દૃષ્ટિકોણ: ઉનાકાંડ બાદ બૌદ્ધ થવા ઇચ્છતા દલિતોએ વિચારણા કરી હશે?

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રકાશ ન. શાહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એકવીસમી માર્ચના ગુજરાતનાં છાપાંમાં એક સાથે બે સમાચાર ધ્યાન ખેંચતા માલૂમ પડ્યા હતા : ઉનાના દલિતોને જુલાઈ 2016ના દમનકાંડ પછી હજુ ખરેખરની કળ વળી નથી.

મુક્તિની શોધમાં તેઓ આગામી બુદ્ધપૂર્ણિમાએ (29મી એપ્રિલે) બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા ઇચ્છે છે. આમ તો, ગયે વરસે દશેરાએ આ પગલું લેવાનો ખયાલ હતો, પણ વાત ચાલું સાલ લગી પહોંચી છે.

જે દિવસે છાપાં આ સમાચાર લઈને આવ્યાં એ જ દિવસે એમાં આગલા દિવસની વિધાનસભાની કાર્યવાહી અને પ્રશ્નોત્તરી પર આધારિત બીજી પણ એક વિગત સુરખીઓમાં હતી.

ઉનાના અત્યાચારના પીડિતોને જે જમીનો અને સરકારી નોકરીઓ આપવાની જાહેરાત તે વખતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કરી હતી તેનું શું થયું?

એ પ્રશ્નના ઉત્તરમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીની વિધાનસભા ગૃહ જોગ રજૂઆત એ હતી કે આવી કોઈ જાહેરાત સરકારના રેકર્ડ પર નથી એટલે એના અમલ કે બિનઅમલનો કોઈ સવાલ જ ઉઠતો નથી.

જે પ્રશ્ન આખા દેશમાં ગાજ્યો, જેને અંગે રાજકીય પ્રબંધન કરતા કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોને નવ નેજાં પાણી ઉતર્યાં, એને અંગે સત્તાવાર આશ્વાસન અને વચનની પૂર્તિમાં તે આ હદે પેશ આવે ત્યારે શું કહેવું?

line

‘દલિતોને ભાજપ સરકારમાં ભરોસો નથી રહ્યો’

જિગ્નેશ મેવાણીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસના સમર્થનથી ચૂંટાઈ આવેલા અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીની એ ટિપ્પણીમાં જરૂર દમ છે કે રાજ્યના દલિતોને ભાજપ સરકારમાં ભરોસો નથી રહ્યો.

ગમે તેમ પણ, આ બે વાનાંથી લગરીક હટીનેય, મજબૂત પિછવાઈ પેઠે ઊભરી રહેતી બીના તો મહેસાણાના દલિત કર્મશીલ કૌશિક પરમારે આરટીઆઈ મારફતે બહાર આણેલી એ વરવી વિગત છે કે ગુજરાતમાં દલિતવિરોધી અત્યાચારોનો સિલસિલો 2017ના વરસમાં છેલ્લાં સત્તર વરસની વિક્રમ સપાટીએ છે.

પચીસ (25) હત્યા, 103 બળાત્કાર, 91 જીવલેણ માર સહિત દલિતવિરોધી અત્યાચારોનો 2017ના વરસનો સરવાળો 1515ના આંકડે પહોંચવા કરે છે.

તમને આ વાંચવું પણ ગમશે:

આ બધું સાથે મૂકીને જોતાં ઉપસતું ચિત્ર એ છે કે ભાજપ શાસન હસ્તક દલિતવિરોધી અત્યાચારોનો દોર કદાચ વધતો ચાલ્યો છે.

જાડી રીતે કહેતાં સવર્ણ હિંદુ માનસ ભાજપના શાસનમાં આશ્વસ્તતા અને અભય અનુભવે છે.

'સૈયાં ભયે કોતવાલ'શી મનઃસ્થિતિ સ્થાપિત સમાજમાનસને સારું પરવાનાની ગરજ સારે છે.

line

દલિતો ક્યાં જાય?

ડૉ. આંબેડકર અને બુદ્ધની પ્રતિમાઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ ચિત્ર જોતાં જેમ દલિત સમુદાયના હાલની સરકાર અંગેનો ભરોસો પાછો પડે છે તેમ આમાંથી ઉગરીને ક્યાં જવું એ પ્રશ્ન પણ પ્રસ્તુત બને છે.

પણ આ પ્રશ્નનો ઉત્તર કદાચ દલિતો માટે કાં તો ભાજપ કે પછી કૉંગ્રેસ એવી સપાટ પસંદગીનો નથી.

બંધારણ ઘડતરમાં અગ્રભાગિતા પછી આંબેડકરે છૂટા પડવામાં અને વૈકલ્પિક પક્ષ પસંદગીમાં સીમિત નહીં રહેતાં બૌદ્ધ દીક્ષા પર ભાર મૂકવાપણું જોયું હતું એ સૂચક છે.

ભાજપની પેઠે કૉંગ્રેસ હિંદુત્વ રાજનીતિએ ગ્રસ્ત ન હોય તો પણ સવર્ણ માનસિકતા બધો વખત કેડો મેલી શકતી નથી.

આંબેડકરના જીવનકાર્ય વિશે વિચાર કરતાં બધો વખત કૉંગ્રેસની સાથે અને સામે જેવી ખાનાપૂર્તિમાં નહીં અટવાતાં એક વિચારમુદ્દો એ પણ છે કે એમણે સંકલ્પપૂર્વક કહ્યું હતું કે હિંદુ તરીકે જન્મ્યો છું, પણ હિંદુ તરીકે મરવાનો નથી.

હિંદુ વર્ણવ્યવસ્થાગત ઊંચનીચ અને અસ્પૃશ્યતામાંથી છૂટવા એમણે બૌદ્ધ ધર્મ પર પસંદગી ઉતારી હતી.

line

ધર્માંતર સાથે સમાજાંતર જેવું પણ થાય છે

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એટલે સ્વતંત્રતાની ચળવળ જેમ સાંસ્થાનિક સત્તાની સામે કરવાની હોય છે એમ વ્યાપક અર્થમાં દેશની અંદર, સમાજની અંદર પણ કરવાની હોય છે.

આંબેડકરનું પસંદગીપૂર્વકનું ધર્માંતર દલિત સમાજના રાહબર તરીકે વ્યાપક મુક્તિખોજનો એક હિસ્સો હતો.

મુક્તિની શોધમાં ધર્માંતરની પરંપરા આપણે ત્યાં ખ્રિસ્તમતના અંગીકારરૂપે પણ જોવા મળતી રહી છે. ઇસ્લામના અંગીકારનુંયે વલણ જોવા મળે છે.

કિશોરલાલ મશરૂવાળાનું અવલોકન છે કે ધર્માંતર સાથે સમાજાંતર જેવુંયે થાય છે, અને એનાં પરિણામો ઇષ્ટ ન યે હોય.

જોકે, વળતું યથાર્થ એ પણ છે કે, એક હિંદુ જ્યારે મુસ્લિમ કે ખ્રિસ્તી થાય છે ત્યારે પણ પોતાની નાત-જાત છૂટતી નથી.

એટલે હિંદુ સમાજમાં રહેલી નાતજાતગત ઊંચનીચ મુસ્લિમોમાં ને ખ્રિસ્તીઓમાં પણ સંક્રાન્ત થતી જોવા મળે છે.

line

દલિતોનું ઇસ્લામમાં શરણું

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અહીં જરા હટીનેએક બહુ ગાજેલા ધર્માંતરની જિકર કરવી જોઇએ. દક્ષિણમાં મીનાક્ષીપુરમમાં 1981માં દલિતોના એક મોટા હિસ્સાએ સાગમટે ઇસ્લામનું શરણું શોધ્યું હતું.

વિશ્વ હિંદુ પરિષદની હિલચાલને સીમાચિહ્નરૂપ બળ આ એક ઘટનાને કારણે તે તબક્કે મળ્યું હતું.

ત્યાર પછીનાં વર્ષોમાં બીજી જે એક ઘટનાને કારણે હિંદુ ધ્રુવીકરણ ને દૃઢીકરણ થયું એ ઘટના શાહબાનુની હતી.

જોકે મીનાક્ષીપુરમની ઘટનાનાં પચીસ વરસ પછી એક અખબારી સ્થળ તપાસ મુજબ મુસ્લિમ બનેલા દલિતો, ઇસ્લામ અંગીકાર નહીં કરનારા દલિતો કરતાં પ્રમાણમાં સુખી હતા.

line

નવાયાન એ બૌદ્ધ ધર્મપરંપરાથી જુદો અને આધુનિક અભિગમ?

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આંબેડકરે પ્રતિકાર અને નવનિર્માણના એક ડગ રૂપે હિંદુ મટી બૌદ્ધ થવું પસંદ કર્યું એ સાચું પણ બૌદ્ધ ધર્મનું એમનું અર્થઘટન અને એકંદર અભિગમ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં નવાં મૂલ્યોને અનુરૂપ હતાં.

આપણે ત્યાંના પરંપરાગત બૌદ્ધ ધર્મ કરતાં એમને અભિમત બૌદ્ધ ધર્મ એ રીતે આધુનિક હતો જે જૂનાં અવતારવાદી જાળાંબાવાંથી ઉફરાટે, કર્મ ને પુનર્જન્મના ખયાલોથી સ્વતંત્રપણે, સામાજિક સક્રિયતા સૂચવતો હતો.

વસ્તુતઃ એ 'સોશ્યલી એન્ગેજડ' એવા નવયાનની વાત હતી અને છે. ઘેરાવાદ કે મહાયાન, વજ્રયાન આદિ બૌદ્ધ ધર્મપરંપરાથી જુદો પડતો એ એક આધુનિક અભિગમ છે.

મનુષ્યમાત્રની સમાનતામાં શ્રધ્ધા અને સમાનતા માટેનો સંઘર્ષ, આ નવયાનની વિશેષતા છે.

ઉનામાં જેઓ બૌદ્ધ થવા ઇચ્છે છે એમણે આવી આમૂલ વિચારણા કેટલી કરી હશે એ તો જાણતાં જાણીશું.

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પણ દેશભરના નવબૌદ્ધો (જે 84 લાખની કુલ વસતીમાંથી પંચાસી-સિત્તાસી ટકા કરતાં પણ વધુ છે) એકંદરે જાગૃતિની એક અચ્છી મિસાલ પેશ કરે છે. ખાસ કરીને, મહારાષ્ટ્રમાં તે તરત વરતાય છે.

નમૂના દાખલ, સાક્ષરતાનાં ધોરણની વાત કરીએ તો બે વરસ પરના આંકડા મુજબ 72 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કે 73 ટકાની હિંદુ સરેરાશ અગર તો 66 ટકાની અનુસૂચિત જાતિની સરેરાશ સામે નવબૌદ્ધો સરેરાશ 81 ટકાને આંબે છે.

આનો અર્થ જો એવો કરીએ કે મુક્તિની સાર્થક ખોજમાં દલિતોનું બૌદ્ધ બનવું ઉપકારક હોઈ શકે છે તો સાથોસાથ એમ પણ ઉમેરવું રહે છે કે આંબેડકરઘડ્યા બંધારણ મુજબ રાષ્ટ્રજીવનમાં ઓતપ્રોત સક્રિય નાગરિકતાની રીતે એમણે બીજું ઘણું કરવું રહે છે.

'સોશ્યલી એન્ગેજ્ડ' બૌદ્ધ મતને એની ખુદની ઇનિંગ્ઝ રમવા માટે જે પ્રૌઢિ જોઇએ તે ટૂંકી રાજકીય ગણતરીઓસરની દલિત મોરચાબંધીને સમજાશે?

ધર્માંતર એ એક તબક્કે ધાર્મિક નહીં એટલો આધુનિક નાગરિક નિર્ણય છે તે નાના-મોટા દલિત નેતાગણને પાધરું પમાય છે? થોભો અને રાહ જુઓ.

(લેખક ગુજરાતના સામાજિક અને રાજકીય પ્રવાહોના અવલોકનકાર અને વરિષ્ઠ પત્રકાર છે)

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો