારા કરવામાં આવેલી તપાસ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું કે, SIT ની તપાસ હંમેશાથી શંકાસ્પદ રહી હતી અને પીડિતોને તેની તપાસથી ક્યારેય સંતોષ થયો નહોતો.

તેમણે કહ્યું, "SIT માયા કોડનાનીની જામીન અરજીનો વિરોધ કરે તે માટે અમારે છેક તેના ચેરમેનને રજૂઆત કરવી પડી હતી."

હાઈ કોર્ટના ચુકાદા મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર(એસઆઈટી) આર. સી. કોડેકરે બીબીસી સાથે ખાસ વાતચીત કરી હતી.

કોડેકરે માયા કોડનાની મામલે હાઈ કોર્ટે આપેલા ચુકાદા મામલે કહ્યું કે તેમને 'બેનિફિટ ઑફ ડાઉટ'નો લાભ આપવામાં આવ્યો છે.

માયા કોડનાની

ઇમેજ સ્રોત, Getty Images

કોડકરે કહ્યું, "અગિયાર સાક્ષીઓની જુબાની માયા કોડનાની સામે હતી. આ તમામ સાક્ષીઓએ પોતાનાં નિવેદનો એસઆઈટીની સમક્ષ આપ્યાં હતાં.

"એસઆઈટી સમક્ષ માયા કોડનાનીનું નામ પહેલીવાર 2008માં ખૂલ્યું હતું. 2002થી 2008 સુધી થયેલી તપાસમાં કોડનાનીનું નામ ક્યાંય ન હતું.

"આ કારણે હાઈ કોર્ટે એવું નોંધ્યું કે માત્ર 2008ના એસઆઈટી સમક્ષનાં નિવેદનોને કારણે કોઈ પણ વ્યક્તિને સજા આપી શકાય નહીં. જેથી તેમને 'બેનિફિટ ઑફ ડાઉટ'નો લાભ આપ્યો."

કોડેકરે ઉમેર્યું હતું , "કોર્ટે બીજું કારણ આપતાં જણાવ્યું કે આ સાક્ષીઓના સમર્થનમાં બીજો કોઈ સ્વતંત્ર સાક્ષી આવ્યો ન હતો.

"કોડનાની સામે આરોપ એ હતો કે તેઓ તે દિવસે સવારના 9:30 વાગ્યે પોતાની કારમાંથી ઉતરીને એસ. ટી. વર્કશોપની સામે તહોમતદારો સામે વાત કરી.

"એ સમયે મોટા પ્રમાણમાં પોલીસ ત્યાં હાજર હતી. પોલીસના કોઈ પણ અધિકારીએ તેમની સામે જુબાની આપી નથી કે માયા કોડનાની તે સમયે ત્યાં હાજર હતાં. જેથી તેમને શંકાનો લાભ મળ્યો છે."

બાબુ બજરંગી

ઇમેજ સ્રોત, Getty Images

કોડેકરે કહ્યું કે હાઈ કોર્ટે બાબુ બજરંગીને દોષિત જાહેર કરતાં નોંધ્યું કે તેમની સામે એવા પુરાવા છે કે જે નરસંહાર થયો હતો તેમાં બજરંગી સવારથી લઈને સાંજ સુધી ટોળાંની સાથે હતા.

જોકે, કોર્ટના આ અવલોકન વિશે શમસાદ પઠાણે કહ્યું કે, મોટાભાગનાં સાક્ષીઓ અશિક્ષિત છે અને તેમને ઘટનાનાં છ વર્ષ વીતી ગયાં બાદ બધું જ ફરીથી યાદ કરવાનું કહેવામાં આવ્યું હતું.

આવા સંજોગોમાં એવી તમામ શક્યતા છે કે, કોઈ પણ બે લોકો એક જ વાત કરે.

ચુકાદા વિશે બીબીસી સાથે વાત કરતા સિનિયર એડ્વોકેટ અને માનવ અધિકારો માટે કાયદાકીય લડત કરતા ગિરિશ પટેલે કહ્યું કે આ કેસમાં એમ જણાય છે કે મોટાભાગના સાક્ષીઓ કોર્ટમાં તેમની જુબાનીમાંથી ફરી ગયાં છે.

તેમણે જણાવ્યું, "તાજેતરના એક કેસમાં જસ્ટિસ પારડીવાલાએ એવું અવલોકન કર્યું હતું કે, મોટા પ્રમાણમાં સાક્ષીઓનું કોર્ટમાં ફરી જવું એ ન્યાયતંત્ર સામે સીધો ખતરો છે."

અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં પોતાના પિતા અને ભૂતપૂર્વ સંસદ સભ્ય એહસાન જાફરીને ગુમાવી ચૂકેલા તનવીર જાફરીએ કોડનાનીને નિર્દોષ મુક્ત કરવાના ચુકાદા વિશે બીબીસી સાથે સુરતથી ફોન પર વાત કરી.

તેમણે જણાવ્યું કે, આ ચુકાદો, તેમને અને એ સૌને જેમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે એ તમામ માટે, એક આંચકા જેવો છે.

જાફરીએ કહ્યું, "આ દેશનાં ન્યાયતંત્રના ઇતિહાસ અને મારા માટે આજનો દિવસ એક કમનસીબ ઘટના છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો