300 વર્ષ જૂના કૂવા પાણીની સમસ્યા હળવી કરી શકે? આ અ'વાદીઓ કરી રહ્યા છે પ્રયોગ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
- લેેખક, કલ્પિત ભચેચ
- પદ, બીબીસી ગુજરાતી માટે
જૂના અમદાવાદ વિસ્તારમાં આસ્ટોડિયા રોડ પાસે આવેલી ઢાળની પોળના રહીશો દ્વારા ૨૦૦ વર્ષ જૂના અને હાલ બંધ પડી રહેલા કૂવાને 'રેઇનવૉટર હાર્વેસ્ટિંગ'થી રિચાર્જ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
સ્થાનિકોને આશા છે કે આગામી ચોમાસામાં આ કૂવોમાં પાણી ભરાશે અને તેનો વપરાશ થઈ શકશે.
નિષ્ણાતોનું કહેવું છે કે પોળ વિસ્તારના કૂવા અને વાવ દ્વારા પાણીની સમસ્યાને હળવી કરી શકાય તેમ છે.
18મી એપ્રિલને 'ઇન્ટરનેશનલ ડે ફૉર મૉન્યુમૅન્ટ્સ ઍન્ડ સાઇટ્સ' તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે એક નજર કરીએ અમદાવાદના આ સાંસ્કૃત્તિક વારસા સમાન 'પોળના કૂવા' પર.

જૂની અને નવી ટેકનોલોજિનો સમન્વય

ઇમેજ સ્રોત, Kalpit Bhacheh
ઢાળની પોળના હલધરવાળો ખાંચામાં આવેલો કૂવો છેલ્લા લગભગ 70 વર્ષથી બંધ હતો.
પોળમાં રહેતા હેમેન્દ્ર ભટ્ટ કહે છે, "લગભગ ૮૦ ફૂટ જેટલું ઊંડાણ ધરાવતા આ કૂવાને અમે સ્વચ્છ કરી દીધો છે.
"પોળના પાંચ જેટલા મકાનોની કુલ ૬૦૦૦ ચોરસ ફૂટની છત પર થી અમે આ કૂવામાં પાઇપલાઇન ઉતારી છે. વરસાદનું પાણી રૂફ વૉટર હાર્વેસ્ટિંગ પદ્ધતિથી ફિલ્ટર કરીને કૂવામાં ઉતારવામાં આવશે."
રહીશોએ પાણી ભરવા કૂવા સુધી નહીં જવું પડે કારણ કે, સબમર્શીબલ પમ્પ દ્વારા પાણી ઘેર ઘેર પહોચાડાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૂવા રિચાર્જની પ્રક્રિયા સાથે સંકળાયેલા ભારતીબહેન ભોંસલેએ બીબીસીને જણાવ્યું, "છ મહિનાની મહેનત બાદ કૂવાને પુનઃ જીવિત કરવામાં સફળતા મળી છે.
"તેનાથી આજુબાજુના રહેવાસીઓની પાણીની સમસ્યા હળવી બનશે તેવી અમને આશા છે."

પોળની ઓળખ 'કૂવો અને ટાંકી'

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
બે ત્રણ માળની ઇમારત, લાંબી પરસાળ, પરસાળમાં હિંચકો, બેઠકખંડ, અને આજુબાજુમાં એક જ વ્યવસાય કે જ્ઞાતિના વસતા લોકો એ પોળના મકાનની આગવી ઓળખ છે.
પોળના મકાનની અન્ય ખાસિયત છે પાણીની ભૂગર્ભ ટાંકી કે આંગણામાં કૂવો. જે સામાન્ય રીતે ઘરના ચોકમાં આવેલો હોય છે.
પોળના મકાનોની છત કે છાપરા પરથી વરસાદી પાણી ઢાળ કે પાઇપ દ્વારા ભૂગર્ભ ટાંકીમાં એકઠું થતું હતું. જેનો પરિવાર દ્વારા ઉપયોગ થતો.
શહેરમાં લગભગ ત્રણ સદીથી ચાલતી રહેણાંક વ્યવસ્થા પ્રમાણે, એક જ જ્ઞાતિ કે એક જ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો 'શેરી' કે ''પુરા'માં સાથે રહેતા.
તેમના સામૂહિક વપરાશ માટે કૂવા ગાળવામાં આવતા કે વાવો બાંધવામાં આવતી હતી.
પરંપરાગત રીતે આ કૂવા 'ગ્રાઉન્ડ વૉટર' અર્થાત ભૂગર્ભ જળથી ભરાયેલા રહેતા, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા નળ કનેકશન તથા નિર્માણકાર્ય દરમિયાન કૂવાને પૂરી દેવામાં આવે છે.

જૂની સમસ્યાનો જૂનો ઉકેલ?

ઇમેજ સ્રોત, Kalpesh Bhachech
અમદાવાદમાં દર વર્ષે સરેરાશ 750 મીમી વરસાદ પડે છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે ચાલુ વર્ષે દેશમાં સરેરાશ 97 ટકા વરસાદ પડશે.
જોકે, અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટમાં સરેરાશ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત પુરાતત્વ વિભાગના નિવૃત્ત આસિસ્ટન્ટ ડાયરેક્ટર મુનીંદ્ર જોશી કહે છે,"ઢાળની પોળના રહીશો ખરા અર્થમાં જૂના શહેર વિસ્તારમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે પથદર્શક બન્યા છે.
તેમનું કાર્ય અન્ય પોળો માટે અનુકરણીય બન્યું છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ પોળમાં બંધ પડેલા કૂવાનું રિચાર્જિંગ અભિયાન ચલાવે તો પાણીની સમસ્યા ચોક્કસ હાલ થઇ જશે."
જોશી ઉમેરે છે કે અમદાવાદ શહેર વિસ્તારમાં ૨૦ જેટલી વાવ આવેલી છે. જે માત્ર હેરિટેજ સાઇટ નથી, પરંતુ તેને પુનઃ જીવિત કરાય તો તે પણ પાણીનું સ્રોત બની શકે છે."
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (અમ્યુકો)ની રિક્રિયેશન, કલ્ચર ઍન્ડ હેરિટેજ કમિટીના ચેર પર્સન બીજલબહેન પટેલના કહેવા પ્રમાણે:
"આ એક પ્રયાસ છે. જો તેમાં સફળતા મળશે તો આગામી સમયમાં પોળ વિસ્તારના બંધ પડેલા કૂવા અને વાવને રિચાર્જ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે."

અમદાવાદને હેરિટેજ ટેગ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
જુલાઈ, 2017માં અમદાવાદને 'હેરિટેજ સિટી'નો દરજ્જો આપવામાં આવ્યો હતો. છ સદીઓથી અમદાવાદ ગુજરાતની રાજધાની કે કેન્દ્રબિંદુ રહ્યું છે.
યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન) દ્વારા આ દરજ્જો આપવામાં આવ્યો હતો.
યુનેસ્કોએ શહેરમાં આવેલી અનેક મસ્જિદો, દરગાહો અને ભદ્રના કિલ્લા ઉપરાંત પોળમાં આવેલાં કૂવા, ચબૂતરા, વાવ, અને પુરા વિસ્તારમાં આવેલા હિન્દુ મંદિરો, જૈન દેરાસરોના ઐતિહાસિક વારસાની નોંધ લીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












