સાઉદી અરેબિયામાં સ્ત્રીઓ કાર ચલાવશે, પણ ક્યા પાંચ કામ નહીં કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
મહિલાઓને અનેક નવી છૂટછાટ આપવાને કારણે સાઉદી અરેબિયા છેલ્લા કેટલાક મહિનાઓથી સમાચારમાં ચમકી રહ્યું છે.
સાઉદી અરેબિયામાં મહિલાઓ હવે ફૂટબોલ મેચ નિહાળવા જઈ શકશે. મહિલાઓ સૈન્યમાં અને ગુપ્તચર સેવામાં જોડાઈ શકશે, પણ લડાઈમાં ભાગ નહીં લઈ શકે. મહિલાઓ માટેની સૌપ્રથમ સાયકલ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.
હવે મહિલાઓ માટે કાર ડ્રાઈવિંગ પરનો પ્રતિબંધ 24 જૂનથી ઉઠાવી લેવાયો.
સાઉદી અરબમાં મહિલાઓને સૌપ્રથમવાર ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવ્યાં હતાં.
જોકે, વ્યાપક સમાનતા માટે ઝૂંબેશ ચલાવનાર મહિલા અધિકાર કર્મશીલોની સલામતી તથા સ્થિરતાની અવગણનાની શંકાને આધારે ગયા મહિને ધરપકડ કરવામાં આવી હતી.

હજુ પણ પુરુષપ્રધાન સમાજ

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાના 32 વર્ષના પાટવી કુંવર અને વર્તમાન નેતા મોહમ્મદ બિન સલમાન કહે છે કે તેઓ દેશને આધુનિક બનાવવા અને 'ઉદારમતવાદી ઇસ્લામ'ને પરત લાવવા ઇચ્છે છે.
મોહમ્મદ બિન સલમાન 'વિઝન 2030' હેઠળ જે વ્યાપક કાર્યક્રમ આગળ ધપાવી રહ્યા છે તેના એક ભાગરૂપે મહિલાઓ સંબંધી ફેરફાર કરવામાં આવ્યા છે.
જોકે, ચેથમ હાઉસનાં સીનિયર રિસર્ચ ફેલો જેન કિન્નિમોન્ટે 2017ના અંતે નોંધ્યું હતું કે આ પગલાંઓ 'રાજકીય ઉદારીકરણ સાથે મેળ ખાતાં નથી.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિલાઓના અધિકારના સંદર્ભમાં સાઉદી અરેબિયા સૌથી વધુ નિયંત્રણો ધરાવતા દેશો પૈકીનો એક બની રહ્યો છે.
શું તમે આ વાંચ્યું?
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 2017ના ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં આવરી લેવાયેલા કુલ 144 દેશોમાં સાઉદી અરેબિયાનો ક્રમ 138મો છે.
આ અત્યંત રૂઢિચુસ્ત દેશમાં એવાં અનેક કામ છે, જે મહિલાઓ કરી શકતી નથી. એ પૈકીનાં પાંચ કામ આ મુજબ છે.

1. બૅન્ક અકાઉન્ટ

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાની મહિલા તેના પુરુષ સાથીની પરવાનગી વિના બૅન્કમાં ખાતું ખોલાવી શકતી નથી. તેનું કારણ સાઉદી અરેબિયાની ગાર્ડિઅનશીપ સિસ્ટમ છે.
સ્થાપના થઈ ત્યારથી સાઉદી અરેબિયા ઇસ્લામની ચુસ્ત શાખા, વહાબી સંપ્રદાય સાથે સંકળાયેલું રાષ્ટ્ર રહ્યું છે.
વહાબી સંપ્રદાયના નિયમ અનુસાર, દરેક મહિલાનો એક પુરુષ પાલક હોવો જોઈએ, જે તેના માટે મહત્ત્વના નિર્ણયો કરે.
હ્યુમન રાઈટ્સ વૉચ સંગઠન સહિતના ઘણાએ આ ગાર્ડિઅનશિપ સિસ્ટમની આકરી ટીકા કરી છે.
હ્યુમન રાઈટ્સ વૉચના જણાવ્યા મુજબ, ગાર્ડિઅનશિપ સિસ્ટમ મહિલાઓને દેખીતી રીતે "પોતાના નિર્ણય જાતે ન લઈ શકતા સગીરોમાં" પરિવર્તિત કરી નાખે છે.

2. પાસપોર્ટ કે એકલા વિદેશ પ્રવાસ

ઇમેજ સ્રોત, Getty Images
આ ગાર્ડિઅનશિપ સિસ્ટમનું વધુ એક ઉદાહરણ છે.
સાઉદી અરેબિયાની મહિલાએ પાસપોર્ટ મેળવવા કે દેશ છોડવા માટે તેનાં પુરુષ પાલકની મંજૂરી લેવી પડે છે.
પુરુષ પાલકની મંજૂરી લેવાની આ વ્યવસ્થા મહિલાના જીવનની અન્ય બાબતોને પણ અસર કરે છે.
એ વ્યવસ્થા અનુસાર, મહિલાએ કામ કે અભ્યાસ કરવા અને ચોક્કસ પ્રકારની તબીબી સારવાર લેવા માટે પણ પુરુષ પાલકની મંજૂરી લેવી પડે છે.
એ પાલક મહિલાના પિતા, ભાઈ કે (વિધવાના કિસ્સામાં) અન્ય પુરુષ અને ક્યારેક મહિલાનો પુત્ર હોઈ પણ શકે છે.

3. નિકાહ કે છૂટાછેડા

ઇમેજ સ્રોત, Getty Images
મહિલાએ નિકાહ કરવા કે છૂટાછેડા લેવા માટે પણ પાલક પુરુષની પરવાનગી લેવી પડે છે.
દીકરાઓ સાત વર્ષથી મોટા કે દીકરીઓ નવ વર્ષથી મોટી હોય તો છૂટાછેડા પછી એ બાળકોની કસ્ટડી મેળવવાનું પણ મહિલાઓ માટે મુશ્કેલ છે.
મહિલાઓએ તેમના પુરુષ સગાંઓની મહેરબાની પર હંમેશા આધાર રાખવો પડે છે.
બીજી તરફ પુરુષ પાલકને પરવાનગી નહીં આપવાનો અધિકાર હોય છે.
મહિલાઓ સતામણીની, પોતાનો પગાર પુરુષ પાલકને હવાલે કરવો પડતો હોવાની, લગ્નબાધની અથવા પરાણે લગ્ન કરી દેવાયાંની ફરિયાદો કરતી રહે છે.

4. રેસ્ટોરાંમાં અલગ વિભાગ

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયામાં જાહેર સ્થળોએ પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ વિભાગો હોય છે. તેથી એકલા પુરુષો અને પરિવારોએ અલગ-અલગ જગ્યામાં બેસવાનું રહે છે.
તમામ મહિલાઓએ પરિવાર માટેના વિભાગમાં જ બેસવું પડે છે.

5. મનગમતાં વસ્ત્રો

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયામાં મુસ્લિમ મહિલાઓએ તેમના ચહેરાને બાદ કરતાં આખો દેહ વસ્ત્રોમાં ઢાંકી રાખવો પડે છે. મહિલાઓએ અબાયા તરીકે ઓળખાતો આખા દેહને ઢાંકે તેવો ગાઉન પહેરવો પડે છે.
જે મહિલાઓ આ નિયમનું પાલન નથી કરતી તેમને ધાર્મિક પોલીસ દ્વારા સજા કરવામાં આવે છે.
સાઉદી અરેબિયાનાં મહિલાઓ માટે અલાયદી જગ્યા હોય છે. શોપિંગ સેન્ટર્સમાં માત્ર મહિલાઓ માટેના વિભાગોમાં મહિલાઓ અબાયા ઉતારી શકે છે.
ટોચના એક ધર્મગુરુએ આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું, "મહિલાઓએ અબાયા પહેરવો જરૂરી નથી."
ધર્મગુરુનું આ નિવેદન કદાચ સાઉદી અરેબિયાના ભાવિ કાયદાનો આધાર બની શકે છે.
બિન-સાઉદી મહિલાઓ માટે આકરા નિયમો નથી. બિન-સાઉદી મહિલાઓ માટે વસ્ત્રસજ્જાના નિયમો ઘણા ઉદાર છે.
એ મહિલાઓ મુસ્લિમ ન હોય તો તેમણે તેમનું માથું પણ ઢાંકવું પડતું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















