ગ્રાઉન્ડ રિપોર્ટઃ દાતી પરના રેપના આરોપ વિશે શું કહે છે તેમના ગામના લોકો?

વિવાદમાં ઘેરાયેલા દાતી મહારાજ

ઇમેજ સ્રોત, DAATI.COM

ઇમેજ કૅપ્શન, વિવાદમાં ઘેરાયેલા દાતી મહારાજ
    • લેેખક, નારાયણ બારેઠ
    • પદ, રાજસ્થાનથી, બીબીસી ગુજરાતી માટે

રાજસ્થાનના પાલી જિલ્લામાંના આલાવાસ ગામે પ્રધાનો, નેતાઓ, અધિકારીઓ અને શેઠિયાઓને દાતી મહારાજના દર્શને આવતા નિહાળ્યા છે, પણ હવે તપાસ ટુકડીઓ આલાવાસમાં ચક્કર મારે છે.

દાતી મહારાજ પરના બળાત્કારના આરોપની તપાસ પોલીસ કરી રહી છે. એક શિષ્યાએ દાતી મહારાજ પર બળાત્કારનો આરોપ મૂક્યો છે. દાતી ખુદને નિર્દોષ ગણાવી રહ્યા છે.

શ્વેત-શ્યામ દાઢી, લલાટે તિલક અને ગળામાં રુદ્રાક્ષની માળા સાથે 'શનિ શત્રુ નહીં, મિત્ર છે' એ વાક્યને પોતાનું સુત્ર બનાવી ચૂકેલા દાતી મહારાજ નટ બિરાદરીના છે. તેમનું અસલી નામ મદન દાતી છે.

શું તમે આ વાંચ્યું?

મારવાડમાં તેમને વાદી પણ કહેવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વાદીઓ અનુસૂચિત જાતિમાં બહુ નાનો અને વિખેરાયેલો જનસમૂહ છે.

મદન દાતી જ્યાં જન્મ્યા હતા એ મકાન હજુ પણ આલાવાસમાં છે. તેમણે બાળપણમાં જ ગામ છોડી દીધું હતું. દાતી આલાવાસમાં પાછા ફર્યા ત્યારે દાતી મદન મહારાજ બની ગયા હતા.

line

"દાતી પરના આરોપ ખોટા છે"

દાતી મહારાજનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, DAATI.COM

નીચલા મધ્યમના લોકોના ઘર જેવા એ મકાનના આંગણામાં અમારી મુલાકાત દાતીના પિતરાઈ ભાઈ મહેશ સાથે થઈ.

તેમણે કહ્યું, "દાતી આ ઘરમાં જન્મ્યા હતા અને પછી સન્યાસી બની ગયા હતા. હવે અમારે તેમની સાથે સંબંધ નથી.

"દાતી પરનો આરોપ ખોટો છે. મારા પરિવારની દીકરીઓ પણ તેમની જ સ્કૂલમાં અભ્યાસ કરે છે."

ગામના ચોકમાં આવેલી એક દુકાન પર જેઠ મહિનાની આકરી બપોરે અનેક મહિલાઓ એકઠી થઈ છે. એ પૈકીની એક મુન્નાદેવીએ જણાવ્યું હતું કે તેઓ દાતીની સાથે જ ભણ્યાં છે.

મુન્નાદેવીએ કહ્યું હતું, "દાતીને સાંસારિક સુખની ઈચ્છા હોત તો બાળપણમાં થયેલા લગ્નમાંથી તેઓ અલગ ન થયા હોત.”

"તેમના પિતાએ બાળપણમાં જ દાતીનું લગ્ન બાજુના ગામની એક છોકરી સાથે કરાવ્યું હતું, પણ દાતી યુવાન થયા ત્યારે તેમણે પરિવારજનોને કહી દીધેલું કે લગ્ન સાથે તેમનો શું સંબંધ? તે તો સન્યાસી બની ગયા છે."

મુન્નાદેવીના જણાવ્યા મુજબ, બીજી વાતો વિશે તેઓ કંઈ કહી શકે તેમ નથી, પણ આ પ્રકારનો આરોપ ખોટો છે. એ આરોપ પર ગામમાં કોઈને વિશ્વાસ નથી.

line

"અમે કોઈને ક્લીન ચીટ આપી નથી"

દાતી મહારાજનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, DAATI.COM

બીજી તરફ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાજેશ દેવે બીબીસીને કહ્યું હતું, "પીડિતાએ મૂકેલો આરોપ મજબૂત છે. અમારી તપાસ ચાલુ છે.”

"અમે કોઈને ક્લીન ચીટ આપી નથી. યોગ્ય સમયે પુરાવાને આધારે અમે આપની સાથે વાત કરીશું."

દાતીના બાપદાદાના મકાનથી ચાર ઘર દૂર રહેતા મિશ્રીલાલ સરગરા વીજળી વિભાગમાંથી નિવૃત્ત થયા છે.

મિશ્રીલાલના જણાવ્યા મુજબ, તેમણે દાતીની બાબતમાં આવું કશું જોયું કે સાંભળ્યું નથી. દાતીના સાવકા ભાઈ શનિધામમાં જ રહે છે.

ગામની બહાર આવેલી આશ્વાસન બાલ ગ્રામ સંસ્થાએ મૌન ધારણ કરી રાખ્યું છે. દાતી મહારાજની આ જ સંસ્થા બાળકીઓ માટે નિવાસી શાળા ચલાવે છે.

સંસ્થાના મકાનનો લોખંડનો મુખ્ય દરવાજો મીડિયા માટે બંધ છે. સંસ્થાની ઇમારત બહાર સીસીટીવી કેમેરા લાગેલા છે. ત્યાં ઉપસ્થિત ચોકીદારે જણાવ્યું હતું કે હાલ કોઈની સાથે વાત થઈ શકે તેમ નથી.

તપાસ કરી તો ખબર પડી કે સંસ્થાના પરિસરમાં તપાસ ટીમ કાર્યરત છે. એ દરમ્યાન દક્ષિણ રાજસ્થાનનું એક વાહન બાળકીઓને લઈને દાખલ થયું હતું.

line

ક્યાંથી ક્યાં પહોંચ્યા દાતી?

દાતી મહારાજનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, DAATI.COM

સંસ્થાના મુખ્ય દરવાજા પર મળેલા એક સજ્જને તેમની ઓળખ આપી ન હતી, પણ કહ્યું, "અહીં 700 બાળકીઓ અભ્યાસ કરે છે. જે કંઈ થઈ રહ્યું છે તેનાથી અમે પરેશાન છીએ. બાળકીઓના માનસ પર તેની અસર થઈ રહી છે."

તેમણે ઉમેર્યું હતું, "અહીં મારી બે દીકરી પણ અભ્યાસ કરે છે."

બીજી તરફ દાતી મહારાજ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી ચૂકેલી પીડિતાએ દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને ફોસલાવીને બળાત્કાર કરવામાં આવ્યો હતો.

પીડિતાના જણાવ્યા મુજબ, આશ્રમના બીજી સેવાદારે તેને ફોસલાવતાં કહ્યું હતું, "તું બાબાની છો અને બાબા તારા. તું કોઈ નવું કામ કરતી નથી. બધા કરતા રહ્યા છે.”

"ગઈ કાલે અમારો વારો હતો. આજે તારો વારો છે. આવતીકાલે કોણ જાણે કોનો વારો હશે. બાબા સમુદ્ર છે. આપણે તેમની માછલીઓ છીએ. આને કરજ સમજીને ચૂકવી દે."

આલાવાસના મદનસિંહ ઇન્દા પણ દાતીની સ્કૂલમાં જ ભણ્યા છે અને હવે સરકારી હોસ્પિટલમાં લેબ ટેક્નિશન છે. તેમના સંસ્થાના વિશ્વાસુ ગણવામાં આવે છે.

મદનસિંહ ઇન્દાએ કહ્યું હતું, "દાતીનું બાળપણ બહુ દુઃખ અને અભાવમાં પસાર થયું હતું. માતા વહેલાં મૃત્યુ પામ્યાં પછી તેમના પિતાએ બીજું લગ્ન કર્યું હતું.”

"એ પછી દાતી સાતમા ધોરણ સુધી ભણીને ગામમાંથી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ તેઓ અલગ-અલગ સાધુસંતો પાસે રહ્યા, જ્યોતિષ શીખ્યા હતા. તેઓ પટણામાં પણ રહ્યા હતા.”

"વર્ષ 1990માં તેઓ દિલ્હી આવી ગયા હતા. ત્યાં તેમણે ઘણી મહેનત કરી હતી. પછી તેમણે એક મોટા માણસ માટે કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ અને એ વ્યક્તિએ દાતીને મદદ કરી હતી."

મદનસિંહ ઇન્દાએ ઉમેર્યું હતું, "કોઈએ તેમને દિલ્હીમાં શનિ મંદિર આપી દીધું હતું. શનિ શત્રુ હોય છે એવી લોકોની માન્યતાને દાતીએ જ તોડી છે. તેથી લોકોનો ડર દૂર થયો."

દાતીના બાળપણમાં લગ્ન થયાં હતાં એ વાત મદનસિંહ ઇન્દા જાણતા નથી.

line

હંમેશા બીજાઓની મદદ

દાતી મહારાજનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, DAATI.COM

મદનસિંહ ઇન્દાના જણાવ્યા મુજબ, દાતીએ 10 હજાર અનાથ કન્યાઓનાં લગ્ન કરાવ્યાં છે અને જરૂરતમંદોની મદદ કરવામાં ક્યારેય પાછળ નથી રહ્યા.

આલાવાસમાં કેટલાક લોકોએ દાતી મહારાજ વિશે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો, જ્યારે કેટલાક દાતી મહારાજે કરેલા સારા કામોની વાતો કરતા રહ્યા હતા.

ગામના મોટાભાગના લોકો ખેતી કરે છે, પણ બીજા અનેક પરિવારો પૂના, ચેન્નઈ અને બેંગલુરુમાં નોકરી, બિઝનેસ કે ખાનગી કામકાજ કરે છે.

દાતી મહારાજ આરોપોમાં ઘેરાયા ત્યારે પાલી જિલ્લાના કેટલાંક દલિત સંગઠનોએ તેમના સમર્થનમાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

મદનસિંહ ઇન્દાએ કહ્યું હતું, "એ બાબતે ખબર પડી ત્યારે દાતીએ એક ફોન કરીને કાર્યક્રમ યોજાતો અટકાવી દીધો હતો, કારણ કે દાતીએ કહ્યું હતું કે સાધુનો કોઈ વર્ગ કે જ્ઞાતિ નથી હોતી."

અત્યાર સુધી લોકોને કષ્ટ નિવારણના ઉપાય જણાવતા દાતી મહારાજને હવે દિલ્હી પોલીસ પીડિતાના આરોપો વિશે પૂછપરછ કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો