મહિલાઓ પરની જાતીય હિંસા બાબતે શ્રી શ્રી રવિશંકરે શું કહ્યું?

ભારતમાં મહિલાઓ વિરુદ્ધની જાતીય હિંસાની વધતી ઘટનાઓનાં કારણ આપતાં યોગગુરુ શ્રી શ્રી રવિશંકર જણાવે છે કે દારૂ અને ડ્રગ્ઝનો નશો તેનું ખાસ કારણ છે.
દિલ્હીની તિહાર જેલમાં શ્રી શ્રી રવિશંકરની એક શિબિર ચાલે છે. તેમના જણાવ્યા મુજબ, તેમણે મહિલાઓ વિરુદ્ધ જાતીય હિંસા આચરનારા કેદીઓનું ત્યાં સર્વેક્ષણ કરાવ્યું હતું.
એ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 95 ટકા કેદીઓએ ગુનો કરતી વખતે "દારૂ પીધો હતો અથવા ડ્રગ્ઝનો નશો કર્યો હતો."

નશાબંધી જરૂરી

ઇમેજ સ્રોત, TWITTER@SRISRI
શ્રી શ્રી રવિશંકરે બેંગલુરૂ નજીકના આર્ટ ઓફ લિવિંગના આશ્રમમાં બીબીસીને ખાસ મુલાકાત આપી હતી.
એ મુલાકાતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલા-વિરોધી અત્યાચાર અને બળાત્કાર જેવા ગુનાઓ રોકવા માટે નશાબંધી જરૂરી છે.
તેમણે કહ્યું હતું, "નશાબંધી વિના મહિલાઓ પરના અત્યાચાર રોકવા અશક્ય છે એવું અમે સમજીએ છીએ."
નશાની હાલતમાં ન આચરવામાં આવ્યા હોય એવા ગુના બાબતે તેમણે કહ્યું હતું, "એ ગુનાઓ બાકીના પાંચ ટકામાં આવે છે."

સલામતી માટે કાયદો અપૂરતો

ઇમેજ સ્રોત, Art of Living
જોકે, અખિલ ભારતીય પ્રગતિશીલ મહિલા સંઘનાં કવિતા કૃષ્ણન નશામાં આચરવામાં આવેલા અપરાધના તર્કને યોગ્ય માનતા નથી. તેમના જણાવ્યા મુજબ, એ અસલી મુદ્દા પરથી ધ્યાન હટાવતો એક તર્ક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કવિતા કૃષ્ણને કહ્યું હતું, "તિહાર જેલમાં હાથ ધરવામાં આવેલું સર્વેક્ષણ ક્યા સવાલો પર આધાર રાખે છે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી."
"નશાની હાલતમાં મહિલાઓ પર અત્યાચારનો તર્ક ખરા મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ હોય એવું લાગે છે."
કવિતા કૃષ્ણને ઉમેર્યું હતું, "તેઓ કદાચ એવું કહેવા ઇચ્છે છે કે એ કેદીઓ મહિલાઓ વિરુદ્ધ હિંસાના અપરાધી નથી, પણ શરાબ અને નશીલી દવાઓથી પીડિત છે."
શું તમે આ વાંચ્યું?
શ્રી શ્રી રવિશંકર સમાજમાં સુધારણા અને માનસિકતામાં પરિવર્તનનો આગ્રહ પણ કરે છે.
તેમના જણાવ્યા અનુસાર, મહિલાઓની સલામતી માટે કાયદા પૂરતા નથી. તેઓ કહે છે, "શિક્ષણ અને પ્રશિક્ષણ થવું જોઈએ. તેના મારફત આપણે આ દૂષણને દૂર કરી શકીએ."
સામાજિક કાર્યકરો જણાવે છે કે દારૂબંધીથી મહિલાઓ પરના બળાત્કાર અને અન્ય અપરાધો રોકાવાના નથી.
તેમની દલીલ એવી છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ ત્યાં બળાત્કાર નથી થતા?

દર 20 મિનિટે એક બળાત્કાર

ઇમેજ સ્રોત, Art of Living
ભારતમાં દર 20 મિનિટે એક બળાત્કાર થાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના 2016ના અહેવાલ અનુસાર, બળાત્કારના 95 ટકા અપરાધીઓ પીડિતાના પરિચિત હોય છે.
એ કિસ્સાઓ પૈકીના કેટલા કિસ્સામાં અપરાધીઓ નશાની હાલતમાં હતા એ કહેવું મુશ્કેલ છે.
ભારતમાં બળાત્કારની માત્ર દસેક ટકા ફરિયાદો જ નોંધાય છે. પીડિતા અને તેમનો પરિવાર બદનામીના ડરથી ચૂપ રહેવા મજબૂર હોય છે.
સામાજિક કાર્યકરોના જણાવ્યા મુજબ, અનેક બળાત્કાર કાંડમાં નશો એક કારણ હોઈ શકે છે, પણ સૌથી મહત્વની પુરુષોની એ ધારણા હોય છે કે તેમને કશું નહીં થાય અને મહિલાઓ પર તેમનો અધિકાર છે.
તાજેતરના કઠુઆ કાંડમાં આઠ વર્ષની એક બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી એ બાળકીની હત્યા કરવામાં આવી હતી. એ કૃત્ય નશાની હાલતમાં નહોતું કરવામાં આવ્યું.
બળાત્કાર નશાની હાલતમાં કરવામાં આવ્યો હતો એવું તારણ કાઢી શકાય તેવું કોઈ નિવેદન પોલીસે આપ્યું નથી.
આ વિશે આર્ટ ઓફ લિવિંગના ગુરુજી કહે છે કે જે લોકો એ બળાત્કાર અને હત્યામાં સામેલ હતા અથવા જેમણે એ ઘટનાનું સમર્થન કર્યું તેઓ માનસિક રીતે પાગલ છે. "ભલે તેઓ ગમે તે પક્ષ સાથે સંબંધ ધરાવતા હોય."

બધા વ્યવસાયમાં હોય છે ખરાબ લોકો

શ્રી શ્રી રવિશંકરના આશ્રમની શાખાઓ 150થી વધુ દેશોમાં છે. તેમાં તેઓ યોગ મારફત શાંતિ પહોંચાડવાના પ્રયાસ કરે છે. તેમના લાખો અનુયાયી છે.
તાજેતરમાં દેશમાં કેટલાક હાઈ પ્રોફાઈલ ધર્મગુરુ વિરુદ્ધના બળાત્કાર કાંડ બહાર આવ્યા છે અને તેમને સજા પણ ફરમાવવામાં આવી છે.
આ વિશે શ્રી શ્રી રવિશંકરે કહે છે કે દરેક વ્યવસાયમાં ખરાબ લોકો હોય છે. "સીતાનું અપહરણ રાવણે સન્યાસીના વેશમાં જ કર્યું હતુંને? કેટલાક ડૉક્ટરો કિડનીની ચોરી કરતા હોય છે."
"આવા લોકો તો સમાજમાં હોય જ છે, જે અપવાદ હોય છે. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ એવા લોકો છે, જે ખોટું લખતા હોય છે, પૈસા લેતા હોય છે. એવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આવા લોકો હોય છે."
શ્રી શ્રી રવિશંકર ઘણીવાર વિવાદમાં ફસાઈ ચૂક્યા છે. 2016માં એક સાંસ્કૃતિક કાર્યક્રમના યજમાન તરીકે લગભગ 420 એકરના મેદાનને નુકસાન કરવાનો આરોપ તેમના પર હતો.
સાત સભ્યોવાળી વિજ્ઞાનીઓની એક સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસના એ ઉત્સવને કારણે ઘણું નુકસાન થયું હતું.
જોકે, એ પછી દિલ્હી અને ઉત્તર પ્રદેશ સરકારની બે સભ્યોની એક સમિતિએ વિજ્ઞાનીઓની સમિતિના અહેવાલને નકારતાં શ્રી શ્રી રવિશંકરને ક્લિન ચીટ આપી હતી. હવે એ મામલો અદાલતમાં છે.
કાર્યક્રમને કારણે યમુના નદીના પર્યાવરણને નુકસાન થયું હોવાનો શ્રી શ્રી રવિશંકર ઇન્કાર કરે છે.
તેમનો દાવો છે કે જ્યાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ સ્થળે હવે હરિયાળી છે અને નુકસાનની વાત ખોટી છે.

વિરોધનું ષડ્યંત્ર

યમુનાના કિનારે ત્રણ દિવસનો વિશાળ ઉત્સવ યોજવાનું યોગ્ય હતું? યમુના કિનારે જ શા માટે? એવા સવાલના જવાબમાં શ્રી શ્રી રવિશંકર વળતો સવાલ કરે છે કે શા માટે નહીં?
ફરી એ જ સ્થળે વિશાળ ઉત્સવ યોજવાની તક મળશે તો તેઓ તેનું આયોજન કરશે કે કેમ, એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે શા માટે નહીં.
શ્રી શ્રી રવિશંકરના જણાવ્યા મુજબ, ઉત્સવનો વિરોધ તેમના વિરુદ્ધનું ષડ્યંત્ર હતું.
તેમણે કહ્યું હતું, "અમારું સ્ટેજ બની ગયું તો કોઈને લાગ્યું હતું કે આ તો બહુ મોટો કાર્યક્રમ છે. તેને કોઈ પણ રીતે રોકો."
શ્રી શ્રી રવિશંકરના જણાવ્યા મુજબ, યમુના કિનારે સમારંભ યોજવાનો એક હેતુ યમુના પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષવાનો હતો.
તેઓ કહે છે, "યમુના એટલી પ્રદૂષિત છે કે અમે 2009થી તેની સફાઈનો કાર્યક્રમ શરૂ કરીને તેમાંથી 500 ટન કચરો કાઢ્યો છે. અમારા સ્વયંસેવકોએ 45 દિવસ સુધી યમુનાની સફાઈ કરી હતી."
શ્રી શ્રી રવિશંકરના જણાવ્યા મુજબ, તેમની સંસ્થા યમુના ઉપરાંત બીજી 35 નદીઓની સફાઈનું અભિયાન ચલાવી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












