મુસ્લિમ માત્ર મુસ્લિમ મહોલ્લામાં જ રહેવા માગે છે?

    બીબીસીની આ ખાસ શ્રેણીમાં અમે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે મુસ્લિમો એક સાથે, એક જ વિસ્તારમાં કેમ રહેવા માગે છે?

    News imageNews imageNews image

    ભારતમાં મુસ્લિમો જે મહોલ્લામાં વસે છે, તેના માટે અંગ્રેજીમાં ghetto (ઘેટ્ટો) શબ્દ વપરાય છે, જે ઘણાને પસંદ પડતો નથી.

    News image

    આ મૂળ ઇટાલિયન ભાષાનો શબ્દ છે. વેનિસમાં લોખંડ ગાળવાની ફાઉન્ડ્રી હતી તેની આસપાસ યહુદીઓ વસી ગયા હતા. તે વસતિને ઘેટ્ટો કહેવાતો હતો, જે આગળ જતા 16મી અને 17મી સદીમાં યુરોપમાં યહુદીઓની વસતિ માટે વપરાતો રહ્યો હતો. ઘેટ્ટોનો આમ સીધો અર્થ થાય છે એક જ જગ્યાએ, એક જ કોમના લોકોની વસતિ. પરંતુ હવે ગીચોગીચ વસતિમાં રહેતા એક જ ધર્મના લોકો એટલે ઘેટ્ટો, જ્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તેવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે.

    દિલ્હીની વાત કરીએ તો પૃથ્વીરાજ ચૌહાણથી લઈને મુઘલ અને બ્રિટીશ રાજ સુધીમાં તેના રૂપરંગ, નકશો સતત બદલાતા રહ્યા છે. સાથેસાથે દિલ્હીમાં કેટલીક બસ્તી ઊભી થવા લાગી. આજે દિલ્હીમાં ગીચ વસતિ ધરાવતી કેટલીય બસ્તી છે, જ્યાં મુસ્લિમો રહે છે.

    ઘણી વાર એવો સવાલ પૂછાતો હોય છે કે મુસ્લિમો આ જ વિસ્તારમાં કેમ રહેવા માગે છે? બીજી કોમના લોકો સાથે હળીમળીને કેમ રહેવા માગતા નથી? શુંતેમને કબિલાઓની જેમ માત્ર પોતાના લોકો વચ્ચે જ રહેવાનું ફાવી ગયું છે?

    બીબીસીની આ વિશેષ સિરિઝમાં અમે આ જ જાણવા માટે પ્રયાસ કર્યો છે.

    સ્થિતિ જાણવા માટે અમે ઇશાન દિલ્હી પહોંચ્યા, જેને બોલચાલની ભાષામાં 'યમુનાપાર' કહેવામાંઆવે છે.

    યમુના પાર દિલ્હીમાં મુસ્લિમોની ખાસ્સી વસતિ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા મુસ્લિમો યમુનાપારની બસ્તિઓમાં વસી ગયા છે. કેટલાકમાં માત્ર મુસ્લિમો જ જોવા મળે છે, જ્યારે કેટલાકમાં મિક્સ વસતિ જોવામળે છે.

    આવો એક વિસ્તાર એટલે જાફરાબાદ. સીલમપુર વિધાનસભામાં પડતા આ વિસ્તારમાં દોઢ લાખથી વધારે લોકો રહે છે. અહીં વસતા મોટા ભાગના લોકો નાનોમોટો વેપાર કરે છે અથવા કારીગરીનું કામ કરે છે.

    અહીં કોઈ સરકારી હોસ્પિટલ કે ડિસ્પેન્સરી નથી. માત્ર બે પ્રાઇમરી અને એક હાયર સેકન્ડરી સરકારી સ્કૂલ છે. મોટા ભાગની ગલીઓ એટલી સાંકડી છે કે અંદર કાર દાખલ થઈ શકે જ નહીં.

    ‘મુસ્લિમોને પરગ્રહવાસી સમજવામાં આવે છે’

    મુસ્લિમો જાફરાબાદમાં રહેવા શા માટે આવે છે? આસપાસની પચરંગી વસતિ ધરાવતા મહોલ્લામાં કેમ રહેવા જતા નથી?

    આ બસ્તીમાં અમને સામાન્ય માણસ તરીકે જોવામાં આવે છે. તેથી અહીં જ રહીએ છીએ. અહીં ગુનાખોરી વધારે છે, પરંતુ બહારના વિસ્તારોમાં અમારી સાથે વર્તનમાં બેવડા ધોરણો અપનાવવામાં આવે છે.

    આ વિસ્તારમાં રહેતાં 26 વર્ષનાં ઇરમ આરિફ બહુ સ્ષષ્ટ ભાષામાં તેનો જવાબ આપે છે. ગ્રેજ્યુએટ થયેલાં ગૃહિણી ઇરમ કહે છે, મુસ્લિમો અહીંયા જ રહે છે, કેમ કે બિનમુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમોને ‘પરગ્રહવાસી’ ગણવામાં આવે છે.

    તેઓ કહે છે, “આ બસ્તીમાં અમને સામાન્ય મનુષ્ય તરીકે જોવામાં આવે છે. તેથી અહીં જ રહીએ છીએ. અહીં ગુનાખોરી વધારે છે, પરંતુ બહારના વિસ્તારોમાં અમારી સાથે વર્તનમાં બેવડા ધોરણો અપનાવવામાં આવે છે. અમને આમ હિન્દુસ્તાની તરીકે નહીં, પણ મુસ્લિમ તરીકે જોવામાં આવે છે. બીજા વિસ્તારમાં અમારા છોકરાઓને, બુરખાપહેરેલી મહિલાઓને પરગ્રહવાસી ગણવામાં આવે છે.”

    આ ઇલાકામાં પોતાની રીતે રહેવાની, પોતાની રીતે ખાવા-પીવાની અને તહેવાર મનાવવાની મોકળાશ છે. બિનમુસ્લિમ વિસ્તારમાં તેમની સાથે બરાબરીનો વ્યવહાર કરવામાં આવે તો પોતે ત્યાં ચોક્કસ રહેવા જવા માગશે એમ તેઓ કહે છે.

    જોકે,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલાં 26 વર્ષનાં હુમા ખાન જુદો અભિપ્રાય ધરાવે છે. હુમા ખાન કહે છે કે બીજા વિસ્તારોમાં અન્ય કોમના લોકો સાથે રહેવાની વાતનો નિર્ણય કરવાનું ઘરના મોટી ઉંમરના વડીલોના હાથમાં હોય છે.

    રમખાણ શબ્દનો ઉલ્લેખ કર્યા વિના તેઓ કહે છે, “આજથી 20-25 વર્ષપહેલાં મુસ્લિમો સાથે જે થયું હતું તે ખોટું હતું. તેના કારણે અમારા વડીલો બીજા વિસ્તારમાં રહેવા જવા માગતા નથી. બીજું પોશ સોસાયટી કે બિનમુસ્લિમ વિસ્તારમાં અમને આવકાર મળતો નથી. એવા વિસ્તારમાં ઘર ખરીદવું કે ભાડે લેવું તે બહુ મુશ્કેલ કામ હોય છે.”

    મુસ્લિમ વિસ્તારોમાં સ્વચ્છતાની અને કાયદો-વ્યવસ્થાની સમસ્યાઓ હોય છે. આ વિશે વાત કરતા હુમા ખાન કહે છે કે આ વિસ્તારના લોકો ધીમેધીમે તેનાથી ટેવાઈ જાય છે, પણ તે સ્થિતિથી ક્યારેય ક્યારેક ડર પણ લાગે છે.

    તેમનું કહેવું છે કે બિનમુસ્લિમ વિસ્તારોમાં રહેવાની તક મળેતો તો રહેવા ચોક્કસ જશે, પરંતુ તેના બદલે જાફરાબાદ જેવા મુસ્લિમ વસતિવાળા વિસ્તારોમાં સ્વચ્છતા વધે અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તો પછી તેઓ અહીં જ રહેવાનું વધારે પસંદ કરશે.

    દિલ્હીના મુસ્લિમ વિસ્તારો
    News image
    News image

    જાફરાબાદ વિસ્તાર જેકેટ, કૂલર અને પ્રિન્ટિંગના કામકાજ માટે જાણીતો છે. જાફરાબાદ ટ્રેડ એસોસિએશનના અધ્યક્ષ અમાનુલ્લાખાન કહે છે કે ભારતની સૌથી મોટી જેકેટ માર્કેટ અહીં આવેલી છે. અહીં બનેલાં જેકેટની નિકાસ પણ થાય છે.

    અમાનુલ્લા ખાન

    અમાનુલ્લા ખાન

    52 વર્ષના અમાનુલ્લા ખાન પોતે જેકેટ બનાવવાનું મોટું કામકાજ ધરાવે છે. તેઓ આર્થિક રીતે સમૃદ્ધ પણ છે. તેઓ ઇચ્છે તો કોઈ પણ પૉશ વિસ્તારમાં જઈને રહી શકે, પરંતુ તેમને જાફરાબાદમાં જ રહેવાનું પસંદ છે.

    અહીં રહેવાનું કેમ પસંદ છે, એવા સવાલના જવાબમાં તેઓ કહે છે કે તેઓ 25 વર્ષથી અહીં જ રહે છે. અહીં તેમને બધી જ સગવડ મળી રહે છે. તેથી તેમને અહીં જ રહેવું ગમે છે.

    “પહેલી વાત એ કે અહીં નમાજ પઢવાની સગવડ છે, કેમ કે મસ્જિદ નજીકમાં જ છે. બીજું કે પોતાના પરિચિત લોકોની વચ્ચે જ રહેવાનું લોકો પસંદ કરતા હોય છે.”

    પોતાની બિરાદરીના લોકો વચ્ચે રહેવાથી સુરક્ષિત હોવાની લાગણી થાય છે ખરી, એવા સવાલના જવાબમાં તેઓ કહે છે કે જેકેટના વેપારના કારણે તેમને હિન્દુઓ સાથે સારા સંબંધો છે અને તેમને અસલામતિની કોઈ લાગણી થતી નથી.

    જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જેએનયુ)માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતાં ગઝાલા જમીલે મુસ્લિમ વિસ્તારો વિશે પુસ્તક લખ્યું છે, જેનું નામ છે 'એક્યુમ્યુલેશન બાય સેગ્રેગેશન'. ગઝાલા કહે છે કે સુરક્ષાના કારણસર આવી મુસ્લિમ બસ્તીઓ ઊભી થઈ છે તે વાત ખરી, પણ સાથોસાથ એક જ પ્રકારનું કામ કરનારા લોકો એકબીજાને સાથે રહેતા થાય તેના કારણે પણ આવો ઇલાકો બની જતો હોય છે.

    તેઓ જણાવે છે, આવા વિસ્તાર માટે ‘ઘેટ્ટો’ શબ્દ વાપરવો યોગ્ય નથી. આ શબ્દની પાછળ એક લાંબો ઇતિહાસ રહેલો છે અને સમજ્યા વિના તેનો ઉપયોગ કરવો ખોટું છે.

    તેઓ કહે છે, “સમાજમાં આ રીતે પહેલીથી જ સમુહો અલગઅલગ રહેતા આવ્યા છે. ગામડામાં હંમેશા જુદી જુદી જ્ઞાતિઓ ટોળામાં રહેતી આવી છે. દલિતની વસતિ અલગ જ હોય છે, પણ તેના માટે ઘેટ્ટો શબ્દ વપરાતો નથી.”

    જાફરાબાદમાં જ રહેતાં ડૉ. ફહિમ બેગ કહે છે કે આજે મુસ્લિમોમાં અસુરક્ષાની લાગણી છે અને તેના કારણે તેઓ મુસ્લિમ બહુમતી વિસ્તારમાં જ રહેવાનું પસંદ કરે છે.

    હિંદુસ્તાનમાં રમખાણોનો લાંબો ઇતિહાસ છે અને તેમાં હંમેશાં મુસલમાનો જ માર્યા જાય છે. તેનાથી બચવા માટે જ મુસ્લિમોએ એક સ્થળે ભેગા થઈને રહેવાનું નક્કી કર્યું હતું.

    ફહિમ બેગ

    જાફરાબાદમાં ક્લિનિક ધરાવતા ડૉ. બેગ કહે છે તેમણે મુસ્લિમ બસ્તીમાં રહેવાનો નિર્ણય કર્યો હતો તેની ખુશી છે. છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારના આવ્યા પછી મુસ્લિમોની સુરક્ષા સામે સંકટની સ્થિતિ ઊભી થઈ છે.

    તેઓ કહે છે, “હિન્દુસ્તાનમાં રમખાણોનો લાંબો ઇતિહાસ છે અને તેમાં હંમેશા મુસ્લિમો જ માર્યા જાય છે. તેનાથી બચવા માટે જમુસ્લિમો એક સ્થળે ભેગા થઇને રહેવાનું નક્કી કર્યું હતું. જાફરાબાદમાં પણ શરૂઆતમાં લોકો ઘર લેતા હતા ત્યારે બહાર મુખ્ય રોડ પર ઘર નહોતા લેતા. લોકોને લાગતું હતું કે અંદરની તરફ ઘર રાખવાથી વધારે સુરક્ષિત રહી શકાશે.”

    મુસ્લિમો શા માટે બિનમુસ્લિમ વિસ્તારમાં રહેવાની કોશિશ નથી કરતા?

    આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે મોટા ભાગના સમુદાયોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાના લોકોની વચ્ચે રહેવાની જ રીત અજમાવી છે.

    તેઓ કહે છે, “1984માં શીખ રમખાણો પછી શીખોએ પણ આવું જ કર્યું. તેઓ એક જ જગ્યાએ એકઠા થઈને રહેવા લાગ્યા. તેના કારણે જ આજે પશ્ચિમ દિલ્હીમાં તિલકનગર જેવી જગ્યાએ શીખોની બસ્તી જોવા મળે છે. તેઓ ત્યાં પોતાની રીતે રહી શકે છે. ત્યાં વિશાળ ગુરુદ્વારા પણ બનાવ્યા છે અને પોતાની પસંદ પ્રમાણે ખાણીપીણી માણી શકે છે.”

    ગઝાલા પણ માને છે કે મુસ્લિમો એકઠા થઈને રહે છે તેનું પહેલું કારણ અસુરક્ષાની લાગણી છે, પરંતુ તે પછીનું કારણ સંસ્કૃતિ છે.

    News image
    News image

    અખલાક, અફરાઝુલ, જુનૈદ

    News image

    તેઓ કહે છે, “મારા પુસ્તક માટે રિસર્ચ કર્યું ત્યારે મેં બહુ લોકો સાથે વાતચીત કરી હતી. તે લોકોનું કહેવું હતું કે તેમની જીવવાની રીત અને વાણીવર્તનને અજબ રીતે જોવામાં આવે છે. આ વિસ્તારોમાં પોતાની મરજી પ્રમાણે જીવી શકાય છે. તેથી પણ લોકો અહીં રહેવાનું પસંદ કરે છે.”

    દાખલા તરીકે,પશ્ચિમ દિલ્હીમાં તિલકનગરમાં તમે માંસ વેચતી દુકાને જશો તો ત્યારે 'ઝટકા'એવું લખેલું હશે, જ્યારે જાફરાબાદમાં 'હલાલ' એવા બોર્ડ મારેલા હશે. તેનો અર્થ એ કે મુસ્લિમો ક્યારેય ઝટકા મીટ ખાતા નથી, જ્યારે શીખ લોકોને ઝટકાથી કાપેલા બકરાનું માંસ જ ફાવે છે.

    “બજારો જુદી જુદી વહેંચાઈ ગઈ છે તે પણ એક કારણ છે. શહેર નફાખોરી માટેનું મશીન હોય છે. મુસ્લિમ વિસ્તારમાં ઉત્પાદનનું નાનું મોટું કામ ચાલતું જ રહે છે. આ વિસ્તારમાં સસ્તી મજૂરીએ માણસો પણ મળી જાય છે. બીજું, મુસ્લિમોની આર્થિક સ્થિતિ પ્રમાણે પણ હવે જુદા જુદા વિસ્તારો વિકસ્યા છે. વેસ્ટ નિઝામુદ્દીન મુસ્લિમોનો પૉશ એરિયા ગણાય છે.”

    ‘કુર્તા-પાયજામા જોઈને વલણ બદલાઇ ગયું’

    પોતાનું નામ ના આપવાની શરતે 28 વર્ષનો એક યુવાન કહે છે કે આ વિસ્તારમાં લોકો સૌથી વધુ ડરતા હોય છે. ગ્રેજ્યુએટ થઈને જેકેટનો વેપાર કરનારો આ યુવાન કહે છે કે મુસ્લિમ વિસ્તારોમાં બહુ ગુનાખોરી છે.

    શિક્ષણનો અભાવ અને ગરીબીને કારણે ગુનાખોરી વધી છે અને સરકાર પણ આવા વિસ્તારો પણ બહુ ધ્યાન આપતી નથી એમ તેમને લાગે છે. તક મળે તો પોતે બિનમુસ્લિમ વિસ્તારોમાં રહેવા જવાનું પસંદ કરશે, એમ તેમનું કહેવું છે.

    તેઓ કહે છે, “મુસ્લિમ કોમની સૌથી મોટી સમસ્યા એ છે કે આ કોમ બીજા સાથે હળીમળીને રહેતી નથી. બીજી બાજુ હિન્દુ કે બીજી કોમ પણ તેમનેપોતાની નજીક આવવા દેતા નથી. આ ખાઈ પડી ગઈ છે તે ત્યારે જ પુરાશે, જ્યારે અમે ત્યાં જઈને રહીએ અને તે લોકો પણ અમારી વચ્ચે આવીને રહે.”

    આવો જ વિચાર જાફરાબાદમાં કોચિંગ સેન્ટર ચલાવતા 35 વર્ષના નદીમ અરાઈનનો છે. તેઓ કહે છે કે બિનમુસ્લિમ મુસ્લિમોને સ્વીકારતા નથી, તેનાકારણે મુસ્લિમોએ આવા વિસ્તારોમાં રહેવા જવું પડે છે.

    તેઓ કહે છે, “હિન્દુ અમને અપનાવી લેતા હોય તો શા માટે અમે ત્યાં રહેવા ના જઈએ? મારી પાસે હિન્દુ બાળકો કોચિંગ માટે આવે છે ત્યારે હું તેમને અનુકૂળ માહોલ કરી આપું છું.”

    એક ઘટના યાદ કરતાં તેઓ કહે છે, “2010માં ગ્વાલિયરમાં મારી પરીક્ષા હતી. બે દિવસ સાથી પરીક્ષાર્થીઓએ મારી સાથે સારો વ્યવહાર કર્યો, પરંતુ ત્રીજા દિવસે જુમ્માની નમાજ પછી કુર્તા-પાયજામા પહેરીને પરીક્ષા કેન્દ્ર પર ગયોત્યારે તેમનો મારી સાથેનો વ્યવહાર બદલાઇ ગયો હતો. તેઓ નવાઈ પામીને મને વારેવારેપૂછતા હતા કે અરે, તું મુસ્લિમ છે?”

    નદીમ માને છે કે શિક્ષણને કારણે પણ આવા વિસ્તારમાં રહેવું પડે છે. આવા વિસ્તારોમાં આધુનિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પણ મળે છે.

    News image

    ગૃહિણી સુભાના ઇસ્લામ કહે છે, “હું ઇચ્છું છુંકે મારા સંતાનો ગેરમુસ્લિમો લોકો સાથે હળેમળે, પરંતુ તેમના શિક્ષણ ખાતર હું આ મુસ્લિમ વિસ્તાર સિવાય બીજે રહેવા જવા માગતી નથી. હું ઈચ્છું છું કે મારા બાળકો ઇસ્લામી સંસ્કૃત્તિ અપનાવે,જે તેમને અહીં જ મળી શકે છે.”

    બકરી ઈદ કે બીજા તહેવારો વખતે તેમને બહુ મુશ્કેલી પડે છે.

    35 વર્ષનાં અંજુર ઇર્શાદ સમાજસેવિકા છે. તેઓ કહે છે કે તેમનાં ઘણાં સગાં બિનમુસ્લિમ વિસ્તારોમાં રહે છે,પણ તેમની સાથે તેમના પડોશીઓ સંબંધ રાખતા નથી. બકરી ઈદ કે બીજા તહેવારો વખતે તેમને બહુ મુશ્કેલી પડે છે.

    જોકે, આવી તકલીફો છતાં તેઓ કહે છે કે પોતે બિનમુસ્લિમ વિસ્તારોમાં રહેવા ઇચ્છશે, કેમકે ત્યાં બગીચા, હોસ્પિટલ, શાળા જેવી બધી સુવિધાઓ મળી જાય છે.

    કોઈ એજન્ડા સાથે સરકારે વિસ્તારો જુદા પાડ્યા?
    News image

    મુસ્લિમ વિસ્તારોને વોટબેન્ક પણ સમજવામાં આવે છે. ચૂંટણી વખતે નેતાઓ કહેતા પણ હોય છે કે વોટબેન્ક ખાતર તેમને અહીં વસાવવામાં આવ્યા છે.

    શું આવા કોઈ ખાસ ઇરાદાથી આ વિસ્તારો ઊભા કરવામાં આવ્યા છે?સમાજશાસ્ત્રી ઇમ્તિયાઝ અહમદ આ વાત સાથે સહમત નથી.

    તેઓ કહે છે, “મુસ્લિમ વિસ્તારો સરકારે કોઈ ખાસ ઇરાદાથી નથી ઊભા કર્યા. તે ઊભા થયા તેની પાછળ સરકારની ભેદભાવ વાળી નીતિ ચોક્કસ છે. આ વાતને એવી રીતે સમજી શકાય છે કે આઝાદી પછી સરકારે ઘણી બધી હાઉસિંગ સોસાયટી બનાવી,પણ એવી નીતિ નહોતી રાખી કે તેમાં દરેક કોમના લોકો આવીને વસે.”

    “આ હાઉસિંગ સોસાયટીમાં ખાનગી રીતે એવી નીતિ અપનાવાઈ કે તેમાં મંદિર અને ગુરુદ્વારા માટે જગ્યા છોડવામાં આવી, પણ મસ્જિદ માટે ક્યારેય જગ્યા છોડવામાં આવી નહીં. તેના કારણે મુસ્લિમો એવા વિસ્તારમાં રહેવા જતા રહ્યા, જ્યાં તેમને મસ્જિદની સાથે પોતાની સંસ્કૃત્તિને અનુરૂપ સુવિધાઓ મળે.”

    ગઝાલા પણ માને છે કે સરકારને કારણે આવા વિસ્તારો નથી ઊભા થયા, પણ સરકાર તેનો ફાયદો ઉઠાવે છે. તેમને નાની નાની સુવિધાઓ આપીને લલચાવવામાં આવે છે. જોકે મુસ્લિમ હવે પોતાના નાગરિક અધિકારોનો ઉપયોગ કરતાં થયા છે. તેના કારણે આવા વિસ્તારોની છાપ બદલી છે, એમ પણ તેઓ માને છે.

    આવા મુસ્લિમ વિસ્તારો સાથે જોડાયેલી નકારાત્મક છાપ કેવી રીતે દૂર કરી શકાય? ગઝાલા કહે છે કે આવા વિસ્તારો પર એક થપ્પો લાગી ગયો છે. જે લોકોના પોતાના પ્રયાસો દ્વારા જ દૂર થઈ શકશે. લોકો પોતાના અધિકારોનો ઉપયોગ કરીને આવી છાપ દૂર કરવાનો પડકાર ઊપાડી લેશે ત્યારે જ લોકોના મનમાંથી ‘મિની પાકિસ્તાન’ તરીકેની છાપ દૂર થશે.

    ઇમ્તિયાઝ કહે છે કે લોકો બે રીતે આવા વિસ્તારો સામે પૂર્વગ્રહથી જુએ છે. તેઓ કહે છે કે, “પહેલો પૂર્વગ્રહ તો અનુભવ વિના જ રાખી દેવાયો હતો. મુસ્લિમને ઓળખતા પણ ના હોય કે આવા વિસ્તારમાં ગયા પણ ના હોય તેમ છતાં મનમાં પૂર્વગ્રહ રાખી દીધો હોય તે તૂટતો નથી. બીજો પૂર્વગ્રહ મુસ્લિમ સાથે સંપર્કમાં આવ્યા પછી પણ બંધાતો હોય છે.”

    “આ પૂર્વગ્રહો ત્યારે જ તૂટે જ્યારે ઇદ વખતે બિનમુસ્લિમોને સેવૈયા ખવડાવવામાં આવે અને દિવાળી પર હિન્દુ મુસ્લિમોને ગુજિયા ખવડાવે.”

    મુસ્લિમો કેમ આવા વિસ્તારોમાં જ આવીને વસે છે?

    News image

    નેશનલ કેપિટલ રીજનમાં નોઈડાનો સમાવેશ થાય છે અને આ વિસ્તારમાં તમે પ્રવેશો એટલે ઊંચી ઊંચી ઇમારતોનું જંગલ તમારું સ્વાગત કરે. નોઈડામાં ઓફિસો પણ આવેલી છે, પણ વધારે રેસિડેન્શિયલ બિલ્ડિંગો બની છે.

    ગ્રેટર નોઈડા વેસ્ટની આવી બિલ્ડિંગમાં હું પહોંચ્યો ત્યારે ગેટ પર મને જાતજાતની પૂછપરછ કરવામાં આવી હતી - ‘તમે કોણ?’, ‘કોને મળવાનું છે?’ અને ‘શું કામ છે?’

    900 ફ્લેટની આ સોસાયટીમાં 100થી વધુ મુસ્લિમ પરિવારો રહે છે. આ પરિવારો પહેલાં કોઈ ને કોઈ મુસ્લિમ વિસ્તારમાં રહેતા હતા.

    ઈ-કોમર્સ કંપનીમાં કસ્ટમર સર્વિસ હેડ તરીકે કામ કરતા અર્શલાન ગૌહર (28) વારાણસીના છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, તે વખતે છએક વર્ષ તેઓ મુસ્લિમ વસતિવાળા ઝાકિરનગરમાં રહેતા હતા. પાંચ મહિનાપહેલાં જ તેઓ આ સોસાયટીમાં રહેવા આવ્યા છે.

    મુસ્લિમ વિસ્તાર છોડીને કેમ આવ્યા, એવા સવાલના જવાબમાં અર્શનાલ કહે છે કે છ વર્ષ દરમિયાન તેમણે જોયું કે ત્યાં પાયાની સુવિધાઓમાં કોઈ જ વધારો થયો નહોતો.

    અર્શલાન કહે છે, “મેં સરકારો બદલતી જોઈ. આંદોલનો જોયા,પણ ત્યાં વસતા લોકોની માનસિકતા નહીં બદલાય તેમ મેં જોયું. બનારસથી હું જે માનસિકતા સાથે આવ્યો હતો, તેને આગળ લઈ જવા માગતો નહોતો. મારે એક વધુ સારો મુસ્લિમ બનવું છે. એક નવા મુસ્લિમ અને સાથે જ મારા બાળકોને એક નવું ભવિષ્ય આપવા માગું છું, જે પેલી સાંકડીઓ ગલીઓમાં મળી શકે તેમ નહોતું.”

    મોહમ્મદ હસનૈન

    મોહમ્મદ હસનૈન

    નોઇડા એક્સટેન્શનમાં રહેતા 41 વર્ષના મોહમ્મદ હસનૈન પણ આવુંજ કંઇક વિચારી રહ્યા છે. તેમના બિલ્ડીંગ કોમ્પ્લેક્સમાં હજારો ફ્લેટ છે, જેમાં એક અલગ દુનિયા વસી ગઈ છે. અહીં 150 મુસ્લિમ પરિવારો આવીને વસ્યા છે. જોકે, અહીં વસતા મુસ્લિમોનો હિસાબ એક જુદા પાનાં પર રાખવામાં આવે છે.

    સોસાયટીમાં ઇસ્લામી માહોલ મળે છે ખરો?

    એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હસનૈન છેલ્લા 20 વર્ષોમાં જુદા જુદા ઘણા મુસ્લિમ વિસ્તારોમાં રહ્યા છે.

    તેમનું કહેવું છે કે મુસ્લિમ બસ્તીમાંથી બહાર નીકળવાનો એક હેતુ બાળકોનો વધારે સારી રીતે ઉછેર કરવાનો છે. મુસ્લિમ વિસ્તારોમાં બાળકો સરખી રીતે ભણીગણી શકે અને રમતગમતમાં ભાગ લઈ શકે તેવી સુવિધાઓ મળતી નથી.

    મુસ્લિમ વિસ્તારમાં રહેવા માટે ત્યાંની મસ્જિદ અને ત્યાં મળતી ધાર્મિક તાલીમનું કારણ પણ ઘણા આપે છે તો પછી આવી રેસિડેન્શિયલ સોસાયટીમાં મુસ્લિમોને આવી બાબતો કેવી રીતે મળવાની? આ સવાલના જવાબમાં 38 વર્ષના નિગારિશ અનવર કહે છે કે મુસ્લિમ માહોલ અહીં પણ મળી જાય છે. આ લોકો કંઈ બીજી દુનિયામાંથી નથી આવ્યા. માહોલ સમાજમાંથી નહીં, ઘરમાંથી જ મળી જતો હોય છે.

    તહેવારની ઉજવણીના સવાલ અંગે હસનૈન કહે છે કે અહીંથી એક કિલોમિટર દૂર શાહબેરી મસ્જિદ છે. બધા મુસ્લિમો ત્યાં જાય છે અને નમાજ પઢે છે.

    સોસાયટીમાં જ મસ્જિદ બનાવવાની માગણી કેમ નથી કરવામાં આવતી, તે વિશે વાત કરતા નિગારિશ કહે છે કે દાળમાં જે રીતે નમક હોય તે રીતે મુસ્લિમ પરિવારો આસોસાયટીમાં રહે છે. તેથી તેમના માટે અલગથી મસ્જિદ બનાવવાની કોઈ જરૂર નથી. અહીં સૌથી વધુ વસતિ હિન્દુઓની છે. તેથી અહીં મંદિર બન્યું છે.

    જોકે, હસનૈન કબૂલ કરે છે કે મસ્જિદ ના હોય અને મુગલાઈ ખાણીપીણીની હોટેલો ના હોય તેની ખામી નડે છે ખરી, પણ નજીકમાં આવેલી મસ્જિદો તથા ત્યાં આવેલી હોટેલોને કારણે તે કમી પૂરી થઈ જાય છે.

    મુસ્લિમ પરિવારો પોતાની ખાણીપીણીમાં ફેરફાર કરીને પણ કેમ આ સોસાયટીમાં રહેવા આવે છે?

    પ્રોફેસર ઇમ્તિયાઝ

    પ્રોફેસર ઇમ્તિયાઝ

    સમાજશાસ્ત્રી પ્રોફેસર ઇમ્તિયાઝ અહમદ કહે છે કે જિંદગી માત્ર કોરમા-બિરયાનીથી પણ વધારે કંઈક છે. તેઓ કહે છે, “સુરક્ષાની બાબતમાં આ લોકોના મનમાં થોડી શંકા રહે છે, પરંતુ તે સિવાય હિન્દુ હોય કે મુસ્લિમ, નવી પેઢીમાં પૂર્વગ્રહો ઓછા થયા છે. તેના કારણે લોકો પોતાના માટે સુવિધાઓ શોધે છે. પહોળા રસ્તા,સાફ-સફાઈ,કારપાર્કિંગ માટેની જગ્યા વગેરે આ સોસાયટીઓમાં જ મળે છે.

    રમખાણોથી મુસ્લિમો આટલા ડરે છે કેમ?

    News image

    ભારતમાં રમખાણોનો લાંબો ઇતિહાસ છે અને ગમે ત્યારે ફરી તે થાય તેની આશંકા પણ રહે છે. આ ડરમાંથી હિન્દુસ્તાનના મુસ્લિમો મુક્ત થઈ શક્યા નથી. એપાર્ટમેન્ટ કલ્ચરમાં રહેવા ગયેલા મુસ્લિમો આ વિશે શું વિચારે છે?

    એક કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા 42 વર્ષના નદીમ અખ્તર ખાન કહે છે ગમે ત્યાં રમખાણ થઈ શકે છે. તોફાના કરનારા માણસો ગમે તે જગ્યાએ હોઈ શકે છે.

    તેઓ કહે છે, “રમખાણ પાછળની જે માનસિકતા છે તે ગમે ત્યાં પેદા થઈ શકે છે. નોઇડાની જે સોસાયટીમાં હું રહું છું ત્યાં સમજદાર લોકો પણ રહે છે. તે લોકો પણ રમખાણને કારણે થનારા નુકસાનને સમજે છે. અસુરક્ષાની લાગણી ઊભી કરનારા માણસો જ હોય છે અને ચોરી-ચપાટી કોઈ પણ જગ્યાએ થઈ શકે છે.”

    આવી જ મિક્સ સોસાયટીમાં રહેતાં ઝેહરા (નામ બદલ્યું છે) પોસ્ટ ગ્રેજ્યુએટ છે. પોતાનું નામ આપ્યા વિના તેઓ કહે છે કે રક્ષણ કરવાની, ખેરિયતની જવાબદારી 'અલ્લાહ'ની છે અને તેમના ભરોસે તેઓ અહીં રહે છે.

    તેઓ કબૂલ કરે છે અહીં તેમને કોઇ ભેદભાવનો અનુભવ નથી થયો.

    લાંબો સમય મુસ્લિમ વિસ્તારોમાં રહેલાં નિહા ઇમ્તિયાઝ (32)નોકરી કરે છે. તેઓ કહે છે કે દોઢ વર્ષથી તેઓ આ હાઇરાઇઝ સોસાયટીમાં રહેવાં આવ્યાં છે. તેમને અહીં બીજા ધર્મના લોકોનો સહકાર મળ્યો છે.

    નિહા કહે છે, “મુસ્લિમ કામવાળી બાઈઓ સાથે થોડો ભેદભાવ જોવા મળે છે. તેમને કામે રાખવામાં આવતી નથી, પરંતુ મારી સાથે અહીં સારું વર્તન થાય છે. કન્યા પૂજનનો પ્રસંગ હોય ત્યારે મારી દીકરીઓને બધાની સાથે બેસાડીને જમાડવામાં આવે છે.

    દિવાળી અને હોળી જેવા તહેવારોમાં અમને ઘરે બોલાવામાં આવે છે. અમે સારી રીતે બધા તહેવારો ઉજવીએ છીએ. રમખાણોનું એવું છે કે તે જ્યાં થવાના હશે ત્યાં થશે.

    અસુરક્ષા બાબતે નિગારિશ કહે છે કે મુસ્લિમ વિસ્તારોમાં પણ સુરક્ષા હોતી નથી. તમે ઘરની બહાર નીકળો તો તમારું ખિસ્સું કપાઈ જાય.

    આ વિસ્તારોમાં રહેવાથી પૂર્વગ્રહો હટી જશે?

    News image

    આ જ સોસાયટીમાં રહેતાં અન્ય મહિલા રુબિના (નામ બદલ્યું છે)પોતાનો પરિચય જાહેર કર્યા વિના કહે છે કે સારા-ખરાબ લોકો બધી જગ્યાએ હોય છે. નેવું ટકા નથી કરતા, માત્ર 10 ટકા લોકો જ ભેદભાવ કરતા હોય છે.

    મુસ્લિમોને ઝડપથી ઘર મળતું નથી, એવું પણ કહેવાતું હોય છે. હસનૈન કહે છે કે એવું કશું નથી. આ એક ખોટી માન્યતા છે, જે મીડિયાએ ઊભી કરી છે. આપણે આવા વિસ્તારોમાં આવી ને વસવાનું શરૂ નહીં કરીએ ત્યાં સુધી આવી માન્યતા હટશે નહિ.

    જેએનયુમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતાં ગઝાલા જમીલકહે છે કે મુસ્લિમોને ઘર નથી મળતું તે વાતમાં તથ્ય છે, પરંતુ હવે સમાજની માન્યતાઓની સામે માર્કેટ પરિબળો મજબૂત થયા છે અને તેના કારણે ઘર ખરીદવું સહેલું બન્યું છે.

    તેઓ કહે છે, “જે મુસ્લિમો ઘર ખરીદવા સક્ષમ છે,તેઓ બિનમુસ્લિમ વિસ્તારમાં જઈને રહેવા લાગ્યા છે. તેમણે રહેવા જવું પણ જોઈએ, કેમ કે આખરે એ તેમની મરજીની વાત છે.”

    અર્શલાન કહે છે કે આવી સોસાયટીઓ વિશે મુસ્લિમોના મનમાં પૂર્વગ્રહો છે તેમાંથી પણ બહાર નીકળવું પડશે. આવી વાતો તેમણે બીજા પાસેથી સાંભળી છે. જાતઅનુભવ કરીને સાચી વાત જાણવી પડશે.

    “અમે હવે તે હિન્દુ વિસ્તારોમાં રહેવા માગતા નથી”
    News image

    લાંબા સમયથી મિક્સ વસતિ ધરાવતા એપાર્ટમેન્ટમાં રહેતાં ખૈરુન્નિસાની જિંદગી એકદમ બદલાઈ ગઈ છે. જૂના દિવસો યાદ કરીને તેઓ અફસોસ કરે છે.

    ખૈરુન્નિસા કહે છે, “આવું વિચારીને બહુ અફસોસ થાય છે. આ વિસ્તારમાં અમારે હવે રહેવાનું નથી તેમ વિચારીને હતાશ થઈ જાઉં છું. તે વિસ્તારમાંથી નીકળી ગયાને 16 વર્ષ થયા છે. ત્યાંનું કલ્ચર અલગ હતું. અમે બધા તહેવારો સાથે મળીને ઉજવતા હતા.”

    એપાર્ટમેન્ટના માહોલ વિશે વાત કરતા તેઓ કહે છે, “નાનપણથી મોટા થયા ત્યાં સુધી અમારા પડોશીને ક્યારેય એવું લાગ્યું નહોતું કે અમે કંઈક અલગ છીએ. ખુદા તક આપે તો ફરીથી તે જૂના પડોશીઓ સાથે રહેવા જવાનું મન થાય છે.”

    2002ની 28 ફેબ્રુઆરીએ તોફાની ટોળાએ તેમના ઘર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આઠ સભ્યોના તેમના પરિવારને બે વખત આવા ભયાનક અનુભવો થયા હતા.

    તેમનો પરિવાર અમદાવાદના ચાંદખેડાની ગંગાવિહાર સોસાયટીમાં એક ફ્લેટમાં રહેતો હતો. તોફાની ટોળું તેમના ઘરમાં ઘૂસી ગયું હતું. જોકે, તેમના પડોશી હિન્દુ પરિવારોને કારણે તેઓ બચી ગયા હતા.

    આ પડોશીઓમાં ઉત્તર ભારતીય, દક્ષિણ ભારતીય, પંજાબી, મરાઠી, મલયાલી, તામિલ અને બંગાળી બધા જ હતા. તોફાની ટોળાએ ખૈરુન્નિસાના ઘરમાં લૂંટફાટ મચાવી અને પછી તેને સળગાવી દીધું હતું.

    તે ભયાનક ઘટના વિશે વાત કરતા તેઓ કહે છે, “મારા પિતા ઓનએનજીસીના કર્મચારી હતા. તેના કારણે અમને એવા માહોલમાં રહેવા મળ્યું,જ્યાં બધા પ્રકારના લોકો સાથે મળીને રહેતા હોય. બધા તહેવારો અમે સાથે મળીને ઉજવતા હતા.મને યાદ નથી કે મેં ક્યારેય પડોશીઓ અને મિત્રોની હાજરી વિના ઈદની ઊજવણી કરી હોય. હોળી રમવામાં ના જોડાઈ હોઉં તેવું કદી બન્યું નહોતું.”

    “તેના કારણે હું ક્યારેય ધર્મો વચ્ચે ભેદભાવની વાત સમજી શકી નહોતી. આજે આપણા બાળકો ભેદભાવ શીખી રહ્યા છે. સ્કૂલે જવા સાથે જ તેઓ ભેદભાવ શીખવા લાગે છે.”

    ખૈરુન્નિસા કહે છે કે રિટાયર્મેન્ટ પછી તેમના પિતાએ એ જ વિસ્તારમાં રહેવાનું નક્કી કર્યું હતું. તેમણે એવું નહોતું વિચાર્યું કે મુસ્લિમ વસતિ ધરાવતા વિસ્તારમાં જઈને રહેવું જોઈએ. પોતાનો પરિવાર અહીં સુરક્ષિત નહિ રહે તેવું ક્યારેય તેમણે વિચાર્યું નહોતું, પરંતુ 2002ની ઘટના બાદ તેમની માનસિકતા બદલાઇ ગઈ.

    તેઓ કહે છે કે તેમનો પરિવાર હવે ક્યાંય આવા વિસ્તારમાં કે કૉસ્મોપૉલિટન કલ્ચરમાં રહેવાનું વિચારી પણ શકે તેમ નથી. તેમને લાગે છે કે હવે જે મુસ્લિમ વિસ્તારમાં પોતે રહે છે, ત્યાં સુરક્ષિત છે.

    રમખાણો શમી ગયાં પછી પોતાના ચાંદખેડાના જૂના મકાને તેઓ એક કે બેવાર ગયાં હતાં. તેમનાં પડોશીઓએ સાચવી રાખેલો સામાન લેવા તેઓ ગયાં હતાં.

    મુસ્લિમ બહુમતી ધરાવતા જુહાપુરામાં હવે વસી ગયેલાં ખૈરુન્નિસા કહે છે, “અમારા ઘરની બજાર કિંમત 10થી 12 લાખ રૂપિયા હતી. પણ અમારે માત્ર પાંચ લાખમાં વેચી નાખવું પડ્યું. થોડા દિવસ અમે જુદાજુદા સગાઓના ઘરે રહ્યા. બાદમાં જુહાપુરામાં મકાન ભાડે લીધું. મારા ભાઈઓની શાદી પણ હવે થઈ ગઈ છે. તેઓ નોકરીએ લાગ્યા છે. હવે અમારી પાસે અહીં બે ફ્લેટ છે અને અમે અહીં જ સ્થાયી થઈ ગયા છીએ.”

    ખૈરુન્નિસા કહે છે કે તેમને જીવનમાં એક સુખદ અનુભવ થયો હતો. તેને તેઓ કદી ભૂલી શકશે નહીં. તેઓ કહે છે, “મારા જૂના પડોશીઓ સાથે કે નાનપણના અને કોલેજના મિત્રો સાથે પણ કોઈ સંપર્ક રહ્યો નહોતો. થોડા વર્ષો બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓએ મારો સંપર્ક કર્યો. એ રીતે ફરી અમારા જીવન સાથે તેઓ વણાઈ ગયા છે. હું સદાય તેમને યાદ રાખવા માગું છું.”

    જોકે,ખૈરુન્નિસા જેવા રમખાણોનો ભોગ બનેલા બધા લોકોનો અનુભવ એકસરખો નથી. ગુલબર્ગ સોસાયટીના જૂના રહેવાસી ઇમ્તિયાઝ સૈયદ પઠાણનો અનુભવ જુદો જ છે. 28 ફેબ્રુઆરીના કોમી તોફાનો આજે પણ તેમની આંખ સામેથી હટતા નથી. પોતાના સંયુક્ત પરિવારના 10 સભ્યોને તેમણે ગુમાવી દીધા હતા.

    આ જ સોસાયટીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી રહેતા. તેમના સહિત 59 લોકોના જીવ તોફાનોમાં ગયા હતા.

    ઇમ્તિયાઝ કહે છે કે કોની ફરિયાદ કરું, કોની ના કરું? કેમ કે તેમનાં ઘરને એ લોકો જ લૂંટ્યાં, સળગાવી દીધાં,જેમને તેઓ બચપણથી ઓળખતા હતા, જેમની સાથે તેમણે તહેવારો મનાવ્યા હતા.

    “તોફાની ટોળામાં એ જ બધા ચહેરાઓ હતા. અમારી સોસાયટીને ઘેરી લઈને ચાર કલાક સુધી અમારા પર એ લોકોએ હુમલા કર્યા હતા.”

    તેઓ કહે છે, “મારા બંને દીકરા હવે મોટા થઈ ગયા છે. મારા બંગલામાં ત્રણ રૂમ હતા. હું મારા બાળકોને એટલી મોકળાશ હવે આ નાના ઘરમાં આપી શકું તેમ નથી.”

    “અમારું જીવન સુરક્ષિત નથી. અમે હિન્દુ બહુમતી કે કૉસ્મોપૉલિટન કલ્ચરવાળા વિસ્તારમાં રહેવા જઈ શકીએ તેમ નથી. અમે અમારી કોમના ભાઈઓ વચ્ચે રહીએ ત્યારે જ સલામતી અનુભવી શકીએ છીએ."

    બીબીસી સંવાદદાતા: મોહમ્મદ શાહિદ (દિલ્લી)
    હરેશ ઝાલા (અમદાવાદ )
    ફોટો: આરજૂ આલમ
    શોર્ટહેન્ડ પ્રોડક્શન : શાદાબ નાઝમી
    ઇલસ્ટ્રેશન: નિકિતા દેશપાંડે
    નક્શો: ગગન નાર્હે