કિમ-મૂનની મુલાકાત: ખુરશીથી લઈને કાર્પેટમાં છુપાયા હતા સંકેતો

ઇમેજ સ્રોત, copyrightAFP
ઘણાં વર્ષોની ધમકીઓ અને તણાવ બાદ આખરે એ ક્ષણ આવી ગઈ જેની થોડા મહિના પહેલાં કલ્પના પણ કરી શકાતી ન હતી.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે મુલાકાત કરવા દક્ષિણ કોરિયા પહોંચ્યા.
આ મુલાકાતની દરેક વસ્તુમાં પ્રતીકવાદ છૂપાયેલો છે. પછી તે ભોજન હોય કે ફૂલોની સજાવટ. ટેબલની પહોળાઈ હોય કે પછી પાઇન ટ્રીનું વૃક્ષારોપણ હોય.
દક્ષિણ કોરિયન કમિટી સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યાં અનુસાર આ દરેક વસ્તુ એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેનાથી કોરિયન દેશોમાં શાંતિનો સંદેશ જઈ શકે. સાથે મળીને કામ કરવાની અને સમૃદ્ધિની સદીને દશાવી શકે.

મુલાકાતનું સ્થળ

ઇમેજ સ્રોત, copyrightEPA
ઉત્તર અને દક્ષિણ કોરિયાના નેતાઓ વચ્ચે પનમુનજોમમાં મુલાકાત થઈ. આ જગ્યા જ પ્રતીકરૂપ છે.
પનમુનજોમ કોરિયાઈ દ્વીપકલ્પની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા અને અમેરિકી સૈનિક એકબીજાને મળે છે. વર્ષ 1953 બાદથી અહીં યુદ્ધવિરામ લાગૂ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ પહેલી વખત છે કે ઉત્તર કોરિયાના કોઈ નેતાએ સરહદ પાર કરી હોય. દક્ષિણ કોરિયાના સૈનિકોએ ગાર્ડ ઑફ ઑનર સમયે દક્ષિણ કોરિયાના મિલિટરી યુનિફૉર્મ પહેરવાને બદલે રંગીન પારંપરિક કપડાં પહેર્યા હતા.

ફૂલોની સજાવટ
મિટીંગ રૂમની સજાવટ માટે ફુલોને પારંપરિક ચીની માટીથી બનેલી ફુલદાનીમાં રાખવામાં આવ્યા હતા.
અહીં કોઈ પણ ફૂલને પસંદગી આપવામાં આવી હતી એવું નથી. પિઓની નામનું ખાસ પ્રકારનું ફૂલ શુભેચ્છાનો સંદેશ પાઠવે છે, જ્યારે મોગરાના ફૂલ શાંતિનો સંદેશ આપે છે.

ટેબલ

ઇમેજ સ્રોત, Getty Images
બન્ને નેતાઓ 2,018 મીલીમીટરની પહોળાઈ ધરાવતા ટેબલ પર બેઠા હતા.
જે ખુરશીઓ પર ઉત્તર અને દક્ષિણ કોરિયાના નેતાઓ બેઠા હતા તેને પણ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી હતી.
આ ટેબલ પર બેસીને તેમણે જાપાન પર કટાક્ષ કર્યો હતો. તેમણે કોરિયન પ્રાયદ્વીપનો એક નક્શો બતાવી વિવાદાસ્પદ ડોક્ડો ટાપુ અંગે વાત કરી હતી.
આ ટાપુ પર સિઓલનું નિયંત્રણ છે પરંતુ તેના પર જાપાન પણ દાવો કરે છે. બન્ને કોરિયાઈ દેશોએ જાપાન પ્રત્યે પોતાની નાપસંદને લઇને એકમત રજૂ કર્યો હતો.

સજાવટ

ઇમેજ સ્રોત, SOUTH KOREAN GOVERNMENT
જ્યાં કોરિયન નેતાઓની બેઠક થવાની હતી તે રૂમની સજાવટ પણ મહત્ત્વની ગણવામાં આવે છે. સજાવટ એ રીતે કરવામાં આવી હતી કે કોરિયન 'હેનોક હાઉસ' જેવી ભાવના ઉત્પન્ન થઈ શકે.
રૂમમાં બિછાવવામાં આવેલી બ્લૂ રંગની કાર્પેટ કોરિયન પ્રાયદ્વીપના પહાડો અને ઝરણાંઓ દર્શાવતી હતી.
દિવાલ પર લગાવવામાં આવેલું એક પેઇન્ટીંગ માઉન્ટ કુમગેંગનું છે.
દક્ષિણ કોરિયન સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ પહાડ એક એવી જગ્યા છે કે જ્યાં ઘણા કોરિયન જવાની ઇચ્છા ધરાવે છે.
પ્રવક્તાના જણાવ્યા અનુસાર, "માઉન્ટ કુમગેંગ ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે સમજૂતી અને સહકારનું પ્રતીક છે."

પાઇન (ચીડ)નું વૃક્ષ

ઇમેજ સ્રોત, copyrightAFP
આ મુલાકાત દરમિયાન યાદગીરી માટે એક વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું.
આ અવસર પર કિમ જોંગ-ઉન અને મૂન જે-ઇને ચીડના વૃક્ષનું રોપણ કર્યું.
તેના માટે બન્ને દેશોમાંથી લાવવામાં આવેલી માટી અને પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો.

ભોજન

ઇમેજ સ્રોત, Getty Images
બન્ને રાષ્ટ્રોના પ્રતિનિધિમંડળ માટે તૈયાર કરવામાં આવેલું ભોજન પણ સૂચક હતું.
પ્રતિનિધિમંડળ માટે તૈયાર કરવામાં આવેલા ભોજનમાં બન્ને દેશોની વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઉદાહરણ તરીકે ઉત્તર કોરિયાના ઠંડા નૂડલ્સનો ઉમેરો થયો હતો. સાથે સ્વિસ પોટેટો રોસ્ટીનો પણ સમાવેશ કરાયો હતો. કેમ કે કિમ જોંગ-ઉને યુવાનીના દિવસો સ્વિત્ઝરલેન્ડમાં વિતાવ્યા હતા.
આ સિવાય સી-ફૂડ અને પારંપરિક બિબિંબેબ રાઇસ ડિશ સાથે પનમુનજોમમાં ઉગાડવામાં આવેલા શાકભાજીને મેનુમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ભોજનના અંતે પીરસવામાં આવતી મીઠી વાનગી માટે મેંગો મુઝની પસંદગી કરાઈ હતી. તેમાં પણ વિવાદાસ્પદ ટાપુ સાથે કોરિયાના નકશાઓ દર્શાવાયા હતા.
જેને લઇને જાપાનના વિદેશમંત્રીએ કડક વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












